VISHAD YOG - 48 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ-48

નિશીથ જ્યારે તેના રુમ પર પહોંચ્યો ત્યારે બધાજ તેની રાહ જોઇને બેઠા હતા. નિશીથ જઇને બેઠો એટલે કશિશે કહ્યું “ બોલ શું વાત થઇ? તેને તારી પાસે શું કામ હતું?” આ સાંભળી નિશીથ એક મિનિટ ખચકાયો. કશિશ સામે ખોટું બોલતા નિશીથની જીભ ઉપડતી નહોતી. જ્યારે પ્રેમ સાચો હોય છે ત્યારે વિશ્વાસ અને વફાદારીનું વજન તે સંબંધમાં સ્પષ્ટ જોઇ શકાય છે. નિશીથ અને કશિશના સંબંધમાં પણ આ બંને વસ્તું સ્વાભાવિક રીતેજ ઉમેરાઇ ગઇ હતી. નિશીથ કશિશને પહેલી વાર ખોટું કહેવા જઇ રહ્યો હતો એટલે તેનું દિલ દુભાઇ રહ્યું હતું પણ સાથેજ નિશીથને કશિશની ફિકર પણ એટલીજ થતી હતી. નિશીથે મનોમનજ વિચાર્યુ કે હું જે પણ કરી રહ્યો છું તે કશિશની ભલાઇ માટેજ કરી રહ્યો છું. નિશીથે મન મક્કમ કરી કહ્યું “ તે માણસતો તેની પર્શનલ દુશ્મનીમાં મારો ઉપયોગ કરવા માગે છે. તે પેલો ખજાનો ડુંગરમાંથી બીજે લઇ જવામાં કૃપાલસિંહની સાથે હતો. તેમાંથીજ તેને સુર્યગઢના રાજ ઘરાના સાથે કોઇ દુશ્મની ઊભી થઇ છે, તેમા તે મારો ઉપયોગ કરવા માગે છે. મે તેને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. તેને અને કૃપાલસિંહને વર્ષો પહેલા દુશ્મની થઇ હતી તેને લીધે તે તેની સાથે બદલો લેવા માગે છે પણ તે માણસ જાણતો નથી કે કૃપાલસિંહ કોણ છે? એટલે મે તેની વાત સાંભળીને સ્પષ્ટ કહી દીધુ કે મને તારા પ્લાનમાં કોઇ રસ નથી. હવે આમ પણ હવે મને છેલ્લે પેલા ડુંગરવાળા સ્વપ્ન પછી કોઇ સંકેત મળ્યો નથી એટલે જોઇએ જો એકાદ બે દિવસમાં કંઇ નવું ના બનેતો આપણે હવે અહીથી જતા રહેશું.” નિશીથ આટલું બોલી બધાનો પ્રતિભાવ સાંભળવા રોકાયો. પણ તેણે જેવું કશિસ સામે જોયું એ સાથેજ તેને સમજાઇ ગયું કે કશિશ તેની વાતમાં શક થઇ ગયો છે. તે હજુ કંઇ વિચારે ત્યાંજ કશિશે કહ્યું “મને એવું કેમ લાગે છે કે તું અમારાથી કંઈક છુપાવે છે?” આ સાંભળી નિશીથ થોડો મુંજાઇ ગયો પણ તરતજ તેણે હસતાં હસતાં કહ્યું “કારણ કે તું પણ હવે પેલી શક કરવાવાળી પ્રેમિકા જેવી થઇ ગઇ છો. અરે હું શું કામ કઇ છુપાવું? જે છે તે તો તમને કહી દીધું. મને તેની વાતમાં બહું રસ પડ્યો નહીં એટલે પછી મે તેની સાથે વધુ ચર્ચા કરી નહીં.” આ સાંભળી નૈનાએ કહ્યું “જો કશિશ આમપણ નિશીથ કહે છે તે વાત સાચી છે. આપણે તો અહીં સ્વપ્નનું રહસ્ય જાણવા માટેજ આવ્યાં હતાં. બીજા કોઇની મેટરમાં શું કામ પડવું જોઇએ?” આ સાંભળી કશિશે કહ્યું “એ તો હું પણ માનું છું. પણ હમણા સુધી અહીંથી કોઇ પણ હિસાબે જવા તૈયાર નહી થનારો નિશીથ અચાનક પાછા ફરવાની વાત કરે તો શક તો જાયજ ને?”

આટલું બોલી તે નિશીથની આંખમાં જોઇ બોલી “આમપણ મને તેની આંખોમાંથી જ દેખાય છે કે તે જરૂર કંઇક છુપાવે છે?” આ સાંભળી નિશીથ ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે મે તો પુરો પ્રયત્ન કર્યો હતો કે મારા હાવભાવમાં કોઇ ફેરફાર ન થાય તો કશિશને શું એવું દેખાયું? પણ આ વિચારને બાજુ પર મુકી નિશીથે હસીને કહ્યું “અરે પણ હું કંઇ છુપાવતો નથી અને હું શું કામ કંઇ છુંપાવું?” તે હજુ કંઇ કહેવા જાય ત્યાં કશિશના મોબાઇલમાં રીંગ વાગી એ જોઇ નિશીથને રાહત થઇ. કશિશે મોબાઇલ ઉઠાવ્યો અને વાત કરવા લાગી. નિશીથ જાણતો હતો કે સામે કોણ છે અને શું વાત થઇ રહી છે. થોડીવાર વાત કર્યા બાદ કશિશે ફોન મુકી દીધો અને પછી બોલી “દિશાનો ફોન હતો. જિજાજીને ડ્યુટી માટે બે ત્રણ દિવસ બહાર જવાનું છે એટલે તે મને ત્યાં આવવા માટે કહી રહી છે. પણ.” આટલું બોલી તે રોકાઇ એટલે નિશીથે કહ્યું “જો મારુ માનેતો તું ત્યાં જા. બે ત્રણ દિવસ પછી હું પણ અહીંથી નિકળી જઇશ.”

“ના યાર તને એકલો છોડીને મારુ જવાનું મન નથી થતું.” કશિશે કહ્યું.

“હવે એ કંઇ નાનો કીકલો નથી કે તારા વિના બે દિવસ પણ નહીં કાઢી શકે. અને હું તો કહું છું કે બિચારાને બે ત્રણ દિવસ તો છુટો રહેવા દે નહીંતર પછી તારાથી કંટાળી જશે.” નૈનાએ હસતાં હસતાં કહ્યું.

“જો કશિશ હવે અહી લગભગ કંઇ કરવાનું રહેતું નથી. હું મારા મનના સમાધાન માટે બે ત્રણ દિવસ રોકાવા માંગુ છું અને મારી સાથે સમીર અને રોમેશભાઇ તો છેજ એટલે ચિંતા કરવા જેવું કશું નથી. તું તારે દિશા પાસે બે ત્રણ દિવસ રોકાઇ આવ ત્યાં સુધીમાં હું પણ રાજકોટ આવી જઇશ.” નિશીથે કહ્યું.

બધા તેને કહેતા હતા છતા કશિશનું મન માનતું નહોતું તેને હજુ એવું જ લાગતું હતું કે નિશીથ તેનાથી કંઇક છુપાવી રહ્યો છે. છોકરીઓની સિક્થ સેન્સ જોરદાર હોય છે થોડામાં ઘણું સમજવાની જે સુજ છોકરીઓમાં હોય છે તે ભાગ્યેજ છોકરાઓમાં જોવા મળે છે. નિશીથના હાવભાવ અને આંખ પરથીજ કશિશને અંદેશો આવી ગયો હતો કે તે જરુર કંઇક છુપાવે છે એટલે જ તે જવા માટે હિચકિચાટ અનુભવતી હતી. આ જોઇ નિશીથ ઉભો થયો અને કશિશ પાસે જઇને બેઠો અને કશિશનો હાથ પોતાના હાથમાં લઇ બોલ્યો “જો કશિશ જિદગીમાં એવા ઘણા મોડ આવે છે જ્યાં દિલ અને દિમાગ બંને જુદી જુદી દિશામાં વિચારે છે. આવા સમયે નિર્ણય લેવો ખુબ અઘરો બની જાય છે. અત્યારે તારી હાલત એવીજ છે.હું તારી પરિસ્થિતી અને મારા પ્રત્યેની લાગણીને સારી રીતે સમજુ છું પણ તું ચિતા નહીં કર. હું ત્રણ ચાર દિવસમાં રાજકોટ આવી જઇશ. તું દિશા પાસે જા. તારી અને નૈનાની બંનેની ટીકીટ હું બુક કરાવી આપુ છું.” નિશીથની વાત સાંભળી કશિશ જવા માટે એગ્રી થઇ અને કહ્યું “પણ તું મારાથી કંઇ છુપાવતો તો નથીને? તું પહેલા મને એ પ્રોમિશ આપ કે બે દિવસમાં રાજકોટ આવીશ” આ સાંભળી નિશીથે કહ્યું “ના હું અહીથી સીધો અમદાવાદ દિશાની ઘરે જ આવીશ ત્યાંથી આપણે સાથે રાજકોટ જઇશું. બસ” આ સાંભળી કશિશ નિશીથને વળગી પડી. આ જોઇ નૈનાએ કહ્યું “ઓય અમે બધા અહીં બેઠા છીએ એ તો યાદ છે ને?” આ સાંભળી બધાજ હસી પડ્યાં.

તે દિવસેજ કશિશ અમદાવાદ અને નૈના રાજકોટ જતી રહી.

તેના જતાજ નિશીથે સમીર અને રોમેશ બંનેને બેસાડી આખો પ્લાન સમજાવ્યો અને પછી પ્રશાંતને ફોન કરી કહ્યું “અમે સાંજે પેલી હોટલ પર આવી જઇશું. હવે તમે કહો ત્યારે પ્લાન અમલમાં મુકી દઇએ.”

-----***************------------***********--------------********-------------*******------------

વિલીએ બધુજ કલેકશન કરી લીધુ હતું કુલ 150 કરોડ રુપીયા તેની કારની ડીકી અને પાછળી સીટ પર પેકેટમાં બાંધી અને બોક્સ ભરેલા હતા. વિલીએ બધા પાસેથી બે હજારની નોટનોજ આગ્રહ રાખેલો હતો એટલે તેની કારમાં આટલી મોટી રકમ સમાઇ શકી હતી. વિલીને કોઇ પણ કામ એકદમ ગુપ્તતાથી કરવામાંજ મજા આવતી, એટલે આ કામ પણ તે બધાજ કામની જેમ એકલો અને ગુપ્ત રીતે પતાવવા માંગતો હતો. તેથીજ તેણે કોઇ જાતની સુરક્ષાની વ્યવસ્થા કરી નહોતી. તેની પાસે હંમેશા એક અત્યાધુનિક રીવોલ્વોર રહેતી તેનું તેની પાસે લાઇસન્સ પણ હતું. અને આવી જ બીજી લાઇસન્સ વિનાની પીસ્તોલ તે કારમાં રાખતો. આજ તેની સુરક્ષા હતી. અત્યાર સુધીમાં વિલીએ આવા કંઇ કેટલાય કામ એકલે હાથે પાર પાડેલા એટલે તેને આ પિસ્તોલ અને પોતાની જાત પર પુરો વિશ્વાસ હતો. અને સાથે તેને પોતાની બુધ્ધી અને કૃપાલસિંહના પાવરનું પણ અભીમાન હતું. તે એવુજ સમજતો હતો કે કોની મજાલ છે કે મને હાથ અડાડી શકે. પણ કહેવાય છેને કે અભીમાન કોઇનું ટકતુ નથી. કુદરતે વિલીનું પણ અભીમાન ઉતારવાનું અને તેના કર્મોનો હિસાબ કરવાનો પ્લાન ગોઠવી દીધો હતો. બધાજ ખેલાડીઓ પોતપોતાનું સ્થાન લઇને ગોઠવાઇ ગયાં હતાં. કુદરત સ્ટાર્ટનું સિગ્નલ આપે એટલે એક ખતરનાક ખેલ શરુ થવાનો હતો. વિલીએ હોટલ પર જઇને કૃપાલસિંહને ઓલ ઓકેનું સિગ્નલ આપી દીધું અને કાલે આવી જઇશ એવી જાણ કરી દીધી. અને પછી ત્યાંથી સુર્યગઢ જવા નિકળી ગયો. આ બાજુ કૃપાલસિંહે પણ સિગ્નલ મળતા તેના ચક્રો ગતિમાન કરી દીધા. જે પણ એમ.એલ.એને ફોડવાના હતા તે બધાની સાથે મિટીગો ગોઠવી અને બધાને જુદી જુદી રકમો નક્કી કરી દીધી. હવે તે બધા પૈસા મળે એટલે પક્ષ પલટાની જાહેરાત કરી દે એવી ગોઠવણી થઇ ગઇ. સાથે સાથે કૃપાલસિંહે ઇલેક્શન જિતે એટલે ડેપ્યુટી સી.એમનું પદ પોતાને મળે અને નાણા મંત્રાલય તેના હસ્તક રહે તે માટે પણ સોગઠા ગોઠવવા માંડ્યાં. જો કૃપાલસિંહનુ આયોજન સફળ થઇ જાય તો કૃપાલસિંહનું સ્થાન પાર્ટીમાં ટોપ પર આવી જાય એમ હતું અને એટલેજ તે બધીજ રીતે પોતાની બાજી ગોઠવી રહ્યો હતો. પણ કુદરતને કંઇક અલગજ મંજુર હતું. હવે બે દિવસમાં એવી ઘટના બનવાની હતીકે જેનાથી કૃપાલસિંહના અને ગુજરાતના રાજકારણમાં એક ભુકંપ આવી જવાનો હતો.

