રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 23
રુદ્રને નદીમાંથી રાજકુમારી મેઘના ની અંગૂઠી મળે છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો ઢંઢેરો પીટે છે કે જેને એ અંગૂઠી મળી હોય એ આવીને રાજા અગ્નિરાજ ને આપી જશે તો એને યોગ્ય ઈનામ આપવામાં આવશે. રુદ્ર મેઘના ની અંગૂઠી આપવાં રાજા અગ્નિરાજ નો ઉતારો જ્યાં હોય છે ત્યાં પહોંચે છે.. રાજા અગ્નિરાજ પાસે અંગૂઠીનાં બદલામાં રુદ્ર કંઈપણ માંગણી કરતો નથી.. રુદ્ર રાત્રી દરમિયાન નદીકિનારે બેઠો હોય છે ત્યાં મંત્રોચ્ચાર સાંભળી એક અઘોરી જોડે જઈ પહોંચે છે.. રુદ્રનો ચહેરો જોયાં વગર એ અઘોરી રુદ્રને નામ દઈને બોલાવે છે જે સાંભળી રુદ્ર ને અચંબો થાય છે.
એ અઘોરી કોણ છે અને પોતાને કઈ રીતે ઓળખે છે એ વિશે રુદ્ર સવાલ કરવાં જતો હતો ત્યાં એ અઘોરી એ બેઠાં હતાં એ જ મુદ્રામાં રુદ્રને ઉદ્દેશીને કહ્યું.
"રુદ્ર.. હું તારાં વિશે નહીં પણ સમસ્ત જગત વિશે જાણું છું.. કેમકે દરેક જીવમાત્ર મારો જ અંશ છે.. "
"તું મારી સામે આવીને બેસ.. તને તારાં બધાં સવાલોનાં ઉચિત જવાબ મળી જશે.. "
અઘોરીનાં આમ બોલતાં જ રુદ્ર વધુ સમય વ્યય કર્યાં વિના એ અઘોરી ની સામે આવીને બેસી ગયો.. એ અઘોરીનો ચહેરો જોતાં જ રુદ્ર ની આંખો પહોળી થઈ ગઈ કેમકે આ એ જ અઘોરી હતો જેને ગઈકાલે એને જોયો હતો.. સમગ્ર શરીર ઉપર ભભૂત, ગળામાં રુદ્રાક્ષ ની માળા, અસ્તવ્યસ્ત વધેલાં કેશ ધરાવતાં એ અઘોરી ને જોઈ કોઈ નાનું બાળક ભયભીત થઈ જાય એવો ભયંકર એનો દેખાવ હતો.
આમ છતાં એ અઘોરીનાં ચહેરા પર એક દિવ્ય ચમક હતી.. એની આંખોમાં કંઈક રહસ્ય હતું જે રુદ્રની સમજ બહારનું હતું.. એક અઘોરી હોવાં છતાં એ એનાં શબ્દોમાં નહોતી કોઈ કકર્ષતા કે નહોતો ક્રોધ.. રુદ્ર એટલું તો સમજી ગયો હતો કે પોતાની સામે અત્યારે જે વ્યક્તિ બેઠાં હતાં એ કોઈ સામાન્ય મનુષ્ય તો નહોતાં જ.
"તમારાં ચરણોમાં મારાં પ્રણામ સ્વીકાર કરો.. "એ અઘોરીનાં વ્યક્તિત્વથી અંજાઈ ગયેલો રુદ્ર એ અઘોરીનાં ચરણ સ્પર્શ કરતાં બોલ્યો.
કોઈ અન્ય સાધુ કે સંત ની જેમ આશીર્વાદ આપવાનાં બદલે એ અઘોરીએ શૂન્ય ભાવે રુદ્ર નાં માથે એ હાડકાં નો સ્પર્શ કરાવ્યો જેનાં વડે એ થોડાં સમય પહેલાં વિધિ કરી રહ્યો હતો.. અઘોરી આવું જ વર્તન કરતાં હોય છે એ વિશે રુદ્રએ ગુરુ ગેબીનાથ જોડે સાંભળ્યું હોવાથી એ અઘોરીનાં આ વ્યવહારનું રુદ્રને વધુ આશ્ચર્ય ના થયું.
"તારે જાણવું છે કે હું કોણ છું અને હું તને કઈ રીતે ઓળખું છું. ? "રુદ્ર ની તરફ જોતાં એ અઘોરીએ સવાલ કર્યો.
"હા.. મારે આ સવાલ નો જવાબ જોઈએ છે કે તમે કોણ છો અને મને કઈ રીતે ઓળખો છો. ? "રુદ્ર એ કહ્યું.
"હું કોણ છું એ જાણવું વધુ જરૂરી કે મહત્વનું નથી જ અને સાથે-સાથે કે હું તને કઈ રીતે ઓળખું છું એ જાણવું પણ આવશ્યક નથી.. પણ હું તને કેમ મળ્યો અને તારી જીંદગી નો ઉદ્દેશ શું છે એ જાણવું તારાં માટે સૌથી વધુ અગત્યનું છે.. "એ અઘોરી એ કોયડાની ભાષામાં વાત કરતાં કહ્યું.
"મતલબ તમે અહીં મારી રાહ જોઈને બેઠાં હતાં..? "અઘોરીનાં આમ બોલતાં જ રુદ્ર નાં ચહેરા પર દુનિયાભરનું આશ્ચર્ય ફરી વળ્યું.
"હા રુદ્ર, બાકી તો મારું કોઈ નિયત સ્થાન જ નથી આ પૃથ્વીલોક ઉપર.. "અઘોરી ની વાતો માં ઘણો ભેદ હતો એ રુદ્ર માટે સમજવો અઘરો હતો.
"તો કૃપયા એ જણાવશો કે મારી જીંદગીનો ઉદ્દેશ શું છે અને તમારું મને મળવાં પાછળનું તાતપર્ય શું છે..? રુદ્ર એ કહ્યું.
"રુદ્ર, તું કોઈ સામાન્ય વ્યક્તિ નથી.. તારો જન્મ આ જગતનાં કલ્યાણ માટે થયો છે.. તું જે કાર્ય કરવાં નીકળ્યો છે એને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે એ માટે તારું ધ્યેય ફક્ત એ કાર્ય જ હોવું જોઈએ અન્યથા તું તારો માર્ગ ભટકી જઈશ.. તારી ઉપર આ સૃષ્ટિ નું અને સમસ્ત પાતાળલોકનું ભાવિ લખાયેલું છે. તો હવે તારો જન્મ જ આ કાર્ય માટે થયો હોય તો તારું પણ કર્તવ્ય છે કે એ કાર્ય ને કોઈપણ ભોગે સિદ્ધ કરવું.. "
"આ કાર્યને પૂર્ણ કરવાં જતાં તારે ઘણું બધું ગુમાવવું પડશે જેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે.. આમ છતાં એ બધી જ વિકટ પરિસ્થિતિમાં પણ અડગ રહી મક્કમ મને તારે ફક્ત તારાં ધ્યેય તરફ આગળ વધવાનું છે.. તારી અંદર મોજુદ તારો આત્મા જ તારો પરમાત્મા બની તને તારો આગળનો રસ્તો બતાવશે.. બસ તારે સાચા મનથી એ રસ્તે આગળ વધવાનું છે.. "
"હું તને મળ્યો એ પાછળનું કારણ પણ એટલું જ હતું કે હું તને તારાં કર્તવ્ય વિશે જણાવી શકું.. તું અને હું બંને એક જ છીએ.. એવું સમજ હું તારું એક પ્રતિબિંબ જ છું.. આ બધું અત્યારે તને નહીં સમજાય પણ યોગ્ય સમય આવે તું આપમેળે મારી આ દરેક વાતોમાં રહેલું હાર્દ સમજી જઈશ.. "
એ અઘોરીનાં આ શબ્દો રુદ્ર નાં માનસપટલ ને સીધાં જઈને સ્પર્શતાં હતાં... અત્યાર સુધી પોતાને ફક્ત નિમલોકોનો રાજકુમાર માની એમનું ભલું કરવાનાં ઉદ્દેશથી નીકળેલો રુદ્ર હજુ પણ એ અસમંજસ માં હતો કે આખરે એને ભવિષ્યમાં કરવાનું શું છે..?
આમ છતાં મનમાં જે વિચારોનું ચક્રવાત પેદા થયું હતું એનો થોડો ઘણો પણ અણસાર આવવાં દીધાં વગર રુદ્ર એ કહ્યું.
