અર્ધ અસત્ય. - 22 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 22

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૨

પ્રવીણ પીઠડીયા

દેવો લગભગ બેહોશ થવાની અણી ઉપર હતો. તેની હાલત ટ્રક હેઠળ ચદગાયેલાં કોઇ પશુ જેવી બદતર થઇ હતી. અભયે તેને બેરહમીથી માર્યો હતો જેની નવાઇ ખુદ અભયને પણ લાગતી હતી. તેણે આટલો તો પોતાની કસ્ટડીમાં આવેલાં કોઇ ગુનેગારને પણ ધોયો નહી હોય. કૂવાનાં થાળાની ખરબચડી જમીન ઉપર અધમૂઇ હાલતમાં કણસતા દેવાને જોઇને અભયને એક વખત તો દયા આવી ગઇ. આમપણ તેની સચ્ચાઇ જાણવા તેનું જીવિત રહેવું જરૂરી હતું.

’પાણી.’ દેવાનો તરડાયેલો અવાજ આવ્યો. અભયે જોયું તો તેની બૂઝાતી જતી આંખોમાં અજબ પ્યાસ હતી. તે વિચારમાં પડયો. પાણી લેવા તેને કાર સુધી જવું પડે એમ હતું અને એ માટે દેવાને એકલો મૂકવો પડે એમ હતો. જો કે દેવાની હાલત જોતા લાગતું નહોતું કે તે હવે પોતાના પગ ઉપર ચાલીને ક્યાંય જઇ શકશે. અભયે થોડો વિચાર કર્યો અને પછી માથું ધૂણાવીને તે કાર તરફ ચાલવા લાગ્યો. કમ્પાઉન્ડની બહાર, ઘણે આઘે કાર પાર્ક કરેલી હતી. તેની પાસે ડ્રાઇવરનો નંબર પણ નહોતો નહિંતર ફોન કરીને તેને અહીં જ બોલાવી લીધો હોત. કંમ્પાઉન્ડ વટાવીને તે બહાર નીકળ્યો અને દેખાતો બંધ થયો એ સાથે જ દેવો ફટાક કરતો ઉભો થઇ ગયો. તેનાં તૂટેલા જડબા ઉપર કૂટિલ હાસ્ય છવાયું હતું. ખરેખર તો આ તેની ચાલ હતી જેમાં અભય આબાદ રીતે ફસાયો હતો. જે રીતે અભયે તેને ઠમઠોર્યો હતો એ જોઇને તે હેબતાઇ ગયો હતો. તેને સમજાઈ ગયું હતું કે આ લડાઇમાં તે ક્યારેય જીતી શકવાનો નથી એટલે તેણે એક પેંતરો રચ્યો. અધમૂઇ હાલતમાં જ તેણે બેહોશ થવાનું નાટક રચ્યું અને પાણી માંગ્યું જેથી અભય તેનાથી થોડો દૂર જાય. તેની એ ચાલ કામીયાબ નિવડી હતી અને જેવો અભય બહાર નીકળ્યો એ સાથે જ તે ઉભો થયો હતો અને લંગડાતી ચાલે તેણે જંગલની દિશા પકડી હતી. અભયને તેણે આબાદ છકાવ્યો હતો અને તેની ચૂંગલમાંથી જીવિત છૂટવાનો આનંદ તેના હૈયામાં સમાતો નહોતો. હવેલીના કંમ્પાઉન્ડની તૂટેલી દિવાલ વટાવીને તે ગીચ જંગલમાં અંતર્ધાન થઇ ગયો.

@@@

બંસરી ઉલઝનમાં મૂકાઇ ગઇ હતી. સુરાનાં કથન મુજબ જો રઘુભાએ કાળીયાને પતાવી દીધો હશે તો અભયનો કેસ તો આપોઆપ કમજોર પડી જવાનો હતો અને તેની મુશ્કેલીઓ વધવાની હતી. મનોમન ભગવાનને તે પ્રાથના કરતી હતી કે એવું કશું ન થાય અને કાળીયો જીવિત મળી આવે. હવે તેની આગળની ઉમ્મિદ એકમાત્ર સુરો જ હતો. જો તે રઘુભાએ કાળીયા સાથે ખરેખર શું કર્યું એ જાણી લાવે તો તેની રાહ આસાન થવાની હતી, નહિંતર નવેસરથી તેણે એકડો ઘૂંટવો પડે એમ હતું.

@@@

કારનો ડ્રાઇવર અભયની બદહાલ હાલત જોઇને તેની નજીક દોડી આવ્યો.

“અરે સાહેબ, આ શું થયું તમને?” તેની પૃચ્છામાં રહેલી ચિંતા સ્પષ્ટ વર્તાતી હતી.

“તું એ છોડ, પહેલા પાણીની બોટલ લાવ. એક આદમી અંદર પડયો છે તેને જરૂર છે.” અભય બોલ્યો અને કાર તરફ આગળ વધ્યો.

“આદમી, કોણ આદમી? આવા વન-વગડામાં વળી કોણ મળી ગયું તમને?” ડ્રાઇવરને ભારે આશ્વર્ય ઉદભવ્યું હતું. આ તરફ મોટેભાગે કોઇ આવતું નહી. તેમાં આ સાહેબ કોઇ આદમીની વાત કરી રહ્યાં હતા એ તેના દીમાગમાં ઉતર્યું નહી. વળી સાહેબનાં દિદાર એવા હતાં કે જાણે તેઓ કોઇની સાથે ભયંકર યુધ્ધ લડીને આવ્યાં ન હોય!

“કહ્યું ને, છોડ એ પંચાત અને પાણી આપ.” અભયના અવાજમાં રીતસરની નારાજગી ભળેલી હતી. ખુદ પોતાની જ ઉપર ઉદભવતી ઝૂંઝલાહટને તે ડ્રાઇવર ઉપર ઉતારી રહ્યો હતો. કારનાં ડ્રાઇવરને એ સમજાયું હતું એટલે તેણે કારમાંથી પાણીની બોટલ કાઢીને અભયને આપી. “ચાલ મારી સાથે.” તે બોલ્યો અને બન્ને સાથે ચાલતાં ફરીથી હવેલીના કંમ્પાઉન્ડમાં દાખલ થયાં હતા. તેઓ ઝડપથી ચાલતાં કૂવાનાં થાળા નજીક પહોંચ્યા. ભારે હૈરતથી અભયનું મોં ખુલ્યું. થાળામાં કોઇ નહોતું. હમણાં થોડીવાર પહેલાં જ એક આદમીને તે મરવાની હાલતમાં અહીં છોડીને ગયો હતો અને પાણી લઇને આવ્યો એટલી વારમાં તો એ ગાયબ પણ થઇ ગયો હતો. “આવું કેમ બને?” તે ચકરાઇ ઉઠયો હતો. તેણે આસપાસ નજર ઘૂમાવી પણ એ વ્યક્તિ જાણે હવા બની ગયો હતો. થોડે દૂર સુધી તે જોઇ પણ આવ્યો. પેલો ડ્રાઇવર કંઇક આશંકાભરી નજરે અભયને જોઇ રહ્યો. તેને અભયનું વર્તન સમજાતું નહોતું.

@@@

“તમારે સ્પષ્ટ કહેવું જોઇએ કે તે એક પોલીસવાળો છે. મને આમ અંધારામાં રાખવાનો શું મતલબ!” દેવો ફોનમાં કહી રહ્યો હતો. તેના અવાજમાં ન ચાહવા છતાં સ્પષ્ટ નારાજગી ઝલકતી હતી. હજું હમણાં જ તે પોતાના ખેતરવાળા ઘરે પહોંચ્યો હતો અને તરત ફોન જોડયો હતો. તેની વાત સાંભળીને સામે છેડે સન્નાટો છવાયો હોય એવું લાગ્યું.

“તને કોણે કહ્યું કે એ પોલીસવાળો છે?” ફોનમાં પૂછાયું. એ અવાજમાં પણ થડકો સ્પષ્ટ વર્તાતો હતો. કદાચ તેને પણ આવી આશા નહી હોય.

“કહે કોણ, મને ખબર છે.” તે બોલ્યો અને તેના મોઢામાંથી એક સિસકારો નીકળી ગયો. અભયનાં ભારેખમ બૂટની ઠોકર બરાબર તેના ચહેરા જ ઉપર વાગી હતી. એ સિસકારો તેનો હતો. બોલતી વખતે તેના નીચેના જડબાની નસો ખેંચાતી હતી અને તેમાં રીતસરના લવકારા ઉદભવતા હતા જેનું દર્દ તેના ચહેરા ઉપર પથરાતું હતું.

દેવાને ખુદને પણ અનાયાસે જ ખબર પડી હતી કે તેણે જેની સાથે બાથ ભીડી હતી એ એક પોલીસ અફસર હતો. કૂવાનાં થાળામાં તે પડયો અને એ વ્યક્તિના બૂટની ઠોકર તેના ચહેરા સાથે અથડાણી એ ક્ષણ પહેલાની એક સેકન્ડ માટે તેનું ધ્યાન તેના બૂટ ઉપર સ્થિર થયું હતું અને તે ઠરી ગયો હતો. એ બૂટ સામાન્ય નહોતા. અને તે એક પોલીસવાળાનાં બૂટને ઓળખી ન શકે એટલો માસુમ પણ નહોતો. ક્ષણમાં તે પારખી ગયો હતો કે તે ભેખડકે ભરાયો છે. એટલે જ મોકો મળતા તેણે ત્યાંથી ભાગી નીકળવામાં ગનિમત સમજ્યું હતું.

પરંતુ… અત્યારે તેની વાત સાંભળીને ફોનનાં સામા છેડે ગજબનો સન્નાટો પ્રસરી ગયો હતો. દેવાને ઝટકો લાગ્યો હતો એવો જ ઝટકો સામા છેડે અનુભવાયો હતો અને દેવો વધું કંઇ પૂછે કે બોલે એ પહેલા ફોન મુકાઈ ગયો હતો.

@@@

અભય હવેલીએથી પાછો ફર્યો. આખરે કોણ હતો એ વ્યક્તિ? અને તેની મારી સાથે શું દુશ્મનાવટ હતી? વિચારી-વિચારીને તે થાકી ગયો હતો. જરૂર એ વ્યક્તિ વર્ષોથી સાવ નોંધારી પડેલી હવેલીમાં કશુંક ગેર-કાનૂની કામ કરતો હોવો જોઇએ. તેમાં અચાનક તે જઇ ચડયો હતો એટલે તેણે હુમલો કર્યો હશે! હાં, એમ જ હોવું જોઇએ નહિંતર કોઇ અકારણ તેની ઉપર હુમલો શું કામ કરે? વળી તે ઘાયલ હોવા છતાં ત્યાંથી ભાગી ગયો હતો એ ઓછા અચરજની વાત નહોતી. અભયનું માથું ઠનકતું હતું. પૃથ્વીસિંહજીની તલાશનાં આરંભે જ તેની ઉપર હુમલો થવો એ વિચિત્ર બાબત હતી છતાં તે એ વિશે વધું વિચારી શકતો નહોતો કારણ કે તે હવેલીએ જઇ રહ્યો છે એની ખબર ગણતરીના માત્ર થોડા વ્યક્તિઓને જ હતી. એ વ્યક્તિઓમાં એવું કોઇ નહોતું જે તેની ઉપર હુમલો કરાવી શકે.

ગામમાં આવીને તેણે લોકલ દવાની દુકાનેથી પેઇન કિલર ટિકડીઓ લીધી હતી. અજાણ્યાં હુમલાખોર સાથેની ઝપાઝપીમાં વધું ઈજાઓ થઇ ન હતી. ફક્ત મૂંઢમાર જ વાગ્યો હતો તેમાં આ ટિકડીઓ ગળવાથી રાહત ઇદભવી હતી. તેણે અનંતસિંહને ત્યાં જવાનું વિચાર્યું અને કારને એ તરફ લેવરાવી હતી પરંતુ પછી વિચાર બદલી નાંખ્યો અને ડ્રાઇવરને સીધા જ ભરૂચ જવાનું સૂચવ્યું. પાતળી કદ-કાઠીનો ડ્રાઇવર અભયના વિચિત્ર વર્તનથી ક્યારનો મૂંઝાતો હતો પણ તે ચિઠ્ઠીનો ચાકર હતો. તેને તો અભય કહે ત્યાં લઇ જવાનો હુકમ મળ્યો હતો એટલે ચૂપચાપ તે કાર હંકાર્યે જતો હતો.

બપોરનાં એક વાગ્યે તેઓ ભરૂચ આવી પહોચ્યાં. અભયને કકડીને ભૂખ લાગી હતી. પેઇન કિલર ગોળીઓ લેવાથી તેનું દર્દ લગભગ ગાયબ થઇ ગયું હતું. ભરૂચની જ એક સારી દેખાતી હોટલમાં તે બન્ને જમ્યાં અને હોટલના કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિને પોલીસ હેડ ક્વાટરનું સરનામું પૂછીને એ તરફ કારને ભગાવી મૂકી.

ત્યારે… અજાણતા જ અભયે એક ધ્રૂણાસ્પદ રહસ્ય તરફ આગળ કદમ ભર્યા હતા.

(ક્રમશઃ)