Jagruti books and stories free download online pdf in Gujarati

જાગૃતિ

વાર્તા-‘જાગૃતિ’  લેખક-જયેશ એલ.સોની-ઊંઝા  મો.નં.97252 01775

             રતનપુર બસ સ્ટેન્ડ ઉપર ચા-પાણી કરીને  કંડકટરે  પેસેન્જરો જે બહાર ઊભા હતા તેમને બસમાં બેસવા માટે મોટા અવાજે કહ્યું ‘કોઈ છે હવે બાકી?આજુ બાજુ ની સીટ ઉપર જોઈ લો.’ ડ્રાઇવર આવી જતાં

આછી ઘરઘરાટી કરતી અને ધૂળ ની ડમરીઓ ઉડાડતી બસ ઉપડી.બસમાં ચાર થી પાંચ નવા પેસેન્જરો આવ્યા હતા.તો પણ બસમાં કુલ પચીસ થી વધુ મુસાફરો નહોતા.

       નવા મુસાફરોમાં આખી બસનું ધ્યાન ખેંચે એવા એક મહિલા પેસેન્જર આવ્યા હતા અમૃતાબેન.રુઆબદાર વ્યક્તિત્વ ,આશરે ચાલીસ વર્ષની ઉંમર ,એક હાથમાં પર્સ અને બીજા હાથમાં પુસ્તકો,મોબાઈલ  અને ડાયરી.શહેરની મહિલા જાગૃતિ સંસ્થાના તેઓ  પ્રમુખ હતા.વ્યવસાયે તેઓ વકીલ હતા.  

       કંડકટરે નવા આવેલા મુસાફરોની ટિકિટ કાપવાની ચાલુ કરી.અમૃતાબેને પણ ટિકિટ લીધી. કંડકટરને વાતો કરવાની ઈચ્છા હતી પણ બેને બારી બહાર નજર કરીને પૂર્ણવિરામ મુકી દીધું.અમૃતાબેન મહિલાઓ ને થતા અન્યાય,અત્યાચાર અને મહિલા શિક્ષણ બાબતે ઊંડા અભ્યાસી હતા.મહિલા જાગૃતિ એ જ એમનું જીવન ધ્યેય હતું.નાના ગામડાઓ તથા નગરોમાં ફરીને તેઓ મહિલાઓની સામાજિક સ્થિતિ વિષે જાણકારી મેળવતાં અને સહાયરૂપ થતાં.ગરીબ મહિલાઓ ના ઘણા કેસો તેમણે એક રૂપિયો પણ ફી લીધા વગર લડ્યા હતા અને ન્યાય અપાવ્યો હતો. પ્રવાસ દરમ્યાન તેમને જાતજાતના અનુભવો થતા અને ઘણું શીખવાનું મળતું.પ્રવાસ દરમ્યાન તેઓ ટોળટપ્પા કરવાને બદલે પુસ્તકો વાંચવાનું જ પસંદ કરતાં.

         બસ ધીમી પડી.કોઈ સ્ટેશન આવ્યું હતું.બે ત્રણ પેસેન્જરોને ઉતરવાનું હતુ એ ઉતરી ગયા. કંડકટરે બૂમ પાડીને કહ્યું ‘હવે કોઈ ઉતરવામાં બાકી છે?’ એટલે અમૃતાબેન ની પાછળની સીટ માં બેસેલી એક ગરીબ અને ફાટેલા મેલા કપડાં પહેરેલી ગમાર જેવી સ્ત્રી કેડમાં છોકરું તેડીને ઉતરવા માટે દરવાજા પાસે આવી.અને કંડકટરને કહ્યું ‘સાહેબ,મારે પાંચ રૂપિયા લેવાના બાકી છે એ આપો મારે ઉતરવાનું છે.’આ સાંભળતા જ  કંડકટર ગુસ્સે થઇ ગયો.’શેના  પાંચ રૂપિયા બેન મારે કોઈને આપવાના બાકી નથી ચાલો ચાલો જલ્દી ઉતરો મોડું થાયછે’

         પેલી સ્ત્રી હવે થોડા ઊંચા અવાજે બોલી’શું કામ ઉતરી જાઉં?મારે પાંચ રૂપિયા લેવાના છે એ શું કામ  જવા દઉં? આ મારા છોકરા માટે બિસ્કીટ લેવાનું છે.આપીદો મારા પાંચ રૂપિયા’

         બસ ઊભી રહી હતી અને આ ગરમા ગરમી ચાલી રહી હતી.હવે આખી બસનું ધ્યાન આ તકરાર બાજુ ગયું.અમૃતાબેન પણ પુસ્તક વાંચવાનું બંધ કરીને આ ઝઘડો જોઈ રહ્યા. કંડકટરે બીજાં પેસેન્જરો સામે જોઇને કહ્યું કે ‘જુઓ કેવી ગળે પડવાની વાત કરેછે?મારે પાઇ પાઇ નો હિસાબ થઇ ગયોછે એક રૂપિયો પણ વધતો નથી.’ હવે પેલી સ્ત્રી વિફરી અને છોકરું બસની સીટ ઉપર બેસાડી દીધું અને મક્કમ અવાજે બોલી ‘બસ ઊભી રાખો અને પૈસા ગણો.પાંચ રૂપિયા વધવા જ જોઈએ.મારી પરસેવાની કમાણી છે.’

         મામલો બીચકયો હતો.બીજાં પેસેન્જરોએ હવે કંડકટર ને કહ્યું કે આ બેન ના સંતોષ ખાતર પણ એકવાર રોકડ ગણી જુઓ.ભલે બસ થોડી લેટ થતી.અમૃતાબેન ને પણ આમાં રસ પડ્યો હતો.પેલી સ્ત્રી ની મક્કમતા તેમને સ્પર્શી ગઇ હતી. કંડકટરને હવે રોકડ ગણ્યા સિવાય છૂટકો જ નહોતો.હિસાબ માં બરાબર પાંચ રૂપિયા વધ્યા.ડ્રાઇવર પણ કંડકટર ના વર્તનથી નારાજ થયો હોય એવું લાગ્યું.તેણે પણ બૂમ પાડીને કહ્યું કે હવે જે હોય એ પતાવી દો.બહુ મોડું થઇ ગયું છે.

         કંડકટરે નીચી મૂંડીએ પેલી અભણ અને ગમાર પણ જાગૃત સ્ત્રીને પાંચ રૂપિયા આપ્યા.છોકરું તેડીને એ બસમાં થી ઉતરી ગઈ.પાછલી સીટમાં બેસેલા અમૃતાબેને તાળીઓ પાડી. બસના બધા મુસાફરોએ તેમની તાળીઓમાં સુર પુરાવ્યો.

        અમૃતાબેન ને આજે મહિલા જાગૃતિનો નવો પાઠ શીખવા મળ્યો હતો.

 

     

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED