Prem ke Pratishodh - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 4

પ્રેમ કે પ્રતિશોધ-4


મારી આ નવલકથાના આગળના ત્રણેય ભાગમાં તમે જે સહકાર આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ આગળ પણ તમારો સહકાર મળશે તેવી અપેક્ષા રાખું છું.
ધન્યવાદ......

(આગળ તમે જોયું કે શિવાનીના ખુનના કેસમાં અર્જુન વિનયને ગિરફ્તાર કરે છે. વધારે તપાસ કરવા માટે તે દિનેશ અને રમેશને સીસીટીવી ફૂટેજ ચેક કરવા વિનય જે શોપમાંથી સેન્ડલ લાવ્યો હતો ત્યાં મોકલે છે. ત્યાંથી તેમને આશ્ચર્યજનક માહિતી મળે છે. જેના વિશે અર્જુનને જણાવવા રમેશ અને દિનેશ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે.)

હવે આગળ...........

રમેશના ચહેરા પરથી એને કંઈક નવીન જાણવા મળ્યું છે એમ અર્જુને કળી લીધું.
અર્જુને પૂછ્યું,“હવે કંઈક જણાવીશ?"
“સર, જણાવ્યા કરતા તમે જોઈ જ લો ને."આટલું કહી રમેશે શોપમાંથી લઈ આવેલી કેસેટ લેપટોપમાં પ્લે કરી.
અર્જુન અને રમેશ ધ્યાનથી સીસીટીવી ફૂટેજ જોવા લાગ્યા.
તેમાં વિનય શોપમાં દાખલ થઈ અને થોડીવાર પછી એક બેગ લઈને શોપની બહાર નીકળે છે.

“આ બેગમાં જ સેન્ડલ હશે."-સંજયે ખુલાસો કરતાં કહ્યું.

વિનય બહાર નીકળ્યો ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાં ઉભી હોય છે. તે મહિલા મેઈન રોડની કિનારી પર આવીને ઉભેલી હોય છે. કદાચ તે રોડ ક્રોસ કરવા માંગતી હશે તેવું જણાતું હતું. વિનય બાજુમાં પડેલી બેન્ચ પર થેલો મૂકી તે મહિલાની રોડ ક્રોસ કરવામાં મદદ કરવા જાય છે.

વિનયે બેગ મૂકી ત્યારે બેન્ચ પર કોઈ નહોતું તે થોડોક આગળ ગયો ત્યાં રોડ પર ચાલી આવતી એક બુરખા ધારી મહિલા બેન્ચ પર બેસે છે અને પોતાના હાથમાં રહેલ બેગમાંથી એક સેન્ડલ કાઢી વિનયે મુકેલા બેગમાં રહેલા સેન્ડલ સાથે અદલાબદલી કરી ત્યાંથી ચાલી જાય છે.
વિનય વૃદ્ધ મહિલાને રોડ ક્રોસ કરાવી બેન્ચ પરથી બેગ ઉપાડી ફેશન શોમાં જવા માટે ત્યાંથી ચાલતો થાય છે.

“સર, વિનયને ફસાવવા માટે કોઈ આવું શા માટે આ મહિલાએ સેન્ડલ બદલી નાખ્યું, જેથી આપણે વિનયને જ અસલી ખૂની સમજી સજા કરીએ,અને આ ક્લિપમાં તો તેનો ચહેરો પણ નથી દેખાતો તો એને કેવી રીતે પકડી શકીશું?"
“રમેશ, જે નથી એને તો આપણે પકડી ન શકીએ."-અર્જુને કહ્યું.
“સર, તમારો કહેવાનો અર્થ હું ના સમજી શક્યો. થોડો ખુલાસો કરો તો સમજાશે."
“પહેલી વાત તો એ કે આ બુરખાધારી મહિલા નહીં પુરુષ છે."
આ સાંભળીને રમેશનું મુખ તો ખુલ્લું જ રહી ગયું.
“એ તમને ક્યાંથી જાણવા મળ્યું સર?"-રમેશે વિસ્મયતાથી પૂછ્યું.

આવી રીતે.....
આટલું કહી અર્જુને સીસીટીવી ફૂટેજ ફરીથી પ્લે કરી મહિલા સેન્ડલ એક્સચેન્જ કરે ત્યાં સુધી વિડિઓ ફોરવર્ડ કરી મહિલાએ જ્યારે સેન્ડલ કાઢવા બેગમાં હાથ નાખ્યું ત્યાં વિડિઓ સ્ટોપ કરી અને ઝૂમ કર્યું.

