Rudra ni Premkahani - 19 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની - 19

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 19

ગુરુ ગેબીનાથ મહા શિવરાત્રીનાં દિવસે રુદ્રને પુનઃ પોતાનાં નિવાસસ્થાને મોકલવાની વાત કરે છે. રુદ્ર મનુષ્યો દ્વારા નિમલોકો જોડે કરવામાં આવેલી અન્યાયી સંધિનો નાશ કરવાં પોતાનાં મિત્રો શતાયુ અને ઈશાન જોડે કુંભમેળા દરમિયાન પૃથ્વીલોક પર જવાનું આયોજન કરે છે. એ મુજબ રુદ્ર ગુરુ ગેબીનાથ ને મળીને પૃથ્વીલોક જવાની આજ્ઞા મેળવે છે. રુદ્ર, શતાયુ અને ઈશાન આ સાથે જ પૃથ્વીલોક જવાની તૈયારી આરંભે છે.

સવારે સૂર્યદંડ નો પ્રકાશ પાતાળલોકમાં પથરાય અને ત્યાં ફેલાયેલાં અંધકાર ને દૂર કરે એ પહેલાં તો રુદ્ર, શતાયુ અને ઈશાન ગુરુ ગેબીનાથ નાં આશીર્વાદ મેળવી અને માં ભૈરવીનાં દર્શન કરી એમની આગળની સફરમાં ઉપયોગી જરૂરી સામાન લઈને અશ્વો પર સવાર થઈને ત્રિદેવ માર્ગ તરફ પ્રસ્થાન કરી ચુક્યાં હતાં.

એક દિવસની સતત મુસાફરી બાદ ત્રણેય મિત્રો આખરે રાત્રી પહેલાં વિંધ્યાચળ પર્વતશ્રેણીમાં મોજુદ ત્રિદેવ પર્વત સુધી આવી પહોંચ્યાં.. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવો ની મુખાકૃતિની કોતરણી આ પર્વતમાં કરવામાં આવી હતી.. જે આ પર્વત ત્રિદેવ પર્વત જ છે એની ઓળખ પણ હતી.

"ભાઈઓ હવે અહીંથી પ્રયાગરાજ સુધીની સફર માં ગંગા નાં કિનારે કિનારે ચાલીને પસાર કરવાની છે.. આ સફર ત્રણેક દિવસમાં પુરી કરી આપણે પ્રયાગરાજ પહોંચી જઈશું.. "ત્રિદેવ પર્વત પહોંચતાં જ રુદ્ર પોતાની જોડે રહેલાં ચર્મપત્ર પર બનેલાં નકશાને ધ્યાનથી જોઈને બોલ્યો.

"તો પછી આજે રાતે અહીં જ ઉતારો કરીએ.. સવાર પડતાં જ આગળની યાત્રા આરંભીશું.. "શતાયુ આજુબાજુ નજર ઘુમાવતાં બોલ્યો.

"રુદ્ર, શતાયુ.. જરા ઉપર ની તરફ તો દ્રષ્ટિ કરો.. ખબર નહીં ફરી ક્યારેય આ દ્રશ્ય જોવાં મળશે કે નહીં.. "ઉપર ની તરફ જોતાં રુદ્ર અને શતાયુને ઉદ્દેશીને ઈશાન બોલ્યો.

"તારી વાત સાચી છે મિત્ર.. આ ખુલ્લું આકાશ, એમાં મોજુદ ચંદ્ર અને તારામંડળ.. આ બધું નજરે જોવું એ દરેક પાતાળવાસીઓનું સપનું છે. "ઈશાન ની વાત નો ખુલ્લાં નભ ની તરફ જોઈ પ્રત્યુત્તર આપતાં શતાયુ બોલ્યો.

"એ સપનું નજીકમાં હકીકત બનશે એવો મને વિશ્વાસ છે.. "મક્કમ સ્વરે દ્રઢતાપૂર્વક રુદ્ર બોલ્યો.

"એવું જ બનશે મિત્ર.. "રુદ્ર ની વાત સાંભળી શતાયુ અને ઈશાન એકસુરમાં બોલી પડ્યાં.

"રુદ્ર, ત્યાં થોડે દુર રાત્રિરોકાણ માટે વ્યવસ્થિત જગ્યા છે.. ચલો તો ત્યાં જઈને રાત્રિભોજની તૈયારી આરંભીએ.. "શતાયુ થોડે દુર એક ઘાસવાળા મેદાન તરફ આંગળી ચીંધતાં બોલ્યો.

