જાનના બદલે જનાજો નીકળ્યો
કરુણ કથા- અલ્પેશ કારેણા.
જાતિ પ્રમાણે નહીં પણ ધંધાની દ્રષ્ટિએ પરિવાર દરજીકામ કરતો હતો. નાનકડા ઘરમાં પતિ પત્ની અને સાથે ચાર બહેનો તેમજ એક ભાઈ. પિતા શ્રીએ ચાર બેહનોને રંગે ચંગે પરણાવી સાસરે વરાવી હતી. હવે સૌથી નાના ભાઈનો પરણવાનો સમય આવી ગયો હતો. ભાઈના લગ્ન એ ઘરના આંગણે છેલ્લો પ્રસંગ હતો એટલે બધાનાં મુખડા પર અઢળક રાજીપો સ્પષ્ટ દેખાતો હતો.
નાનું ખોરડું પણ એ દરજીનું હૈયું જાણે ૨૪ કેરેટનું સોનું. ઘરે આટલી મોટી જગ્યા નહીં એટલે બહાર એક મોટી વાડી બૂક કરેલી. છેલ્લો પ્રસંગ છે તો મહેમાનને પણ સરખી રીતે સાચવી શકાય એ માટે કાકા ભાભાને પણ કહી દીધું કે ઘરે જગ્યા હોય તો કહેજો. ડેકોરેશન પણ પહેલી વાર શહેરમાથી મંગાવેલું. બધી બહેનો પણ એના ટેણીયાં સાથે ૩ દિવસ અગાઉ જ આવી ગઇ'તી. દરજીને આખા ગામ સાથે આવવા જવાનો વ્યવહાર એટલે ખબર હતી કે માણસ સામટું થશે. માટે દીકરાએ પણ એ પ્રમાણે લોકોની સુવા બેસવાની વ્યવસ્થા કરી રાખેલી.
માંડવાનો દિવસ હતો. વરરાજાના હાથે મિંઢોળ પણ બંધાય ગયો હતો. મહેમાનો પણ ખુશી ખુશી આ છેલ્લા લગ્નમાં હાજર રહ્યા હતા. બપોર ટાણું થયું એટલે આખું ગામ ધુમાડાબંધ જમ્યું. પછી બધાએ વિસામો લીધો. સાંજ પછી અને વરઘોડાનો સમય થયો. ડીજેમાં નાચવા માટે લોકો એકદમ નવા નવા વેશમાં હતા. બધાને મોજથી ડીજેના તાલે થીરકવું હતું. પીઠીની રસમ જેવી જ પૂરી થઈ બધા તૈયાર થઈ ગયા અને ડીજે ચાલુ થયું.
જૂના અને નવા એમ રિમિકસ કરીને બધા તન મન મૂકીને નાચ્યા. કાકા મામા દાદા કોઈએ ઉંમરનો તફાવત રાખ્યા વગર ઠુમકા લગાવ્યા. સીટીનાં લોકોએ સ્ટાઇલ મારીને તો ગામડાંના લોકોએ એની દેશી રીતે મજા લીધી. આખી રાત રમ્યા અને સવારે જાનમાં જવાનો પણ એટલો જ હરખ હતો એટલે થોડી ઊંઘ પણ એટલી જ જરૂરી હતી.
જ્યાં ભાડે પેલી વાડી બુક કરી હતી સૌ પ્રથમ લોકોને ત્યાં સુવડાવ્યા. પછી કાકા ભાભાના ઘરે પણ ફૂલ થઈ ગયું. વધેલા લોકોને ધાબા પર પણ પથારી કરી આપી. લગભગ બધા જ સગા વહાલા સચવાઈ ગયા હવે વધ્યા હતા વરરાજો અને એના મિત્ર. મિત્રોને પોતાના ઘર હતા એટલે એ વ્યવસ્થા કરવાની કોઈ પીળા ન્હોતી. પણ વરરાજા માટે કૈંક કરવું પડત. એટલે એ દરજીને એક દુકાન હતી. ત્યાં એટલી જગ્યા ખરી કે એક માણસ આરામથી સૂઈ શકે. એટલે છેલ્લે એ જ ઉપાય કર્યો.
વરરાજો પણ ભગવાનનુ નામ લઈ એ દુકાનમાં પથારી કરી સૂઈ ગયો. રાત્રીના ૩ વાગ્યાનો સમય થતો આવતો હતો. બધા સૂઈ ગયા. વરરાજાના પિતા વાડીનું ધ્યાન રાખવા બીડી ફૂકી ફૂકીને રાતનો સમય પસાર કરી રહ્યા હતા. ૪:૩૦ વાગ્યા અને ભૂકંપનો આંચકો અનુભવાયો. ધાબા પરના લોકોને સૌથી પેહલા ખબર પડી એટલે નીચે આવ્યા અને હો દેકારો થવા લાગ્યો. ધીમે ધીમે બધા ખુલ્લા વિસ્તારમાં બહાર આવી ગયા.
લગભગ ૧૫ મિનિટ થઈ ગઈ પણ વરરાજો ક્યાંય દેખાયો નહીં. અડધા લોકોને તો ખબર જ નોહતી કે એ ક્યાં સૂતો. ફોન કર્યા પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. ૧૦ મિનિટ રહીને મિત્રો આવ્યા એણે કહ્યું એ તમારી દુકાનમાં સૂતો હતો. નસીબને કરવું અને દુકાન હતી જૂની એકદમ ખખડધજ. ત્યાં પહોંચ્યા તો દુકાનના ખૂરદે ખૂરદા બોલી ગયા હતા.
દુકાનની હાલત જોઈને બધાના શ્વાસ થંભી ગયા. પણ એક આશા બચી હતી જે અંદર કદાચ જીવતો હોય. વિધિની વક્રતા પાસે આમ તો કોઈનું નથી ચાલતું હોતું. બધો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી પણ છેલ્લે કોઈનું કઈ ન ચાલ્યું અને મૃત અવસ્થામાં વરરાજો નીકળ્યો. આખા ગામમાં અફાટ રુદનની ચીચો ગૂંજી ઉઠી. જે ગામમાં સવારે વરરાજાની જાન જવાની હતી ત્યાં જનાજો નીકળ્યો.
અલ્પેશ કારેણા.