અંગારપથ.
પ્રકરણ-૨૬.
પ્રવીણ પીઠડીયા.
“દૂર્જન રાયસંગા?” રક્ષા અચંભિત બની ગઇ. જૂલીયાનાં મોઢેથી રાયસંગાનું નામ સાંભળીને તેને ઝટકો લાગ્યો હતો. તે દૂર્જન રાયસંગાને બહું સારી રીતે જાણતી હતી. પોતાના એન.જી.ઓ.નાં કામ અર્થે તેને ઘણી વખત રાયસંગાને મળવાનું થયું હતું અને એ વખતે તેની ઉપર રાયસંગાની કંઇ બહું સારી છાપ પડી નહોતી. એ માણસ કાબો અને દૂષ્ટ હોય એવું પહેલી મુલાકાતમાં જ રક્ષાએ અનુભવ્યું હતું. જો કે રાજકારણમાં આવતાં મોટાભાગનાં લોકો આવાં જ હોય એવી એક સામાન્ય માનતાં પ્રમાણે રક્ષાએ તો ફક્ત પોતાના કામ પૂરતું જ ધ્યાન રાખ્યું હતું અને રાયસંગાથી થોડી દૂરી બનાવી રાખી હતી એટલે તેનો વધુ સંપર્ક તો નહોતો પરંતુ અત્યારે જૂલીયાએ તેનું નામ લઇને તેને ચોંકાવી દીધી હતી. તે જૂલીયાનો અસ્સલ ધંધો જાણતી હતી, પરંતુ તે રાયસંગા સુધી પહોંચી ગઇ હશે એનું અનૂમાન તો ક્યાંથી હોય તેને. એકાએક તે સતર્ક બની ગઇ અને જૂલીયાની વાત સાંભળવા તેના કાન સરવા થયા. એ દરમ્યાન જૂલીયાનાં શ્વાસોશ્વાસ પણ અધ્ધર થઇ ચૂકયાં હતા. તેની ગભરાયેલી હરણી જેવી આંખો ચળક-વળક ચારેકોર ફરતી હતી.
“હું કાલે તેના ફાર્મ હાઉસે ગઇ હતી. ત્યાં….” તે અટકી.
“ત્યાં શું થયું જૂલીયા?” રક્ષાની અધીરાઇ તેની ચરમસીમાએ પહોંચી હતી.
“એ… એ… ફોન પર કોઇકની સાથે માથાકૂટ કરતો હતો એ મેં સાંભળ્યું હતું. તે કોઇકને ધમકાવતો હતો કે જો તેનું કામ ન થયું તો તેને ખતમ કરી નાંખશે.”
“કોણ હતું એ તું જાણે છે?” રક્ષા અધવચ્ચે જ પૂછી બેઠી.
“નાં, સામે કોણ હતું અને રાયસંગા કોને ધમકી આપતો હતો એ તો મને સમજાયું નહી પરંતુ તે બહું ગુસ્સામાં બોલતો હતો એટલે મને થોડુંક અજીબ લાગ્યું અને મેં તેની વાતો સાંભળવા મારા કાન સરવા કર્યાં હતા. તેણે લગભગ પંદરેક મિનિટ વાત કરી હતી એટલામાં મને જે સમજાયું હતું એ ભયાનક હતું.”
“શું સાંભળ્યું તે?” રક્ષા તેની અધીરાઇ છૂપાવી શકતી નહોતી અને જૂલીયા વાત લંબાવ્યે જ જતી હતી. દૂર્જન રાયસંગાની રાજકિય કારકિર્દી વીશે રક્ષા ઘણું જાણતી હતી. તેના કોઠા-કબાડા અને ગુનાહોની કહાનીઓ અવાર નવાર રક્ષાનાં કાને અફળાતી રહેતી હતી પરંતુ એ બાબતમાં ક્યારેય તેને ઉંડા ઉતરવાનું મન થયું નહોતું. આજે અચાનક જૂલીયાનાં મોઢે રાયસંગાનું નામ સાંભળીને તેની જીજ્ઞાસાવૃત્તિ સળવળી ઉઠી હતી. વળી તે જે ફિલ્ડમાં કામ કરતી હતી તેમાં રાયસંગા વીશે જે સાધારણ માન્યતાં કે ધારણા લોકો પાસેથી જાણવા મળી હતી એ પણ ઘણી ખતરનાક હતી.
“તે સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો હતો કે બાળકોની વ્યવસ્થા કરવામાં કેમ સમય લાગે છે! એ વાક્યે મને ચોંકાવી મૂકી હતી. તને યાદ હોય તો આપણી વચ્ચે આ બાબતે એક વખત વાત થઇ હતી. તેં મને કહ્યું હતું કે પાછલાં થોડા સમયની અંદર બાગા બિચની સામે જે બસ્તી છે તેમાથી એક પછી એક નાના બાળકો ગાયબ થઇ રહ્યાં છે. રાયસંગાની વાતમાં પણ બાળકોનો ઉલ્લેખ થયો હતો એટલે મને થોડોક શક પડયો કે ક્યાંક તેનું અનુંસંધાન તારી વાત સાથે તો નથી જોડાતું ને! અને… તેણે જ્યારે ફોન પર વાત ખતમ કરી ત્યાં સુધીમાં મને સમજાઇ ગયું હતું કે ચોક્કસ એવું જ હતું. તેની વાતો તો એવો જ ઇશારો કરતી હતી. તું માને કે નહી, પરંતુ મને પાક્કો વિશ્વાસ છે કે બસ્તીમાંથી જે બાળકો ગાયબ થાય છે તેમાં જરૂર રાયસંગાનો જ હાથ છે. હું થડકી ઉઠી છું. ખબર નહી તે એ માસૂમ બાળકોનું શું કરતો હશે! ગઇરાતથી મને ક્યાંય ચેન પડતું નથી. એ બાળકો વીશે વિચારી વિચારીને મારું માથું ભમવાં લાગ્યું છે. ચોક્કસ એ બાળકો કોઇ ભયંકર ષડયંત્રનો ભોગ બન્યાં હશે. મને તો આમાં કોઇ આંતરરાષ્ટ્રિય ષડયંત્રની ગંધ આવે છે. ગાયબ થયેલાં માસૂમ બાળકોનો વ્યાપાર થતો હશે… કે તેમને યૌન-શોષણનાં ધંધામાં ધકેલી દેવામાં આવતાં હશે. બાપ રે… જો અત્યારે આ વાત કરતી વખતે પણ મારાં હાથ-પગ કાંપે છે.” જૂલીયાનું જીસ્મ ખરેખર કાંપતું હતું. તે ભલે પોતાના શરીરનો ધંધો કરતી હોય પરંતુ તેનું હદય બહું કોમળ હતું.
રક્ષા ઘડીભર માટે જૂલીયાને તાકતી રહી. તેના મગજમાં જૂલીયાની વાતો સાંભળીને ધમાકાઓ થતાં હતા. બસ્તીમાંથી ગાયબ થતાં બાળકો બાબતે તેણે ઘણી તપાસ કરી જોઇ હતી. જે બાળકો ગાયબ થયાં હતા તેમનાં માં-બાપની દયનિય હાલત જોઇને તે કાંપી ઉઠતી હતી. તેણે સ્થાનિક પોલીસમાં અને બીજે ઘણી જગ્યાએ આ બાબતે ફરીયાદ કરી હતી પરંતુ એ બાળકોનો કોઇ સગડ મળ્યો નહોતો. પરંતુ આજે એકાએક જૂલીયાએ એ કોયડો ઉકેલી નાંખ્યો હોય એવું તેને લાગ્યું.
“તેં આ વાત કોઇને કહી તો નથી ને!” લગભગ ફૂસફૂસાતાં અવાજમાં તેણે જૂલીયાને પૂછયું.
“કોને કહું? અને કદાચ કોઇને કહીશ તો આવતીકાલ જોવા હું જીવતી ન પણ રહું એની મને ખાત્રી છે. એક માત્ર તારા પર ભરોસો છે એટલે તને કહ્યું. હવે તારે શું કરવું એ હું તારા પર છોડું છું. પણ… પ્લીઝ, એ બાળકોનો પત્તો લગાવજે. અને સાથોસાથ તારું પણ ધ્યાન રાખજે કારણ કે એ બહું ખતરનાક લોકો છે.” જૂલીયા બોલી ઉઠી અને તેણે રક્ષાનાં હાથ ઉપર પોતાનો હાથ મૂકયો. તેની આંખોમાં ડર અને આશંકાનાં વાદળો છવાયેલાં હતા. રક્ષાએ તેનો બીજો હાથ ઉઠાવીને જૂલીયાનો હાથ થપથપાવ્યો.
“ડોન્ટવરી ડિયર, હું સંભાળી લઈશ.” તેણે કહ્યું અને નજરોથી જ સધીયારો આપ્યો. પરંતુ તેને ખ્યાલ હતો કે આ કામ બોલવા જેટલું આસાન નીવડવાનું નહોતું. એક ભયાનક દલદલમાં પગ મૂકવાનો હતો અને તેમાં તેના જીવનનું જોખમ હતું. એ પછી બન્ને છૂટા પડયા હતા.
ત્યારે જૂલીયા કે રક્ષા, બે-માંથી કોઇને ખબર નહોતી આ તેમની છેલ્લી મુલાકાત બની રહેશે. તે દીવસ પછી તેઓ ક્યારેય આપસમાં મળી શકશે નહી. તેમની જીંદગી એક ભયાનક નર્કાગારમાં તબદિલ થઇ જશે અને એની શરૂઆત જૂલીયાથી જ થઇ હતી.
@@@
“બોસ, હવામાં ઉડતી ઉડતી એક વાત મારાં કાને અફળાઇ છે. ખબર નહી તેમાં કેટલી સચ્ચાઇ છે! તમે કહો તો જણાવું.” ગોવાનો એક સામાન્ય પંટર, કે જેનું નામ બબલુ હતું તેણે સંજય બંડુનાં હાથ નીચે કામ કરતાં એક વ્યક્તિને કહ્યું.
“બોલ શું હતું?” એ વ્યક્તિએ પૂછયું.
“હું ગઇકાલે ગોલ્ડનબારમાં બેઠો હતો. ત્યાં પેલી જૂલીયા ખરીને..! પેલી રશીયન. તે કોઇની સાથે વાતો કરતી હતી.” બબલુ જૂલીયાને ઓળખતો હતો કારણ કે જૂલીયા ઘણીવખત ગોલ્ડનબારમાં તેને ભટકાઇ જતી.
“હાં તો, તેનું શું છે?” કંટાળાભર્યા અવાજમાં પેલો વ્યક્તિ બોલી ઉઠયો. તેને બબલુની વાતમાં ખાસ કોઇ રસ નહોતો.
“એ છોકરી… એટલે કે જૂલીયા તેની સાથે બેઠેલી બીજી કોઇ ઔરતને કહેતી હતી કે તે બસ્તીમાંથી ગૂમ થયેલા બાળકો વીશે કંઇક જાણે છે. જો કે મને તેની વાતમાં બહું દમ લાગ્યો નહી એટલે પછી મેં વધારે ધ્યાન આપ્યું નહોતું.” બબલુને ખ્યાલ આવ્યો હતો કે પેલા વ્યક્તિને તેની વાતોમાં રસ પડયો નથી એટલે તેણે વાતચીત સંકેલી લેવાનાં ઇરાદાથી ટૂંકાણમાં કહ્યું. પરંતુ… જાણે ચારસો ચાલિસ વોલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ પેલો વ્યક્તિ ચોંકયો હતો.
“હમણાં શું બોલ્યો તું? ફરીથી બોલ તો!” તેણે લગભગ બબલુ ડરી જાય એવા અવાજમાં પૂછયું હતું. બબલુ ખરેખર ડરી પણ ગયો હતો. એક વખત તો લાગ્યું કે આ વાત તેણે ઉખેળી જ ન હોત તો સારું હતું. તે ગઇકાલે રાત્રે ગોલ્ડનબારમાં બેઠો હતો ત્યારે જૂલીયાને તેણે જોઇ હતી. જૂલીયા અન્ય કોઇ ઔરત સાથે બારનાં કાઉન્ટર ઉપર બેઠી હતી. તે જૂલીયા ઉપર ચાન્સ મારવાનાં ઇરાદા સાથે જ તેની બાજુમાં જઇને બેઠો હતો અને તેના કાને તે બન્નેની વાતો અફળાઇ હતી. શરૂમાં તો તે કંઇ સમજયો નહી પરંતુ રાયસંગાનું નામ આવતાં તે ચોંકયો હતો અને તેના કાન સરવા થયા હતા. તેણે બારનાં ઘોંઘાટભર્યા માહોલમાં જેટલું સંભળાય એટલું સાંભળ્યું હતું અને પછી પોતાના બોસને તેનો વૃતાંત આપવા બહાર નીકળી આવ્યો હતો.
“જૂલીયાએ બસ્તીનાં બાળકોનું અને રાયસંગા સાહેબનું નામ લીધું હતું.” બબલુ ગભરાયેલા અવાજમાં બોલ્યો. તેને લાગ્યું કે તેણે કંઇક કાચું કાપ્યું છે. પરંતુ તેની સામે બેઠેલો માણસ એ સાંભળીને થથરી ગયો હતો. તેણે બબલુનો કોલર પકડયો અને પોતાની નજીક ખેંચ્યો.
“ત્યાં જે વાત થઇ એ મને વિસ્તારથી જણાવ.” તેના અવાજમાં કાતિલ ધાર ભળી હતી. બબલુએ તેણે જે કંઇપણ સાંભળ્યું હતું એ બધું જ કહી દીધું. પેલો માણસ સ્તબ્ધતામાં સરી પડયો હતો. તેણે બબલુનો કોલર છોડયો અને તરત જ સંજય બંડુને ફોન લગાવ્યો હતો.
(ક્રમશઃ)
આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.
તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.
શું તમે….
નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.
તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.