શતાયુ ની વાત સાંભળી રુદ્રએ સહમતી આપતાં હકારમાં ગરદન હલાવી અને પોતાનાં અશ્વની લગામ ખેંચી એ તરફ પ્રયાણ કર્યું.. શતાયુ અને ઈશાને પણ પોતપોતાનાં અશ્વ એ તરફ હંકાવી દીધાં.

એ લોકોએ એક વ્યવસ્થિત સમતલ જગ્યા શોધી એને યોગ્ય રીતે સાફ કરી.. ત્યાં આજુબાજુથી સૂકાં લાકડાં લાવી એ ત્રણેય મિત્રોએ મળીને રાત્રીનું જમવાનું બનાવ્યું.. જમવાનું બનાવ્યાં બાદ એ બધાં ખુલ્લાં આકાશ તરફ ચહેરો રાખીને સુવા માટે લાંબા થયાં.

ખુલ્લાં આકાશ નીચે ચંદ્ર અને તારાઓને જોતાં-જોતાં સુવાનો આ અનુભવ એ લોકો માટે ખરેખર આહલાદક હતો.. કેમેકે આ બધું પોતાની જીંદગીમાં એ ત્રણેય મિત્રો પ્રથમ વખત અનુભવી રહ્યાં હતાં. અહીં તહીં ની વાતો કરતાં કરતાં રુદ્ર, શતાયુ અને ઈશાન ક્યારે સુઈ ગયાં એની એમને ખુદને પણ ખબર ના રહી.

સવાર પડતાં જ એ ત્રણેય મિત્રો પોતાની આગળની સફર માટે તૈયાર થઈ ગયાં.. રુદ્ર ની જોડે રહેલાં ચર્મપત્ર પર બનેલાં નકશા મુજબ એ લોકોએ પોતાની આગળની સફરને આરંભી.. વિંધ્યાચળ ની પર્વતશ્રેણીની નજીક વહેતી ગંગા નદીને કિનારે કિનારે એમની સફર શરૂ થઈને છેક પ્રયાગરાજ સુધી પહોંચવાની હતી.

પ્રથમ દિવસની સફર તો એ ત્રણેય મિત્રો માટે સરળ રહી કેમકે એ સફર એમને પાતાળલોકમાં પુરી કરવાની હતી.. પણ હવે પૃથ્વીલોક પર વાતાવરણ ને અનુકૂળ થવું વર્ષોથી પાતાળલોકમાં જીવતાં નિમ લોકો માટે સરળ નહોતું જ રહેવાનું.. સૂર્યદેવ નો સીધો તાપ સહન કરવો એ એમની બીજાં દિવસની યાત્રા ની સૌથી અઘરી વસ્તુ હતી. આમ છતાં પોતે જે કાર્ય કરવાં નીકળ્યાં હતાં એને કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવાની પ્રબળ ઈચ્છાશક્તિનાં લીધે ત્રણેય મિત્રો બધી તકલીફો ને અવગણી આગળ વધી રહ્યાં હતાં.

ચર્મપત્ર પર બનેલાં નકશા મુજબ શરૂવાતમાં રુદ્ર એ આગળ વધવાનું વિચાર્યું હતું.. પણ પ્રયાગથી લઈને વિંધ્યાચલ સુધી ગંગા નદી વાંકા-ચૂંકા માર્ગે પસાર થતી હતી.. અને ત્યાં મોટાં કોતરો બનેલાં હતાં જેમાંથી પસાર થવું ભારે મુશ્કેલીભર્યું લાગતાં રુદ્ર એ સલામતી ખાતર અને નકામો સમય વ્યય ના થાય એ હેતુથી ગંગા નદીની સમાંતર ડાબી તરફ બનેલાં સીધાં રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું.

રસ્તામાં આવતાં માં કામાખ્યા દેવીનાં નાનકડાં મંદિર પાસે પહોંચી એ લોકોએ બીજાં દિવસની સફરને વિરામ આપવાનું નક્કી કર્યું.. કેમકે હવે શીતઋતુ ચાલી રહી હોવાથી અંધકાર ખૂબ ઝડપથી પોતાનું સામ્રાજ્ય ફેલાવી લેતો હતો.. એટલે રુદ્ર એ પોતાનાં મિત્રો સાથે સાંજ થતાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. આગળની સફરમાં રુદ્ર, શતાયુ અને ઈશાન એકલાં નહોતાં પણ હવે એમની સાથે માર્ગમાં હજારોની સંખ્યામાં કુંભમેળામાં ભાગ લેવાં જતાં મનુષ્યો અને સાધુ સંતો નો સારો એવો જમાવડો હતો.

"હર હર મહાદેવ.. "નાં જયનાદ સાથે શારીરિક તકલીફો અને અન્ય સમસ્યાઓને અવગણી આગળ વધતાં હજારો શ્રદ્ધાળુઓને જોઈ રુદ્ર, શતાયુ અને ઈશાન એ તો સમજી ચુક્યાં હતાં કે એક પૃથ્વીવાસી તરીકે કુંભમેળામાં જવું કેટલું મહત્વ ધરાવતું હતું.

રુદ્ર, શતાયુ અને ઈશાન માટે આ સાથે જ એક મોટી સમસ્યાનો આરંભ થઈ ચૂક્યો હતો.. જે હતી પોતાની સાચી ઓળખ અન્ય લોકો કઈ રીતે છુપાવવાની છે એની સમસ્યા. આ બધું પોતાની સફરમાં બનશે જરૂર એ ખબર હોવાથી રુદ્રએ પોતાની અને પોતાનાં દોસ્તોની ઓળખ શું આપવી એ નક્કી કરી રાખ્યું હતું.. જો કોઈ એમની ઓળખ પૂછે તો પોતે ગયા જોડે આવેલાં બાદલપુર ગામનાં રહેવાસી છે એવું જણાવવાનું.. અને આ સાથે જ રુદ્ર, શતાયુ અને ઈશાન ને પોતાની મૂળ ઓળખ છુપાવીને એમની ઓળખ અનુક્રમે વીરા, હરી અને કિશન તરીકે આપવાની વાત પણ રુદ્રએ કરી હતી.

પોતાની સાથે મોજુદ પાણીદાર અશ્વથી પોતાની ઓળખ છતી થઈ જશે એવી ચીંતાનાં લીધે રુદ્ર એ બીજાં દિવસની સફર બાદ પોતપોતાનાં અશ્વોને ત્યાં જ મૂકી દેવાની સૂચના પોતાનાં મિત્રોને આપી.. રુદ્ર ની વાત માની શતાયુ અને ઈશાને પણ ચાલીને આગળની સફર પુરી કરવાની તૈયારી બતાવી.. રુદ્ર એ એક સંદેશો ગુરુ ગેબીનાથ નાં નામે લખી એને પોતાનાં અશ્વ મેઘદૂત નાં ગળામાં બાંધી દીધો અને ત્યારબાદ એણે આંખોનાં ઈશારાથી જ મેઘદૂતને પાતાળલોક પાછું જવાં જણાવ્યું.

રુદ્ર ની વાત સમજતાં મેઘદૂતે આ સાથે જ પાતાળલોક તરફ પ્રયાણ કર્યું.. મેઘદૂત ની પાછળ-પાછળ શતાયુ અને ઈશાન નાં અશ્વ પણ પાતાળલોક તરફ અગ્રેસર થયાં.

રુદ્ર, શતાયુ અને ઈશાન હવે ચાલીને પ્રયાગરાજ સુધી નિયત સમયે પહોંચવું હોય તો અન્ય શ્રદ્ધાળુઓ સાથે જ ચાલવું જરૂરી હતું.. એ લોકોની માફક જ રાતે થોડું ખપપૂરતું સૂવું અને રાત્રી સમયે પણ ચાલવાનું મન હવે એ ત્રણેય મિત્રોએ બનાવી લીધું હતું. જેમ-જેમ રુદ્ર, શતાયુ અને ઈશાન પ્રયાગ તરફ આગળ વધી રહ્યાં હતાં તેમ-તેમ શ્રદ્ધાળુઓ ની જનમેદની વધે જ જતી હતી.

જાણે કીડીયારું ઉભરાયું હોય એ રીતે હજારો-લાખો લોકો પ્રયાગરાજ તરફ મહા મહાકુંભમેળામાં જવાં પૂર્ણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે આગળ વધી રહ્યાં હતાં.. આ જનમેદનીમાં સ્ત્રીઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં હાજર હતાં.

આખરે એ ત્રણેય મિત્રો કુંભમેળાનો પ્રારંભ થવાનો હતો એનાં આગળનાં દિવસે પ્રયાગરાજ આવી પહોંચ્યાં.. અહીં પહોંચતાં જ એ ત્રણેય મિત્રો એ જોઈ આભા બની ગયાં કે સાચેમાં એમને કુંભમેળા વિશે જે કંઈપણ સાંભળ્યું હતું એ સત્ય હતું.. લાખો લોકો, હજારો નાગા સાધુ અને મોટી સંખ્યામાં સેવાભાવી લોકો ને જોઈ રુદ્ર, શતાયુ અને ઈશાન વિસ્મયમાં મુકાઈ ગયાં. કુંભમેળામાં જેટલી મનુષ્યોની સંખ્યા હતી એટલી સંખ્યા માંડ આખાં પાતાળલોકની હશે એવું અનુમાન રુદ્ર એ લગાવ્યું.

ગંગા, જમના અને સરસ્વતી નદીનો સંગમ થતો હતો એ ત્રિવેણી સંગમ સ્થળ નજરે નિહાળી એ ત્રણેય મિત્રો ધન્યતા અનુભવી રહ્યાં હતાં.. સાથે-સાથે મનને શાંતિ આપનારાં આ પાવન સ્થળની મુલાકાત વર્ષોથી નિમલોકો નથી લઈ શક્યાં એનો વસવસો પણ એમને થઈ રહ્યો હતો.. રુદ્ર એ આ ત્રિવેણી સ્થળ ને જોઈ મનોમન સમસ્ત નિમલોકોને વચન આપ્યું કે "આવતાં કુંભમેળામાં બધાં નિમલોકોને પ્રવેશ કરવાનો હક પોતે અપાવીને જ રહેશે. "

નાગા સાધુઓનાં જમાવડા અને એ જમાવડા નાં લીધે ત્રિવેણી સંગમસ્થળે ઉત્તપન્ન થયેલો હર હર મહાદેવ નો નાદ વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યો હતો.. સમગ્ર પૃથ્વીલોકમાં મોજુદ બધાંજ સાધુ-સંતો મોટી સંખ્યામાં પ્રયાગરાજ આવી ચુક્યાં હતાં.. બીજાં દિવસે મકરસંક્રાંતિ નાં દિવસની સોનેરી સવાર થતાં ની સાથે જ આ પાવન અવસરની શરૂવાત થઈ જવાની હતી માટે મકરસંક્રાંતિનાં દિવસની આગળની રાત્રી ઠેકઠેકાણે ચાલી રહેલાં ભજન, કીર્તન અને ધૂન નાં લીધે ત્યાં હાજર કોઈને સુવા મળવાનું નહોતું એ નક્કી હતું.

રુદ્ર, શતાયુ અને ઈશાન માટે આ બધું એકદમ વિચિત્ર હતું.. પ્રથમ વખત પૃથ્વી પર આવવું અને એમાં પણ એક એવી પવિત્ર જગ્યાએ જ્યાં લાખો મનુષ્યો એક શ્રદ્ધાનાં લીધે એક પૌરાણિક કથા નાં લીધે આટલી મોટી સંખ્યામાં બધી જ તકલીફોને અવગણી કુંભમેળામાં ભાગ લેવાં આવી પહોંચતાં.

મધરાત પછી પણ એક પહોર વીતી ગયો ત્યારે ત્રિવેણી સંગમ સ્થળે થોડી શાંતિ થઈ.. આમ થતાં જ રુદ્ર, શતાયુ અને ઈશાન જ્યાં જગ્યા મળી ત્યાં પોતપોતાનાં સામાનની પોટલી માથે મુકીને સુઈ ગયાં.. એક રાજકુમાર થઈને પોતાનાં પ્રદેશનાં નિમલોકોનાં કલ્યાણ માટે રુદ્ર એક સામાન્ય મનુષ્યની માફક જમીન પર પણ ખુશી-ખુશી સુવા માટે તૈયાર થઈ ગયો હતો.. આ વાત એ દર્શાવવાં કાફી હતી કે રુદ્ર એક રાજા તરીકે રાજ સિંહાસન પર બેસવા તૈયાર છે.

સવાર થતાં જ લાખો લોકોનાં કોલાહલે વાતાવરણને ધબકતું કરી દીધું.. રુદ્ર, શતાયુ અને ઈશાન પોતપોતાનો સામાન ઉઠાવી હજારો લોકોની સાથે ત્રિવેણી સંગમ સ્થળે સ્નાન કરવાં પહોંચી ગયાં.. શ્વેત જળ ધરાવતી માં ગંગા, શ્યામ વર્ણ ધરાવતી યમુના અને એ બંને નદીની નીચે વહેતી સરસ્વતી નદી નો જ્યા સંગમ થતો ત્યાં કુંભમેળાનાં પ્રથમ દિવસે સ્નાનનો લ્હાવો મળવો એ સદનસીબની વાત છે એ ત્યાં ઉપસ્થિત દરેક પૃથ્વીવાસીનો ચહેરો જોઈને અત્યારે સમજવું સરળ હતું.

હજુ લોકો સ્નાન કરી રહ્યાં હતાં ત્યાં જ હાથમાં હથિયારધારી સૈનિકો મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યાં.. આવતાં વેંત જ એમને નદીમાં સ્નાન કરી રહેલાં હજારો લોકોને વહેલી તકે નદીમાંથી નીકળી કિનારાથી દૂર જતાં રહેવાની સલાહ આપી. ત્યાં શું થઈ રહ્યું હતું એ રુદ્ર, શતાયુ કે ઈશાનને સમજાઈ નહોતું રહ્યું.. શતાયુ એ આ સૈનિકો કોણ છે અને એમને બધાં લોકોને નદીમાંથી નીકળી કિનારાથી દૂર જતાં રહેવાની સલાહ કેમ આપી એવો પ્રશ્ન કર્યો.

જેનાં જવાબમાં એ વ્યક્તિએ નદીનાં પાણીમાંથી નીકળતાં નીકળતાં કહ્યું કે એ બધાં સૈનિકો રાજા અગ્નિરાજ નાં છે.. અને એ લોકો એટલાં માટે બધાંને કિનારાથી દૂર જવાનું કહે છે કેમકે થોડીવારમાં રાજકુમારી મેઘના અહીં સ્નાન માટે પધારી રહ્યાં છે.

આટલું કહી એ વ્યક્તિ પોતાની કિનારે પડેલી ધોતી ને બાંધી ત્યાંથી ચાલી નીકળ્યો.. એનાં જતાં જ શતાયુ અને ઈશાન પણ નદીમાંથી બહાર નીકળવા લાગ્યાં.. પણ એમને જોયું કે રુદ્ર હજુપણ નદીમાં પોતાની જગ્યાએ ઉભો હતો.

"ભાઈ, ચાલ જલ્દી અહીંથી નીકળીએ.. "રુદ્ર ને ઉદ્દેશીને શતાયુ બોલ્યો.

"તમે જાઓ.. હું પછી આવું છું.. "નદીમાં ડૂબકી લગાવતાં રુદ્ર બોલ્યો.

"તે સાંભળ્યું નહીં કે રાજકુમારી અહીં સ્નાન કરવાં આવે છે એટલે બધાંએ કિનારાથી દૂર જવાનું છે.. "ઈશાને રુદ્રને સંભળાય એમ મોટેથી કહ્યું.

"તમે બંને અત્યારે જાઓ.. મારી સામાનની પોટલી પણ જોડે લેતાં જજો અને આપણે રાતે જ્યાં સૂતાં હતાં ત્યાં જઈને મારી રાહ જોવો.. હું થોડીવારમાં આવું છું.. "રુદ્ર પાણીમાંથી ગરદન બહાર નીકાળી આટલું બોલ્યો અને પુનઃ પાણીમાં ગરકાવ થઈ ગયો.

રુદ્રએ જો ત્યાં રોકાવાનું નક્કી કરી જ લીધું હતું તો એને સમજાવવો વ્યર્થ હતો.. એ વિચારી શતાયુ અને ઈશાને કિનારે જઈ પોતાનાં વસ્ત્ર બદલ્યાં અને પોતાની તથા રુદ્રની પોટલી ઉઠાવીને કિનારાથી દૂર જવાની વાટ પકડી.. જતાં જતાં એ બંનેનાં મનમાં એક વિચાર સતત ઘૂમી રહ્યો હતો કે

"આખરે રુદ્ર કરવાનો શું હતો..? "

★★★

વધુ નવાં અધ્યાયમાં.

રુદ્ર કેમ ત્યાં રોકાયો હતો. ? રુદ્ર નું નદીમાં જ રોકાઈ જવું કોઈ નવી મુસીબત ને તો નિમંત્રણ નહોતું આપવાનું ને..? શું રુદ્ર અને એનાં મિત્રો મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એ જાણી શકશે. ? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED