રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 17
સૂર્યદંડ પાછો લાવવાનાં ઉદ્દેશથી રુદ્ર પોતાનાં પિતા દેવદત્ત અને ગુરુ ગેબીનાથ ની રજા લઈ શતાયુ અને ઈશાન સાથે હિમાલ દેશની સરહદમાં પગ મૂકે ત્યાંતો રાજા હિમાનનો સેનાપતિ વારંગા એ લોકોની ધરપકડ કરી હિમાન સમક્ષ લાવે છે. પોતાનો પરિચય આપ્યાં બાદ રુદ્ર દ્વારા સૂર્યદંડ ની ચોરીનું કારણ પૂછતાં હિમાન જણાવે છે પોતાનાં રાજ્યનાં માસુમ બાળકો નો જીવ બચાવવા એને આ પગલું ભર્યું હતું.. આ સાંભળી રુદ્ર સૂર્યદંડ ની સ્થાપના કારા પર્વત પર કરે છે જેથી એનો પ્રકાશ હિમાલ દેશનાં લોકોને પણ મળે.
રુદ્ર હજુ તો ભૈરવી મંદિર પહોંચ્યો નહોતો પણ કારા પર્વત પર રુદ્ર દ્વારા સ્થાપિત કરાયેલાં સૂર્યદંડ નો પ્રકાશ નિયત સમયે પાતાળલોકમાં પ્રસરાઈ જતાં અન્ય પાતાળવાસીઓ ને તો રાહત થઈ પણ આશ્રમમાં મોજુદ ગુરુ ગેબીનાથ, એમનાં અનુયાયીઓ અને રાજા દેવદત્ત ને આ વાતનું આશ્ચર્ય જરૂર થયું.. રુદ્ર કેમ હજુ સુધી આવ્યો નહીં એ વિશે એ બધાં મળીને ચિંતન કરતાં જ હતાં ત્યાં એમને દૂરથી ત્રણ ઘોડેસવાર આવતાં જણાયાં. એમને જોતાં જ એ બધાં નાં જીવને ટાઢક વળી કે આખરે રુદ્ર અને એનાં જોડે ગયેલાં શતાયુ અને ઈશાન હેમખેમ પાછાં આવી ગયાં.
આશ્રમમાં પહોંચી પોતાનો અશ્વ થોભાવી રુદ્રએ હેઠે ઉતરી પોતાનાં પિતાજી અને ગુરુ ગેબીનાથ ને પ્રણામ કર્યાં.
"ચિરંજીવી ભવઃ.. "રુદ્ર ને આશીર્વાદ આપતાં ગુરુ ગેબીનાથે કહ્યું.
"પુત્ર.. ક્યાં છે સૂર્યદંડ..? "રાજા દેવદત્તે રુદ્ર ને સવાલ કર્યો.
"સૂર્યદંડ તો અમારી જોડે નથી.. "રુદ્ર એ પોતાનાં પિતાજીનાં પુછાયેલાં સવાલનો પ્રત્યુત્તર આપતાં કહ્યું.
"તો પછી સૂર્યદંડ ગયો ક્યાં..? "ગુરુ ગેબીનાથ અને રાજા દેવદત્તે રુદ્રને એકસાથે સવાલ કરતાં કહ્યો.
"મેં સૂર્યદંડ ને અહીં લાવવાનાં બદલે એને કારા પર્વતની સૌથી ઊંચી ટોચ ઉપર સ્થાપિત કરી દીધો.. "રુદ્ર એ જવાબ આપતાં કહ્યું.
"કારા પર્વતની ટોચ ઉપર.. પણ કેમ..? "રુદ્રની વાત સાંભળતાં જ રાજા દેવદત્તે વિસ્મય સાથે પૂછ્યું.
પોતાનાં પિતાજીનાં આ સવાલનાં જવાબમાં રુદ્ર એ હિમાલ દેશમાં પોતાની સાથે જે કંઈપણ બન્યું એની વિગતે વાત કરી.. રુદ્ર ની વાત સાંભળતાં જ દેવદત્ત અને ગુરુ ગેબીનાથ પણ હિમાલ લોકોનું દર્દ અનુભવવા લાગ્યાં.
"હવે તમે કહો કે મેં જે કંઈપણ કર્યું એ ખોટું છે..? "રુદ્ર એ ત્યાં મોજુદ બધાંની તરફ જોઈને સવાલ કર્યો.
"ના પુત્ર.. આજે તું જે કંઈપણ કરીને આવ્યો છે એ ખરેખર ઉત્તમ કાર્ય છે.. હિમાલ લોકો આપણાંમાંથી જ એક છે પણ નસીબ નાં માર્યાં એ લોકોને આવી કષ્ટદાયક જીંદગી જીવવી પડે છે એ દયનિય બાબત છે.. અત્યાર સુધી આપણાં પૂર્વજોએ જે કંઈપણ ભૂલ કરી એને સુધારવાનું કાર્ય તે કરીને પ્રસંશનીય કાર્ય કર્યું છે.. "રુદ્ર ને ગળે લગાવી દેવદત્તે કહ્યું.
"હા, રુદ્ર.. મહારાજ દેવદત્તનું કથન યથાયોગ્ય છે.. મેં પણ આ સૂર્યદંડ ની સ્થાપના જ્યારે માં ભૈરવીનાં મંદિરનાં શીખર પર કરી ત્યારે હું પણ કારા પર્વત પાછળ વસતાં હિમાલ લોકો વિશે ભૂલી જ ગયો હતો.. સારું કર્યું અમે કરેલી ભૂલનું તે પુનરાવર્તન તે ના કર્યું. એક રાજા તરીકે કરુણા નો ગુણ હોવો આવશ્યક છે અને તારાં માટે અપરિચિત એવાં હિમાલ લોકોની તકલીફ સમજી એનું નિવારણ કરવાનો તે જે પ્રયત્ન કર્યો છે એનાં લીધે હું મારી જાતને તારો ગુરુ કહેતાં ગર્વ અનુભવું છું.. "રુદ્ર નાં વખાણ કરતાં ગુરુ ગેબીનાથે કહ્યું.
"મહારાજ.. આવતી મહાશિવરાત્રીનાં દિવસે તમારાં પુત્રનાં સ્વાગત ની તૈયારી કરો.. રુદ્ર હવે તમારાં શાસન ને વધુ સુદ્રઢ અને કુનેહપૂર્વક આગળ વધારવાં યોગ્ય બની ગયો છે.. "ગુરુ ગેબીનાથે રાજા દેવદત્ત ની તરફ જોતાં કહ્યું.
"અવશ્ય ગુરુવર, રુદ્ર ને સંપૂર્ણ વિદ્યામાં પારંગત કરવાં બદલ આપનો આભાર.. "ગુરુ ગેબીનાથ સમક્ષ શીશ ઝુકાવતાં રાજા દેવદત્ત બોલ્યાં.
રાજા દેવદત્ત તો પોતાનાં પુત્રનાં મહેલમાં પાછાં આવવાની ખબર સાંભળી અતિઉત્સાહીત જણાતાં હતાં.. પણ રુદ્ર નાં મનમાં પોતાનાં મિત્રો ઈશાન અને શતાયુથી વિખૂટાં પડવાનો વિષાદ છવાઈ ગયો હતો.. આમ છતાં આ વિષાદને કાબુમાં રાખી રુદ્રએ સ્મિત સાથે પોતાનાં પિતાજીની તરફ જોયું.
થોડી અહીંતહીં ની ચર્ચા કર્યાં બાદ રાજા દેવદત્ત તો આશ્રમમાંથી નીકળી મહેલ તરફ જવાં રવાના થઈ ગયાં અને રુદ્ર પણ ચુપચાપ કંઈપણ બોલ્યાં વગર પોતાનાં અશ્વને લઈને અશ્વશાળા તરફ ચાલી નીકળ્યો.. રુદ્રનાં મનમાં નક્કી કંઈક તો ચાલતું હતું એ જાણતાં ઈશાન અને શતાયુ પણ ગુરુ ગેબીનાથની રજા લઈ રુદ્ર ની પાછળ-પાછળ પોતાનાં અશ્વની લગામ હાથમાં લઈને ચાલી નીકળ્યાં.
"એ રુદ્ર.. આમ ક્યાં દોડ્યો જાય છે..? મારી વાત તો સાંભળ.. "રુદ્ર ની નજીક પહોંચતાં જ શતાયુ એને ઉદ્દેશીને બોલ્યો.
"હા બોલ.. "વાત કરવાનું મન જ ના હોય એમ રુદ્ર બોલ્યો.
"હવે અમારે તને રાજા કહેવાનો કે રાજકુમાર..? "શતાયુ એ કહ્યું.
શતાયુ નાં આમ પૂછતાં જ રુદ્રએ નવાઈથી એની ભણી જોતાં કહ્યું.
"આ તે કેવો પ્રશ્ન છે..? "
"શતાયુ સાચું તો કહી રહ્યો છે.. કેમકે હવે ત્રણેક માસ પછી તું પોતાનાં મહેલ ચાલ્યો જઈશ અને ત્યાં ગયાંનાં અમુક સમય બાદ તારો રાજ્યાભિષેક કરવામાં આવશે.. તો પછી તું પાતાળલોકનો રાજા જ થયો ને..? "રુદ્ર નાં સવાલનો જવાબ આપતાં ઈશાન બોલ્યો.
"તમે બંને સાચેમાં મૂર્ખાઓ જ રહેવાનાં.. હું રાજા બનું કે ના બનું એ પછીની વાત છે પણ તમારો ભેરૂબંધ હતો.. છું અને આજીવન રહીશ.. તમારાં માટે હું સદાય રુદ્ર જ છું.. ખાલી રુદ્ર.. "પોતાનાં બંને હાથ ફેલાવી ઈશાન અને શતાયુ તરફ જોતાં રુદ્ર બોલ્યો.
રુદ્ર નાં આમ બોલાતાં જ શતાયુ અને ઈશાને એકબીજાની તરફ જોયું અને પછી ઉતાવળાં ચાલીને રુદ્રને ભેટી પડ્યાં.
"રુદ્ર, તું રાજા થયાં બાદ અમને ભૂલી તો નહીં જાય ને..? "રુદ્ર ની તરફ જોયું લાગણીસભર અવાજમાં શતાયુ બોલ્યો.
"અરે તમે બંને સાચેમાં મૂર્ખનાં સરદાર બનવાનાં લાયક છો.. અરે તમે બંને તો મારાં બે હાથ છો.. હું તમને વચન આપું છું કે હું જ્યારે રાજા બનીશ ત્યારે મારાં બે સેનાપતિ નિયુક્ત કરીશ.. એક હશે સેનાપતિ શતાયુરાજ અને બીજાં હશે સેનાપતિ ઈશાન.. "શતાયુ નાં સવાલનો હસીને જવાબ આપતાં રુદ્ર બોલ્યો.
રુદ્રનાં આમ બોલતાં જ શતાયુ અને ઈશાન નો ચહેરો ખીલી ઉઠ્યો અને આ સાથે જ એ ત્રણેય મિત્રોની ટોળકી ખીલખીલાટ હસી પડી.
અશ્વશાળા માં જઈને પોતપોતાનાં અશ્વને એની જગ્યાએ બાંધ્યા બાદ રુદ્ર, શતાયુ અને ઈશાન બપોરનું ભોજન લીધું. ત્યારબાદ એ ત્રણેય એમને આશ્રમમાં ફાળવવામાં આવેલી કુટીરમાં જઈને નિંદ્રાધીન થઈ ગયાં. સતત કરેલી મુસાફરીનાં લીધે એ લોકોને થોડી જ ક્ષણોમાં ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.. સાંજે એ લોકોની આંખ ખુલી ત્યારે સંધ્યા આરતીનો સમય થઈ ગયો હતો. માં ભૈરવી નાં પવિત્ર સ્થાનકે જઈને સંધ્યા આરતીમાં ભાગ લઈને ઈશાન, રુદ્ર અને શતાયુ આશ્રમમાં પાછાં આવ્યાં ત્યારે રાત્રિભોજ નો વખત થઈ ગયો હતો.
રાત્રિભોજ લીધાં બાદ એ ત્રણેય જમવાનું પચી જાય એ ઉદ્દેશથી આશ્રમની નજીક આવેલાં ખુલ્લાં મેદાનમાં ચાલવા ગયાં.
"મિત્રો... તમને લાગતું નથી કે આ મનુષ્યોએ કોઈ કારણ વગર આપણાં નિમલોકો જોડે ખોટું કર્યું છે..? "આખરે હિમાલ પ્રદેશની મુલાકાત બાદ રુદ્રનાં મનમાં ચાલતી વાત બહાર આવી ગઈ.
"રુદ્ર તારી વાત સાચી છે કે મનુષ્યોએ કોઈ કારણ વગર માત્ર ને માત્ર પોતાની લાલચ ને સંતોષવા પાતાળવાસીઓ પર અત્યાચાર જ આચર્યો છે.. "રુદ્ર ની વાત સાથે સહમત થતાં શતાયુ બોલ્યો.
"આ મનુષ્યોની કરણીની સજા અહીં પાતાળમાં વસતાં દરેક વ્યક્તિએ ભોગવવી પડી રહી છે એનું વરવું ઉદાહરણ આપણે હિમાલ દેશમાં જોઈ ચુક્યાં છીએ.. "ઈશાન બોલ્યો.
"પણ આ યોગ્ય નથી... આપણે આનો કોઈક તો રસ્તો શોધવો જ રહ્યો.. "રુદ્ર ક્રોધિત સ્વરે બોલ્યો.
"રુદ્ર તારી વાત સાચી છે પણ તું જ બોલ આપણે કરી પણ શું શકીએ.. કેમકે મનુષ્યો અને નિમલોકો વચ્ચે થયેલી સંધિ વિરુદ્ધમાં જવાની વાત કરવું પણ મુર્ખતાભર્યું છે.. કેમકે મનુષ્યોની અપાર શક્તિ અને સંખ્યાબળ આગળ ટક્કર લેવી એ આપણાં માટે અશક્ય છે.. "શતાયુ રુદ્ર નાં ખભે હાથ મુકતાં સમજાવટભર્યાં સુરમાં બોલ્યો.
"તો શું એનો અર્થ એવો કે આપણે મૂંગા મોંઢે આ બધું સહન કરવાનું..? "રુદ્ર નાં અવાજમાં એનાં હૃદયમાં સળગતી આગનો તાપ વર્તાતો હતો.
"રુદ્ર તારાં મનમાં જે ક્રોધ છે એવો જ ક્રોધ અમારાં મનમાં પણ છે.. પણ એનો અર્થ એ નથી કે વગર વિચારે મનુષ્યો સામે બાથ ભીડવા નીકળી પડવું જોઈએ.. "રુદ્રને શાંત કરતાં ઈશાન બોલ્યો.
"વગર વિચારે ના જવાય પણ વિચારીને તો જવાય ને.. "શતાયુ અને ઈશાન તરફ જોઈ રુદ્ર ચહેરા પર ભેદી સ્મિત સાથે બોલ્યો.
"તું કહેવા શું માંગે છે..? "રુદ્ર ની વાત સાંભળી ઈશાન અને શતાયુ એકસુરમાં બોલી પડ્યાં.
"હું એમ કહું છું કે આપણે ગમે તે કરી એકવાર મનુષ્યલોક જઈએ.. ત્યાં જઈને મનુષ્યો અને નિમલોકો વચ્ચે થયેલી સંધિ ક્યાં છે એ શોધી લઈએ.. પછી એ સંધિનો નષ્ટ કરી આપણે પુનઃ પાતાળલોકમાં આવી જઈએ. જો સંધિ જ નહીં હોય તો મનુષ્યો દ્વારા નિમલોકો પર મુકવામાં આવેલી પાબંધીઓ આપમેળે હટી જ જવાની. "રુદ્ર પોતાની યોજનાનો ઉપરછલ્લો ચિતાર આપતાં બોલ્યો.
રુદ્ર ની વાત સાંભળી ઈશાન અને શતાયુ ગહન વિચારમાં ખોવાઈ ગયાં.. રુદ્ર જે કહી રહ્યો હતો એ સાંભળવાં પુરતું જેટલું સરળ લાગી રહ્યું હતું એનાં કરતાં અનેક ગણું મુશ્કેલ હતું એ શતાયુ અને ઈશાન સારી પેઠે જાણતાં હતાં.. આમ છતાં રુદ્રમાં રહેલી પોતાની શ્રધ્ધા અને વિશ્વાસનાં લીધે એ બંને એ રુદ્ર નો સાથ આપવાનું મન બનાવી લીધું.
"રુદ્ર.. હું અને ઈશાન તારો સાથ આપવાં તૈયાર છીએ.. પણ તું જાણે છે કે નિમલોકોનું મનુષ્યલોક ઉપર જવું વર્જિત છે.. આપણે કોઈ એવાં સમયે પૃથ્વીલોક પર જવું જોઈએ જ્યારે કોઈની નજર આપણી ઉપર ના પડે અને આપણે સરળતાથી આપણું કાર્ય પૂર્ણ કરી શકીએ.. "શતાયુ બોલ્યો.
"મારાં મનમાં એવો એક સમયગાળો છે જ્યારે આપણે સરળતાથી પૃથ્વીલોક પર જઈ શકીશું અને એ સમયે આપણું કાર્ય પૂરું કરવાનો અવસર પણ પ્રાપ્ત થશે.. "મનોમંથન કરતાં ઈશાન શતાયુ અને રુદ્રને ઉદ્દેશીને બોલ્યો.
"તો રાહ શેની જોવે છે..?.. બોલ આપણે ક્યારે પૃથ્વીલોક તરફ મંડાણ કરીએ..? "શતાયુ અધિરાઈપૂર્વક ઈશાનની તરફ જોઈને બોલ્યો.
"એ સમયગાળો છે મકરસંક્રાંતિનો.. સૂર્યદેવનાં મકરવૃતમાં પ્રવેશ કરતાં જ કુંભમેળાનો પ્રારંભ થઈ જશે. આ કુંભમેળો મહા મહાકુંભમેળો છે કેમકે બાર મહાકુંભમેળાનાં આયોજન પછી ગંગા, યમુના અને સરસ્વતી નદીનાં સંગમ સમાં પ્રયાગ સ્થળે આ વખતે ૧૪૪ વર્ષ પછી કુંભમેળાનું આયોજન થશે.. આ સાથે જ પ્રયાગરાજ ખાતે માનવ મહેરામણ ઉમટી પડશે.. મનુષ્યલોક નાં બધાં રાજાઓ પણ ગંગા નદીમાં સ્નાન કરવાં આ કુંભમેળામાં અવશ્ય પધરામણી કરશે.. આટલી મોટી જનમેદની વચ્ચે આપણે સરળતાથી મનુષ્યોની વચ્ચે ભળી જઈશું. "ઈશાન શતાયુની વાત નો જવાબ આપતાં બોલ્યો.
"વાહ.. મારાં ભાઈ.. તે સાબિત કરી જ દીધું કે થોડી બુદ્ધિ તારામાં પણ છે.. "શતાયુ એ ઈશાન ની પીઠ થાબડતાં કહ્યું.
"તો હવે એ નક્કી રહ્યું કે આ મકરસંક્રાંતિનાં રોજ આપણે ગમે તે રીતે પ્રયાગરાજ પહોંચી જઈશું... અને જે કુંભમેળામાં આપણો પ્રવેશ નિષેધ કરાયો હતો એમાં જ જઈને સમસ્ત નિમલોકોનો ખોવાયેલો હક એમને પાછો અપાવીશું.. હર હર મહાદેવ.. "રુદ્ર એ પોતાનો હાથ શતાયુ અને ઈશાન ની તરફ કરીને કહ્યું.
રુદ્ર નાં હાથ ઉપર હાથ મુકતાં જ 'હર હર મહાદેવ'નાં જયઘોષ સાથે ઈશાન અને શતાયુ એ વાતાવરણ ગજવી મુક્યું.
★★★
વધુ નવાં અધ્યાયમાં.
રુદ્ર અને એનાં મિત્રો પૃથ્વીલોક પર પ્રવેશ કરી શકશે. ? શું એ લોકોને મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એની જાણ થશે..? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***