અર્ધ અસત્ય. - 28 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 28

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૮

પ્રવીણ પીઠડીયા

રાજસંગે વિચાર્યું પણ ન હતું એટલી જબરજસ્ત સફળતા તેને સાંપડી હતી એટલે તે ઉત્સાહમાં હતો. બંસરીને લઇને નિકળ્યો ત્યારે તેણે ભરૂચ હેડ-ક્વાટરે ફોન કરીને પોલીસ કૂમકને અહીં મોકલી આપવા જણાવ્યું હતું જેથી આ સમગ્ર ઇલાકાની સધન તપાસ થઇ શકે. તે ખુદ ત્યાં રોકાવા માંગતો હતો પરંતુ બંસરીને સહી સલામત પહોંચાડવી જરૂરી હતી એટલે તે જીપ લઇને ભરૂચ જવા નિકળી ચૂકયો હતો.

@@@

કમલ જોષીના જીવમાં જીવ આવ્યો. હમણાં જ તેના મિત્ર એસીપી કમલ દિક્ષિતનો ફોન આવ્યો હતો કે બંસરી હેમખેમ મળી આવી છે અને તેને ભરૂચ લઇ જવામાં આવી રહી છે એટલે તેને ભયંકર રાહત ઉદભવી હતી. તે તરત પોતાની કાર લઇને ભરૂચ જવા રવાના થયો હતો.

@@@

અભયની આખી રાત તરફડિયા મારવામાં જ વિતી ગઇ હતી. ભરૂચથી આવ્યાં બાદ કોણજાણે કેમ પણ એક ઉચાટ તેના મનને ઘેરી વળ્યો હતો. તેની આંખો સમક્ષ સતત જૂના પોલીસ સ્ટેશનનો એ રૂમ, તેમાં ગોઠવાયેલા લોખંડના ઘોડા, લાલ- સફેદ રંગનાં પોટલાઓ અને આખા રૂમમાં ઉડતી ઝિણી ધૂળના વાદળો, બસ આ દ્રશ્ય જ દેખાતું હતું. આવું કેમ થાય છે એ લાખ કોશિશો કરવા છતાં તે સમજી શકતો નહોતો. પોલીસ સ્ટોરરૂમમાંથી તેને પૃથ્વીસિંહજીને લગતો એકપણ સબૂત હાથ લાગ્યો નહોતો છતાં કોણ જાણે કેમ તેનું મન બેચેન હતું. તેને એવું લાગતું હતું કે કઈંક એવું હતું જે તે ’મીસ’ કરી ગયો છે. એ ફાઇલોનાં પોટલા ખોલીને ચેક કરતી વખતે કંઇક તેના ધ્યાનમાં આવ્યું હતું જે અત્યારે તેને પરેશાન કરી રહ્યું હતું. મગજની નસો ખેંચાઈ જાય એટલું જોર કરવા છતાં એ શું હતું એ યાદ આવતું નહોતું.

કિરણ પટેલનાં સહકારનાં કારણે અડધી રૂમ જોવાઈ ગઇ હતી અને બાકીની અડધી કાલે સવારે આવીને જોઇ લેશે એવું મન બનાવીને તે પોલીસ સ્ટેશનેથી નીકળ્યો ત્યારે તો બધું ઠીક હતું. ભરૂચથી તે પાછો રાજગઢ આવી ગયો હતો અને રાત પડી ચૂકી હોવાથી અનંતસિંહને મળવાનું મોકૂફ રાખીને તે સીધો જ પોતાનાં ઘરે પહોંચ્યો હતો. ઘરે આવીને જમ્યાં પછી જ્યારે તે પથારીમાં પડયો અને બસ… એ પછી તેનું મન વિચારોના વમળમાં તણાતું ગયું હતું. કોઇ ફાઇલ, કોઇ કાગળિયા, કશુંક લખાણ સતત તેની આંખો સમક્ષ સતત ઉભરતું હતું જે એ રૂમની તલાશી દરમ્યાન અલપ-ઝલપ તેની નજરોએ ચઢયું હતું. તે પૃથ્વિસિંહજીની ફાઇલ શોધતો હતો એટલે તેના મનમાં એ વિષયની જ ધૂન સવાર થયેલી હતી જેના લીધે અન્ય કોઇ ચીજ ઉપર તેણે ફોકસ કર્યું જ નહોતું. પરંતુ હવે રહી-રહીને તેને એવું કશુંક જોયાનું યાદ આવતું હતું જે તેના કામનું હતું. એ શું હતું, અને તેનો શું મતલબ હતો? આવતીકાલે ફરીથી બધી ફાઇલો ચેક કરવી પડશે એવું વિચારીને તે પથારીમાંથી બેઠો થઇ ગયો. હવે તેને ઉંઘ આવવાની નહોતી.

હજું સવારના સાડા-પાંચ જ વાગ્યાં હતા. તેના બા જાગીને રસોડામાં કશીક ગડમથલમાં પડયા હતા. બાપુજી તો વહેલા ખેતરે જતા રહેતા હતા કારણ કે આ વર્ષે વરસાદ સારો પડયો હતો એટલે ખેતરમાં ઘણું કામ રહેતું હતું. તે ઉઠીને સીધો જ બા પાસે રસોડામાં ગયો. બા વાસિંદુ કરતા હતા. અભયને જોઇને તેમના ચહેરા ઉપર મૃદૃ સ્મિત પથરાયું.

“કેમ વહેલો જાગી ગયો દિકરા, રાતે ઉંઘ તો બરાબર આવી હતી ને?” બાનાં અવાજમાં દિકરા પ્રત્યેનું વહાલ અને ફિકર બન્ને ઝળકતા હતા.

“હાં બા.” અભયે એટલો જ ટૂંકો ઉત્તર વાળ્યો. પોતાની પરેશાની કહીને નાહકનો તે બા ને ઉપાધીમાં મૂકવા માંગતો નહોતો. પણ એ બા હતા. દિકરાના ચહેરા સામું જોઇને જ તેઓ કળી ગયા હતા કે છોકરો જરૂર કોઇ ચિંતામાં છે. તેમણે કામ પડતું મૂકયું અને અભય સન્મૂખ આવ્યાં.

“જો દિકરા, મને ખબર છે કે તું આવ્યો ત્યારથી કોઇ ચિંતામાં હિજરાયા કરે છે. હું પૂંછીશ નહીં કે તને શેની ફિકર સતાવે છે કારણ કે અમુક ઉંમર થયા પછી માણસે પોતાની લડાઇ જાતે લડવી જોઇએ એવું તારા બાપું ઘણી-વખત કહેતા હોય છે. તું જવાન છે, હોંશિયાર છે એટલે જો તને કોઇ ફિકર સતાવતી હોય તો એનો સામનો કરજે. મહેનત કરવાવાળાને તો ભગવાન પણ સાથ આપતો હોય છે.” બા અભયનાં ખભે વહાલથી હાથ મૂકતા બોલ્યા. અભયને એ શબ્દો ગહેરા ઘા ઉપર લગાડાતાં મલમ જેવા લાગ્યા અને તેનામાં એક નવું જોમ ઊભર્યું. પાછલાં થોડા સમયથી તે જે ઝમેલામાં ઉલજ્યો હતો એમાં ક્યારેક તેનાથી નાસીપાસ થઇ જવાતું હતું. બાએ તેને એક નવી રાહ ચિંધી હતી અને તેનામાં એક નવા ઉત્સાહનો સંચાર થયો હતો. એકાએક તેનો મૂડ સુધર્યો હતો અને તે ઉત્સાહિત થઇ ઉઠયો હતો. બા ને પગે લાગીને તે તૈયાર થવા બાથરૂમમાં ઘૂસી ગયો.

તેનું બુલેટ ગઇકાલે સાંજે જ રિપેર થઇને આવી ગયું હતું એટલે હવે તેને કાર લઇ જવાની જરૂર નહોતી. લગભગ સાડા-છ વાગ્યે તૈયાર થઇને તેણે બુલેટને ભરૂચની દિશામાં મારી મૂકયું ત્યારે તેને ખબર નહોતી કે ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક નવું આશ્વર્ય તેની રાહ જોઇને બેઠું હશે.

@@@

ભરૂચ પોલીસ હેડ-ક્વાટરમાં સવારના પહોરમાં જ ભારે હલચલ મચી ગઇ હતી. બધા એકદમ સ્ટેન્ડ-બાય પોઝિશનમાં આવી ગયાં હતા. આ મામલામાં સુરતનાં એસીપી કમલ દિક્ષિત ઈન્વોલ્વ હતા એટલે ધમાચકડી મચવી તો સ્વાભાવિક હતી. બંસરીએ અભયનાં કેસની વાતને અધ્યાહાર રાખીને રસ્તામાં જ તમામ હકીકતો રાજસંગને જણાવી દીધી હતી કે કેવી રીતે તેનું અપહરણ થયું હતું અને તેમાં કોનો હાથ હતો એટલે ભરૂચ પહોંચેલા રાજસંગે સૌથી પહેલા તો રઘુભા વિરુધ્ધ એફ.આઈ.આર. દાખલ કરવાની તજવિજ હાથ ધરી હતી. પરંતુ બંસરીએ તેને રોકયો હતો. જ્યાં સુધી તેના મોટાભાઇ રમણ જોષી આવે નહી ત્યાં સુધી થોભવું જરૂરી હતું. તે પોતોના ભાઇ સાથે મસલત કરીને આગળ વધવા માંગતી હતી. રાજસંગે આ બાબત પોતાના ઉપરી સાહેબને જણાવી હતી અને રમણ જોષીની રાહ જોવાનું નક્કી થયું હતું. એ દરમ્યાન રઘુભાને શોધવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતા. ઉપરાંત કોસંબાની માધવ ઇન્ડસ્ટ્રિઝમાં એક પોલીસ ટૂકડી પહોંચી ગઇ હતી અને એ સમગ્ર ઈલાકાની સધન તપાસ ચાલું કરવામાં આવી હતી. એક પછી એક એ તમામ ઘટનાઓ એટલી ઝડપે ઘટતી હતી કે કોઇની પાસે શ્વાસ લેવાની પણ ફૂરસત નહોતી.

