ક્રમશ:
અત્યારે તેઓ " આગે કુઆ પીછે ખાઈ " જેવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. તેમનો સામાન તો ઓલરેડી બીજી તરફ હતો. દરેક જણ એક બીજા સાથે બંધાયેલા હતા, આથી બીજાને બચાવી શકે. જો કોઈનો પગ લપસે અને બેલેન્સ છૂટે તો ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈથી નીચે પડે.પણ તેમ છતાં હિમ્મત હાર્યા વગર તેઓ આગળ વધ્યા...!
બીજી એક મુસીબત એ થઈ કે ચાલતા-ચાલતા સુઝેનનો પગ મચવાઈ ગયો. તે દર્દથી ચીખવા માંડી. થોડીવાર તેઓ ત્યાંજ ઉભા રહ્યા. પછી ધીમે-ધીમે ચાલવાનું શરુ જ કર્યું હતું કે જોરદાર પવન ફૂંકાયો અને સુઝેનનો પગ લપસવાથી તે નીચેની તરફ ઢસડાઈ. તેના વજનથી દરેક જણનું બેલેન્સ ગબડ્યું અને તેઓ પણ નીચેની તરફ ઢસડાયા. સુઝેન પર્વતના ઢોળાવની એકદમ નજીક પહોંચી ગઈ. અલબત્ત તેના પગ ઢોળાવની બહાર હતા. તેણે મજબુતીથી બરફકુહાડી બરફમાં ખુંપાવી રાખી હતી ,આથી બચી ગઈ. પણ કુદરત આજે તેમની સાથે રમત કરવાના મૂડમાં હતા. ફરી પવનની જોરદાર લહેર સાથે તે નીચેની તરફ ઢસડાઈ અને નીચેની તરફ લટકી ગઈ. તેણે જોરજોરથી ચીસા-ચીસ કરી મૂકી, અને પોતાની આંખો બંધ કરી દીધી. કોઈ કઈપણ કરી શકે તેમ ન હતું. થોડીવાર પછી પવન ફૂંકાતો બંધ થયો ત્યારે હજુ તે ચઢવાં જ જતી હતી ત્યાં તેની નજીક બરફ પીગળ્યો( જોરદાર પવનથી ઘણોખરો બરફ ઉડી ગયો હતો ) અને તેની અંદરથી એક ઇન્સાનની લાશ નીકળી. તે સીધો જ સુઝેન તરફ પડ્યો. તેના હાથમાં એક થેલી હતી, તે સુઝેનના પગ પર અટકી ગઈ, અને તે લાશ હજારો ફુટ નીચે પડી. સુઝેનની હાલત ખરાબ થઈ ગઈ.
માણસ કલ્પના પણ ન કરી શકે કે હજારો ફુટ ઉંચી પહાડી પર બરફમાં દફનાયેલી કોઈ લાશ હશે...!. લગભગ ૧૫- ૨૦ દિવસથી તે લાશ ત્યાં હોવી જોઈએ. આમતો બરફમાં દફન હોવાથી તેની લાશ સડી ન હતી....!. ઉપર લટકેલ કોઈને પણ તેની જાણકારી ન હતી. કારણ કે સુઝેન ઢોળાવથી નીચે હતી. તેણે ચીખવાનું શરુ કર્યું....!
સુઝેન : બચાઓ...પ્લીસ, સમબડી હેલ્પ મી.....!
લુસા તેની સૌથી નજીક હતો. તેણે સુઝેનને બચાવવાનો પ્રયાસ શરુ કરી દીધો. તે ધીરે-ધીરે નીચેની તરફ વળ્યો ,તેણે પોતાનો હાથ લંબાવ્યો.
લુસા : નીચે મત દેખના સુઝેન...અપના હાથ દો મુજે....!