આ બાજુ પ્રશાંત કામત પણ હવે તેના પ્લાનને આખરી ઓપ આપી રહ્યો હતો. વિરમની વાડીના અંડરગ્રાઉન્ડ રુમની સ્થિતી અત્યારે વોર રુમ જેવી હતી અને સાચેજ ત્યાં જંગ થવાનો હતો.

‌‌‌‌‌‌‌‌‌‌------------#####------------#######--------------#######-------------######------------

સુરસિંહ અને વિરમ અનાથાશ્રમમાં બેસી વાત કરી રહ્યા હતા. વિરમથી હવે આ પરિસ્થિતિ સહેવાતી નહોતી. તેણે વિચાર્યુ કે આ વાત સુરસિંહને કરવી જોઇએ કદાચ આમાંથી નિકળવાનો તે કોઇ ઉપાય બતાવે. આમપણ જ્યારે માણસને ડર લાગે છે ત્યારે તે હંમેશા કોઇની પાસે દિલ ખોલી ને તેનો ઉકેલ મેળવવા મથે છે. આમા બે ફાયદા થાય છે એકતો બીજાને કહેવાથી દિલ હળવું થાય છે અને બીજુ કોઇક તેને ઉકેલ સુચવશે અથવા તો કોઇક તેની સાથે છે તેવો અહેસાસ તેને હિંમત રાખવા માટે બળ પુરુ પાડે છે. અત્યારે વિરમની હાલત પણ આવીજ હતી તેના પર આવેલ મુશ્કેલીમાંથી સુરસિંહ કદાચ કઇક રસ્તો બતાવશે એવી આશાએ તેણે બધીજ વાત સુરસિંહને કહી દીધી. વિરમની વાત સાંભળી સુરસિંહ પણ એકવાર તો ચોંકી ગયો પણ પછી તેણે વિરમની હાલત જોઇ પોતાની જાત પર સંયમ રાખ્યો. સુરસિંહ જાણતો હતો કે વિરમને તેના પર ઘણો વિશ્વાસ છે. જો તેજ ડરી જશે તો વિરમની હાલત વધારે ખરાબ થઇ જશે.