એવામાં અભયનું બુલેટ સ્ટેશનનાં પ્રાંગણમાં આવીને થોભ્યું.

@@@

સાડા-સાત થતા સુધીમાં તો અભય ભરૂચ આવી પહોંચ્યો હતો. તેને એમ હતું કે આટલી વહેલી સવારે પોલીસ સ્ટેશનમાં સૂસ્તી ફેલાયેલી હશે. પરંતુ તેની આંખો કઇંક અલગ જ નજારો જોઇ રહી હતી. સ્ટેશનના પ્રાંગણમાં અને સામે દેખાતાં બિલ્ડિંગમાં અજબ દોડા-દોડી ચાલતી હતી. કોઈ મોટા સાહેબ અચાનક સરપ્રાઈઝ મુલાકાતે આવી ચડયા હોય અને જેવી અફરા-તફરી મચી જાય એવો જ માહોલ જામ્યો હતો.

તે બુલેટ ઉપરથી નીચે ઉતર્યો અને ચોકીના પગથિયા ચઢીને અંદર પ્રવેશ્યો. અંદરનો માહોલ પણ જબરો ગરમ હતો. બે-ચાર કોન્સ્ટેબલો એક ટેબલ પાસે એવી રીતે ઉભા હતા જાણે તેમને કોઇ ઓર્ડર મળવાનો ઇંતજાર હોય. સામે દેખાતા પી.આઈ.નાં કેબિનમાં થતી વાતચીતનો અવાજ બહાર સુધી સંભળાતો હતો. સામેની બાજું એક હેડ-કોન્સ્ટેબલ સતત ફોન ઘૂમડી રહ્યો હતો અને ફોન લાગતા તુરંત સુચનાઓ આપી રહ્યો હતો. અભય છક્ બનીને એ તમામ ગતિવિધિઓ ભારે રસ પૂર્વક નીહાળી રહ્યો હતો. તે પોતે એક પોલીસ અફસર રહી ચૂકયો હતો એટલે ક્ષણવારમાં તે સમજી ગયો હતો કે ચોક્કસ કોઇ મહત્વપૂર્ણ કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી હશે અથવા તો લાગવાની હશે.

જો કે આ બાબતોથી તેનું કંઇ લેવાદેવા નહોતું. તેણે કિરણ પટેલને ખોજવા આમ-તેમ નજર ઘૂમાવી. આ સમયે તે ક્યાંય દેખાતો નહોતો. ટેલબ નજીક ઉભેલા કોન્સ્ટેબલોને કિરણ વિશે પૂછવાં તે એ તરફ ચાલ્યો જ હશે કે અચાનક સામેની કેબિનનો દરવાજો ખૂલ્યો અને પહેલા એક ઓફિસર બહાર આવ્યો અને તેની પાછળ એક યુવતી બહાર નીકળી. સાવ અનાયાસે અભયની નજર એ યુવતી તરફ ખેંચાઈ હતી. યુવતીનો ચહેરો બેહદ સુંદર હતો પરંતુ એ ચહેરા ઉપર ઘૂળ મિશ્રિત ઓઘરાળા છવાયેલાં હતા. તેની આંખોમાં અને ચાલમાં થાક વર્તાતો હતો. અભયે અનુમાન લગાવ્યું કે પોલીસ સ્ટેશનમાં જે હલચલ છે એ જરૂર આ યુવતીને કારણે જ હોવી જોઇએ. તેણે એ યુવતી સામું ધ્યાનથી જોયું. એ દરમ્યાન યુવતી તેની સાવ નજીકથી પસાર થઇ અને આગળ વધી ગઈ. પસાર થતી વખતે તેની નજરો પણ અલપ-ઝલપ રીતે અભયની નજરો સાથે ટકરાઇ હતી.

અને… બે ડગલાં ચાલીને એ યુવતી અટકી હતી. પછી એકાએક તે પાછળ ફરી. તેણે ધ્યાનથી અભયનો ચહેરો નિરખ્યો અને તેની આંખોમાં આશ્ચર્ય અંજાયું. તેનું મોં આપોઆપ ખૂલ્યું.

“અભય!” તેનાં ગળામાંથી આશ્ચર્ય મિશ્રિત ઉદગાર નિકળ્યો. અને અભય કંઇ સમજે એ પહેલા તો દોડીને તેનાં ગળે વળગી પડી હતી.

(ક્રમશઃ)