રેઇડ Jayesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેઇડ

વાર્તા-રેઇડ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775

પોલીસ સ્ટેશન માં સાંજે એક નનામો ફોન આવ્યો.ઇન્સ્પેકટરે જ ફોન રિસીવ કર્યો.સામે છેડે થી માહિતી મળી કે આજે રાત્રે બાર વાગ્યે રેલ્વે સ્ટેશન પાસેની ઝુંપડપટ્ટી આગળ આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉન ની પાછળ દારૂ ની ટ્રક ખાલી થવાની છે.બાતમીદારે નામ આપવાની ના પાડી. ઇન્સ્પેકટરને નામ જાણવાની બહુ જરૂર લાગી નહીં.રાત્રે સ્થળ ઉપર ત્રાટકવા ટીમ તૈયાર થઇ ગઇ.બરાબર બાર ના ટકોરે એક ટ્રક આવીને ઊભી રહી.પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ અને તેમની બાહોશ ટીમે ટ્રક કબજે કરી.ડ્રાઇવર ને પૂછ્યું કે ‘કોણ છે દારૂ નો માલિક?’ડ્રાઇવર રડવા જેવો થઇ ગયો અને કહેવા લાગ્યો ‘સાહેબ ગરીબ માણસ છું મારું નામ કેસમાં લખતા નહીં’ ‘તો પછી માલિકનું નામ આપ’ રાઠોડ સાહેબે દમ માર્યો.ડ્રાઇવરે કહ્યું કે આ ગામનો જ છે.નામ છે રણછોડ પ્રજાપતિ.

રણછોડ પ્રજાપતિને પકડવામાં આવ્યો.તેણે ગુનો કબૂલ કર્યો.કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.કોર્ટે છ મહિનાની સજા ફટકારી.ઇન્સ્પેક્ટર રાઠોડ ની બહાદુરીના વખાણ થયા.મધરાત્રે સુમસામ જગ્યાએ રેઇડ કરી દારૂની ટ્રક પકડી અને ગુનેગાર ને પણ ઝડપી લીધો તે બાબતની જજ સાહેબે પણ નોંધ કરી.મીડિયા એ પણ રાઠોડ સાહેબની પ્રશંસા કરી.

આ ઘટનાને છ મહિના જેટલો સમય થઇ ગયો હતો.આજે સાંજે ફરી નનામો ફોન આવ્યો.બાતમીદારે રાઠોડ સાહેબને માહિતી આપી કે આજે રાત્રે બરાબર બાર વાગ્યે તળાવ કિનારે આવેલા ભદ્રેશ્વર મહાદેવ ના મંદિરની પાછળ આવેલ એક ઓરડી આગળ દારૂની ટ્રક ખાલી થવાની છે.રાઠોડ સાહેબ અને એમની ટીમ તૈયાર થઈને ગોઠવાઇ ગઈ.બરાબર બાર વાગ્યે દારૂની ટ્રક આવી.ટ્રક કબજે કરવામાં આવી.ડ્રાઈવરને પકડ્યો.માલિકનું નામ આપીદે તો તને સજા નહીં થાય એવી ઓફર કરી એટલે ડ્રાઈવરે નામ આપ્યું’ સતિશ પ્રજાપતિ’

સતિશ પ્રજાપતિને પકડીને કોર્ટમાં રજૂ કર્યો.તેણે ગુનો કબૂલ કર્યો.કોર્ટે તેને છ મહિના ની સજા ફટકારી.રાઠોડ સાહેબ ની વાહ વાહ થઇ ગઈ.પોલીસ બેડામાં નોંધ લેવાઇ.મીડિયા એ પણ છાપ્યું કે જે સ્થળે દારૂની બદી વધારે હોય ત્યાં રાઠોડ સાહેબ ને મોકલો.ગામમાં બીજા દારૂના બુટલેગરો હતા એ ધંધો સમેટીને જતા રહ્યા.રાઠોડ સાહેબ કોઇ કામે શહેરના પોલીસ સ્ટેશનમાં ગયા હોય ત્યારે ત્યાં નો સ્ટાફ પણ તેમને માન થી જોવા લાગ્યો. રાઠોડ સાહેબના એરિયામાં મોટાભાગનો વર્ગ તનતોડ મજુરી કરતો હતો એટલે સાંજ પડે એટલે દારૂ વગર એમને ચાલતું નહીં.

આજે રાઠોડ સાહેબ એક લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા હતા.ત્યાં તેમના મોબાઈલ ઉપર બાતમીદાર નો ફોન આવ્યો.’સાહેબ,આજે પણ એક દારૂની ટ્રક આવેછે.સ્થળ વિશે પૂરી માહિતી મળી નથી.પણ મારો બીજો ફોન આવશે એમાં બધી વિગત આપી દઈશ.’ સાહેબે ફોન કરીને તેમના સ્ટાફ ને રાત્રે રેઇડ માટે તૈયાર રહેવાનું જણાવી દીધું.રાઠોડ સાહેબ પોતે પણ લગ્ન પ્રસંગ પતાવીને ડ્યુટી ઉપર હાજર થઇ ગયા.

બાતમીદારે બીજીવાર ફોનમાં જણાવેલ સ્થળે રેઇડ કરી.મુદ્દામાલ સાથે ગુનેગાર ની ધરપકડ કરી.ગુનેગાર નું નામ હતું’ હરિહર’. ગુનેગારને કોર્ટમાં રજુ કર્યો.હરિહરે ગુનો કબૂલ કર્યો.છ મહિનાની સજા થઇ.રાઠોડ સાહેબ ની યશકલગીમાં એક પીંછું ઉમેરાયું.

શહેરના એક ન્યુઝ પેપર ‘અગ્નિપંથ’ ના બાહોશ પત્રકાર સુધીર શર્મા ને આ કેસમાં બહુ રસ પડ્યો હતો. અગ્નિ પંથ ન્યુઝ પેપર ગુનાઇત પ્રવૃત્તિઓ વિશેના જ સમાચાર છાપતું હતું એટલે તેના બધા પત્રકારો ડિટેક્ટીવ જેવા હતા.સુધીર શર્મા એ ઘણા રહસ્યમય કેસો ઉકેલ્યા હતા.આખું શહેર તેમને બાહોશ પત્રકાર તરીકે જ ઓળખતું હતું.

આજના સુધીર શર્મા એ છાપેલા ન્યુઝ થી આખા શહેરમાં હાહાકાર થઇ ગયો હતો.સમાચાર છાપ્યા હતા ‘ગંગાપુરા ગામમાં છેલ્લા એક વર્ષથી દારૂના બુટલેગર અને ઇન્સ્પેક્ટર રાઠોડ ની મિલીભગત થી કરોડો રૂપિયાનો દારૂનો વેપાર,કાનૂન ની આંખોમાં ધૂળ છાંટવામાં આવી.’ પોલીસબેડામાં હડકંપ મચી ગયો.રાઠોડ સાહેબે ટી.વી. ન્યુઝ જોયા અને પગ નીચેથી જમીન સરકી ગઇ.તપાસ થઇ.રાઠોડ સાહેબે જો કે ગુનો કબૂલી લીધો.તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ખાતાકીય તપાસ ચાલુ થઇ.

તપાસમાં વિગત બહાર આવી કે રણછોડ પ્રજાપતિ,સતિશ પ્રજાપતિ અને હરિહર ત્રણ સગા ભાઈઓ હતા.અનાથ થઇ ગયા હતા.પ્રમાણિકતા થી કમાવવાના ઘણા અખતરા કરી જોયા પણ કંઇ ભલીવાર આવ્યો નહીં.એટલે ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહીએ’ વાળા મુડમાં આવી ગયા અને આખો પ્લાન બનાવ્યો.બાતમીદાર આ ભાઈઓ જ હતા.પહેલીવાર રેઇડ પડી અને રાઠોડ સાહેબે રણછોડ ને પકડ્યો એ વખતે જ રણછોડે ઓફર કરીકે દર છ મહીને તમારે રેઇડ કરવાની અમે ત્રણે ભાઈઓ વારાફરતી જેલમાં જઈશું.બહાર ધંધો ચાલુ રહેશે,તમારી વાહ વાહ થશે અને તમે અમારા ચોથા ભાગીદાર. રાઠોડ સાહેબ આ લાલચમાં આવી ગયા અને પૈસો,આબરૂ,નોકરી બધું ખોયું.ત્રણ ભાઈઓ તો સજા ભોગવીને બહાર આવી ગયા હતા. દારૂના ધંધામાં કરોડો કમાઇ ગયા હતા.હવે કોઈ વ્હાઈટ કોલર ધંધાની તપાસ કરી રહ્યા હતા.