હું રાહી તું રાહ મારી.. - 22 Radhika patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહી તું રાહ મારી.. - 22

શિવમ ચેતનભાઈની ઓફિસમાં બેઠો હતો. તેની સામે તેના પપ્પા ચેતનભાઈ બેઠા હતા.ચેતનભાઈ હવે શિવમને કોઈ વાત કહેવા જઈ રહ્યા હતા જે માટે તેણે તેની નોકરી છોડવી જોશે આવું તેના પપ્પા દ્વારા કહેવામા આવ્યું હતું. કઈ વાત હશે જેથી આમ પપ્પા અચાનક નોકરી હમેશા માટે છોડી દેવા માટે પપ્પા આટલું દબાણ કરતાં હતા? શિવમ મનોમન વિચારી રહ્યો. બંને પક્ષે થોડીવાર મૌન છવાય ગયું.થોડીવાર પછી ચેતનભાઈએ ચુપકીદી તોડતા કહ્યું.
“જો શિવમ સીધી વાત કરીશ તને દબાણ નથી કરતો.હું પિતા તરીકે તારા માટે અત્યારે વિચાર કરી રહ્યો છું.મને સમજવાની કોશિશ કરજે. હું ચાહું છું કે તું તારી નોકરી છોડી દે અને વહેલી તકે તું આપણાં બિસનેસમાં જોડાય જા.”ચેતનભાઈએ પોતાની વાત આદેશ સ્વરૂપે શિવમની સામે રાખી.
શિવમ વિચારમાં પડી ગયો કે તેણે પપ્પાને શું જવાબ આપવો? પપ્પા તો જાણતા જ નથી કે તેની ડાયરીમાં લખેલી વાત મે ક્યારની વાંચી લીધી છે અને હવે તે રાજકોટ તેના અસલી પિતાની શોધમાં છે. પણ અત્યારે પપ્પાને આ વાત જણાવવી શિવમને ઠીક ન લાગી.આથી તેણે કોઈપણ બહાનું કરીને પપ્પાની વાતને ટાળવાનું નક્કી કર્યું.
“શું વિચારે છે શિવમ?” ચેતનભાઈ.
અચાનક ચેતનભાઈનો અવાજ શિવમના કાનમાં પડતાં શિવમ તંદ્રામાથી બહાર આવ્યો.
“પપ્પા હું થોડો સમય હજુ નોકરી કરવા માંગુ છું. મહેરબાની કરીને મને થોડો સમય આપો પછી તમે કહેશો તેમ જ કરીશ અને બિસનેસ પણ સંભાળીશ.” શિવમે પોતાની વાત રાખી.
“શિવમ તું કેમ સમજતો નથી? મારે તારા લગ્ન કરવા છે માટે હું તને આ બિસનેસ સંભાળી લેવા માટે કહું છું.” ચેતનભાઈ.
“ લગ્ન? પણ મે તમને કહ્યું ને કે પપ્પા હું અને વિધિ લગ્ન કરવા માંગતા નથી. આ વાત આપણે પહેલા પણ થઈ ગઈ છે. તો પછી તમે વારે વારે લગ્નની વાત કેમ કરી રહ્યા છો?” શિવમ.
“શિવમ મે લગ્નની વાત કરી. મે ક્યાં કહ્યું કે તું અને વિધિ લગ્ન કરો? હું માની ગયો તે વાતને કે તું અને વિધિ એકબીજા સાથે...પણ વિધિ એક જ તો નથીને આ દુનિયામાં? મારા ધ્યાનમાં બીજી ઘણી છોકરીઓ તારા યોગ્ય છે. મારા ઘણા અંગત મિત્રો છે જે મને પોતાની પુત્રીઓ માટે વારે વારે તારા માટે વાત કરે છે. પણ તું આમ નોકરી કરતો હોઈશ તો નહીં ચાલે. માટે હું તને બિસનેસ જોઇન કરવા કહું છું. જેથી હું મારા ગ્રુપમાં જલ્દીથી તારા લગ્ન માટે વાત કરું. બસ હવે તો હું તને લગ્નના પોષકમાં તૈયાર થઈને લગ્ન મંડપમાં જોવા માંગુ છું. માટે તારે નોકરી છોડવી જ પડશે.” ચેતનભાઈ.
