દેવદૂત Jayesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેવદૂત

વાર્તા: દેવદૂત લેખક: જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775

એક શહેરમાં ગુંડાઓનો ભયંકર ત્રાસ હતો.આ ગુંડાઓ ના ત્રાસ માંથી કેવી રીતે છૂટવું તે પ્રજાને

સમજાતું નહોતું.રોજ સવાર પડે અને કોઈનું અપહરણ થયું હોય,કોઈનું ખૂન થયું હોય,કોઈનો બળાત્કાર થયો હોય,કોઈ વેપારીને બ્લેકમેલ કર્યો હોય,શહેરમાં દારૂ ની બેરોકટોક હેરાફેરી હોય. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી.કોઈ ઉકેલ દેખાતો નહોતો.પોલીસ પણ લાચાર બનીને આ ખેલ જોઈ રહી હોય ત્યારે પ્રજા શું કરી શકે? એકાદ બે વિરલાઓએ અવાજ ઉઠાવવાની કોશીશ કરી હતી પણ એમની જે દશા કરવામાં આવી હતી તે લોકોએ જોઈ હતી.કોઈ હોળી નું નાળિયેર બનવા હવે તૈયાર નહોતું. એવામાં એક સાધુ મહારાજ ની તેમના શિષ્યો સાથે આ શહેરમાં પધરામણી થઇ.રોજ સવારેપ્રભાત ફેરી ચાલુ થઇ.ઘરે ઘરે આ મંડળી ની પધરામણી થવા લાગી.લોકો ભક્તિના રંગે રંગાવા લાગ્યા.સાધુ મહારાજે જોયું કે લોકો દુઃખી અને ભયભીત છે.પૂછપરછ કરતાં તેમણે હકીકત જાણી. આ સાધુ મંડળીએ લોકોને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં.સજ્જનોની રક્ષા અને દુર્જનોનો નાશ કરવા પ્રભુ ચોક્કસ અવતાર ધારણ કરેછે આ ગીતા વચન છે.લોકોને આ સાધુમાં દેવદૂત નાં દર્શન થયા.કંઇક રસ્તો નીકળશે એવો લોકોને વિશ્વાસ બેઠો.પછીતો રોજ રાત્રે સાધુ મહારાજના પ્રવચનો થવા લાગ્યા.પ્રવચન સાંભળવા લોકોની ભીડ થવા લાગી.એક રાત્રે મહારાજે સિંહ ગર્જના કરીકે’ અમે અમારી જાન ની પણ પરવા કર્યા વગર આપની રક્ષા કરીશું.આ શહેર ને 'ગુંડા મુક્ત ' બનાવીને જ જંપીશું.મારું મન કહેછે કે હવે સમય પાકી ગયોછે.મને પ્રભુ નો આદેશ થઇ ગયો છેકે હવે તારું કર્તવ્ય નિભાવ.હવે આ દુર્જનોનો સર્વનાશ નિશ્ચિત છે.’આખું શહેર મહારાજની આરતી ઉતારવા માંડ્યું.હવે આ દેવદૂત શું કરશે એ જાણવા લોકો આતુર હતા.ગુંડા ટોળકી પણ વિચારી રહી હતીકે આ મહારાજ આપણો સફાયો કેવી રીતે કરવા માગેછે? છૂપા વેશે આ ગુંડાઓ પણ રાત્રે મહારાજના પ્રવચનમાં આવવા લાગ્યા.પ્રજા તાળીઓ ના ગડગડાટ કરતી ત્યારે આ ટોળકી મૂછમાં હસતી.આ બાવાઓ આપણું શું બગાડી લેવાના છે.

એવામાં ચૂંટણી આવી.લોકોએ મહારાજ ને વિનંતી કરીકે તમે અને તમારા શિષ્યો ચૂંટણીમાં ઉભા રહો.અમે તમને સત્તા અપાવીશું.તમે સત્તાના જોરે આ દુર્જનોનો નો નાશ કરજો.સાધુ મહારાજે કહ્યું કે ‘મને તો ધન કે સત્તા નો કોઈ મોહ નથી.હું તો સન્યાસી છું પણ ધર્મની રક્ષા કાજે ચુંટણી લડીશ.’આમ મહારાજ આનાકાની કરતાં કરતાં ચુંટણી લડવા તૈયાર થઇ ગયા.નેતાઓ ને પણ નવાઇ લાગીકે આ બાવાઓ ચુંટણી લડશે? નેતાઓ ખુશ પણ થઇ ગયા કે આપણી જીત નક્કી જ છે.લોકોએ તો એકી અવાજે કહી દીધુકે આ દેવદૂત સમાન મહારાજ અને એમના શિષ્યોને પ્રચંડ બહુમતીથી જીતાડી દો.પ્રચાર માટે સાધુ મંડળી નીકળે એટલે ઠેર ઠેર સ્વાગત થવા લાગ્યું.બીજા પક્ષના નેતાઓ થોડા ગભરાયા.છેવટે ચુંટણી થઇ પરિણામ આવી ગયું.સાધુ મહારાજની મંડળી ધરખમ બહુમતી થી સત્તા ઉપર આવી.લોકોને થયું કે ‘દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયોરે રંગ જીવનમેં નયા લાયોરે ’.શહેરમાં હાહાકાર મચી ગયો.નેતાઓ અને ગુંડાઓ હચમચી ગયા.

થોડો સમય વીત્યો ત્યાં એવું બનવા લાગ્યું કે રોજ શહેરના એકાદ બે ગુંડાઓ મહારાજના પક્ષમાં ભળી જઈને ભગવાં ધારણ કરવા લાગ્યા.મહારાજ તેઓને પક્ષમાં પ્રવેશ પણ આપવા લાગ્યા.લોકોમાં થોડો ગણગણાટ થયો પણ મહારાજે કહ્યું કે ગુંડાઓ સાધુ બનતા હોયતો શહેરમાં ગુંડાગીરી ઓછી થશે.લોકોના મગજમાં આ વાત શીરા ની જેમ ઉતરી ગઈ.જોતજોતામાં તો શહેરના બધા ગુંડાઓ સાધુ બની ગયા.એક રાત્રે પ્રવચનમાં સાધુ મહારાજે ફરીવાર સિંહ ગર્જના કરીકે 'જોયું આખું શહેર ગુંડા મુક્ત બની ગયું.'

લોકોએ તાળીઓનો ગડગડાટ કરીને મહારાજને વધાવી લીધા.ભારત માતાકી જય.