"તમારાં દરેક શબ્દોને હું મારાં હૃદયમાં ઉતારીને પરમાત્મા દ્વારા મને જે કાર્ય માટે મોકલ્યો છે એને પૂર્ણ કરવાની દિશામાં સદાય પ્રયત્નશીલ રહીશ એનું તમને હું વચન આપું છું.. "
"મહાદેવ સદાય તારી રક્ષા કરે.. અને આ રુદ્રાક્ષ તારી જોડે રાખ.. ભવિષ્યમાં જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જઈશ અને એમાંથી નીકળવાનો કોઈ માર્ગ નહીં મળે ત્યારે આ રુદ્રાક્ષ તારી વ્હારે આવશે.. "રુદ્ર નાં હાથમાં એક રુદ્રાક્ષ નો મણકો રાખતાં એ અઘોરી એ કહ્યું.
અઘોરીનાં હાથમાંથી એ રુદ્રાક્ષ પોતાનાં હાથમાં લઈ રુદ્ર એ બે હાથ જોડી, અઘોરી સમક્ષ શીશ ઝુકાવીને અઘોરીનો આભાર માનતાં કહ્યું.
"ધન્યવાદ"
આટલું કહી રુદ્ર એ મસ્તક ઊંચું કર્યું ત્યાં તો એનું મગજ ચકરાવે ચડી ગયું. એની સમક્ષ બે પળ પહેલાં મોજુદ એ અઘોરી અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો. અઘોરી ની સાથે એની જોડે જે વસ્તુઓ હતી એ બધી પણ ગાયબ હતી.
નદીની રેતમાં બેસેલાં રુદ્ર એ ઉભાં થઈને ચોતરફ નજર ઘુમાવી જોઈ પણ એને ક્યાંય એ અઘોરી નજરે ના પડ્યો.. આખરે એ કોઈ ખાસ કારણથી જ રુદ્રને મળવાં આવ્યો હતો એ રુદ્રને સમજાઈ ગયું.. આ સાથે જ રુદ્ર ને એક ઝબકારો થયો અને અનાયાસે જ એનાં મોંઢેથી સરી પડ્યું.
"ક્યાંક એ મહાદેવ પોતે તો નહોતાં..? "
"હું પણ કેવો મૂર્ખ છું જે સાક્ષાત મારાં દીનાનાથ ને ના ઓળખી શક્યો.. "
આ સાથે જ રુદ્ર પોતે દેવોનાં દેવ મહાદેવનાં સાક્ષાત દર્શન કરી શકવાનું સુખ પ્રાપ્ત કરી શક્યો એ વિચારી ભાવવિભોર થઈ ગયો.. એની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યાં.. હવે મહાદેવ નાં એ અઘોરી અવતાર દ્વારા કહેવાયેલી ઘણી વાતો એને એક પછી એક સમજાવા લાગી.. પોતાનાં હાથમાં રહેલાં રુદ્રાક્ષ ને બંને આંખોએ અને પછી લલાટે સ્પર્શ કરાવીને રુદ્ર ગગનભેદી નાદ સાથે બોલ્યો.
"ૐ નમઃ શિવાય... ૐ નમઃ શિવાય.. "
*****
પોતે જે અઘોરીને મળ્યો હતો એ સાક્ષાત મહાદેવ પોતે હતાં એ વિચારી મનોમન હરખાતો રુદ્ર બાબા ત્રિલોકનાથ નાં આશ્રમમાં જઈ પહોંચ્યો.. મધરાત થઈ ગઈ હોવાથી આશ્રમમાં ચાલતાં ભજન પણ બંધ થઈ ચુક્યાં હતાં.. ત્યાં આરામ ફરમાવતાં હજારો શ્રદ્ધાળુઓની વચ્ચે પોતાનાં બંને મિત્રો શતાયુ અને ઈશાનને નિંદ્રાધીન અવસ્થામાં જોઈ રુદ્ર પણ એમની જોડે જઈને સુઈ ગયો.
સવાર થતાં જ આશ્રમમાં થયેલી ચહલપહલનાં ધ્વનિનાં લીધે રુદ્ર ની આંખ ખુલી ત્યારે શતાયુ અને ઈશાન બંને નદીએ સ્નાન કરવાં માટે જવાની તૈયારી કરી રહ્યાં હતાં.. રુદ્રએ રાતે પોતાની અઘોરીનાં રૂપમાં દેવાધિદેવ મહાદેવ સાથે થયેલી મુલાકાત વિશે એમને જણાવવું ઉચિત ના સમજ્યું.
શતાયુ, ઈશાન અને અન્ય લાખો શ્રધ્ધાળુઓની માફક રુદ્ર પણ ત્રિવેણી સંગમ ઘાટ સ્નાન કરવાં હેતુ પહોંચી ગયો.. સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી રુદ્ર પોતાનાં મિત્રો સાથે સમય પસાર કરવાનાં ઉદ્દેશથી કુંભમેળામાં આમ-તેમ ચક્કર લગાવી રહ્યો હતો.. આજુબાજુ નાં ગામનાં નાનાં-મોટાં વેપારીઓ ત્યાં જીવન જરૂરિયાત ની વસ્તુઓ અને ફળ ઈત્યાદિ ખાવાની વસ્તુઓની હાટડીઓ લગાવીને બેઠાં હતાં.
એ સમયે પૃથ્વીલોક પર જે ચલણ વપરાતું એ તો રુદ્ર કે એનાં મિત્રો જોડે નહોતું.. પણ એની અવેજીમાં સોનું અને ચાંદી નો બધાં વેપારીઓ સહર્ષ સ્વીકાર કરતાં હોવાથી રુદ્ર, શતાયુ અને ઈશાન ને જરૂરી વસ્તુઓ ખરીદવાની તકલીફ ના પડી કેમકે એ લોકો પોતાની સાથે સારાં એવાં પ્રમાણમાં સોનું અને ચાંદી લઈને આવ્યાં હતાં.
રુદ્ર, શતાયુ અને ઈશાન કુંભમેળામાં આમ તેમ ફરતાં હતાં ત્યાં અચાનક કોલાહલ સાંભળી એ લોકોનું ધ્યાન એ તરફ ગયું. એક મહાકાય ગજરાજ કોઈ કારણોસર પોતાનું ભાન ભૂલી આમ-તેમ દોડી રહ્યો હતો.. મહાવત ઘણી કોશિશો બાદ પણ એ ગજરાજ પર નિયંત્રણ કરવામાં અસફળ રહેતાં હજારોની ભીડ પોતાનો જીવ બચાવવા અહીંતહીં દોડી રહી હતી.
રુદ્ર એ મદમસ્ત બનેલાં ગજરાજ ને નિયંત્રિત કઈ રીતે કરે એ વિષયમાં વિચારતો હતો ત્યાં એની નજર મદમસ્ત બનેલાં ગજરાજ ની વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી રાજકુમારી મેઘના પર પડી.. રાજકુમારી મેઘના પોતાની સખીઓ સાથે દંગલ મચાવી રહેલાં ગજરાજ તરફ અગ્રેસર થઈ રહી હતી એ જોતાં જ રુદ્ર નું હૃદય ધબકારો ચુકી ગયું.. !
હજુ રુદ્ર કોઈ ડગલું ભરે એ પહેલાં તો એ બેકાબુ બનેલ ગજરાજે રાજકુમારી આવી રહી હતી એ તરફ દોડવાનું શરૂ કર્યું.. પોતાની તરફ મોત બની અગ્રેસર થતાં ગજરાજ ને જોઈ મેઘના ની જોડે આવી રહેલી એની સખીઓ ડરથી મનમાં આવ્યું એ દિશામાં દોડી પડી.. જ્યારે ક્યારેય આવી વિકટ પરિસ્થિતિમાં ના ફસાયેલી મેઘના દોડવા ગઈ એ સાથે જ એ પોતાનાં પરનું નિયંત્રણ ગુમાવી બેઠી અને જમીન પર ફસડાઈ પડી.
મેઘના ની તરફ કાળ બનીને દોડી રહેલાં ગજરાજ ને જોવાં છતાં કોઈની હિંમત ના થઈ કે રાજકુમારી મેઘના ને એ બેકાબુ ગજથી બચાવવાનું સાહસ બતાવે.. બસ એ લોકો તો ભયભીત સ્વરે જોરજોરથી 'બચાવો.. બચાવો.. "નું મદદ અર્થે રટણ કરવાં લાગ્યાં.
★★★
વધુ નવાં અધ્યાયમાં.
રુદ્ર કઈ રીતે બેકાબુ બનેલાં ગજરાજ ને નિયંત્રણમાં લાવશે..? રુદ્રનું મેઘના તરફનું આકર્ષણ આગળ જતાં શું અધ્યાય રચવાનાં હતાં..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થઈ શકશે? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***