વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-11) Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-11)

પ્રકરણ – 11

લગભગ પંદરેક મિનિટ વીતી ત્યાં વૃંદા બોલી-
“મારાથી ભૂલ થઈ ગઈ છે,વેદ!”
“અરેરે, રસ્તો ભૂલ્યા!” મારો ભય બહાર ઊછળી આવ્યો!
“પૂરી વાત તો સાંભળી લે!”
“સોરી!”
“મારે ગઈ કાલે રાત્રે વૈદેહીને મળવું જોઈતું હતું.” તેણે કહ્યું- “એના બદલે હું સીધી જ ઘરે જતી રહી. ત્યાં પણ મમ્મી-પપ્પાની ગેરહાજરીની તપાસ કર્યા વિના હું સૂઈ ગઈ. ગઈ કાલે રાત્રે મેં આમાનું કંઈ પણ કર્યું હોત તો અત્યારે આવી પરિસ્થિતિ ન ઉદ્ભવી હોત.”
“તારી ભૂલ નથી, વૃંદા! એમ અડધી રાત્રે વૈદેહીના ઘરે જવાનું તું માંડી વાળે એ સ્વાભાવિક છે. વૈદેહીના પરિવાર સાથે સંબંધો સારા હોવાને કારણે વિનયકાકા અને વીણામાસી વૈદેહીના ઘરે એક રાત રોકાય એ વિચાર પણ સ્વાભાવિક છે. વળી, તું થાકેલી હતી. તેં ભૂલ નથી કરી.”
“આ આશ્વાસનથી મારી વ્યગ્રતામાં કોઈ જ ફરક નહિ પડે, વેદ.”
“ખરું જોતાં તો હું જ અસ્વસ્થ છું!” મેં સ્વીકાર્યું.
“આપણે તો ફક્ત પરિણામ જોવા જઈએ છીએ!”
“હા, ગઈકાલે રાત્રે કુખોઝૂમાં જે કંઈ બન્યું હતું તેનું પરિણામ.”
વૃંદા ઊભી રહી. નીચે નમીને એક ડાળી હાથમાં લીધી. દોઢેક સેન્ટીમીટર વ્યાસ ધરાવતી, એકાદ મીટર લાંબી અને પાંચેક ઉપશાખાઓ ધરાવતી એ શાખા તેણે હાથમાં લીધી અને ચાલવા લાગી.
“પણ મને લાગતું નથી કે બધો ખેલ પૂરો થઈ ગયો હોય.” એ ડાળીની ઉપડાળીઓ તોડીને ફેંકતા તેણે પોતાનો મત રજૂ કર્યો.
“એવું તો મને ઘણું બધું લાગ્યા કરે છે! આવું બન્યું હશે.... તેવું બન્યું હશે...”
“ને છતાંય મુખ્ય પ્રશ્ન એમ છે કે શું બન્યું હશે!”
“એ બધાં જ પ્રશ્નોની વચ્ચે હું એક વાત સ્પષ્ટ જોઈ શકું છું.” મેં કહ્યું.
“શું દેખાય છે તને?” છેલ્લી ઉપશાખા તોડતાં તેણે પૂછ્યું.
“બધું જ આયોજનબદ્ધ છે.”
“તારા સંદર્ભમાં એ સાચું છે.”
“તારા સંદર્ભમાં કેમ નહિ?”
હમણાં જ તૈયાર કરેલી ‘સોટી’ને હવામાં આમતેમ ફેરવતી તે ચાલી રહી છે. તે બોલી-
“વિચાર, હું મુંબઈથી અહીં આવી જ ન હોત તો.....”
“ઓહો! આવું તો મેં વિચાર્યું જ નહોતું!”
“હું તો અણધારી રીતે આવી ગઈ છું. અમારી કોલેજમાં હડતાલ પડી જ ન હોત તો હું અહીં આવી જ ન હોત. આવું થયું જ ન હોત તો આપણે બંને અત્યારે કુખોઝૂ જઈ રહ્યાં હોત? વેદ, એનો અર્થ એ થયો કે, જો આપણું કુખોઝૂ જવું પૂર્વનિર્ધારિત હોય તો છેક મુંબઈમાં આવેલી અમારી કોલેજમં હડતાલ પણ ‘આ’ આયોજનનો એક ભાગ..... ઓહોહો! અશક્ય!”
“એ તો શક્ય નથી લાગતું પણ.... ” ગંભીર સ્વરે મેં વાક્ય પૂર્ણ કર્યું- “જો એવું જ હોય તો.... તો આ બહુ મોટું કાવતરું છે.”
“હં, એમાં આપણે બંને કંઈક ભાગ ભજવી રહ્યાં છીએ!”
“વૃંદા, તારા ઘરમાં મૂકાયેલી ચિટ્ઠીનું શું?” મેં ચમકારો કર્યો.
“હા...” ચિંતાના કારણે હાથમાં પકડેલી સોટી સ્થિર પકડીને ચાલી રહેલી વૃંદા બોલી- “એ પણ વિચારવા લાયક મુદ્દો છે. એ લોકોએ મને રાતનાં બાર વાગ્યાનો સમય આપ્યો હતો. એનો અર્થ એ થયો કે એ ચિટ્ઠી મારા ઘરમાં રાતનાં બાર વાગ્યા પહેલાં જ આવી ગઈ હોવી જોઈએ, જ્યારે હું ભમરાહમાં પ્રવેશી જ નહોતી.”
“વદેહીને એ ચિટ્ઠી રાતનાં નવ વાગ્યે મળી ગઈ હતી.” મેં માહિતી આપી.
“મને અને વૈદેહીને એક જ સમયે ચિટ્ઠી મળે એવું જ એ લોકોનું આયોજન હોય.”
“એ ચિટ્ઠી મૂકવા આવનાર માણસ કુખોઝૂથી જ નીકળ્યો હોય. સાંજ પછીના આછાં અજવાળામાં કુખોઝૂથી ભમરાહ આવતાં ત્રણ કલાક તો થાય જ ને?”
“ઓછામાં ઓછા.”
“એટલે કે એ માણસ સાંજના છ વાગ્યા પહેલાં ચિટ્ઠીઓ લઈને કુખોઝૂથી નીકળ્યો હોય. એ સમયે તો તું બ્યોહારી પણ નહોતી પહોંચી. આ આખીય ગણતરીનો નીચોડ એ નીકળ્યો....”
“મારું અહીં આવવું પૂર્વનિર્ધારિત જ હતું!” તે ઊભી રહી ગઈ.
“એક્ઝેટલી! મને જે પત્ર મળ્યો હતો એમાં પણ સ્પષ્ટ લખ્યું હતું કે, ‘તને ભમરાહમાં ડૉ.વિનયની દીકરી- વૃંદા મળશે’.”
તે બેસી પડી. હાથમાંની સોટી તો ક્યારનીય પડી ગઈ છે. તે નીચું જોઈને બબડતી રહી-
“આ શક્ય છે? આ લોકો આટલાં પાવરફૂલ છે? તેઓ મુંબઈની ભીમ્સમાં હડતાલ પડાવી શકે છે? કે પછી.... હડતાલ પડશે એવી તેમને પહેલેથી જાણ હતી? મને અહીં લાવવાની શું જરૂર હતી? શું કરવા માંગે છે આ લોકો? છે કોણ તેઓ?”
“વૃંદા, તારે તો પરિવાર સંબંધી મામલો છે.” મેં તેની સામે જોઈને કહ્યું- “મારે શું લાગેવળગે છે? મને તો છેક શંખેશ્વરથી અહીં બોલાવ્યો. મને અહીં પહોંચાડવા માટે કેટકેટલાં ધીંગાણા કરવામાં આવ્યાં છે એ હું તને કહી ચૂક્યો છું. મને હજી સુધી સમજાયું નથી કે મને અહીં શું કામ બોલાવાયો છે.”
પહેલાં જમીન પર સ્થિર થયેલી વૃંદાની દ્રષ્ટિ હવે મારા પર મંડાઈ.... હું તેની સામે જોતો રહ્યો.... તે જાણે કહી રહી છે- વગર બોલ્યે કહી રહી છે કે...... તને મારા માટે બોલાવાયો છે અને મને તારા માટે..... ને કોણ જાણે કેમ.... લાગે છે કે..... આનામાં ડૂબવાથી..... વૃંદાની સાથે ચાલવાથી મને મળશે મારી અને સમગ્રની સમજ..... બધાં જ જવાબો.... સંપૂર્ણ સમાધાન..... અમે સમજણના પથ પર, સુખના પથ પર સાથે ચાલવા માટે જન્મેલાં યાત્રીઓ છીએ..... અમે એકબીજાનાં છીએ.... જ્યારે એકબીજાનાં બનીશું, ખરા અર્થમાં ત્યારે જ અમે પોતે પોતાનાં બનીશું...
કંઈક અવાજ.... અમે ઝબક્યાં. અમે એ અવાજ તરફ જોયું. દૂર નજર પહોંચી. ભૂંડ જેવા કોઈ પ્રાણીઓનું ઝૂંડ દોડતું જઈ રહ્યું છે. એ તરફ જોઈ રહેલી વૃંદાના મુખમાંથી પ્રશ્ન સર્યો-
“શું થયું હશે મમ્મી-પપ્પાનું?”
હું કંપી ઊઠ્યો. એ મૃતદેહ મારી નજર સમક્ષ તરવર્યો.... જાણે અહીં જ પડ્યો છે એ નિષ્પ્રાણ દેહ....
“વૃંદા...” એ વિચારો ખંખેરીને હું બોલ્યો- “જે થાય છે એ શુભ હેતુથી જ થાય છે.”
“તને અત્યારે મજાક સૂઝે છે?” કહીને તે ઊભી થઈ ગઈ. તેની આંખોમાં જરાક અમથો રોષ દેખાયો.
“હકારાત્મક અભિગમ રાખ, વૃંદા.”
“મને એ પાખંડ પસંદ જ નથી.” તે ચાલવા લાગી.
“પોઝિટિવ એટિટ્યુડને તું પાખંડ કહે છે?” હું તેની પાછળ ચાલ્યો.
“વેદ, આ વિશે આપણે અત્યારે ચર્ચા ન કરીએ તો સારું રહેશે.”
“પણ તું હકા-”
“વેદ, પ્લીઝ...” તે ચિડાઈ!
હું આગળ કંઈ ન બોલ્યો.
અમે મૂક બનીને ચાલતાં રહ્યાં.
હકારાત્મકતા એટલે પાખંડ....... અસહ્ય!
વૃંદાની મનઃસ્થિતિ અત્યારે ઠીક નથી એટલે હું ચર્ચામાં નથી પડતો. ‘જે કંઈ થાય છે એ વ્યવસ્થાના અર્થમાં થાય છે’ એ વિચારને હું છેલ્લાં ત્રણેક વર્ષથી જીવી રહ્યો છું. વૃંદા આ અભિગમને પાખંડ કહે એ મારાથી કેમ સહન થાય? તો શું હું આ પ્રકારનાં વિચારો ધરાવતાં દરેક માણસ સાથે ચર્ચાઓ કરવા જઈશ? ના. વૈદેહી આવું કહે તો મારું રૂંવાડુંય ન ફરકે. પણ વૃંદા જેવી છોકરી આવું વિચારે એથી મને ફેર પડે છે. વૃંદા પોતાના વિચારો પર ધ્યાન આપનારી વ્યક્તિ છે. વૃંદાનાં મનમાં કોઈ માન્યતા તેની પરવાનગી વિના સ્થાયી ન જ થઈ શકે એ હું પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું. હકારાત્મકાને પાખંડ માનવા પાછળ ઘણું લાંબું મનોમંથન વૃંદાએ કર્યું હશે. ઘણું વિચાર્યા બાદ તેણે આ અભિગમ અપનાવ્યો હશે. વૃંદાની વિચારયાત્રા અવળી દિશામાં કેમ? હા, મને મારા અભિગમ પર પૂર્ણ વિશ્વાસ છે.
પરંતુ....
કોઈના વિચારોની દિશા બદવાનો મને શું અધિકાર? હું જે વિચારું છું એ જ સાચું છે એમ માનીને બીજાને એ જ દિશામાં વાળવાનો મને હક છે? એમ ન કહી શકાય કે આમ કરવાથી હું તેનાં વિચાર-સ્વાતંત્ર્યને હણી રહ્યો છું?..... ના રે! વૃંદાના કિસ્સામાં એ શક્ય જ નથી. મને નથી લાગતું કે વૃંદા મારાં વિચારોથી અભિભૂત થઈ જાય અને મને આસ્થાપૂર્વક અનુસરવા લાગે! હું શું, કોઈ પણ માણસ વૃંદાના વિચારો પર સીધેસીધો પ્રભાવ ન પાડી શકે. વૃંદાના વિચારોમાં પરિવર્તન લાવવું એ કંઈ રમત વાત નથી. એ માટે વૃંદાની ધારદાર દલીલો સામે ઝઝૂમવું પડે, આપણે આખેઆખા નીચોવાઈ જવું પડે. એ મહાસંગ્રામને અંતે જો વૃંદા મારી વાત સ્વીકારે તો મેં એની સ્વતંત્રતા હણી કહેવાય? જરાય નહિ. વૃંદાએ પોતાની મરજીથી જ પોતાની વિચારધારામાં પરિવર્તન આણ્યું કહેવાય. બાકી, વૃંદાને મારા વિચારોથી આંજી દેવા જેટલી યોગ્યતા મેં હજી પ્રાપ્ત નથી કરી. હા, આ બાબતે અવની ગજબ યોગ્યતા ધરાવે છે. એ મને અભિભૂત કરી દે છે! તેની હાજરીમાં હું તેની ઈચ્છા મુજબ જ વિચારું છું. તે મારી સામે એ રીતે વ્યક્ત થાય છે કે હું સંપૂર્ણપણે તેનાથી અંજાઈ જઈને તેની વાત સ્વીકારી જ લઉં છું. ટૂંકમાં, અવની મારાં વિચારો પોતાની મરજી મુજબ ચલાવી શકે છે. અલબત્ત, હું એ કક્ષાએ પહોંચી શકું છું કે અવની મને પ્રભાવિત ન કરી શકે. એ માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે એ સ્પષ્ટ વાત છે. હવે અવનીની વાત નીકળી જ છે તો એક પ્રશ્ન ઉદ્ભવે; આ આખીય માથાકૂટ એટલી જબરદસ્ત છે કે અવનીએ એમાં રસ લેવો પડે?
પણ મૂળ વાત અત્યારે વૃંદાની છે.
તેનાં અભિગમમાં પરિવર્તન લાવવામાં અને આટલો બધો ઉત્સાહ કેમ છે? ‘મારી આસપાસના લોકો પણ મારી જેમ જ વિચારતાં હોય તો સારું રહે’ એ માન્યતા લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. હું પણ એ માન્યતામાં ફસાયેલો છું? ના. મારાથી તદ્દન વિપરીત દિશામાં જેનાં વિચારો દોડતાં હોય એવાં કેટલાંય સહાધ્યાયીઓ મારાં મિત્ર છે. હું એ માન્યતામાં ફસાયેલો નથી. તો પછી કેમ મને વૃંદાના વિચારોની દિશા બદલવાનું સૂરાતન ચઢ્યું છે?..... જેનો કાયમી સહવાસ ઈચ્છતા હોઈએ તેનાં વિચારો તો આપણી વિચારધારાની દિશામાં હોવા જોઈએ..... અથવા થવાં જોઈએ.... તો.... હું વૃંદાનો કાયમી સહવાસ ઈચ્છું છું?
એવું છે?
નહિ હોય, કદાચ.
કેમ નહિ હોય? એવું જ છે!
અરે, એ ખોટી વાત છે.
બિલકુલ સાચી વાત છે. ઊંડેઊંડે ક્યાંક આવી ઈચ્છા જન્મી જ છે.
તદ્દન ખોટી વાતો છે આ બધી. હું એવું કંઈ નથી ઈચ્છતો.
એમ?.... તો પછી એનામાં એટલો બધો રસ કેમ...?
અરે, એનામાં નહિ, એની વિચારધારામાં.... કોઈકના વિચારોને યોગ્ય દિશા આપવી એ-
એવું જ હોય તો પછી વૈદેહીનું સ્તર ઊંચું લાવવાનું કેમ નથી સૂઝતું?
એ અતિશય અઘરું કામ છે!
વૃંદાનાં વિચારો બદલવા તો એથીય અઘરાં છે. છે કે નહિ?
એ તો છે જ .... પણ.....
પણ શું?....
અરે, મૂકને ખોટી લપ!
મેં મારી કાંડા-ઘડિયાળમાં જોયું- ૩.૩૩ સૂર્ય ઝડપથી નીચે ઉતરવા લાગ્યો છે. વૃક્ષોનાં, પર્વતોનાં અને અમારાં પડછાયાં લાંબાં બનતાં જાય છે. હવાની ગતિમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઝાડવાઓમાં લપાઈને બેઠેલાં પંખીઓ હવે આમતેમ ઊડવા માંડ્યાં છે. વાતાવરણ વધુ રમણીય બનીને મને વૃંદાની વધુ નજીક જવા માટે પ્રેરી રહ્યું છે.
અત્યાર સુધી જે પર્વતની દિશામાં ચાલ્યાં એ પર્વત પણ આવી ગયો. અમે એક કલાકથી પણ વધુ સમયથી સતત ચાલી રહ્યાં છીએ. એક ઘટાદાર વૃક્ષની નીચે આવ્યાં. મેં પૂછ્યું-
“બેસીશું?”
“ચોક્કસ!” તે બેઠી.
એક વૃક્ષને અઢેલીને હું બેઠો. બૅગ ઉતારીને મેં કહ્યું-
“બૅગ બહુ ભારે થવા લાગી છે હવે.”
“હં.” તે બૅગ ઉતારીને બોલી- “દરેક વ્યક્તિએ ભાર ઉપાડીને જ ચાલવું પડે છે.જીંદગી છે જ એવી.”
“જીંદગી મજાની છે.” મેં કહ્યું- “અમુક જવાબદારીઓ આપણને મજબૂત બનાવે છે.”
“નાછૂટકે મજબૂત બનવું પડે છે, વેદ! કચડાઈ મરવું કોઈનેય ન ગમે.”
“નિર્બળને ભાર ઉંચકવામાં ટેકો કરનાર ઘણાં છે.”
“બીજાને ટેકો કરવા જતાં પોતાનો ભાર ડગમગે એનું શું?” તે મારી સામે એકીટસે જોઈ રહી અને બોલી- “અહીં આવીને તેં તારો જીવ જોખમામાં નથી મૂક્યો? તને કંઈક થઈ જશે તો તારાં પરિવાર પ્રત્યેની તારી જવાબદારીનું શું?”
“બીજાનાં ભારને ટેકો કરવાની જવાબદારી મેં એકલાએ નથી લીધી, વૃંદા!” મેં અવનીના સંદર્ભમાં કહ્યું- “એ હદે ખમતીધર માણસો અસ્તિત્વમાં છે, જેઓ પોતાની જવાબદારીઓને સહેજેય ડગાવ્યા વિના બીજાને ટેકો કરી દે છે. એક દિવસ એવો પણ આવશે, જ્યારે દરેક માણસ ખભેખભો મિલાવીને ચાલશે અને ત્યારે સૌની જવાબદારીઓ ખૂબ જ સરળતાથી-”
“વાહ!” તે વચ્ચે જ બોલી- “ખૂબ જ સરસ કલ્પના..... પણ..... માત્ર કલ્પના જ!”
હું મૌન રહ્યો. વૃંદાની આ દલીલનો જવાબ પ્રતિદલીલથી આપી શકાય તેમ નથી. આ અનુભવની વાત છે. સમાજમાં વ્યવસ્થા માટે જે કંઈક નાનકડું કામ કરીએ ત્યારે જે અનુભવો થાય તેનાં આધારે જ આ વાત સમજી શકાય એમ છે. તે બોલી-
“નાસ્તો કરી લેવો જોઈએ.”
મેં બૅગમાંથી નાસ્તાના બે ડબ્બા કાઢ્યાં. અમે શક્કરપારા ખાવાના શરૂ કર્યાં.
“કુખોઝૂ કેટલું રહ્યું હવે?” મેં પૂછ્યું.
“સવા કલાક.”
ચાવવાની વ્યસ્તતાને કારણે અમે બોલવાનું ટાળ્યું.
થોડી મિનિટોમાં જ બંને ડબ્બા ખાલી થયાં. આમેય આજે બપોરે અમારે આટલાં નાસ્તાથી જ ચલાવવાનું છે. ખાલી ડબ્બા બૅગમાં મૂકીને મેં બોટલ કાઢી. પાણી પીધું. વૃંદાને બોટલ આપતાં હું બોલ્યો-
“પેટ પણ ભરાઈ ગયું અને બૅગમાંથી ભાર પણ ઘટી ગયો!”
“આવા, ઠેકાણા વગરનાં વિચારોને જ તમે પોઝિટિવ થિન્કીંગ કહો છો ને?” કહીને તે પાણી પીવા લાગી.
હવે મારાથી ન રહેવાયું. તે બોટલમાંથી પાણી પી રહી છે. મેં બોટલનો તળિયાવાળો ભાગ પકડીને ઊંચો કર્યો. બોટલમાંનું પાણી મોં પર થઈને તેની છાતી પર રેડાયું. સમજી-વિચારીને લેવાયેલો એ નિર્ણય નહોતો પણ.... મેં એવું કર્યું... રોષભર્યા અવાજે હું બોલ્યો-
“સમજે છે શું તું તારી જાતને?”
“દરિયા જેટલી દુનિયામાં ટીંપામાં જેટલું કદ ધરાવતા હોવા છતાં આખીય દુનિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપીને સુખી થવાના વ્યર્થ ફાંફાં મારતાં અને ઉકરડા જેવી દુનિયામાં છાણનાં કીડાની જેમ અર્થહીન જીવન જીવી નાખતાં મૂર્ખા જીવોથી બનતી માનવજાતિનો એક અંશ છું હું, જેનો મને ખેદ છે.”
તેની દાઢી પરથી પાણીનું છેલ્લું ટીંપું ટપક્યું. તેની લાલ કુર્તીના વક્ષઃસ્થળનાં ભાગે ભીનાશ પ્રસરી છે. તે સહેજ પણ ગુસ્સે નથી થઈ. બોટલમાં વધેલું પાણી પીવા લાગી. હું તેના જવાબથી વિહ્‌વળ બની ગયો છું. આવાં વિચારો સાથે યુવાની પસાર કરી રહેલી વૃંદા ભવિષ્યમાં કેવી હશે? મને તેની ચિંતા થાય છે. પણ.... તે ગુસ્સે નથી થઈ અને હું ગુસ્સે થઈ ગયો હતો! તે પોતાના વિચારો પર મક્કમ છે. હું તેની એક દલીલથી ઉકળી ગયો! આવું ન જ થવું જોઈએ.
“તું તો નકારાત્મકતાની ચરમસીમાએ છે, વૃંદા.” મારાથી બોલાઈ ગયું.
“નકારાત્મકતાની નહિ,-” બોટલનું ઢાંકણું બંધ કરીને તેણે વાક્ય પૂરું કર્યું- “સત્યની ચરમસીમાએ.”
“એટલે?” મેં શાંતિથી પૂછ્યું- “તું શું સિદ્ધ કરવા માંગે છે?”
“સમજાવું!” તેણે પગ લંબાવ્યા. થડનો ટેકો લઈને બેઠી. વાત શરૂ કરી- “ વિચારોના સંદર્ભમાં વપરાતાં ‘હકારાત્મક’ અને ‘નકારાત્મક’ શબ્દો જ અસંગત છે. તેને બદલે ‘અવાસ્તવિક’ અને ‘વાસ્તવિક’ શબ્દો હોવા જોઈએ. એટલે કેમ ‘તમે જેને ‘પોઝિટિવ થોટ્સ’ કહો છો એ ‘અનરીઅલિસ્ટીક થોટ્સ’ છે અને ‘નેગેટિવ થોટ્સ’ને નામે બદનામ થાય છે એ ‘રીઅલીસ્ટીક થોટ્સ’ છે. નકારાત્મકતા જ વાસ્તવિકતા છે.”
“હું આ વાત સાથે જરાય સહમત નથી.” મેં સ્પષ્ટપણે કહ્યું- “સાવ ખોટી વાત છે.”
“સાબિત કરી આપું કે એ વાત સાચી છે.”
હું તેની સામે તાકી રહ્યો છું અને તે મારી સામે. તેણે વાત શરૂ કરી-
“તેં બૉટલનો છેડો ઊંચો કરીને મારા પર પાણી ઢોળ્યું એ ઘટનાને બે અલગ અલગ એંગલથી વર્ણવું. પછી આપણે નક્કી કરીશું કે હકારાત્મકતા એટલે શું અને નકારાત્મકતા એટલે શું. પહેલું, ‘વૃંદાની એક સામાન્ય દલીલથી દુનિયાને સારી ગણાવતો માણસ ગુસ્સે થઈ ગયો અને પોતાનો ગુસ્સો ઉતારવા માટે તેણે બોટલનો છેડો ઊંચો કર્યો.’ બરાબર?” તે મારી સામે જોઈ રહી.
કટાક્ષ! ‘દુનિયાને સારી ગણાવતો માણસ’ અને ‘ગુસ્સે થઈ ગયો’ શબ્દો તેણે ભારપૂર્વક ઉચ્ચાર્યા. મેં રંજભર્યા સ્વરે પૂછ્યું-
“મારા પ્રત્યે દ્વેષ પેદા થઈ ગયો છે તારામાં?”
“બિલકુલ નહિ, વેદ!” તે બોલી- “જેમ મારા વિચારોને કારણે તને મારી ચિંતા થાય છે એમ તારા વિચારોને કારણે મને તારી ચિંતા થાય છે. તું ભ્રમમાં જીવી રહ્યો છે. તું માની બેઠો છે એવી નથી આ દુનિયા.”
“ગજબ!” વૃંદાના આ અભિગમથી હું મૂંઝાઈ ગયો છું.
“તો, એ જ ઘટનાને બીજી રીતે વર્ણવી દેખાડું, ‘લાંબું ચાલવાને કારણે થાકી ગયેલી વૃંદાને આ પવન જરા વધારે ઠંડક આપે એવા શુભ હેતુથી વેદે બોટલનો છેડો ઊંચો કર્યો.”
હું મૌન રહ્યો. તે શું કહેશે તેનું અનુમાન હું લગાવી શકું છું. તે બોલી-
“સ્પષ્ટ છે કે પ્રથમ વર્ણન હકારાત્મક છે અને બીજું નકારાત્મક. પણ સત્યની વધુ નજીક, વાસ્તવિકતાની વધુ નજીક..... નકારાત્મકતા.”
તે બોલતી રહી-
“નકારાત્મકતા વાસ્તવિકતા સાથે સંકળાયેલ છે અને હકારાત્મકતા કલ્પના માત્ર. હકારાત્મક અભિગમને નામે સપનાઓમાં જીવો છો તમે. જે છે જ નહિ એની કલ્પનાઓ કરી કરીને જાતને છેતરી રહ્યાં છો તમે. ‘જે થયું એ સારા માટે થયું’, ‘ભગવાનને ગમ્યું એ ખરું’, ‘બધું સારું થઈ જશે’,..... આવું બધું માની લઈને તમે સાવ ખોટું આશ્વાસન મેળવો છો. ને તમે આવું કેમ કરો છો? કેમ કે આ દુનિયા છે જ ખરાબ. તમે વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં ફફડો છો. એટલે જ હકારત્મકતા નામનાં ભ્રમમાં રચ્યાપચ્યા રહો છો..... જેમ બાળકનું મન પરીઓનાં દેશનાં સ્વપ્ન જુએ છે તેમ!”
“હિમાલયમાં, બરફ આચ્છાદિત પહાડોની વચ્ચે, સફરજનનાં બગીચામાં આપણે બેઠાં છીએ.” મેં વાત કરી- “આ આપણા માટે એક સ્વપ્ન છે, પરીઓની વાર્તા જેવું. પરંતુ, આજે-અત્યારે એવાં કેટલાંય લોકો છે, જે સફરજનના બગીચામાં બેઠાં છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશના લોકો માટે એ વાસ્તવિકતા છે. આપણા માટે જે સ્વપ્ન છે એ જ વાત કેટલાંય લોકો જીવી રહ્યાં છે. હવે પ્રશ્ન એ છે કે આપણે ત્યાં ન પહોંચી શકીએ? આપણે પણ હિમાલયમાં જઈ શકીએ અને જરાક જ હાથ ઊંચો કરીને લાલઘૂમ સફરજન તોડી શકીએ. તો, પ્રશ્ન એ છે કે તું હિમાલય તરફ ગતિ કેમ નથી કરતી? ટ્રેનનું રિઝર્વેશન નથી થતું?”
“એ ટ્રેનનું નામ શું છે? ક્યાંથી ઉપડે છે એ ટ્રેન?”
“ટ્રેનનું નામ છે સમજણ. એ સ્વયંથી જ શરૂ થાય છે.”
“તું એ ટ્રેનમાં બેઠો છે?”
“હાસ્તો!”
“એ ટ્રેન તને અવળા રસ્તે નહિ લઈ જાય એની શું ખાતરી છે?”
“તું હકારાત્મકતાનો બહુ ક્ષુલ્લક અર્થ કાઢે છે.”
“વાહ! એ જ જૂની અને જાણીતી દલીલ!” તે હોઠ મરડીને બોલી-“ ધર્મના ‘વિદ્વાનો’ કહે છે ને, ‘તને નહિ સમજાય, આ તો પ્રભુની અકળ લીલા છે.’ બહુ સારી છટકબારી શોધી કાઢી છે!”
“હું એવું નહિ બોલું. મને વિશ્વાસ છે કે તું હકારાત્મકતાને સમજી શકીશ. દરેક વ્યક્તિ સમજી શકે. ફક્ત ધ્યાન આપવાની જરૂર છે. સમગ્ર પ્રકૃતિમાં જે કંઈ ઘટિત થઈ રહ્યું છે તે શુભ નથી? આપણે જેને ‘કુદરતી આફત’ કહીએ છીએ એ પણ માણસે પ્રકૃતિ સાથે કરેલાં ચેડાંનું જ પરિણામ છે. બાકી સમગ્ર પ્રકૃતિ શુભમાં જ તરબોળ છે.”
“પણ મારું ચિંતન તો માનવને કેન્દ્રમાં રાખે છે.”
“હું પણ એમ જ કહી રહ્યો છું, વૃંદા! ને હું એ સ્વીકારું છું કે માનવ અત્યારે પુષ્કળ સમસ્યાઓમાં સપડયેલો છે. પણ એનો અર્થ એ નથી કે દુનિયા ખરાબ છે. માનવ સમજણના અભાવમાં ભૂલો કરી રહ્યો છે.”
“તો એ સમજણ દુર્લભ કેમ છે?”
“સમજણ દુર્લભ નથી.”
“તો એનો અભાવ કેમ છે?”
“એ તો સંશોધનનો મુદ્દો છે!” મેં કહ્યું- “મને તો સમજણ દુર્લભ નથી લાગતી. ને હા, હમણાં હું કહેતો હતો કે તું હકારાત્મકતાનો બહુ ક્ષુલ્લક અર્થ કાઢે છે. તું જે રીતે તર્ક લગાડીને, બોટલનો છેડો ઊંચો કરવાના હેતુ સાથે હકારાત્મકતા કે નકારાત્મકતાને સાંકળે છે, એ રીતે હકારાત્મકતા ન સમજી શકાય. એ રીતે તર્ક લગાડીને હકારાત્મકતાને માન્યતાઓમાં ઘૂસાડવાની ન હોય. હકારાત્મકતાને સમજવાની, જીવવાની હોય. એટલે જ, સમજણ વિના હકારાત્મક થવું એ પરીઓના દેશના સપનાં જેવું છે. સમજદાર થઈએ એટલે હકારાત્મકતા આપોઆપ આવી જ જાય. કારણ કે સમજણ વાસ્તવિકતાની જ હોય અને હકારાત્મકતા એ જ વાસ્તવિકતા છે.”
“ઓહ! તો તું સમજદાર છે?”
“હું સમજદારી તરફ ગતિ કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે હું સંપૂર્ણ સમજદાર બની શકીશ.”
“ચાલો, કુખોઝૂ તરફ આગળ વધીએ.” તે ઊભી થઈ- “તું હકારાત્મકતામાં શ્રદ્ધા રાખ. હું તો વાસ્તવિકતાનો સ્વીકાર કરતી આવી છું અને કરતી રહીશ..... જોઈએ, શું પરિસ્થિતિ રચાય છે આગળ.....”
અમે ચાલ્યા.
ના રે! અત્યારે ભલે વૃંદા પર આ સંવાદની કોઈ અસર ન દેખાતી હોય, વૃંદાની માન્યતાઓ પર આ સંવાદની અસર જરૂર થશે. વૃંદા ખરેખર ધારદાર દલીલો કરે છે! ક્ષણભર માટે મને એમ લાગી આવે છે કે હવે આનો જવાબ હું નહિ આપી શકું. આ સંવાદમાં મારી સમજણની પરીક્ષા થઈ ગઈ!
“હું કોઈ ફિલોસોફર નથી, વેદ!” તેણે ચાલતાં ચાલતાં કહ્યું- “ જીંદગીએ મને જે કંઈ દેખાડ્યું છે એના આધારે જ મેં આ નિષ્કર્ષો કાઢ્યાં છે.”
“મારુંય એવું જ છે.”
હું આ વાક્ય યંત્રવત્જ બોલી ગયો છું. કેમ કે મને વૃંદાની વાત સાંભળીને ધ્રાસકો પડ્યો છે. વૃંદાના જીવનમાં એવું શું બન્યું છે કે તે આટલી નેગેટિવ બની ગઈ છે? તેની માનસિકતા આ હદે નકારાત્મક બનવાનું મૂળ શોધવું પડશે. હા, મારે વૃંદાને બરાબર ઓળખવી પડશે. તો જ તેની સાથેના સંવાદની સાર્થકતા હું સિદ્ધ કરી શકીશ.
“કુખોઝૂ નજીક આવતું જાય છે, વેદ!”
“આ ગભરામણ છે કે ઉત્સુકતા?”
“ખબર નહિ!”
“તું મને કુખોઝૂ વિશે વધારે માહિતી આપીશ?” મેં પૂછ્યું.
“ચોક્કસ.”
હમણાં થયેલી ચર્ચા પછી અમારો સખ્યભાવ જરાય ઘટ્યો નથી, વધ્યો છે. પણ યાર, વૃંદાને મેં એકેય વાર હસતી જોઈ નથી. અલબત્ત, આ પરિસ્થિતિ છે જ એવી. પરંતુ, જરા સરખું સ્મિત પણ તેના મુખ પર નથી આવતું.
“કુખોઝૂ ટૂંકું નામ છે. પૂરું નામ છે, કુદરતના ખોળે ઝૂંપડું.”
“આ તો ગુજરાતી શબ્દો છે!” મારાથી બોલાઈ ગયું.
“હા, પપ્પાએ એ નામ પાડ્યું છે.”
“ભમરાહના લોકોને આ સ્થળની જાણ નથી?” મને પ્રશ્ન થયો.
“જરાય નહિ.” સામે કાંટાળો છોડ આવતાં ચાલવાની દિશા બદલીને તેણે કહ્યું- “હા, જંગલમાં રખડતું-ભટકતું કોઈક ત્યાં પહોંચ્યું હશે. શક્ય છે કે એ સ્થળને એ લોકોએ કંઈક અન્ય નામ પણ આપ્યું હોય. પણ અમે એ સ્થળને ‘કુખોઝૂ’ નામથી ઓળખીએ છીએ એ તો કોઈનેય ખબર નથી.”
“તો તારા ઘરે આવેલી ચિટ્ઠીમાં ‘કુખોઝૂ’ કેમ લખ્યું હતું? એ લોકોને એ નામની કઈ રીતે જાણ થઈ?”
“તું જોરદાર તર્ક કરે છે, વેદ!” તે વિચારમાં પડી. જરા વિચારીને બોલી- “વેદ, એવાં તો ઘણાં પ્રશ્નો છે, યાર! જેમકે, ‘અમને એ લોકો કઈ રીતે ઓળખે?’, ‘અમે અમદાવાદ છોડીને ભમરાહમાં આવી ગયાં છીએ એ એમને કઈ રીતે ખબર?’, ‘પપ્પા અને વશિષ્ઠકાકા કંઈક શોધી રહ્યાં છે અને તેમની શોધ સાકાર થઈ ચૂકી છે એ?’ એટલે, આપણે ચર્ચાઓ કરીને આ પ્રશ્નોના જવાબ નહિ મેળવી શકીએ.”
“સાચું કહ્યું, વૃંદા! તું કુખોઝૂ વિશેની વાત આગળ વધાર!”
સૂર્ય હવે ક્ષિતિજ તરફ નમવા લાગ્યો છે. અમે પશ્ચિમ તરફ ચાલીએ છીએ. તડકો સીધો આંખમાં પ્રવેશે છે. પવને જોર પકડ્યું છે. ઊંચા અને પાતળા વૃક્ષો પવનની દીશામાં સહેજ નમી જાય છે. હવે એ સમય થવાની તૈયારી છે, જ્યારે જંગલી જાનવરો નદીએ પાણી પીવા જશે. બસ, અમારા રસ્તામાં એકેય આવી ન ચડે!
વૃંદાએ વાત માંડી-
“હું ભમરાહમાં હતી ત્યારે જ આ લોકોએ અમદાવાદ છોડ્યું. મને આ ઘટનાની જાણ નહોતી. જ્યારે મારે ઘરે આવવાનું થયું ત્યારે મને બ્યોહારી આવવાની સૂચના મળી. હવે આ બ્યોહારી ક્યાં આવેલું એ જ મને ખબર નહોતી! સૌપ્રથમ તો મેં ગૂગલ-મૅપ પર બ્યોહારી શોધ્યું. પણ, છોડ એ બધું! હું બ્યોહારી આવી ગઈ. ત્યાંથી માહગાઢ આવતી બસમાં બેસવાની સૂચનાને અનુસરી. પપ્પા મને લેવા માટે માહગાઢ આવી ગયેલા. ત્યાંથી અમે ચાલતા ભમરાહ આવ્યા. રસ્તામાં જ મને પપ્પાએ અમદાવાદથી ભમરાહ આવવાનું કારણ જણાવ્યું.”
“એ કારણ મને જાણવા મળશે?”
“બિલકુલ!” તેણે કહ્યું- “વશિષ્ઠકાકા અને પપ્પા જે વિચારને સાકાર કરવા મથી રહ્યા હતા, તે પ્રયત્ન હવે પરિણામની નજીક હતો. પપ્પા અને કાકાને ભય હતો કે અમદાવાદ જેવા શહેરમાં તેઓ વાત ગુપ્ત નહિ રાખી શકે. એટલે તેઓ અમદાવાદ છોડીને ભમરાહ આવી ગયા.”
“પણ ભમરાહ જ કેમ?”
“તો, હું વૈદેહી સાથે જંગલમાં રખડતી.” તેણે મારો પ્રશ્ન અવગણીને પોતાની વાત આગળ વધારી- “અમે બહુ ઊંડે નહોતા જતા. પણ એક દિવસ અમે સાહસ ખેડ્યું. નાસ્તો, પાણીની બોટલ, ટૉર્ચ અને નોટ-પેન લઈને વહેલી સવારે અમે નીકળી પડ્યા. પર્વતોને અનુસરતા આગળ વધ્યા. જે પર્વતને અનુસરીએ તેનો આકાર નોટમાં દોરી લઈએ. અમને એક ગુફા મળી. અમે અંદર ગયા. એકદમ અંધકાર. ટૉર્ચ ઓન કરી. જાણે વિજ્ઞાની હોઈએ અને કોઈ પ્રાચીન ગુફામાં ઈતિહાસના અવશેષો શોધતા હોઈએ એવી લાગણી અમે અનુભવી.”
“આ વાત સાંભળવા માત્રથી મને એ લાગણી અનુભવાય છે!”
“એ ગુફા ઘણી વિશાળ હતી. હું વૈદેહીના ખભા પર ઊભી રહું તો પણ કદાચ એ ગુફાની છતને સ્પર્શી ન શકું. હા, ગુફાની અંદરની સપાટી એકદમ અનિયમિત હતી. મેં જોયું કે ટૉર્ચ બંધ કરીએ તો છત પર બે જગાયેથી પ્રકાશની પાતળી ધાર રેલાતી. મેં એ જગ્યાએ ટૉર્ચનો પ્રકાશ ફેંક્યો. ત્યાં ઘણી તિરાડો હતી. આપણી હથેળી જેટલો એક પથ્થર મેં એ જગ્યાએ માર્યો. પથ્થર ત્યાં અથડાઈને નીચે પડ્યો. મેં બીજી વાર પથ્થર માર્યો. એ વિભાગ તૂટ્યો. અમે ઝડપથી ત્રણેક ડગલાં પાછા ખસી ગયા. ત્યાં એક મોટું બાકોરું બની ગયું. આવી બીજી જગ્યા શોધી અને ત્યાં પણ બારી બનાવી. બંને બારીઓ લગભગ ત્રણ ફૂટ વ્યાસની હતી. હવે ટોર્ચની જરૂર નહોતી. હવે ટોર્ચના મર્યાદિત પ્રકાશને બદલે કુદરતી પ્રકાશ ગુફામાં વ્યાપી ગયો. આખીય ગુફા સ્પષ્ટ દેખાઈ.”
જરા અટકીને તેણે આગળ ચલાવ્યું-
“અમે થાક્યા હતા. અમે ત્યાં જ નાસ્તો કરવા બેઠા. વૈદેહી ખુશીથી લગભગ પાગલ બની ગઈ હતી.”
“તું ખુશ નહોતી થઈ?”
“પછી અમે-”
“તું કેમ ક્યારેય હસતી નથી?”
“વેદ, તારે વાત પૂરી નથી થવા દેવી?”
“વૃંદા, તું ક્યારેય હસતી નથી...”
“એટલે જ તો હું ક્યારેય રડતી નથી.” તેણે કહ્યું.
“અરેરે!”
“શું થયું?”
“ભયંકર ભૂલ કરી રહી-”
“મને એમ લાગે છે કે તું ભૂલ કરે-”
“પણ તું સાવ ખોટું-”
“બિલકુલ સાચું.”
“કઈ રીતે?” મેં પૂછ્યું.
“લોકો એમ કહે છે કે ‘દુઃખ હોય તો સુખ અનુભવાય’, હું એમ કહુ છું, ‘સુખ ન હોય તો દુઃખ અનુભવાય જ નહિ’.”
“એ જ તો તારી ભૂલ.”
“એ વાત ખોટી કેમ?” તેણે પ્રશ્ન કર્યો.
“સુખ પણ નહિ ને દુઃખ પણ નહિ, હસવાનું પણ નહિ ને રડવાનું પણ નહિ, આવી જીંદગી જીવવાનો શું અર્થ? યે જીના ભી કોઈ જીના હૈ, લલ્લુ?”
“સુખ-દુઃખના ચકરાવામાં ફસાઈ જવું તને ગમે છે, લલ્લુ?”
“પણ ફક્ત સુખ જ રહે..... નિરંતર..... તો?”
“વાહ! ફરી એક વાર...... સરસ કલ્પના..... પણ... માત્ર કલ્પના જ! અવાસ્તવિક કલ્પના! હકારાત્મકતા! ”
“તેં એ રીતે જીવવાનો પ્રયત્ન કર્યો છે ખરો?”
“ના.”
“તો પછી જોયા-જાણ્યા વિના એને તું અવાસ્તવિક કલ્પના કઈ રીતે કહી શકે?”
“એમ? તું તો એ રીતે જ જીવે છે ને?”
“હા.”
“તું નિરંતર સુખી છે?”
“થયો નથી....” મેં મક્કમપણે કહ્યું- “થઈશ.” અને મેં એને સામે પ્રશ્ન કર્યો- “તું સુખ-દુઃખની વચ્ચે સંપૂર્ણ તટસ્થ રહી શકે છે?”
“ના.” તેણે પણ સાચેસાચું કહી દીધું.
“તો તું એ રસ્તે કેમ ચાલે છે? પથ્થરની જેમ ભાવવિહિન જીવવું.... ફક્ત શરીર ટકાવી રાખીને જીવતા રહેવું એ જીવન છે? જીવનનો અર્થ શું?”
“એ પ્રશ્નનો જવાબ હું શોધી રહી છું. તને જવાબ મળ્યો છે?”
“શોધી રહ્યો છું.” મેં કહ્યું.
“આપણું લક્ષ્ય એક જ છે.” તેણે કહ્યું- “પણ રસ્તાઓ તદ્દન વિરુદ્ધ.”
“બંનેમાંથી કોઈકે તો દિશા બદલવી પડશે, વૃંદા!”
“જોઈએ.....”
અમે મૂંગા બનીને ચાલતા રહ્યા. મોં કંઈ બોલતું નથી, બાકી અમે બંને અંદરથી હચમચી ગયા છીએ. અમે અમુક વર્ષોથી જે માર્ગે જીવનયાત્રા કરી રહ્યા હતા અને આખુંય જીવન જે માર્ગે પસાર કરવાનું નક્કી કરી ચૂક્યા હતા એ માર્ગ પર હવે પ્રશ્ન ઊભો થયો છે. અલબત્ત, અમને બંનેને પોતાનો માર્ગ સાચો લાગી રહ્યો છે.
હવે અમે એક પર્વતની સામે આવીને ઊભા છીએ.
“હવે આપણે જે પર્વતને અનુસરવાનું છે-” વૃંદાએ કહ્યું- “એમાં જ એ ગુફા-કુખોઝૂ છે.”
અમે આગળ ચાલ્યા.
“વૃંદા, કુખોઝૂમાં રાત્રે બાર વાગ્યે અંધારુ ન હોય?”
“હોય જ ને.” તેણે કહ્યું- “રાત્રે તો પેલી બંને બારીઓ ફક્ત હવાના સરક્યુલેશન માટે જ કામ આવે!”
“તને કુખોઝૂ આવવાનું આમંત્રણ આપનાર લોકોએ રાત્રે બાર વાગ્યે ત્યાં શું કાર્યક્રમ યોજ્યો હશે?”
“સોલર લાઈટ્સ ગોઠવી હશે અથવા મશાલો સળગાવી હશે.”
પંદરેક મિનિટ સુધી ચાલ્યા બાદ વૃંદા અટકી. નજીક આવી ગયેલા એક પર્વત તરફ આંગળી ચીંધીને બોલી- “કુખોઝૂનો દરવાજો દેખાય છે?”
“ક્યાં?”
“પેલો રહ્યો.”
“હા, જોયો.”
“અંદર જવા માટે તૈયાર છે ને?”
“ઉત્સુક છું!”
“થોડી પૂર્વતૈયારી કરી લઈએ.”
“કેવી તૈયારી?”
તેણે બૅગ ઊતારી. નીચે બેઠી. હું તેની બાજુમાં બેઠો. વૃંદાએ બૅગમાંથી એક ખોખું બહાર કાઢ્યું. બૅગ બંધ કરી. ખોખું ખોલીને તેમાંની વસ્તુઓ ઠાલવી. અમુક જાતની મજબૂત ધાતુના બનેલા, કોઈ યંત્રના હોય તેવા, પાર્ટ્સ છે.
“આ શું છે?” મેં પૂછ્યું.
“જોતો જા!”
તેણે કામ શરૂ કર્યું. તે ખૂબ જ ઝડપથી પાર્ટ્સ જોડવા લાગી. ત્રણેક મિનિટ થઈ. છેવટે તેણે એક લંબઘન ‘કટાક્’ અવાજ સાથે ફીટ કર્યો.... પિસ્તોલ તૈયાર! ડાબા હાથમાંથી તે પિસ્તોલ ઊછાળીને જમણા હાથમાં ઝીલી. મારી સામે જોઈને બોલી-
“એમ નાઈન્ટીન ઈલેવન, એ વન, પોઈન્ટ ફોર્ટી ફાઈવ કેલીબર ઑટોમેટિક પિસ્તોલ.”
હું તો હેબતાઈ જ ગયો છું! તે બોલતી રહી-
“શૉર્ટ રીકોઈલ સેમી ઑટોમેટીક ઓપરૅશન સિસ્ટમ, સેવન રાઉન્ડ ફાયરિંગ, બૅઝીક લોડ- ટ્વેન્ટી રાઉન્ડ્સ, વેઈટ વિથ ફૂલ મૅગેઝીન- વન પોઈન્ટ ફોર કિલોગ્રામ, સિંગમ એક્શન ઍર હેન્ડ-ગન.”
“સાચી છે?” મારાથી પૂછાઈ ગયું!
“હાસ્તો!”
“ક્યાંથી લાવી?”
“મારી જ છે.” તેણે સહજતાથી કહ્યું.
“હેં?”
“તો શું?”
“લાઈસન્સ?”
“નથી.”
“ચલાવતા આવડે છે?”
“પાક્કી!” તેણે કહ્યું- “પણ તું મારી સામે આ રીતે કેમ ડોળા ફાડી રહ્યો છે? વૃંદાને તો તું ઓળખે છે!”
“હા, પણ વૃંદાના હાથમાં શું છે એ તો જો! પણ.... વૃંદા, તું પિસ્તોલ કેમ રાખે છે?”
“તને આટલી નવાઈ કેમ લાગે છે, યાર!” તે ઊભી થઈ.
“પણ..... વૃંદા.... તું....” હું બેસી રહ્યો.
“અચ્છા! તો વેદને એમ લાગતું હતું કે પોતે વૃંદાને ઓળખવા લાગ્યા છે! હેંને?”
“.........”
“વેદ....” તે નીચી નમી..... તેનો ચહેરો મારા ચહેરાની નજીક લાવી.... જાણે એકલી એકલી બબડતી હોય તેમ બોલી- “તું હજી મને ઓળખતો જ નથી......”
“કોણ છે તું?” હું સાવ ધીમે બોલ્યો- “વૃંદા.... એક માનવ, જે આ વિશ્વને સમજવા માંગે છે..... મારી જેમ જ......”
તે મારી આંખોમાં તાકી રહી. બોલી-
“હું તારી સાથે ચાલવા તરસી રહી છું, વેદ!.”
“સ્વાગત છે!”
“આપણે સાથે ચાલીશું.... પણ..... મારા રસ્તે.”
“એ શક્ય નહિ બને!”
“તું મારી વાત સમજતો કેમ નથી, યાર?” સહેજ ચિડાઈને તે ટટ્ટાર થઈ.
“તું મારી વાત સમજે છે?” હું ઊભો થયો.
“આપણી ચર્ચાનો અંત નહિ આવે, વેદ!” તેણે બૅગ ખભે ભરાવી.
“શરણાગતિ હું નહિ સ્વીકારું.”
“મેં તો સફેદ ઝંડો બનાવડાવ્યો જ નથી!”
“જોઈએ..... શું થાય છે......”
અમે કુખોઝૂ તરફ ચાલ્યા.
“બીક લાગે છે?” વૃંદાએ મને પૂછ્યું.
“શેની?”
“કુખોઝૂમાં જવાની.”
“થોડીક. તને?”
“જરાય નહિ.” તેણે નિશ્ચિંતપણે કહ્યું- “આપણે મરવા માટે જ તો જન્મ્યા છીએ, વેદ!”
“ના, આપણે ફરી જન્મ લેવા માટે મરીશું!”
તે મૌન રહી. કુખોઝૂના દરવાજે અમે અટક્યા. મેં પપ્પાએ મને આપેલી છરી કાઢી.
“તું હિંસા કરીશ?”
“સ્વરક્ષણ.” મેં કહ્યું.
“હકારાત્મકતા!” કહીને તેણે મારી સામે હોઢ મરડ્યા.
છેવટે અમે કુખોઝૂ પહોંચી ગયા છીએ. કાલે રાત્રે અહીંયા શું બન્યું હશે? વૈદેહી અહીં આવી હતી? વૈદેહીના અને વૃંદાના માતાપિતા અહીં હતા? એ લોકોનું શું થયું? આ કાંડ રચનાર લોકો કોણ હતા? તેઓ ક્યાંય ફરાર થઈ ગયા? તેઓએ આ બધું કેમ કર્યું? આ ઘટના વશિષ્ઠકુમાર અને વિનયકુમારની શોધ સાથે સંબંધિત હતી? અને.... વૃંદાના મમ્મી.... તેમની હત્યા કેમ થઈ? ક્યાં થઈ? ક્યારે થઈ? તેમના મૃતદેહને વૈદેહીના ઘરમાં મૂકવા આવનાર માણસોએ મને જોયો હશે? જોયો જ હશે. તો તે લોકો મારા વિશે શું માની બેઠા હશે? સો વાતની એક વાત, હું આ માયાજાળમાં બરાબર સપડાઈ ગયો છું. હવે પછીની ઘટનાઓમાં મારી ગણતરી પણ થશે..... ભારે કરી! મને તો નથી વિરોધીપક્ષ વિશે જાણકારી કે નથી આપણા પક્ષ વિશે! હવે કુખોઝૂમાંથી વધુમાં માહિતી મળી જાય તો હું કંઈ નિર્ણય લઈ શકું. મેં કહ્યું-
“વૃંદા, મને એમ લાગે છે કે એક જ મિનિટમાં આપણે કુખોઝૂમાં ન પ્રવેશ્યા, તો મારું હ્યદય મારી છાતી ફાડી નાંખશે!”
“પિસ્તોલ પહેલી જશે કે છરી?”તેણે પૂછ્યું.
“બંને સાથે જશે.” મેં કહ્યું.
અમે બંનેએ એકબીજાની સામે જોયું. મેં ઊંડો શ્વાસ લીધો.
અમે પ્રવેશ્યા......
(ક્રમશઃ)