એટલે સુરસિંહે હિંમત રાખી કહ્યું “જો વિરમ તું જ કહે છે કે માણસો ખતરનાક લાગે છે અને તેની તૈયારી પણ પુરી છે. તો પછી આપણી પાસે એકજ રસ્તો રહે છે કે તેને તેની રીતે જે કરે છે તે કરવા દેવું પણ, આપણે તેમાં કોઇ પણ પ્રકારે સંડોવાઇ જઇએ નહીં તેનું ધ્યાન રાખવું. મારું માનવું છેકે તું પોલીશ કમ્પ્લેઇન કરી દે કદાચ તેના ડરે તે લોકો તારી ઓરડી છોડી દે.” આટલું બોલી પછી સુરસિંહ થોડુ રોકાયો અને પછી બોલ્યો “પણ આમા પણ જોખમ તો છે જો પોલીશ તેની સાથે ભળેલી હોય અથવા તે રુપીયા લઇ પોલીશને ફોડી નાખે તો પછી તારા માટે જોખમ વધી જાય, કેમકે એકવાર તેને ખબર પડી જાય કે, તું તેની વિરુધ કામ કરવા માગે છે તો તે પછી તને કોઇકાળે છોડે.” આટલી વાત કર્યા પછી સુરસિંહને વિરમની દયા આવી એટલે તેણે કહ્યું “તું ચિંતા નહીં કર, હું તારી સાથેજ છું. તું હમણા બે ત્રણ દિવસ અહીંજ રહે.” આ સાંભળી વિરમે કહ્યું “તારો ખુબ ખુબ આભાર યાર. પણ તે લોકો મને મળવા બોલાવશેતો હું શું કરીશ?” આ સાંભળી સુરસિંહે કહ્યું “ચિંતા નહીં કર જો એવું થશે તો હું તારી સાથે આવીશ.” તે લોકો હજુ કંઇ વાત કરે ત્યાં વિરમનો ભય સાચો પડતો હોય તેમ તેના મોબાઇલની રીંગ વાગી. મોબાઇલની સ્ક્રીન પર દેખાતો નંબર જોઇ વિરમ ગભરાઇ ગયો અને બોલ્યો “તેનો જ ફોન છે.” આ સાંભળી સુરસિંહે કહ્યું “કોઇ વાંધો નહીં. તું ફોન ઉપાડ અને મળવાનું કહે તો કહી દેજેકે મારો એક મિત્ર સાથે આવશે.” આ સાંભળી વિરમને થોડી રાહત થઇ અને તેણે ફોન ઉચક્યો. સામે પ્રશાંત કામત હતો તેણે કહ્યું “ જો અનાથાશ્રમમાં બેસી વાતો પછી કરજો તમારે બંનેએ પૈસા કમાવા હોય તો હું કહું તે પ્રમાણે કામ કરવાનું છે. બે દિવસમાં બે લાખ રુપીયા મળી શકે એમ છે. જો ઇચ્છા હોય તો પાંચ મિનિટ પછી આ નંબર ઉપર રીંગ મારજો નહીંતર પછી કામ બીજાને સોપી દઇશ.” આ સાંભળી વિરમ હજુ કંઇ કહેવા જાય ત્યાંતો ફોન કટ થઇ ગયો. વિરમ થોડી વાર તો શુન્યમનસ્ક બેસી રહ્યો. તેને આમ બાઘાની જેમ બેઠેલો જોઇને સુરસિંહે પુછ્યું “એલા શું કહ્યું તેણે? કેમ આમ સાપ સુંઘી ગયો હોય તેમ બેઠો છે.” આ સાંભળી વિરમે સુરસિંહ સામે જોયું અને બોલ્યો “તે આપણા પર નજર રાખે છે. તેને ખબર છે કે અત્યારે હું તારી સાથે બેઠો છું.” આ સાંભળી સુરસિંહ પણ થોડો ડરી ગયો. અત્યાર સુધી તેને એમ લાગતું હતું કે વિરમ ખોટો વધુ પડતો ડરી ગયો છે. પણ આ વાત સાંભળી તેને પણ સમજાઇ ગયું કે આ જે માણસો છે તે પુરા પહોંચેલા છે. તેની સાથે કામ પાર પાડવું સહેલું તો નહીંજ હોય. થોડીવાર વિચારી તેણે પુછ્યું “તેણે તને બીજુ શું કહ્યું?” આ સાંભળી વિરમે કહ્યું “તે આપણી પાસે કોઇ કામ કરાવવા માંગે છે. અને તેના બદલામાં બે લાખા રુપીયા આપવાની ઓફર આપી છે.” આ સાંભળી સુરસિંહ પણ વિરમની જેમ જ ચોંકી ગયો અને બોલ્યો “શું વાત કરે છે? એવું તે શું કામ છે કે તેના બદલામાં આવડી મોટી ઓફર આપી છે?”

“એ કંઇ તેણે કહ્યું નથી તેણે માત્ર એટલુંજ કહ્યું છે કે તમારી ઇચ્છા હોય તો પાંચ મિનિટમાં આ નંબર પર ફોન કરજો નહીંતર હું આ કામ બીજાને આપી દઇશ.” આ સાંભળી સુરસિંહ વિચારમાં પડી ગયો માત્ર બેજ દિવસના કામના બે લાખ રુપીયાની વાત સાંભળી સુરસિંહની ડાઢ સણકી હતી. તે વિચારવા લાગ્યો કે જો આ કામ થઇ જાય અને એક લાખ તેના ભાગમાં આવે તો થોડો સમય શાંતીથી પસાર થઇ જાય પછી તેને કોઇ બીજી માથાકુટ કરવી ન પડે.આમ પણ હમણા તેનો હાથ બંધાયેલો હતો. તેને મળતા પગારમાંથી ખાવાનો ખર્ચ તો નિકળી જતો હતો પણ પિવાનો મેળ પડતો નહોતો. આ લાખ રુપીયાની વાત સાંભળી તેને સામેજ દારુની બાટલી દેખાવા માંડી અને દારુની તલબ જોર પકડવા માંડી. તેણે થોડો વિચાર કરીને ધીમેથી વિરમને કહ્યું “જો વિરમ બે દિવસના બે લાખ રુપીયા કંઇ નાની રકમ નથી. મને લાગે છે આપણે એક વાર શું કામ કરવાનું છે તે જાણી લેવું જોઇએ. પછી બીજો કોઇ મામુલી કામના બદલામાં બે લાખ રુપીયા લઇ જાય અને આપણને અફસોસ થાય તેવુ ન થાય.” આ સાંભળી વિરમે કહ્યું “પણ તમે એ કેમ ભુલી જાવ છો કે આ લોકો બહું પહોચેલી માયા છે. તે આપણને ક્યાંક ફસાવી દેશે તો ભારે પડી જશે.” આ સાંભળી પહેલાતો સુરસિંહને વિરમના ડરપોક સ્વભાવ પર ગુસ્સો આવ્યો પણ પછી તરતજ તેણે વિરમને સમજાવતા કહ્યું “પણ આપણે ક્યાં સીધુ કામ કરી નાખવું છે. જો કોઇ જોખમવાળું કામ હશે તો ના પાડી દેવાની. તું વિચાર કે બે દિવસમાં આપણને બે લાખ રુપીયા કોણ આપે? તેના બદલામાં તો થોડુ જોખમ ઉઠાવવું પડે તો પણ શું વાંધો છે?” સુરસિંહની વાત વિરમને પણ સમજાતી હતી તેની હાલત પણ સુરસિંહથી કંઇ વધુ સારી નહોતી પણ તેને ડર લાગતો હતો. તે દલીલ કરવા જતો હતો પણ ત્યાં સુરસિંહે તેને કહ્યું “જો વિરમ ડરીને કંઇ નહી મેળવી શકાય. એક્વાત સમજી લે સીધા કામના કોણ આટ્લા રુપીયા આપે અને આપણે ક્યાં આવુ પહેલું કામ કરીએ છીએ. છતા તારી ઇચ્છા ન હોય તો તું મારુ નામ આપે દે કે હું તેનું કામ કરવા તૈયાર છું.” આ સાંભળી વિરમને પણ લાગ્યુંકે સુરસિંહની વાત સાચી છે. તે લોકો એ ભુતકાળમાં ઘણા આવા ખોટા કામ કર્યા હતા. વિરમને પણ હવે બે લાખની રકમનું મુલ્ય સમજાવા લાગ્યું એટલે તેણે કહ્યું “સારુ ચાલ ફોન કરીને હા પાડી દઉં પણ કોઇ મોટૂં જોખમ હશે તો આપણે કામ નહીં કરીએ.” સુરસિંહે તેને હા પાડી એટલે વિરમે ફોન કરી પ્રશાંતને હા પાડી દીધી અને પછી પ્રશાંતે તેને સુચના આપી તે સાંભળવા લાગ્યો..

--------********-------------**************----------------*************---------------------

વિલીએ સુર્યગઢ પહોંચી બીજા દિવસે નીકળવાની બધી તૈયારી કરી લીધી. તેણે વિચાર્યુ કે સવારે નવ વાગે નિકળીશ તો લગભગ બે ત્રણ વાગની આજુબાજુ અમદાવાદ પહોંચી જઇશ. પણ આ વિચારતી વખતે વિલીને ખબર નહોતી કે આ વખતે તે જેટલું ધારે તેટલી સહેલાઇથી તે અમદાવાદ પહોંચી શકવાનો નથી. કાલનો દિવસ વિલીની જિદગીનો સૌથી ખરાબ દિવસ થવાનો છે.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે.જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED