પિતૃસત્તાક સમાજ ની વરવી વાસ્તવિકતા
#Gender_effect
હા... આજે બાળદિવસ છે અને બધા બાળકો ને ખાસ છોકરાઓ ને થોડીક વાતો કહેવી છે. આયુષ્યમાન ખુરાના નો વિડીયો જોયો. જેમાં જે ટોપિક ની વાત છે તે વાત ને મારે પણ થોડા વિસ્તાર પૂર્વક એક દીકરાની માતા તરીકે તમારા લોકો સમક્ષ મૂકવી છે. આપણે એમ કહીએ છીએ કે છોકરા છોકરી વચ્ચે હજી સમાનતા નથી. ત્યારે પિતૃસત્તાક સમાજ ની અસર માત્ર એક જ જાતિ પર ન પડે સ્ત્રી અને પુરુષ બંને જાતિ ને અલગ અલગ રીતે એ સહન કરવું જ પડે છે. Genderની સાચી વ્યાખ્યા છે કે "વ્યક્તિ ને સમાન હકો મળવા, સમાન તકો મળવી, એનો ઉછેર સમાન દ્રષ્ટિકોણ થી થવો" પણ આપણે તો ત્રાજવામાં એક તરફ જ વજન વધાર્યા રાખીએ છીએ ત્યારે સ્ત્રી તરફ નું પલ્લું વધુ જ નમશે ને, આપણે નાનપણ થી છોકરા ઉપર વિવિધ શબ્દો થી ભાર કરી દઈએ છીએ અને એટલે પછી એ એટલો દબાઈ જાય છે કે સમાનતા તો દૂર રહી દૂર સુધી સાથે પણ નથી થઈ શકતો.
અત્યારના સમય મુજબ દીકરી હોવું ગર્વ ની વાત છે પણ દીકરો હોવું કોઈ પાપ નથી. બાળ દિવસે બીજું કંઈ ન કરો તો કંઈ નહિ માત્ર નીચે આપેલ વાતો ધ્યાનમાં રાખી તમારા દીકરા સાથે વર્તન કરશો તો પણ આ દિવસ ની ઉજવણી થઇ ગઇ જ ગણાશે.
* દીકરો રોવે ત્યારે ક્યારેય એમ ન કહો કે શું છોકરી ની જેમ રોવે છે. રડવું એ સામાન્ય વાત છે એ લાગણી જાહેર કરવાની જ એક રીત છે અને તેમાં કોઈ એક જાતિ નો અધિકાર નથી
*દીકરાને ઢીંગલી સાથે રમવું ગમે તો પરાણે બેટ, બોલ ગન કે કાર જેવાં બીજા રમકડાં ન પકડાવો. ઢીંગલી સાથે રમવા થી દીકરો નબળો નહી બની જાય.
*શારીરિક ક્ષમતા દરેક ની અલગ અલગ હોય કદાચ કોઈ કારણોસર શારીરિક ક્ષમતા ઓછી જણાય તો એને છોકરી જેવો નબળો છો જેવા શબ્દો થી ન નવાજો. માત્ર શારીરિક રિસ્ક લેવા કે ખોટા વજન ઊંચકવા થી પુરુષ નથી બનાતું.
*ડર લાગવો એક સામાન્ય વાત છે તે અંધારા નો હોય કે ગરોળી કે વાંદાનો કે ભૂત નો એને છોકરો થી બિવે છે એવું ક્યારેય ન કહેવું.
*કોઈ કામ નથી થતું તો સ્વીકારતા શીખવાડો દરેક વ્યક્તિ સર્વગુણ સંપન્ન ન જ હોય.
*ના પાડતાં શીખવાડો .
* છોકરો થઈ પિંક કલર નું પહેરે કે તે કલર ને પસંદ કરે તો જ્જમેટલ ન થઈ જવું.
*ઘરકામ કરવું કે રસોઈ કરવી એ બંને ની જવાબદારી છે એમાં સ્ત્રી અને પુરુષ ને વિભાજિત ન કરો. સ્ત્રી જેમ નોકરી કરી આર્થિક સપોર્ટ કરે તો છે એમ જ પુરુષે સાથે રહી ઘરકામ માં સ્ત્રી નો સપોર્ટ કરવો જ જોઈએ.
*વાગે, પડે કે છોલાય જાય તો મર્દ છો તને દર્દ ન થાય ની ખોટી વાતો ન કરવી સાચો મર્દ કોઈ ને દર્દ ન આપે તે શીખવાડવું
*સ્ત્રી નું સન્માન અને દરેક વ્યક્તિ પ્રત્યે આદર કરતાં શીખવાડી દેશો તો આ સમાનતા ની રેસમાં દોડવું નહીં પડે.(#MMO)
ટુંકમાં જવાબદારી થી લઇ દરેક ફરજો કે હકો બંને ના છે. લાગણી હોય કે માંગણી બંને સરખાં ભાગે જ વહેંચાશે. તો જ સાચી સમાનતા આવશે. દરેક સિક્કા ની બેય બાજુ નું મહત્વ સરખું જ હોય છે.
ખાસ વિડિયો જોજો... બહુ જ સરળ શબ્દો માં એક પુરુષ ની તકલીફ ને વાચા આપી છે