વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-18) Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-18)

પ્રકરણ -18

હું એ ટોર્ચ તરફ ચાલ્યો. જરા પણ અવાજ ન થાય એ રીતે ચાલી રહ્યો છું. એક ડગલું ચાલવામાં બે-ત્રણ સેકન્ડ લાગે છે. ટોર્ચ હાથમાં આવી ગઈ. હવે આવી જ સાવચેતી સાથે દરવાજા તરફ ચાલ્યો. દરવાજો ખોલતા લગભગ દસ સેકન્ડ થઈ પણ અવાજ જરાય ન થવા દીધો. બહાર આવ્યો. દરવાજો આડો કર્યો.
ટૉર્ચ ઓન કરી.
ચાલ્યો.
કમ્પાઉન્ડની બહાર આવ્યો.
પણ આમ ટૉર્ચ ચાલુ રાખીને જઈશ તો ઘણે દૂરથી પણ કોઈક મને જોઈ જશે. ટૉર્ચનો પ્રકાશ આ પગદંડી પર દૂર સુધી ફેરવીને રસ્તો તપાસી લીધો. ટૉર્ચ બંધ કરી અને ચાલવા લાગ્યો. રૉયલ ચોકડી તરફ જઈ રહ્યો છું. વાતાવરણ સખત ઠંડું છે. કામળો ગરમ છે એટલે અને હું ઝડપથી ચાલી રહ્યો છું એટલે ઠંડી અસહ્ય નથી બની. આકાશમાં તરી રહેલાં અર્ધચંદ્ર પર બે ઘડી નજર અટકી અને ફરી પાછી રસ્તા પર મંડાઈ.
હું રૉયલ ચોકડીએ અટક્યો નહિ, વૈદેહીના ઘર તરફ ચાલતો રહ્યો. વચ્ચે એક વાર અટકીને ટૉર્ચથી આગળનો રસ્ત્તો તપાસી લીધો.
હા, સત્તાવીસમી નવેમ્બરે મારા ઘરે એ પત્ર આવેલો. એ સાંજે મેં શંખેશ્વરથી પ્રસ્થાન કર્યું હતું. અઠ્ઠાવીસમીની સવારે દસ વાગ્યે રહસ્યમય રીતે બ્યોહારી પહોંચ્યો હતો. બપોરે વૈદેહીને ડૂબતી બચાવી. એ વખતે હું પણ ડૂબી મરવાનો હતો, જો કોઈકે દોરડું ન ફેંક્યું હોત તો. કોણ હતું એ? એ જ દિવસે સાંજે શેઠને એના દાગીના પરત કરીને અમે બટાટા-પૌંઆ બનાવ્યા હતાં. એ પછી વૈદેહીએ મને તેની આપવીતી સંભળાવી હતી. અંતે તેણે તેના પરિવારજનોના ફોટો દેખાડ્યા હતા. તેમાં વૃંદાનો ફોટો કેમ નહોતો હવે સમજાય છે. એ જ રાત્રે અવની આવી હતી. વૈદેહીને કાગળ વાચતી જોઈ હતી અને મને બેભાન કરવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા બાદ મેં સોલર પ્લેટ્સ જોઈ હતી. એ પ્લૅટ્સની ઊર્જાનો ઉપયોગ ક્યાં થાય છે એ તપાસ કરતાં મને એક વાયર જમીનમાં દાખલ થતો દેખાયો હતો. હું આગળ તપાસ કરું એ પહેલા બારણે ટકોરાં પડ્યાં હતા. વૃંદા આવી હતી. પછી એ તપાસ આગળ વધારવાની તક જ મળી નથી.
મૂળ મુદ્દો એ નથી કે સોલર-પ્લેટ્સનો ઉપગોય શું છે એ હું શોધું. મને એમ લાગે છે કે એ ઊર્જાનો ઉપયોગ ગુપ્ત પ્રયોગશાળામાં થતો હોવો જોઈએ. હા, એ વાયર મને ગુપ્ત પ્રયોગશાળા સુધી લઈ જશે.
વૈદેહીના ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો. ઘરમાં કોઈ હશે? ઘરનો મુખ્ય દરવાજો તો બંધ છે. હું ત્યાં પહોંચ્યોમ દરવાજે કાન માંડીને અંદર કોઈ છે કે કેમ એ સાંભળવા પ્રયત્ન કર્યો. ઘરમાંથી સહેજ પણ અવાજ નથી આવતો. દરવાજો અંદરથી બંધ હશે? મેં દરવાજો ખોલ્યો.. ખુલી ગયો!
અંદર પેઠો. ટોર્ચ કરીને જોયું કે ઘર સાવ ખાલી છે. દરવાજો અંદરથી બંધ કર્યો. બેઠકખંડની બારીઓ બંધ કરી. શયનખંડની બારી બંધ કરીને બેઠકખંડમાં પાછો આવ્યો. આ શું પડ્યું છે? અરે, મારી બૅગ! મને યાદ છે કે આજે સવારે મેં આ બૅગ વૃંદાના ઘરે જોઈ હતી! અહીં કોણ લઈ આવ્યું? મારી બૅગ ક્યાં રખડે છે એ મને જ ખબર નથી રહેતી! અલબત્ત, હું પોતે ક્યાં રખડું છું એ પણ…
બૅગ ખોલીને અંદર બધું સલામત છે કે કેમ એ જોવું જોઈએ. હા, જોઈએ કેટલું નુકસાન થયું છે! આતંકવાદીઓએ મારી બૅગ તપાસી જ હશે. હા, બધું બૅગમાં અસ્તવ્યસ્ત ઠાંસેલું છે. બૅગમાં પાકીટ અને ટુવાલ સિવાય બધું જ છે. ટુવાલ? અરે હા, ગઈ કાલે સવારે સ્નાન કરીને મેં ટુવાલ દોરી પર સૂકવ્યો હતો. પછી તો મને વૃંદા એના ઘરે લઈ ગઈ હતી અને પછી અમે કુખોઝૂ ગયા હતા. એ ટુવાલ હજી બહાર જ સૂકાતો હશે! અ પાકીટમાં ત્રણ હજાર રૂપિયા હતાં એ ચોરાઈ ગયાં! ને મોબાઈલ તો અવનીએ ટ્રેનમાં જ ચોરી લીધો હતો! મારું ATMકાર્ડ બૅગમાં જ છે એટલે ખાસ વાંધો નથી. હા, પાકીટમાં ટ્રેનની ટિકિટ પણ હતી. એ લોકોને ખબર પડી ગઈ હશે કે હું ગુજરાતથી આવ્યો છું.
હવે હું મારું મુખ્ય કામ કરું. મારે પ્રયોગશાળા શોધવાની જ છે. આ ઘરમાં એક પણ વિદ્યુતીય ઉપકરણ નથી એટલે એ ઊર્જા પ્રયોગશાળામાં જ વપરાતી હોવી જોઈએ. એ વાયર મને પ્રયોગશાળા સુધ પહોંચાડશે. પ્રયોગશાળામાં પહોંચ્યા પછી હું એ તો સમજી જ શકીશ કે વશિષ્ઠકુમાર અને વિનયકુમાર શું સંશોધન કરતા હતા. એના આધારે મને આ આતંકવાદીઓનું લક્ષ્ય પણ સમજાશે. ટૂંકમાં, મને એ ખબર પડશે કે આ બધું શું ચાલી રહ્યું છે!
રસોડામાંથી બહાર નીકળ્યો. ટૉર્ચની મદદથી એ વાયર શોધ્યો. ચૂલાથી થોડે દૂર લાકડાનો ઢગલો છે અને તેની પડખેથી આ વાયર જમીનમાં દાખલ થાય છે. જ્યાંથી વાયર જમીનમાં પ્રવેશે છે ત્યાં પ્રકાશ પડતો રહે એ રીતે લાકડાના ઢગલામાં ટૉર્ચ ભરાવી. એક છેડો અણીદાર હોય એવું લાકડું લીધું. ઉભડક બેઠો અને વાયર તથા જમીનના સંગમસ્થાને ખોદવાનું શરૂ કર્યું. વાયર ઘરની ભીતને અડેલો રહીને જમીનમાં પ્રવેશતો હોવાથી અહીં અર્ધવર્તુળાકાર ખાડો ખોદાઈ રહ્યો છે.
હા, વૈદેહી શેઠના દાગીના લેવા માટે રસોડામાંથી જ પાછળ જતી હતી. એ સમયે મેં પૂછેલું, ‘ત્યાંથી કેમ જાય છે’. ત્યારે તેણે જવા આપેલો, ‘મારે જ્યાંથી જવું હોય ત્યાંથી જઉં’. એ વખતે મેં તેનો પીછો નહોતો કર્યો. પણ એ ઘટના મારી એ માન્યતામાં સૂર પૂરાવે છે કે આ વાયર પ્રયોગશાળા સુધી જતો હશે. પણ અહીં તો ત્રણ બાજુ ઊંચી વાડ છે અને ચોથી બાજુ ઘરની દીવાલ, જેમાંના દરવાજામાંથી રસોડામાં જવાય છે. વૈદેહી ક્યાંથી ગઈ હતી? પ્રયોગશાળા છે ક્યાં?
ઘણું ખોદાઈ ગયું છે. મેં એક હાથથી માટી બહાર કાઢી. હજી વાયર જમીનમાં ઊંડો ઊતરી રહ્યો છે. મેં ખોદવાનું ચાલું રાખ્યું. શરીરમાં ગરમાવો થવા લાગ્યો. શ્વાસ ઝડપી બન્યાં છે. મેં બીજીવાર માટી બહાર કાઢી. હવે પરસેવો વળવા લાગ્યો છે. મેં કામળો બાજુમાં ફેંક્યો અને ખોદતો રહ્યો.
લાકડું કોઈ કઠણ વસ્તુ સાથે અથડાયું. મેં લાકડું બાજુમાં નાખ્યુ અને માટી બહાર કાઢી. ખાડો એટલો ઊંડો થઈ ગયો છે કે હાથ કોણી સુધી અંદર ઊતર્યો. લગભગ દોઢેક ફૂટ ઊંડે કોઈ કઢણ વસ્તુ મળી આવી છે. મેં બધી જ માટી બહાર કાઢી. અંધારા કૂવા જેવા લાગતા ખાડાના તળિયે શું છે એ જોવા માટે લાકડાના ઢગલામાં ભરાવેલી ટૉર્ચ લીધી. પ્રકાશ ખાડામાં ઊતાર્યો. તળિયે સિમિન્ટનું સ્તર છે. વાયર એમાં પણ અંદર જાય છે. અર્થાત્… ભૂગર્ભ પ્રયોગશાળા!
ઊભો થયો.
પ્રયોગશાળા તો મળી પણ દરવાજો ક્યાં છે? પ્રયોગાશાળામાં દાખલ કઈ રીતે થવાનું?
અરે હા, આ ખાડો આતંકવાદીઓ જોઈ જશે તો તકલીફ થશે. લાકડાના ઢગલામાં ટૉર્ચ ગોઠવી અને ખાડામાં માટી પૂરવાની શરૂ કરી. બધી માટી પૂરાઈ ગઈ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે અહીં ખોદવામાં આવેલું હશે. શું કરું? ટૉર્ચ બંધ કરીને ખીસામાં મૂકી. એ ઢગલાના લાકડા વાયર જમીનમાં પ્રવેશે છે ત્યાં ગોઠવવા લાગ્યો. હવે લાકડનો આખોય ઢગલો એ જગ્યા પર ગોઠવાઈ ગયો છે જ્યાં હમણાં જ મેં ખાડો કર્યો હતો.
પ્રયોગશાળાનો દરવાજો ક્યાં હશે?
પ્રયોગશાળા અન્ડરગ્રાઉન્ડ છે તો તેનું પ્રવેશદ્વાર જમીનની સપાટી પર જ હોવું જોઈએ. સૌપ્રથમ તો મારે એ તપાસી લેવું જોઈએ કે આ કમ્પાઉન્ડની બહાર જવાનો કોઈ રસ્તો તો નથી ને. ટૉર્ચ ઓન કરી. વાડની નજીક ગયો. આખીય વાડ બે વખત તપાસી. બહાર જઈ શકાય એવી કશિ જ સગવડ નથી. એ તો નક્કી થઈ ગયું કે પ્રયોગશાળાનો દરવાજો આ કમ્પાઉન્ડમાં જ હોવો જોઈએ. હવે શરીર ઠંડુ પડવા લાગ્યું છે. મેં કામળો ઉઠાવ્યો, ખંખેર્યો, ઓઢ્યો.
ચૂલા તરફના ખૂણે ગયોમ જોરથી જમીન પર પગ પછાડ્યો. કઠણ જમીન છે. એક ડગલું આગળ આવ્યો. અહીં પગ પછાડ્યો. અહીં પણ પોલાણ નથી. આમ કરતો સામેના ખૂણે પહોંચ્યો. હવે એક ડગલું સાઈડમાં ખસ્યો અને ફરી આ જ કામ કર્યું. આમ આખાય કમ્પાઉન્ડમાં ટાંટિયા પછાડ્યા. પગ દુઃખી ગયા પણ ક્યાંક પોલાણ ન મળ્યું.
એવી કઈ જગ્યા છે કે હજી સુધી મારા ધ્યાન બહાર રહી છે?
હા, બાથરૂમ!
અહીં આવ્યો એ સાંજે હું ચોકડીમાં નાહ્યો હતો અને બીજા દિવસે સવારે પણ ચોકડીમાં જ નાહ્યો હતો.
બાથરૂમમાં પ્રવેશ્યો. નીચે ટાઈલ્સ લગાવેલી છે. આખાય બાથરૂમમાં ચાર જ લાદીઓ છે. દરેક લાદી લગભગ અઢી ફૂટ લાંબી અને તેટલી જ પહોળી છે. ઉભડક બેઠો. બારણે ટકોરા દેતો હોઉં એમ ટાઈલ્સ ખખડાવવા લાગ્યો. એક લાદી પોલી નીકળી… વાહ! ખુશ થઈ ગયો! પણ એ લાદી ખોલવી કઈ રીતે? આ લાદી તો બાકીની બધી લાદીઓની જેમ જ બરાબર ફીટ થયેલી હોય એવું લાગે છે. બે લાદીની વચ્ચે સહેજ પણ જગ્યા નથી, નહિંતર, નખ ભરાવીને એ લાદી ઉંચી કરી શકાય. એ પોલી લાદી પર દબાણ આપું અને એ ‘કટાક્‌’ અવાજ સાથે ઉપર ઉપસી આવે તો? એમ પણ કર્યું. કંઈ કટાકા ન બોલ્યાં. આવું તો ઘણું મથ્યો. જાતજાતના તુક્કા અજમાવી જોયા. ફિલ્મોમાં ગુપ્ત દ્વાર ખોલવા માટે જે વિશિષ્ટ પદ્ધતિઓ દેખાડાય છે એ બધી અજમાવી જોઈ. ન મેળ પડ્યો.
થાક્યો!
ભીતનો ટેકો દઈને બેસી પડ્યો.
ટૉર્ચ શરૂ કરી અને તેનો શેરડો આમતેમ ફેરવવા લાગ્યો. બાથરૂમમાં કંઈ વિશિષ્ટ વસ્તુ છે? પેલા ખૂણા પાસે સ્ટિલનો એક નળ છે, ત્યાંથી ઘણે ઉપર એક લંબચોરસ પથ્થર દીવાલમાં ભરાવેલો છે જેના પર સાબુ અને શૅમ્પુ છે, બાથરૂમનો દરવાજો લાકડનો છે, આ બાજુ એક ડોલ પડી છે…. અલ્યા…. નળની શું જરૂર? અનાયાસે જ ટૉર્ચ નળ તરફ થઈ ગઈ. એ સ્ટીલનો નળ ટૉર્ચના પ્રકાશમાં ચળકી રહ્યો છે. મને બરાબર યાદ છે કે બટાટા-પૌંઆ બનાવતા પહેલાં વૈદેહીએ બાથરૂમમાં અને મેં ચોકડીમાં સ્નાન કર્યું હતું. એ વખતે વૈદેહી કૂવામાંથી પાણીની ડોલ ભરીને બાથરૂમમાં પ્રવેશી હતી. ને આમેય, ઘરે-ઘરે પાણીના નળ ભમરાહમાં ન જ હોય!
ટૉર્ચ બંધ કરીને બાજુમાં મૂકી. નળની નજીક ગયો. નળ ચાલુ કર્યો. ટીંપુય ન ટપક્યું અંદરથી! આ નળનો પ્રયોગશાળાના દ્વાર સાથે સંબંધ ન હોય તો બીજું શું, ઊલીયા લટકાવવા માટે ભરાવ્યો હશે!
હવે મેં નળ સાથે ગડમથલ શરૂ કરી. નળને ઉપરની તરફ ધકેલવા માટે બળ અજમાવ્યું, નીચે દબાવવા માટે, ડાબે, જમણે, અંદર, બહાર… હરામ જો સહેજ પણ હલ્યો હોય તો! તાળામાં ચાવી ફેરવતાં હોઈએ કે આંટા ખોલતા હોઈએ એમ નળ ફેરવ્યો અને… ટક્‌ અવાજ સાથે નળ હાથમાં આવી ગયો! ભૈ, વાહ! દીવાલમાં જ્યાંથી નળ છૂટો પડ્યો ત્યાં એક બાકોરું છે. ટૉર્ચ લાવ્યો અને પ્રકાશ નાખ્યો અંદર. અંદર એક કી-હૉલ છે! હવે આની ચાવી ક્યાંથી લાવવી, યાર?
આ ચાવી તો ઘરના સભ્યો પાસે જ રહેતી હશે ને!
ફરી બેસી પડ્યો.
અરે, શોધવાનો પ્રયત્ન તો કરું!
સૌપ્રથમ તો ટૉર્ચના અજવાળે નળ બરાબર તપાસ્યો. શક્ય છે કે એમાં કંઈક એવો ભાગ હોય કે જે ચાવી તરીકે કામ આપતો હોય. નળની રચના સામાન્ય જ છે. ચાવી શોધવી પડશે.
ઊભો થયો. પથ્થર પર મૂકિલી વસ્તુઓ આઘીપાછી કરીને તપાસ કરી. શૅમ્પુનું ઢાંકણું ખોલીને અંદર પણ નજર કરી- ટૉર્ચના અજવાળે! ચાવી બાથરૂમમાં તો નથી જ. ફરીથી આંખ નળ પર સ્થિર થઈ. આખાય ઘરમાં આવો નળ બીજે ક્યાંય છે? છે, શૌચાલયમાં.
બાથરૂમમાંથી બહાર આવ્યો અને શૌચાલયમાં દાખલ થયો. નળ છે. બાથરૂમનો નળ જે રીતે ગોળ ફેરવ્યો હતો એ જ રીતે આ નળ પણ ફેરવ્યો. સ્ટિલનો નળ ભીંતથી અલગ થઈને હાથમાં આવી ગયો. નળનો જે ભાગ ભીતમાં હતો ત્યાં એક ચાવી છે! નળ લઈને બાથરૂમમાં આવ્યો. એ બાકોરામાં નળ ભરાવ્યો અને ચાવીની જેમ ફેરવ્યો. તાળામાં ચાવી ફરતી હોય એમ નળ ફર્યો તો ખરો પણ અસર શું થઈ? કંઈ નહિ? કંઈ કટાકો ન બોલ્યો. હું અવળો ફર્યો અને પોલાણવાળી લાદી પર પ્રકાશ ધર્યો. હા, એ લાદી બે-ત્રણ સેન્ટીમીટર ઉપર ઉંચકાઈ આવી છે!
રાજીના રેડ થઈ ગયો!
એ લાદી પર પ્રકાશ પડતો રહે એ રીતે ટૉર્ચ મોંમાં પકડી અને એ લાદી બંને હાથે ઊંચકીને બાજુમાં મુકી. લાદીની નીચેથી શું નીકળ્યું?… કર્યું કલ્યાણ!
લાદીના આકારનું એક બારણું છે, જે ખૂલે તો પ્રયોગશાળામાં પ્રવેશ મળે. એ બારણું મજબૂત ધાતુનું બનેલું છે. પણ વાંધો એ છે કે આ બારણા પર ઓફિસોમાં વપરાતાં કેલ્ક્યુલેટરની સ્ક્રીન જેવડી એક ગ્રીન સ્ક્રીન છે અને નીચે શૂન્યથી લઈને નવ સુધીના અંકોના બટન્સ છે. એ ગ્રીન સ્ક્રીન પર લખેલું છે, ‘Password’ !
ટૉર્ચ બંધ કરી અને દીવાલને ટેકે બેઠો.
આનો પાસવર્ડ શું હશે?
વૈદેહીએ મને જે વાત કહી હતી એમાં કોઈ આંકડાનો ઉલ્લેખ કર્યો હતો? પત્રમાં એવી કોઈ હિન્ટ હતી? એ પત્ર આખોય યાદ કરી જોયો. વૈદેહીની વાત યાદ કરી. અવની સાથેની વાતો યાદ કરી. આઈ થિન્ક વૃંદાને તો આ પાસવર્ડની જાણ નહિ હોય. આ ઘરમાં કોઈ અંક લખેલો જોયો હતો?
સમય વીતી રહ્યો છે.
કંઈ કેટલીય દિશાઓમાં તર્ક લગાડ્યા.
અડધો કલાક થયો.
અરે, મને વૈદેહીના પરિવાર વિશે કંઈ માહિતી હોય તો કોઈ આંકડો સૂઝે ને!
કોઈનો જન્મદિન… હ, વૈદેહીનો જન્મદિવસ…
વૈદેહીએ તેની વાત કહી હતી તેમાં તેની બર્થડે પાર્ટીની વાત આવી હતી. પણ… કઈ તારીખ હતી એ?
યાદ કર, વેદ!
વૈદેહી શું બોલી હતી….
‘આજથી વીસ દિવસ પહેલાં મારો જન્મદિવસ હતો.’
વૈદેહીએ આ વાત મને ક્યારે કહેલી? જ્યારે હું ભમરાહ આવ્યો હતો એ જ દિવસે. હું સત્તાવીસ નવેમ્બરે શંખેશ્વરથી નીકળ્યો હતો અને અઠ્ઠાવીસ નવેમ્બરે અહીં આવ્યો હતો. હા, ૨૮/૧૧ એ વૈદેહીએ મને આ વાત કહી હતી. તો, વૈદેહીને જન્મદિવસ થયો ૦૮/૧૧.
હું એ પોલાદી દ્વાર તરફ સરક્યો. તેની આ પાસવર્ડ સિસ્ટમમાં લાઈટ છે એટલે ટૉર્ચની જરૂર નથી. મેં અંક દબાવ્યા- ૦,૮,૧,૧… કંઈક ‘ટૂંઊંઊંટ-ટીંઈંઈંટ’ અવાજ આવ્યો અને સ્ક્રીન પર લખાયું- ‘Password Fail’… કદાચ, ૦૮/૧૧ને બદલે ૧૧/૦૮ હશે એમ માનીને ફરીથી અંક દબાવ્યા- ૧,૧,૦,૮…. ‘ટૂંઊંઊંટ-ટીંઈંઈંટ’…. ‘Password Fail’… લ્લે!…. બે સેકન્ડ પછી સ્ક્રીન પર શબ્દો દેખાયા- ‘Last Try Left’…. ગભરાયો!!
હવે?
આ ધૂની વિજ્ઞાની! આટલી બધી સિક્યોરીટિ ગોઠવી દીધી છે પણ પોતાએ બધું યાદ રહેતું હશે? ઈતિહાસમાં એવા ઘણાં કિસ્સાઓ બનેલાં છે કે વિજ્ઞાનીઓ કે કલાકારો એમની તિજોરીનો પાસવર્ડ ભૂલી ગયા હોય. આપણા આ વિજ્ઞાનીને પાસવર્ડ યાદ નહિ રહેતો હોય અની સંભાવના મને તો વધારે લાગે છે. હા, એમણે વૈદેહીને પાસવર્ડ જણાવ્યો જ હોય પણ વૈદેહી હાજર ન હોય ત્યારે શું? ત્યારે તો એ વિજ્ઞાની વ્યાકુળ થઈને દરવાજે માથુ ફોડતા હશે! ટૂંકમાં, એમણે પાસવર્ડ ક્યાંક લખી રાખ્યો હશે.
ટૉર્ચ લઈને બાથરૂમની બહાર નીકળ્યો.
વૈદેહીએ પરિવારજનોના ફોટોગ્રાફ્સ દેખાડવા માટે એક પેટી ખોલી હતી. એ પેટીમાં અમુક ડાયરી હતી. એમાંથી મને કોઈ હિન્ટ મળી શકે.
શયનખંડમાં આવ્યો. અહીં સોલર ફાનસ પણ નજર ગઈ. ટોર્ચ બંધ કરીને ફાનસનો ઉપયોગ શરૂ કર્યો, જેથી અજવાળું પણ વધુ આવે અને ટોર્ચનો સેલ વપરાય નહિ.
પેટી શોધતાં મને ખાસ વાર ન લાગી. પેટી ખોલી. ફંફોળી. એ રાત્રે જોયેલા ફોટોગ્રાફ્સ ઉપર જ પડ્યા છે. વિનયકુમારનો ફોટો ખીસામાં મૂકીને બાકીના તમામ ફોટો પાછા મૂક્યાં. સંગીતને લગતાં અમુક પુસ્તકો છે અને અમુક કપડાં છે. આ પેટી વૈદેહીની છે. એક ડાયરી મળી. ફાનસના અજવાળે એ ડાયરીના પાનાં ફેરવવા લાગ્યો. આખીય ડાયરીમાં જાતજાતનાં સરગમ લખેલા છે. વચ્ચેથી એક કાગળ મળ્યો. લખ્યું છે-
બે વખત એવું બન્યું કે હું પ્રયોગશાળાના દરવાજાનો પાસવર્ડ ભૂલી ગયો હોઉં. વૈદેહીને પાસવર્ડ ખબર છે. એક વખત તો તે હાજર નહોતી અને મારે તેની રાહ જોતાં બે કલાક સુધી બેસી રહેવું પડેલું. એ સમયે મને ખૂબ જ અગત્યનો વિચાર આવેલો અને મારે એના પર કામ કરવું હતું. એમાં બે કલાકનો વિલંબ માર માટે અસહ્ય હતો.
મેં આ કાગળમાં પાસર્વડ લખી રાખવાનું નક્કી કર્યું છેમ જો હું સીધો જ પાસવર્ડ લખી નાખીશ તો આ કાગળના માધ્યમથી કોઈપણ વ્યક્તિ એ સુરક્ષા ભેદી શકશે. પરંતુ, ભૌતિકવિજ્ઞાનના માણસને મારી પ્રયોગશાળામાં આવવાની છૂટ છે. એટલે હું એ પાસવર્ડ ભૌતિકવિજ્ઞાનના એક કોયડા સ્વરૂપે લખું છું;
‘મારી પ્રયોગશાળાના દરવાજાનો પાસવર્ડ એવી બે સંખ્યાઓના ગુણાકારના વર્ગમૂળને દસની ચાર ઘાત વડે ગુણવાથી મળતી સંખ્યા છે કે જેમાંની એક સંખ્યા કોઈપણ રેડિયોએક્ટીવ તત્વના અર્ધઆયુષ્ય સમયને તે તત્વના ક્ષયનિયતાંક વડે મળતી સંખ્યા અને બીજી સંખ્યા અંક ‘બે’ના નેચરલ લોગની કિંમત છે.’
જો તમે ભૌતુકવિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન પણ ધરાવો છો તો સ્વાગત છે મારી પ્રયોગશાળામાં!!
હું આ ઉકેલી શકું છું!
મેં પેટીમાંથી એક પેન શોધી કાઢી અને ડાયરીના છેલ્લાં પાને ગણતરી શરૂ કરી….
સૌપ્રથમ તો 2ના નેચરલ લોગની કિંમત, ln2ની કિંમત થાય 0.693 , જે બીજી સંખ્યા છે. પહેલી સંખ્યા શોધવા માટે રેડિયોએક્ટીવીટિનું બેઝિક સૂત્ર લગાવવુ પડે- અર્ધાઅયુષ્ય સમય બરાબર 0.693ના છેદમાં તે તત્વનો ક્ષયનિયતાંક. તો, ક્ષયનિયતાંક ગુણ્યા અર્ધાઆયુષ્ય બરાબર 0.693 થાય, જે પહેલી સંખ્યા છે. પહેલી અને બીજી સંખ્યા સમાન છે, તેથી બંનેના ગુણાકારનું વર્ગમૂળ બરાબર 0.693ના વર્ગનું વર્ગમૂળ થાય, જે 0.693 જ થાય. હવે આ સંખ્યાને 10ની ચાર ઘાત વડે ગુણવાથી મળતી સંખ્યા છે 6930…. જે પાસવર્ડ છે!!
અરે, વાહ!
મેં બધી ગણતરી બરાબર છેકી નાખી. કાગળ ડાયરીમાં મૂકીને ડાયરી પેટીમાં મૂકી. પેટી બરાબર ગોઠવીને હું દોડતો બાથરૂમમાં પહોંચ્યો.
અંક દબાવ્યા- ૬,૯,૩,૦….
‘ટૂંઊંઊંટ-ટીંઈંઈંટ’….
‘Welcome’
એ બારણું કટાક્‌ અવાજ સાથે સહેજ ખુલ્યું….
હું ખુશીથી ઉછળી પડ્યો!
દોડતો બાથરૂમની બહાર આવ્યો અને ગેલમાં આવીને બે-ત્રણ કૂદકા માર્યા. લગભગ બે-અઢી કલાકની મારી મહેનત ફળી ખરી!!
ઘરમાં આવ્યો.
તમામ બારી-બારણાં બંધ છે એની ખાતરી કરીને બાથરૂમમાં આવ્યો. દરવાજો આખો ખોલ્યો. અંદર બિલકુલ અંધકાર છે. પહેલાં મેં ટોર્ચનો પ્રકાશ અંદર ઊતાર્યો. પગથિયાં છે. હા, ભૂગર્ભ પ્રયોગશાળાના પગથિયાં! હવે અંદર પ્રવેશું? અંદર કોઈ હશે?
વૈદેહી કહેતી હતી કે જ્યારે તેના મમ્મી ગાયબ થયા હતાં ત્યારે પપ્પા પ્રયોગશાળાની બહાર નહોતા આવતાં. તે દરવાજે રડ્યે રાખતી પણ દરવાજો ખૂલતો નહિ. એનો અર્થ એ થયો કે આ દરવાજો અંદરથી લોક થઈ શકે છે. એવું હશે અથવા તો પછી વશિષ્ઠકુમાર બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેતાં હશે અને વૈદેહી બાથરૂમના દરવાજે રોકકળ કરતી હશે. એ જે હોય તે, અત્યારે અંદર કોઈ હશે તો જોયું જશે!
ભારોભાર ઉત્સુકતા સાથે મેં પ્રયોગશાળામાં ઉતરવાની શરૂઆત કરી. પાંસળીઓની મજબૂતાઈની કસોટી થઈ જાય એટલા જોરથી હ્યદય ધબકી રહ્યું છે. ટૉર્ચના વર્તુળાકાર પ્રકાશમાં લાકડાના બનેલા પગથિયા સિવાય કશું જ દેખાતું નથી.
ચાર પગથિયા નીચે ઉતરીને પાંચમાં પગથિયે પગ મૂકવા જઉં છું ત્યાં જ પાછળથી કોઈકે મને ધક્કો માર્યો. હા, પાછળથી! ધક્કો એટલો જોરથી મરાયો છે કે હું સીડી પર પછડાયો. પગથિયાની ધાર સાથે આગળના બે દાંત ખૂબ જ વેગથી અથડાયા. હાથમાંથી ટૉર્ચ છૂટી ગઈ અને દૂર ફેંકાઈ. હજી કેટલાક પગથિયા બાકી છે. મારાથી અવ્યવસ્થિત ગુલાંટ મરાઈ ગઈ. ડાબા હાથની ટચલી આંગળી ભયાનક રીતે દબાણમાં આવી. તે આંગળી પાછળઈ તરફ મરડાઈ ગઈ અને આખા શરીરનું વજન તેના પર આવ્યું. પંજા સાથેના તેના સાંધામાં કટાકો બોલી ગયો.
પ્રયોગશાળાના તળિયે પહોંચ્યો. ઊંધો પડ્યો છું. ટૉર્ચ તૂટી ગઈ હશે. પ્રયોગશાળામાં સંપૂર્ણ અંધકાર છે. મોંમાંથી લોહી નીકળી રહ્યું છે. ડાબા હાથની ટચલી આંગળીમાં ભયાનક દુઃખાવો થઈ રહ્યો છે.
કોણે મને ધક્કો માર્યો? હું બેઠો થયો. પાછળ જોયું. અંધકાર હોવાથી કંઈ દેખાતું નથી. ક્યાંક કંઈ જ અવાજ નથી આવતો. આખીય પ્રયોગશાળા ભયાનક અંધકાર અને શાંતિથી ભરાયેલી છે. મારા મોંમાંથી લોહી ટપક્યું અને સાથળ પર પડ્યું.
અચાનક કંઈ અવાજ થયો. મારા જમણા ખભા સાથે કંઈક અથડાયું અને નીચે પડ્યું. એ વસ્તુ મેં હાથમાં લીધી. મારા હાથમાંથી છૂટીને દૂર ફેંકાઈ હતી એ ટૉર્ચ. બળપૂર્વક એ મને મારવામાં આવી અને એટલે જ મને વાગી પણ ખરી. મેં ટૉર્ચ ચાલુ કરવા પ્રયત્ન કર્યો. ટૉર્ચની સ્વીચ તો ઓન જ છે. તેનો બલ્બ ફૂટી ગયો છે.
કોણ છે પ્રયોગશાળામાં?
જમણી બાજુ કંઈક સળવળાટ થયો. મેં તે તરફ ટૉર્ચ છૂટ્ટી મારી. શું થયું એ તો દેખાયું નહિ પણ ટૉર્ચ કોઈક કઠણ વસ્તુ સાથે અથડાઈ અને ફૂટી ગઈ એ અવાજ સંભળાયો.
થોડીક ક્ષણ સન્નાટો.
એકાએક મારી પીઠમાં કંઈક ભોંકાયું. મારી દર્દનાક ચીસથી આખીય પ્રયોગશાળા ગાજી ઊઠી. મારા જમણા ગાલ પર લાફો પડ્યો. ડાબા પડખામાં એક લાત. હું નીચે પડી ગયો.
શાંતિ.
હું ડાબો હાથ પીઠ પાછળ લઈ ગયો. ટચલી આંગળીમાં સખત દુઃખાવો થયો અને એ હાથ પાછો લઈ લેવો પડ્યો. જમણા હાથે પીઠમાં ભોંકાયેલી એ અણીદાર વસ્તુ પકડી. પીઠમાંથી એ વસ્તુ બહાર કાઢી અને ‘આહ્‍….’ નીકળી ગઈ. ત્યાંથી નીકળેલા લોહીનો રેલો પીઠ પર વહેતો અનુભવાયો. તૂટેલી ટૉર્ચનું અણીદાર પ્લાસ્ટીક મારી પીઠમાં ભોંકાયું હતું.
મારી ટચલી આંગળી મચકોડાઈ ગઈ છે, જે સખત પીડા આપી રહી છે. પગથિયા પર પછડાતી વખતે જ્યારે દાંત પગથિયાન અથડાયા હતા ત્યારે ઉપલો હોઠ દાંત અને પગથિયા વચ્ચે દબાવાથી ચીરાયો હતો, જેમાંથી નીકળતું લોહી દાઢી રંગી ચૂક્યું છે. આગળના બે દાંત હલી રહ્યાં છે, જે પેઢામાં સખત દુઃખાવો ઉત્પન્ન કરી રહ્યાં છે લોહી વહાવી રહ્યા છે. હમણાં જમણા ગાલ પર લાફો પડ્યો, જેનો ધક્કો ડાબા જડબાને પણ હલાવી ગયો. ગુઆન-યીને ભાંગી નાખેલું એ જડબું ફરી એક વખત હચમચ્યું, જેના બે દાંત પડી તૂટી ચૂક્યા છે. સરવાળે, આંસુ નથી નીકળતા પણ… રડી રહ્યો છું… ઘર યાદ આવી રહ્યું છે….
શારીરિક રીતે જેટલો ઘવાયો છું તેતલો જ માનસિક રીતે પણ. ઘરેથી નીકળ્યો ત્યારથી મારા માથે તલવાર લટકી રહી છે. તર્ક લગાવ્યે રાખું છું પણ મારા રડારની રૅન્જની બહારથી જ હુમલાઓ થાય છે. ઉપરાઉપરી એવાં માનસિક પ્રહારો થયે જ રાખે છે.
શું થઈ રહ્યું છે આ બધું?
લાઈટ્સ ઓન થઈ… હું ઝબક્યો. ઓચિંતા પ્રકાશને કારણે આંખો અંજાઈ ગઈ. થોડી વાર આંખો પટપટાવીને હું બેઠો થયો. આખીય પ્રયોગશાળામાં નજર દોડાવી. અમારી કોલેજની પ્રયોગશાળાની સરખામણીમાં આ પ્રયોગશાળા ઘણી નાની છે. પરંતુ, આ પ્રયોગશાળામાં એક મહાન આવિષ્કાર થવાનો છે અથવા થઈ ચૂક્યો છે. અત્યાર સુધી બનેલી તમામ ઘટનાઓનું મૂળ અહીં જ છે. મારે એ જ શોધવું છે.
પ્રયોગશાળામાં મારા સિવાય બીજું કોઈ દેખાતું નથી. કોણ મારા પર હુમલો કરી રહ્યો છે? લાઈટ કોણે ચાલુ કરી?
પીઠ પરના ઘા પર કંઈક સ્પર્શ્યું. સખત બળતરા થઈ. હું ઝડપથી પાછળ ફર્યો. કોઈ જ નથી! હું જમણો હાથ પીઠ પર લઈ ગયો. ઘા પર કંઈક ચોંટ્યું છે. તે પકડીને આગળ લાવ્યો. દવા લગાવેલું રૂ છે, જે એ ઘામાંથી વહેતા લોહીથી ભીંજાયેલું છે.
“કોણ છે?” મેં બૂમ પાડી.
“સોરી!” ખૂબ જ ધીમો અવાજ મારા કાનમાં ફૂંકાયો.
હું વીજળીવેગે પાછળ ફર્યો… કોઈ નથી!
“અંધારાના કારણે-” ફરી પાછળથી ધીમો અવાજ…
હું પાછળ ફર્યો… કોઈ જ નથી!
“તું ન ઓળખાયો.” પાછળથી અવાજ.
હું ફર્યો. ખાલી સ્થાન!
આ શું થઈ રહ્યું છે? અવાજો સંભળાઈ રહ્યા છે મને? પાગલ થઈ ગયો છું હું? ક્યાં ગયો હુમલાખોર? હું સીડી પર હતો ત્યારે તેણે મને પાછળથી ધક્કો માર્યો હતો. કઈ રીતે પહોંચ્યો હતો તે ત્યાં? અત્યારે તે ક્યાં છે? તે છેક મારા કાન આગળ આવીને સાવ ધીમેથી બબડી જાય છે. ક્યાં જતો રહે છે? કોઈ વ્યક્તિ આટલી ઝડપથી પોતાનું સ્થાન કઈ રીતે બદલી શકે?
મારા પગને કંઈક અડ્યું. મેં નીચે જોયું. ઘા પર બાંધવાના પાટાનો રોલ! ગજબ છે આ તો! મેં એ રોલ હાથમાં લીધો. લોહી અને દવા મિશ્રિત રૂ મારા હાથમાં જ છે. હું પગથિયા પાસે ગયો. કોઈ નથી. આખીય પ્રયોગશાળામાં બે આંટા માર્યા. કોઈ નથી! હું પ્રયોગશાળાની મધ્યમાં જઈને ઊભો રહ્યો. ઘા પર લગાડવાના લિક્વિડની બોટલ રગડતી રગડતી મારા પગમાં આવી. હું બરાડ્યો-
“મને પાગલ કરી નાખવાનો પ્લાન છે તમારો બધાનો? હેં ને? તારે મારી સામે નથી આવવું? પણ તને ચિંતા થાય છે મારી! બહુ ઈજા પહોંચાડી બિચારા વેદને! હા, ઘવાયો છું! લે, કરી જા દવા! મારે તારું ડાચું જોવું જ નથી!”
મેં એ પાટો આંખે વીંટી દીધો. પાંચ-સાત સ્તર ઉપરાઉપરી વીંટી લીધા પછી હું પલાંઠી વાળીને બેસી ગયો.
બોલતી વખતે નીચેના હોઠમાં હલનચલન વધુ થતું હોય છે. મારો ઉપરનો હોઠ ચીરાયો છે, જે બોલતી વખતે કષ્ટ નથી આપતો.
હું ખરેખર ગુસ્સે થયો છું?
ના રે!
તો?
એ માણસ કઈ રીતે પોતાને આટલી અદ્‌ભૂત રીતે અલોપ રાખી શકે છે એ ખબર નથી પણ એ નક્કી છે કે હું એને પકડી કે જોઈ શકવાનો નથી. એ માણસ મારા કાનમાં બબડી જતો હતો ત્યારે તે એટલું ધીમે બોલતો હતો કે હું તેનો અવાજ ઓળખી શકું. એ અવાજ સ્ત્રીનો છે કે પુરુષનો એ પણ ખબર ન પડે એટલું ધીમે તે બોલત હતો. એવું જ લાગતું હતું જાણે તે મારા કાનમાં ફક્ત ફૂંક જ મારે છે! હા, હું એને પકડી નહિ શકું. પણ એને મારા પર હુમલો કર્યાનો પસ્તાવો થઈ રહ્યો છે. અર્થા‌ત્‌, એ મને ઓળખે છે. અંધારામાં એણેમારા પર હુઅમલો કરો અને મને ઘાયલ કર્યો એનો પસ્તાવો તેને થઈ રહ્યો છે. અત્યારે હું આંખે પાટા બાંધીને બેસી ગયો છું. એ આવશે જ. હું એવું કંઈશ કરીશ કે જેથી ઉશ્કેરાય અને મોટા અવાજે કંઈક બોલે અથવા તો એવું કંઈક બોલી નાખે જેથી તેની ઓળખ છતી થઈ જાય. આ વિચાર આવતાં મેં ગુસ્સે થવાનું નાટક કર્યું છે. મને ખુદને નવાઈ લાગે છે કે આવા ‘આઈડિયા’ મારા વિચારોમાં જન્મે છે!!
“શર્ટ ઉતાર!” ધીમો ગણગણાટ.
મેં શર્ટ ઉતારવાનું શરૂ કર્યું ત્યાં જ ફરી ગણગણાટ-
“મને સારવાર કરતાં નથી આવડતી પણ તારા ઘામાં રાહત જરૂર થશે.”
ચાલો, એક હિંટ તો મળી! આ હુમલાખોરને સારવાર નથી ફાવતી. એ તો સ્પષ્ટ થઈ ગયું કે આ વિનયકુમાર, અવની કે વૃંદા નથી. વિનયકુમાર તો ડૉક્ટર છે! અવની અને વૃંદાએ તો ઘણી વાર પોતાની જ સારવાર જાતે કરી હશે.
એ પણ શક્ય છે કે હુમલાખોર મને અવળા રસ્તે ચડાવવા માટે આવું બોલ્યો હોય! પણ હુમલાખોરમાં એટલી અક્કલ હોત તો એણે આ રીતે અંધારમાં હુમલો જ ન કર્યો હોત! ભાઈ, ખબર છે કે પ્રયોગશાળામાં પ્રવેશનાર માણસ આમેય મને જોઈ શકવાનો નથી, તો પહેલેથી જ લાઈટ ઓન કરી દીધી હોત તો?
ગજબ! મને આટલો ઘવાયો છું છતાં પણ મારા વિચારો કેટલા સ્પષ્ટ ચાલે છે! સામન્ય પરિસ્થિતિમાં આની દશ ટકા પણ ઈજા થઈ હોય તો મારું મન શરીરની એ પીડાઓમાં જ વળગેલું રહે છે. અત્યારે હું એ સ્પષ્ટ જોઈ શકું છું કે શરીર તરફથી મળતા સંકેતો પર ધ્યાન આપવું કે નહિ એ મારી મરજીની વાત છે!
ખરેખર તો આ મારી પરીક્ષા થઈ રહી છે! હું વિશ્વને શુભ તરફ નિરંતર ગતિ પામતું માનું છું. એ માન્યતા આવી પરિસ્થિતિમાં પણ ડગમગે નહિ તો હું કહી શકું કે હું એ વાત બરાબર પચાવી શક્યો છું. હા, હું વ્યાકુળ થઈ ‌જઉં છું. પરંતુ, અત્યારે પણ હું કોઈનું ખરાબ નથી ઈચ્છતો.
“તારી આંગળીનો કોઈ ઈલાજ મારી પાસે નથી, વેદ!” તેનો અવાજ મારા કાનમાં રેલાયો.
“બાકીનું સમારકામ થઈ ગયું?”
“…” તેણે કોઈ જવાબ ન આપ્યો.
“એય, દુષ્ટ માનવી! સંભળાતું નથી તને?” હું ઊંચા અવાજે બોલવા લાગ્યો- “મારે સવાર સુધી આંખે પાટા બાંધીને બેસી રહેવાનું? બોલ, થઈ સારવાર? પાટો ખોલુ?”
“….”
“તને પૂછું છું, નાલાયક, હરામી, અક્કરમી-”
“હા…” તેનાથી ઊંચા અવાજે બોલાઈ ગયું- “થઈ ગઈ! બૂમો ન પાડીશ….”
અરે! આણે મારા પર હુમલો કર્યો?! માન્યામાં નથી આવતું, યાર! એ કઈ રીતે આ બધું કરી શકે?
મેં શક્ય તેટલી ઝડપથી પાટો ખોલ્યો. સામે કોઈ નથી. હું એકલો જ છું આખીય પ્રયોગશાળામાં. ઊભો થયો. પ્રયોગશાળાનો દરેક ખૂણો તપાસ્યો. ક્યાંય નથી એ. અદ્‌ભૂત!! મેં શર્ટ પહેર્યો.
અરે, આ હુમલાખોરના કારણે મારું મુખ્ય કામ તો બાકી રહી ગયું!
મારે પ્રયોગશાળામાં થયેલા સંશોધનનું સંશોધન કરવાનું છે!
અલબત્ત, હુમલાખોરને શોધવામાં આખીય પ્રયોગશાળા ત્રણ વખત તો ફંફોળી નાખી છે! પેલી ભીંત પર મોટું ગ્રીનબૉર્ડ લગાવેલું છે. તે બૉર્ડમાં લખેલું લખાણ હજી મેં વાચ્યું નથી. એ સિવાય અગણિત કાગળો ટેબલ્સ પર અને તેનાં ડ્રોઅર્સમાં પડેલાં છે. પેલું માઈક્રોસ્કોપ સામાન્ય નથી. નજીક જઈને જોઉં. ડાબા હાથથી કંઈ જ કામ થઈ શકે તેમ નથી. એ હાથ એકદમ સ્થિર રાખું છું તો પણ અસહ્ય દુઃખાવો થઈ રહ્યો છે.
ઓહ માય ગોડ! આ તો ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ છે! એકદમ ઉચ્ચ કક્ષાના એમિશન-સ્કેનિંગ ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની કિંમત સાત-આઠ આંકડાની હોય છે. વશિષ્ઠકુમારે આ માઈક્રોસ્કોપ ખરીદ્યું હશે? આ માઈક્રોસ્કોપ સિવાય પણ ઘણા ઉપકરણો નજરે પડે છે. આ પ્રયોગશાળા અત્યાધુનિક છે. કોઈ સમૃદ્ધ વિજ્ઞાનસંસ્થાએ વશિષ્ઠકુમારને મદદ કરી હશે. કોઈ પ્રોફેસર આખી જિંગદી નોકરી કરે તો પણ આટલા ઉપકરણો ખરીદી ન શકે! મને નથી લાગતું કે વિશ્વની કોઈ પણ વિજ્ઞાનસંસ્થા કોઈ વિજ્ઞાનીને આ મોંઘાદાટ ઉપકરણો ભેટમાં આપે! હા, અમુક સમય માટે ‘વાપરવા’ આપ્યાં હશે! હું એક પછી એક ઉપકરણો જોતો ગયો.
એક ખુરશી લઈને ગ્રીનબૉર્ડ સામે બેઠો. એકદમ અસ્તવ્યસ્ત અક્ષરોથી ખીચોખીચ ભરાયેલા આ વિશાળ ગ્રીનબૉર્ડમાંથી મને આ શોધ વિશે માહિતી મળશે જ. ક્યાંક ડાયાગ્રામ્સ પણ બનાવેલા છે. અમુક જગ્યાએ ક્વોન્ટમ ફિઝિક્સના ડાયાગ્રામ્સ છે અને અમુક જગ્યાએ જીવવિજ્ઞાનના. મેં બૉર્ડને સમજવાનું શરૂ કર્યું… લૅમડા ઈઝ ઈક્વલ ટુ એચ અપોન મોમેમ્ટમ…. વાંચતો ગયો… વંચાઈ ગયું. આ બધી ગણતરીઓ બહુ ઉચ્ચ કક્ષાની છે. આમાનાં ઘણાં કોન્સેપ્ટ્સ હજી મારે ભણવામાં આવ્યા જ નથી. ને વચ્ચે જીવવિજ્ઞાન કેમ ઘૂસાડ્યું છે એ ખબર નથી પડતી.
આ ખૂણામાં ઘણી બધી બૅટરી પડેલી છે. મને જે કાળા વાયરે આ પ્રયોગશાળાના સ્થાન વિશે હિંટ આપી એના જેવા બીજા ત્રણ વાયર અહીં છે, જે બીજી કોઈક જગ્યાએથી જમીનમાં દાખલ થતાં હશે. દિવસ દરમિયાન વપરાશ ઉપરાંત વધતી ઊર્જાનો અહીં સંગ્રહ થતો હશે. એટલે જ તો અત્યારે રાત હોવા છતાં પ્રયોગશાળા પ્રકાશિત છે.
હું જ્યાંથી ઊતર્યો હતો એ પગથિયાંની બાજુમાં દીવાલ અર્ધવર્તુળાકારે અંદર આવેલી છે. એમાં એક નળ પણ મૂકેલો છે. શું છે આ? હા, કૂવો! આ નળની બાજુમાં એક ગ્લાસ પણ પડ્યો છે. મેં નળ ચાલુ કરીને કૂવાનું પાણી પીધું.
એક ટેબલના ખાનામાંથી કાગળો કાઢ્યા. બૉર્ડ પર છે તેવા જ અક્ષરોમાં પુષ્કળ કાગળો ભરાયેલાં છે. ઘણીબધી છેકછાક છે. થોડા પાનાં પછી અક્ષરો બદલાયા. હવે જીવવિજ્ઞાનની વાતો શરૂ થઈ, જેમાં મને જરાય સમજણ નથી પડતી. વિવિધ લખાણ અને પુષ્કળ આકૃતિઓથી થોકબંધ કાગળો ભરેલાં છે. ફરી પાછું ક્યાંક ભૌતિકવિજ્ઞાન તો ક્યાંક જીવવિજ્ઞાન. ફિઝિક્સની પણ ઘણી વાતો મારા લેવલ બહારની છે.
બીજા ટેબલના કાગળો જોવા લાગ્યો. જ્યાં ભૌતિકવિજ્ઞાનની વાતો છે તેમાં મુખ્યત્વે વેવ-ફિઝિક્સ, ડ્યુઅલ નેચર ઓફ પાર્ટિકલ અને એમાંય દ’બ્રોગ્લી પરિકલ્પનાની વાતો વધારે છે. જીવવિજ્ઞાનમાં ખાસ ખબર નથી પડતી પણ માનવશરીરના બંધારણ વિશે કંઈક ચર્ચેલું હોય એવું લાગે છે. વશિષ્ઠકુમાર ભૌતિકવિજ્ઞાની અને વિનયકુમાર જીવવિજ્ઞાની છે. એ બંને અલગ અલગ વિષયોના સંશોધન એક જ પ્રયોગશાળામાં કરતા હતા?
અહીં અમુક પુસ્તકો છે. ‘વેવ મિકેનિક્સ’, ‘એડવાન્સ થિંકીંગ ઓન ડ્યુઅલ નેચર’, ‘દ’બ્રોગ્લી હાયપોથિસીસ’, ‘સ્ટ્રક્ચર ઓફ હ્યુમન બોડી’ અને ‘હ્યુમન બોડીઃ ફૂલ સ્ટડી’ નામનાં પુસ્તકો છે. આ ટેબલના ડ્રોઅરમાંથી પણ કાગળો મળ્યા. નજર નાખતો ગયો. ‘શ્રોડિન્જર ઈક્વેશન’ પર ખૂબ લાંબી ચર્ચાઓ કરેલી છે. વળી પાછું જીવવિજ્ઞાન શરૂ થયું. મોટા અક્ષરે લખાયેલું એક વાક્ય વાંચ્યું- ‘ડ્યુઅલ નેચર ઓફ મેટર કેન બી એપ્લાયડ ઓન હ્યુમન બોડી.’ ઓ.. ત્તારી….!
વશિષ્ઠકુમાર ક્વોન્ટમ ફિઝિક્સનો એક સિદ્ધાંત માનવશરીર પર લાગુ કરવાનું સંશોધન કરતાં હતા. હી વોન્ટેડ ટુ ઓબ્ટેઈન અ કમ્પ્લીટ વેવ ફોર્મ ઓફ હ્યુમન બોડી! હું માનું છું ત્યાં સુધી દુનિયાનો કોઈપણ વિજ્ઞાની આ વાતની મજાક જ ઊડાવે! મને ભૌતિકવિજ્ઞાન જેટલું સમજાયું છે ત્યાં સુધી જોતાં તો આ વાત શક્ય જ નથી. આ બંને પાગલ વિજ્ઞાનીઓએ બધાંને અમથા આટલાં હેરાન કર્યા! પણ… એ બંને પોતપોતાના વિષયના વિદ્વાન છે. મને લાગે છે કે એ શક્ય નથી પણ ફિઝિક્સનું મારું જ્ઞાન વશિષ્ઠકુમારની સાપેક્ષે બહુ ઓછું કહેવાય.
પણ વશિષ્ઠકુમાર તો આઈ.યુ.પી.એ.પી.માં જવા માટે રવાના થઈ ચૂક્યા છે. હું વૃંદા સાથે કુખોઝૂ ગયો ગયો હતો ત્યારે તેમનો થેલો અને ચશ્મા મળ્યા હતા. એનો અર્થ એ થયો કે તેઓ નથી જઈ શક્યા…. કે પછી તેઓ જવાના જ નહોતા? વાત વિચિત્ર બનતી જાય છે!
આ ફોટો કોનો છે? બ્લૅક એન્ડ વ્હાઈટ ફોટો છે. નીચે નામ લખ્યું છે- લૂઈસ વિક્ટર દ’બ્રોગ્લી. ફોટોની પાછળ વશિષ્ઠકુમારના હસ્તાક્ષરમાં લખ્યું છે- Nature should be symmetric with respect to radiation and particles.
નીચે કેટલીક માહિતી લખેલી છે-
‘લૂઈસ વિક્ટર દ’બ્રોગ્લી ૧૮૯૨માં ફ્રાન્સમાં જન્મેલા. તેમને ઈલેક્ટ્રોનના તરંગ સ્વરૂપની શોધ માટે ભૌતિકવિજ્ઞાનનું ૧૯૨૯નું નોબેલ પ્રાઈઝ મળેલું.’
લગભગ તમામ વસ્તુઓ હું તપાસી ચૂક્યો છું. હવે મેં બધું વ્યવસ્થિત મૂક્યું. અંતે એ પણ જાણવા મળ્યું છે કે જે ‘સિસ્ટમ’ દ્વારા માનવશરીર તરંગમાં રૂપાંતરણ પામી શકે શોધનું નામ ‘વૈદેહી’ અપાયું છે. વૈદેહી શબ્દનો અર્થ પણ આ શોધની સંકલ્પના સાથે બંધબેસતો છે. એક તરફ મને વશિષ્ઠકુમારના પ્રયત્નો વ્યર્થ લાગી રહ્યા છે અને એમ પણ થાય છે કે જો એ શોધ સફળ થઈ હશે તો…. ક્રાંતિ આવી જશે વિજ્ઞાનના વિશ્વમાં!!
અરે, ક્રાંતિ આવી ગઈ! આ હુમલાખોર એ શોધનું જ તો પરિણામ છે! હા, એ શોધ સફળ થઈ છે! આ હુમલાખોર એ શોધની સાબિતી છે. આ વિજ્ઞાનીઓએ વિશ્વને અચંબિત કરી દેનારી શોધ કરી છે.
ડાબા હાથની ટચલી આંગળીમાં પારાવાર વેદના થઈ રહી છે.
પ્રયોગશાળામાં આવવાનો હેતુ પૂર્ણ થયો. દવાનું બોક્સ લઈને હું પ્રયોગશાળાની બહાર આવ્યો. પ્રયોગશાળાનું પ્રવેશદ્વાર બરાબર બંધ કર્યું. તેના પર લાદી વ્યવસ્થિત ગોઠવી દીધી. બાથરૂમનો નળ પહેલાં હતો તેમ લગાવી દીધો. હવે સંડાસનો નળ લગાવી દઉં એટલે હું પયોગશાળામાં પ્રવેશવાની બધી જ સિક્યોરીટિ…. બાથરૂમનું બારણું ખખડ્યું! મને ભ્રમ તો નથી થયો ને? ના, ફરીથી ખખડ્યું! કોઈક જોર જોરથી બારણું ખખડાવી રહ્યું છે. કોણ હશે? એ વ્યક્તિ અહીં સુધી કઈ ઈતે પહોંચી? હું તો તમામ બારી-બારણાં બંધ કરીને આવ્યો હતો.
શું કરું? બારણું ખોલવું તો પડશે જ. ક્યાં સુધી બાથરૂમમાં પૂરાઈ રહીશ?
મેં બારણું ખોલ્યું. તરત જ હું આઘો ખસી ગયો, જેથી કોઈ મારા પર ઓચિંતું ધસી ન આવે. એ જ વખતે તેણે બારણાને બહારથી ધક્કો માર્યો અને બારણું ધડામ કરતું અંદરની ભીંતે ભટકાયું. કોઈ અંદર આવ્યું? ના! મેં બહાર ડોકિયું કર્યું અને એ જ વખતે મારા સાથળમાં કંઈક ખૂંચ્યું- “આ…”
મેં નીચે જોયું. એ માણસે મારા સાથળમાં બચકું ભર્યું છે. મેં એ જમણા હાથે બે ધબ્બા તેના બરડામાં ઝીંકી દીધાં. તેણે દાંત ઢીલા કર્યા. તે દૂર ખસ્યો અને ભીતને અઢેલીને બેસી ગયો. ગુજરાતીમાં બોલ્યો-
“બસ, હવે નહિ જીવી શકાય!”
કોણ છે આ? અંધારાને કારણે મને તેનો ચહેરો નથી દેખાતો.
“વોટ આર યુ થિન્કીંગ?” તે મારી સામે હાથ કરીને બરાડ્યો- “કીલ મી, નાઉ!”
“કોણ છો તમે?” હું તેની બાજુમાં ઉભડક બેઠો.
“તું કોણ?”
“વેદ.”
“ઓહો, વેદ!” તે મને ભેટી પડ્યો. જાણે તેના અવાજમાં ઊજ આવી ગઈ. ઉત્સાહમાં તેણે મારી પીઠ થાબડી અને મારાથી રાડ નખાઈ ગઈ.
“શું થયું છે, બેટા?”
“તમે કોણ?”
“વિનય.”
“ડૉક્ટર વિનયકુમાર?”
“હા.”
પહેલો પ્રશ્ન કયો પૂછવો એ નક્કી ન કરી શકવાને કારણે હું એક શબ્દ પણ ન બોલી શક્યો.
(ક્રમશઃ)