આ બધામાં એક બીજી ઘટના બની હતી જેની લુસા સિવાય કોઈને જાણ ન હતી. અલબત્ત સુઝેનને થોડો અંદેશો આવી ગયો હતો. જયારે તે અજાણ્યા પુરુષની લાશ નીકળી , ત્યારે લૂસાની ઘડિયાળ માંથી સૌથી વધુ સિગ્નલ આવી રહ્યા હતા. અને તે લાશ પડી ગયા પછી તે સિગ્નલ બંધ થઈ ગયું હતું. તેના હાથમાંથી છટકેલી થેલી અત્યારે સુઝેનના પગમાં બાંધેલા ક્રેમપૉન્સ પર અટકી ગઈ હતી. સુઝેને પોતાની આંખ ખોલી, અને નીચે નજર કરી...થેલી પ્લાસ્ટિકની હોવાથી સાફ- સાફ જોઈ શકાતી હતી. તેમાં યાર્સાગુમ્બા ના હજારો બીજ હતા. તે માણસ બીજ લઈને આવતો હશે અને અહીં બરફમાં દફન થઈ મૃત્યુ પામ્યો હશે તેવું સુઝેને વિચાર્યું....!
દરેક જણે રસ્સી છોડી દીધી હતી, અને બરફકુહાડીના સહારે લટકી રહ્યા હતા. જેથી સુઝેન પર ઓછો દબાવ આવે, અને તે ઝડપથી ઉપર આવી શકે. સુઝેને યાર્સાગુમ્બા થી ભરાયેલી થેલી લુસાને આપી, લુસાએ તે પોતાની કમરમાં ખોસી, અને સુઝેન તરફ હાથ લંબાવ્યો.સુઝેને પણ તેની તરફ હાથ લંબાવવા ગઈ ત્યાં સુધીમાં તેને પોતાનો હાથ પાછો ખેંચી લીધો....!. પછી સુઝેન સામે જોયું. સુઝેન ચોંકી ગઈ. તેના ચહેરા પર એક ઝેરી મુસ્કાન હતી. તે સમજી ગઈ હતી કે લુસા બીજની લાલચમાં અહીં આવ્યો હતો...!. આની ફક્ત લુસા અને સુઝેનને જ ખબર હતી. બાકી લોકોને તો તેઓ બરાબર દેખાતા પણ ન હતા. લુસના હાથમાં અત્યારે બીજ આવી ગયા હતા, તેને સુઝેનની કોઈ જરૂર ન હતી. તેણે પોતાની અને સુઝેન સાથે બાંધેલ દોરી કાપવા માટે હાથ લાંબો કર્યો. સુઝેન માટે હવે બે ઘડીનો ખેલ બચ્યો હતો. તેણે પોતાની બરફકુહાડી, જેના ભરોસે પોતે લટકી રહી હતી, તે લુસા દોરી કાપવા ગયો તેની પહેલા લુસાના કમરે બંધાયેલ થેલી પર મારી. બરફકુહાડી બરાબર થેલીના નાંકે લાગી, અને થેલીના બધાજ બીજ નીચે ખાઈમાં પડ્યા...!. એજ ક્ષણે દોરી પણ તૂટી ગઈ અને અને સુઝેન હજારો ફુટ ઉંડી ખાઈમાં પડી.તેની આખરી ચીખ વાતાવરણને દહેલાવી ગઈ...!
ઉપર લટકેલ દરેક ના શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ. બધા જેમતેમ કરીને પહાડ ક્રોસ કરી બીજી બાજુ પહોંચ્યા. પ્રાચીની હાલત સૌથી વધુ ખરાબ હતી. તે તો સુઝેનની નીચે શું હાલત થઈ હશે તે વિચારીને થથરી ઉઠી..!. સૌથી વધુ નુકશાન લુસાને થયું હતું. તેના હાથમાં આવેલા કરોડોના બીજ એક ઝટકે નીચે પડી ગયા હતા. તેમછતાં તેણે નાટ્ક કરવાનું ચાલુ રાખ્યું. અને રીતસરનો રડવા લાગ્યો. પ્રોફેસર જગે તેને શાંત રાખવાની કોશિશ કરી. પ્રવાસ હવે મુશ્કેલીદાયક ની સાથે જાનલેવા પણ થઈ રહ્યો હતો. જેમતેમ કરીને તેઓએ નીચે ઉતરવાનું શરુ કર્યું. કોઈનામાં પણ હવે આગળ ચાલવાની હિમ્મત બચી ન હતી.તેઓ ચાલવાને બદલે બરફ પર ધીમે-ધીમે સરકવા લાગ્યા. જયારે તેમની સ્પીડ વધી જતી ત્યારે બરફ કુહાડીની મદદથી કંટ્રોલ કરી લેતા હતા.આમ કરતા- કરતા તેઓ ૧ કલાક પછી નીચે ઉતર્યા.
નીચે પહોંચીને પ્રાચીની હિમ્મત જવાબ આપી ગઈ. તે પહેલી વખત ભોલાને ભેટીને રડવા લાગી. કોઈને પહેલીવાર તેણે આટલા નજીકથી અને એકદમથી મરતા જોયું હતું. કુદરતની કેવી રમત હતી...હજુ ગઈ કાલ રાત્રે જ તે બચી હતી...અને આજે....!?
આગળ વધતા પહેલા આપણે લુસાનો ભુતકાળ જોઈ લઈએ
લુસા એક બદમાશ હતો. તેનો જન્મ એક નેપાલી ગરીબ પરીવારમાં થયો હતો. પોતે પહેલેથી જ ઉડાઉ અને મોજશોખનો શોખીન હોવાથી ખરાબ માર્ગે વળી ગયો હતો. ધીરે-ધીરે તે ક્રાઇમ કરતા-કરતા સ્મગલર જયપાલના સંપર્કમાં આવ્યો હતો. ૩ દિવસ અગાઉ તે જયપાલની ઓફિસમાં ગયો હતો.
જયપાલ : કલ તુમને જો પોખરા કી પહાડી પર ખુન કિયે ઉસસે સબ ગડબડ હો ગયા...!
(પ્રાચી જયારે પોખરાની પહાડી પર બીજ લેવા ગઈ હતી, અને તેણે નીચે ઉતરતી વખતે ત્રણ માણસોને ઝઘડતા જોયા હતા, તેમાંથી લુસા એક હતો. તે પણ તે દિવસે પહાડ પર આવ્યો હતો. પ્રાચીએ તેને જોયો ન હતો, પણ લુસા બે માણસો નું ખુન કરીને ભાગી રહ્યો હતો ત્યારે પ્રાચીને જંગલમાં બેહોશ જોઈ હતી.)
લુસા : ઉસમેં મેરી કોઈ ગલતી નહિ થી....!...વૈસે ભી આપકો ઉસકી કિંમત દે ચુકા હું..!
જયપાલ : એક ઔર કામ કરોગે...?!
લુસા : કોન સા..?...ઔર હા, પૈસે ડબલ લગેન્ગે...!
જયપાલ : એક આદમી એલેક્સ કો બરફ કે પહાડો સે ઢૂંઢકે લાના હૈ...!
(એલેક્સ એ જ હોય છે, જેની લાશ સુઝેન હવામાં લટકી રહી હોય ત્યારે બરફમાંથી નીકળે છે, અને નીચે ખાઈમાં પડે છે. તેની પાસે યાર્સાગુમ્બાના બીજની થેલી મળે છે. )
જયપાલ : મેને ઉસે (એલેક્સ ) ઔર ઉસકે તીન સાથીઓ કો ગંગાપૂર્ણા કે માઉન્ટેન પર ભેજા થા...વોહ બીજ લાને કે લિયે. ૧૫ દિન હો ગયે હૈ....લેકિન અભી તક ઉનકા કોઈ પતા નહિ ચલા હૈ.
લુસા : મૈં ઉન્હેં ઢૂંઢુંગા કૈસે...?!
આટલું બોલતા જયપાલે લુસાને એક ઘડિયાળ આપી.
જયપાલ : મૈને ઉસે એક ઐસી હી ઘડી દી હૈ....ઉસકા સિગ્નલ ઇસકે સાથ કનેકટેડ હૈ...અગર વોહ જિંદા હૈ ઔર વહાં કહી હૈ તો તુમ્હે ઉસે વાપસ લાના હૈ ...ઔર અગર મર ગયા હૈ તો ઉસકે પાસ બીજ મિલે તો વોહ લાના હૈ...!
લુસા : જો ભી મિલેગા ઉસમેં ૫૦% મેરા...!
જયપાલ : મંજુર હૈ...!
ત્યારબાદ લુસાએ લુકલાથી ટ્રેકિંગના બહાને જવાનો પ્લાન કર્યો હતો. તેને તો સદનસીબે સુઝેને કહ્યું ત્યારે " ભાવતું હતું અને વૈધે કહ્યું" જેવો હાલ થઈ ગયો હતો. ઉપરથી સુઝેન જેવી છોકરી સાથે રંગરેલિયા મનાવવાનો મોકો તે ખોવા માંગતો ન હતો.
-----------------------------------------------------------------------------------------------
હવે ત્યાં ઉભા રહેવાનો કોઈ મતલબ ન હતો. બિસ્વાસે બધાને આગળ વધવાનું સૂચન કર્યું.
બિસ્વાસ : જો હુઆ ઉસે હમે ભુલ કર હમે આગે બઢના ચાહિયે ....!
બધા તેની વાત સાથે સહમત થયા. આમતો તેમના માટે સુઝેનના મરવાથી મોટું નુકશાન થયું હતું, કારણકે સુઝેન જ હતી જે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો જાણતી હતી. પ્રાચીને યાદ આવ્યું. તેણે ગઈકાલ રાત્રે સુઝેને આપેલ હોકાયંત્ર કાઢ્યું, અને તેને મેપ સાથે રાખી મેળવ્યું તો ઇસ્ટ તરફનો રસ્તો દેખાયો. જો તેની પાસે હોકાયંત્ર ન હોત તો તેઓ માટે મોટી મુસીબત થઈ જાત...!
ગમેતેમ કરીને તેઓ ચાલતા થયા. લગભગ ૭ કિલોમીટર ચાલ્યા પછી અટકી ગયા. તેમને સમજાતું ન હતું કે આગળ જવું કેવી રીતે. ..!. સામે એક નાનો પહાડ હતો. હવે કોઈનામાં પણ તેને ચઢવાની તાકાત ન હતી. અચાનક પ્રાચીને યાદ આવ્યું કે સુઝેને તેને તે પહાડ ની નીચે એક ગુફાને ક્રોસ કરીને જવાની વાત કરી હતી. તેણે તે વાત બિસ્વાસને જણાવી. બિસ્વાસ અને બાકીના લોકો તે શોધવામાં લાગી ગયા.
પ્રાચીએ જોયું તો લુસાના ચહેરા પર સુઝેનના મોતનું કોઈ દુઃખ ન હતું. તેને નવાઈ લાગી. સૌથી વધુ પરેશાન અભીરથ હતો. શું તેના ભાઈની પણ આવી જ રીતે મોત થઈ હશે...?...તે વિચારે જ પ્રાચીને અંદરથી ડરાવી દીધી. તેને અભીરથ માટે દયા ઉભરાઈ આવી.
થોડીવાર પછી તેને એક ખુશખબરી મળી. બિસ્વાસે ગુફા શોધી કાઢી હતી. તેઓએ તેના સહારે પર્વતની બીજી બાજુ જવાનું નક્કી કર્યું. ગુફાનું મુખ અને રસ્તો બહુજ સાંકડો હતો. અંદર ચાલતા જવાય તેટલી જગ્યા ન હતી. દરેક જણ ગુફામાં પ્રવેશ્યો અને ધીરે-ધીરે ગોઠણ ભેર ચાલતા આગળ વધવા લાગ્યા. બરાબર વચ્ચે પહોંચ્યા,ત્યારે આગળ જોયું તો ગુફામાં આગળની તરફ બરફની એક દીવાલ હતી. અંદર ઠંડી પણ બહુ જ હતી. બધાની હાલત ખરાબ થઈ ગઈ. તેમનો શ્વાસ ગૂંગળાવા લાગ્યો. પ્રાચી પાસે ઑક્સિજન બોટલ હતી. તેણે અને પ્રોફેસર જગે તેની મદદથી શ્વાસ લીધા. આટલું હોવા છતાં બિસ્વાસે હિમ્મત ન હારી. તેણે એરોગનની મદદથી બરફ પર મારવાનું શરુ કર્યું. થોડીવાર પછી ભોલા અને અભીરથે પણ તેની મદદ કરી. લગભગ ૧ કલાક પછી બરફની દીવાલ તૂટી અને તેઓ આગળ વધ્યા. થોડીવાર પછી તેઓ પર્વતની પેલી પાર પહોંચ્યા. તે બાજુ જતા જ ઢળી પડ્યા. હવે કોઈનામાં એક ડગલું પણ ચાલવાની હિંમત રહી ન હતી.
(વધુ આવતા અંક - યાર્સાગુમ્બા ની શોધ - ૧૦ માં)
ક્રમશ: