પ્રેમ કે પ્રતિશોધ-42
*સૌ પ્રથમ તો દિવાળી વેકેશનમાં માતૃભારતી ઓફીસ પર રજા હોવાથી ભાગ-41 સમયસર પ્રકાશિત થઈ શક્યો નહીં, તે બદલ હું માફી ચાહું છું.
(આગળના ભાગમાં જોયું કે દીનેશ અને સંજય ગિરધરના ઘરે તપાસ કરે છે. બીજી બાજું અર્જુનને કોઈ નવીન જ જાણકારી મળે છે. અને નવા જ ઉમંગ સાથે તે કેસ સોલ્વ કરવાના કામમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ જાય છે.....)
હવે આગળ...
દીનેશ અને સંજય તેના ઘરે તેની રાહ જુવે છે એ વાતથી અજાણ ગિરધર રાજેશભાઈના ઘરેથી પોતાના ઘર તરફ રવાના થાય છે. તે પોતાના ઘરે પહોંચીને ઘરની સ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. સૌ પ્રથમ તો તેણે ઘરની દરેક વસ્તુની તપાસ કરી તો બધું બરાબર જ હતું. પ્રથમ નજરે તો ચોરી જેવું લાગ્યું પણ પછી તેણે વિચાર્યું કે નક્કી પોલીસ અહીં સુધી આવી ગઈ હશે..... તેને અચાનક કઈક યાદ આવ્યું હોય તેમ ફટાફટ રૂમમાં જઈ જુના કટાઈ ગયેલા કબાટનો દરવાજો ખોલ્યો. થોડા કપડાં આડા અવળા કરી પાછળ હજી એક ગુપ્ત લોકર જેવું ખાનું ખોલ્યું. તેમાં હાથ નાખીને એક પ્લાસ્ટિક બેગ બહાર કાઢી અને તે બેગમાં જોયું અને જાણે એના જીવમાં જીવ આવ્યો હોય તેમ પુનઃ કબાટના ખાનામાં એ બેગ મૂક્યું. પણ પાછળથી કઈક સળવળાટ થતા પાછળ ફરીને જોયું તો એના મોતિયા મરી ગયા..... દીનેશ અને સંજય બંને ક્યારના રૂમના દરવાજે ઉભા ઉભા શાંતિથી ગિરધરની પ્રવૃત્તિ નિહાળી રહ્યા હતા. થયું એવું કે સંજય અને દીનેશે અર્જુનને કોલ કર્યા પછી નક્કી કર્યું કે ગિરધર ઘરે આવે ત્યારસુધી બહાર જ છુપાઈ ને રહેવું. અને ગિરધર ઘરે આવે કે તરત તેની પાછળ જવું જેથી ઘરની હાલત જોઈને ગિરધર સૌ પ્રથમ તો એ જ વસ્તુ સલામત છે કે નહીં તે ચકસવાનો હતો જેનાથી પોલીસને કોઈ પુરાવો કે સબૂત મળી રહે. અને બંનેનો પ્લાન સફળ પણ થયો.
ગિરધર તો હજી બાઘાની જેમ બંનેને જોઈ રહ્યો હતો. શું કરવું કે નહીં તે એની સમજ બહાર હતું. અને બંને કોન્સ્ટેબલ રૂમના એકમાત્ર દરવાજે ઉભા હોવાથી ક્યાંય ભાગીને જવાનો પ્રયાસ પણ કરી શકે તેમ નહોતો.
સંજયે આગળ આવી ગિરધરે કબાટમાં મુકેલી પ્લાસ્ટિકની બેગ કાઢીને તેમાં હાથ નાખ્યો તો કોઈ વસ્ત્રો હાથમાં આવ્યા અને હાથ બહાર કાઢી જોયું તો બંને કોન્સ્ટેબલ આશ્ચર્યથી જોઈ રહ્યા કારણ કે સંજયના હાથમાં તો વસ્ત્રો જ હતા પણ એ વસ્ત્રો સ્ત્રીના હતા અને એ પણ બુરખાધારી સ્ત્રી પહેરે તેવા!, બંને ઘડીક વસ્ત્રો સામે તો ઘડીક ગિરધરના મુખત્રિકોણ સામે જોઈ રહ્યા. બંને કોન્સ્ટેબલને એ સમજતા વાર ન લાગી કે આ તેના જેવા જ વસ્ત્રો છે જે પેલી મહિલાએ પહેર્યા હતા. વિડીઓ ક્લિપમાં જોયા હતા એ મુજબના....
“આ શું છે ગિરધરભાઈ?"સંજયે ગિરધરના ચહેરા સામે વસ્ત્રો બતાવતાં કહ્યું.
“સસસ સાહેબ.... એ એ એતો મારી એક મિત્રના કપડાં છે."ગિરધરે થોઠવાતાં સ્વરે કહ્યું.
“તો પછી આમ છુપાવેલા શા માટે હતા?"દીનેશે તેની આંખમાં આંખ પોરવીને કહ્યું.
“કઈ છુપાવેલા નહોતા, હું તે વસ્ત્રો આપવાના હતા એટલે જ અહીં આવ્યો હતો..."ગિરધરે શુષ્ક સ્વરે કહ્યું, તેનો કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.
“સાંભળ્યું છે કે તમને મહિલાનો પાત્ર ભજવતાં પણ આવડે છે..." દીનેશે તેને પોતાની નજીક ખેંચતા કહ્યું.
“ના સાહેબ, એ તો તમારી ભૂલ થઈ ગઈ હશે...."
“હવે જે હોય તે કબૂલ કરી લે એમાં જ તારી ભલાઈ છે.."
“પણ મેં કઈ કર્યું નથી તો..."
ગિરધર આગળ કઈ બોલે તે પહેલાં જ દીનેશે જમણા કાન નીચે એક સણસણતો તમાચો ચોડી દીધો...અને કહ્યું,“ જો તું સાચું કહી દે તો તને ઓછી તકલીફ થશે....બાકી અમને સાચું બોલાવતા આવડે જ છે..."
“ના સાહેબ મેં કઈ નથી કર્યું.."ગિરધરે રડમસ અવાજે કહ્યું. તેનો ગાલ તમાચાથી લાલ થઈ ગયો હતો દીનેશના હાથના આંગળા ગાલ પર છપાઈ ગયા હતા.
“હજી ખોટું બોલે છે... તું અજયને કોલ કરવા અને શિવાનીનું સેન્ડલ બદલવા નહોતો ગયો એમ..."આટલું કહી દીનેશે ફરી હાથ ઉગામ્યો..
“સાહેબ મારજો નહીં, કહું છું બધું...કહું છું.."
સંજયે કહ્યું,“ચાલ બોલવાનું શરૂ કરી દે..."
ગિરધરે કહ્યું.“સર મને બીજી કઈ ખબર નથી. મેં તો બે-ત્રણ વખત આ કપડાં પહેરીને મને જે કહેવામાં આવ્યું તે કર્યું છે."
“મતલબ?" દીનેશે પૂછ્યું.
“એ જ કે મને એક વખત આ કપડાં પહેરીને એક જગ્યાએ બેસીને કોઈ થેલીમાંથી સેન્ડલ બદલવાનું કહેવામાં આવ્યું હતું."
“ફટાફટ આગળ બોલ....નહીંતર હજી એક પડી જશેને તો દાંત બધા બહાર આવી જશે"દીનેશે તેને ધમકાવતા કહ્યું.
વધુ આવતાં અંકે...