શિવમને ચેતનભાઈની વાત અકળાવી ગઈ.તે અત્યારે તેના પિતાને કઈ રીતે સમજાવે કે રાજકોટમાં રહેવા પાછળનું તેનું એક મહત્વનું કારણ હતું.તે કહેવા માંગતો હતો કે, “હા પપ્પા હું તમારી બધી વાત માની જવા માટે તૈયાર છું.પણ મને માત્ર એક વાત જણાવી દો જે મે તમારી ડાયરીમાં વાંચી હતી.” પણ શિવમ આવું કઈ જ ન કરી શક્યો.શિવમે વિચાર્યું કે ચૂપ રહેવાય તેમ નથી.તેને પોતાના અસલી પિતા કોણ? તે રહસ્ય ઉકેલવું જ રહ્યું.આથી તેણે કેમ પણ કરી અત્યારે ચેતનભાઈને થોડો સમય નોકરી ન છોડવા માટે આગ્રહ કર્યો.
“પપ્પા તમે જેમ કહેશો તેમ જ કરીશ. પણ મને બસ થોડો સમય આપો. હું ખુદ સામે ચાલીને મારા લગ્ન માટે તમને કહીશ.અને આમ પણ જીવનસાથી પોતાની પસંદગીનો હોય તો ઘણું સારું રહે બરાબર ને?” શિવમે પોતાની વાત રાખી.
“કેમ હવે કોઈ નવી વ્યક્તિ પ્રવેશી છે તારા જીવનમાં?” ચેતનભાઈએ સીધો પ્રશ્ન કર્યો.
શિવમે આ વાતનો શું જવાબ આપવો તે સમજાયું નહીં.પછી આ વાતને જ હથિયાર બનાવવાનું શિવમે વિચાર્યું.
“પપ્પા વાત એમ છે કે એક છોકરી છે...મારી મિત્ર જ છે..અમે મિત્રો જ છીએ,.પણ મને લાગે છે કે કદાચ હું તેને પસંદ કરું છું..”શિવમ.
શિવમને વચ્ચેથી જ બોલતો અટકાવતાં ચેતનભાઈએ કહ્યું, “ જો શિવમ હવે બહુ થયું. માન્યું કે જીવનસાથી દરેક વ્યક્તિની પોતાની પસંદનું જ હોવું જોઈએ પણ અત્યારે હવે ખૂબ મોડુ થઈ ગયું છે. મે તને સમય આપેલો જ તે માટે પણ પરિણામ શું આવ્યું? વિધિ અને તે લગ્ન કરવા તો દૂર પણ લગ્નની વાતથી પણ દૂર ભાગો છો.તમે ભલે કહો કે આ પાછળ કોઈ ખાસ કારણ નથી પણ હું જાણું છું કે કોઈ ચોક્કસ કારણથી તું વિધિ સાથે લગ્ન કરવાની ‘ના’ કહે છે. જો કે તે હવે કોઈ મહત્વનો મુદો નથી.હવે શિવમ તું મને એક મોકો આપ.હું તારા માટે એક થી એક ચડિયાતી છોકરી શોધી લાવીશ.જે માત્ર રૂપમાં જ નહીં ગુણમાં પણ અવ્વલ હશે. બસ હવે તું મે કીધું તેટલું કર.” ચેતનભાઇએ શિવમને આદેશ આપ્યો.
“પણ પપ્પા વિધિ સાથે લગ્ન કરવાનો નિર્ણય પહેલાનો હતો.હવે અમે સાથે રહ્યા. અમને લાગ્યું કે અમે સારા જીવનસાથી સાબિત નહીં થાય.અને આમ પણ તે નાની ઉંમરનું આકર્ષણ માત્ર હતું.પરિપક્વ ઉંમરમાં લેવાયેલા નિર્ણય અને નાની ઉંમરના આકર્ષણ વચ્ચે જમીન આસમાનનો ફરક હોય છે.હું માત્ર થોડો જ સમય માંગુ છું.પછી તમે જે કહેશો તે કરવા તૈયાર થઈ જઈશ.” શિવમે વિનંતી કરી.
આખરે શિવમની વિનંતી ચેતનભાઈએ માની લીધી. આમ પણ શિવમ પહેલેથી તેમનો વધારે લાડકો હતો.આથી શિવમની કોઈપણ ઈચ્છા તે હંમેશા પૂરી કરવા તૈયાર જ રહેતા.
બંને જણા આ ચર્ચા પૂરી કરી ઘરે ગયા.ઘરે જઈ જમીને શિવમ પેકિંગ કરવામાં લાગી ગયો.સાંજની ૮ વાગ્યાની તેની ટ્રેન હતી.શિવમ પોતાના રૂમમાં પોતાનો બધો સમાન પેક કરી રહ્યો હતો.ત્યાં દિવ્યાબહેન શિવમને સાથે લઈ જવા માટે ઘરે બનાવેલો નાસ્તો આપવા માટે આવ્યા.
“થઈ ગઈ પેકિંગ બેટા?” દિવ્યાબહેન.
“ બસ મમ્મી જો તે જ કરું છું.” શિવમ.
“ ચાલ હું થોડી મદદ કરું.” દિવ્યાબહેન.
“ના મમ્મી, બધી પેકિંગ થઈ ગઈ છે. બસ હવે થોડી શોપિંગ કરીને લાગ્યો તે વધારાનો સમાન જ રાખવાનો બાકી છે.” શિવમ.
“થોડી જગ્યા બચાવીને રાખજે,જો મે તારા માટે આ નાસ્તો બનાવ્યો છે.તને બધો ભાવતો નાસ્તો બનાવ્યો છે.તને ગમશે.” દિવ્યાબહેન.
શિવમ તેના મમ્મી સામે જોઈ રહ્યો.તેને ખબર હતી કે તે તેના સગા મમ્મી નહોતા છતાં તેને ક્યારેય અહેસાસ નહોતો થવા દીધો. ક્યારેય શિવમને કોઈ વાતમાં કે વસ્તુમાં કમી નહોતી આવવા દીધી.આ તો પેલી ડાયરી...બાકી શિવમને ક્યારેય ખબર જ ન થાત. શિવમ વિચારી રહ્યો હતો.ત્યાં તેના મમ્મીએ તેને હચમચાવીને સભાન કર્યો.
“શિવમ બેટા શું વિચારે છે?” દિવ્યાબહેન.
“એ જ કે મમ્મી તું કેટલી સારી છે.” આમ કહી શિવમે દિવ્યાબહેનના ખોળામાં માથું રાખી દીધું.
“બેટા દુનિયાની દરેક ‘મા’ સારી જ હોય છે.”દિવ્યાબહેન.
“....અને જેને ‘મા’ નથી હોતી તે લોકોનું જીવન કેવું હોતું હશે?” શિવમથી સવાલ પૂછાય ગયો.
આ સાંભળી દિવ્યાબહેનને આશ્ચર્ય થયું.તેના હદયમાં એક ડર ઊભો થયો.તેને થોડીવાર કોઈ વિચાર મનમાં સતાવી ગયો.પછી થયું કે શિવમને થોડી તે વાતની જાણ હોય? અને શિવમને કઈ ખબર પડે તે પહેલા તેણે પોતાના ચહેરાના હાવભાવ બદલી નાખ્યા.
“આવું કેમ બોલે છે બેટા?” દિવ્યાબહેન.
પછી શિવમને પણ ભાન થયું કે તેણે ન બોલવાનું બોલી દીધું. આથી પછી તેણે પોતાની વાતને બીજી દિશામાં વાળી લીધી.
“અરે મમ્મી એ તો બસ એમ જ મે પૂછ્યું..” શિવમ.
“પણ તારી આંખના હાવભાવ કઈક કહેવા માંગે છે.” દિવ્યાબહેને કઈક જાણવાનો પ્રયત્ન કર્યો.
“મમ્મી મારે તને એક વાત કહેવી છે.” શિવમ.
“હા બોલ ને બેટા.” દિવ્યાબહેન.
“ મને લાગે છે કે હું રાહીના પ્રેમમાં છું.” શિવમ.
“ શું?” દિવ્યબહેને આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.
“ હા મમ્મી, મને લાગે છે કે હું રાહીને ચાહવા લાગ્યો છું.” શિવમ.
“ પણ બેટા આટલી જલ્દી?” દિવ્યાબહેન.
“મમ્મી મને પણ આ વાતની આજે જ ખબર પડી જ્યારે અનાયાસે મારા મોઢમાથી આ શબ્દો નીકળ્યા.” શિવમ.
“મતલબ ?” દિવ્યાબહેન.
શિવમે આજે સવારે વિધિ સાથે થયેલી મુલાકાત વિષે દિવ્યાબહેનને જણાવ્યુ. સાથે તે પણ કહ્યું કે તેણે ખુદ વિધિને પોતે કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે તેમ જણાવ્યુ.અને આ વાત તેણે વિધિને દુખ પહોચડવા નહોતી કહેલી. અચાનક જ તેના મોઢામાંથી આ વાત નીકળી ગયેલી.
“બેટા તારી વાત સાચી પણ તને નથી લાગતું કે થોડું વધારે જલ્દી થાય છે?” દિવ્યાબહેન.
તે જ સમયે શિવમના ફોનમાં મેસેજ આવ્યો.
“એક ચોક્કસ માહિતી મળી છે.”
શિવમે મેસેજ વાચ્યો અને તેના ચહેરાના હાવભાવ બદલાય ગયા.જે વાત દિવ્યાબહેને નોંધ્યું.
“શું વાત છે બેટા? શો મેસેજ છે?” દિવ્ય બહેન.
“....મમ્મી.....”શિવમ.
*********************************