“હોશિયારમાં હોશિયાર માણસ પણ કંઈક તો ભૂલ કરે અને આ જ આ વ્યક્તિની ભૂલ.એના હાથ પર ધ્યાનથી જો, કઈ અલગ દેખાય છે."- અર્જુને સ્ક્રીન પર રહેલા મહિલાના હાથ પર આંગળી ચીંધતા કહ્યું.

રમેશે ઉત્સાહિત થઈને કહ્યું,“હા સર, એણે પહેરેલી રિસ્ટ વોચ."
“આ વોચ મહિલાઓની નહીં પણ પુરુષો પહેરે તે છે. અને આ ખૂનીએ કપડાં તો બદલ્યા પણ ઘડિયાળ બદલતા ભૂલી ગયો અને કદાચ આ ઘડિયાળ જ આપણે તેના સુધી પહોંચવામાં મદદ કરશે."

“ખરેખર સર તમારા ઇન્ટેલિજન્સ વિશે સાંભળ્યું તો હતું જ પણ આજે જોઈ પણ લીધું."-રમેશે અર્જુનની પ્રસંશા કરતા કહ્યું.
“બસ હવે ચણાના ઝાડ પર ના ચડાઈશ ને જા મારા માટે ચા લઈ આવ."અર્જુને વ્યંગ કરતા કહ્યું.

રમેશ બહાર અર્જુન માટે ચા લેવા જાય છે. થોડીવાર પછી રમેશ અને દિનેશ કેબિનમાં પ્રવેશે છે.
રમેશ અર્જુનની સામે એક ચાનો એક કપ મૂકે છે. દિનેશના હાથમાં પણ ચાના બે કપ હોય છે. (હવે કહેવાની તો જરૂર નથી કે તે રમેશ અને પોતાના માટે હોય છે. )

ચા પીવાથી અર્જુન થોડી તાજગી અનુભવે છે. અર્જુનના મગજમાં તો હજી પહેલી ફુટેજ જ ચાલતી હતી.
સહસા તેને કંઈક યાદ આવ્યું......
“વિનય જ્યારે બહાર આવ્યો ત્યારે જ વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરતી હતી. આ ખાલી સંજોગ જ હતું કે કોઈ યોજના.......તમને શું લાગે છે?"-અર્જુને પોતાનો તર્ક રજુ કર્યો.
“તમારી વાત સાચી છે. સર"-રમેશે કહ્યું.
અર્જુને થોડીક વાર વિચાર કરી કહ્યું,“એક કામ કરો તે વૃદ્ધ મહિલાનો ચહેરો ક્લિપમાં સ્પષ્ટ દેખાય છે. તે શોપની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરો તે ત્યાંજ ક્યાંય રહેતી હશે. અને પહેરવેશ પરથી ગરીબ હોય તેવું દેખાય છે. એટલે ત્યાં જઈ ખાસ કરીને આજુબાજુની દુકાનોમાં એનો ફોટો બતાવી તપાસ કરો."
“ok સર."રમેશ અને દિનેશ અર્જુને કહ્યા મુજબ તે મહિલાનો ફોટો લઈને તેની તપાસ કરવા નીકળી જાય છે.

તેમના ગયા પછી અર્જુને એક કોન્સ્ટેબલને બોલાવી વિનયને લોકઅપમાંથી પોતાના કેબિનમાં લઈ આવવા કહ્યું.
થોડીવારમાં વિનય કોન્સ્ટેબલ સાથે અર્જુનના કેબિનમાં પ્રવેશે છે.
અર્જુને ખુરશી તરફ બેસવાનો વિનયને ઈશારો કરી કોન્સ્ટેબલને બે કપ ચા લઈ આવવા કહ્યું.
“વિનય અમારું કામ જ જ્યાં સુધી ખૂની પકડાય નહીં ત્યાં સુધી દરેક શંકાશીલ માણસને ખૂની ગણીને જ ચાલવાનું હોય છે. એટલે તારે ભયભીત થવાની જરૂર નથી. અને હા આ સીસીટીવી ફૂટેજ જો...... જેમાં તું આ મહિલાને રોડ ક્રોસ કરવામાં મદદ કરી રહ્યો છો. તે મહિલાને તે પહેલાં ક્યાંક જોઈ છે."-આટલું કહી અર્જુને વિનયની સામે લેપટોપ ફેરવ્યું.
“ના સર, હું જ્યારે શોપમાંથી નીકળ્યો ત્યારે આ મહિલા ત્યાં હતી એટલે મેં તેની મદદ કરી. આજથી પહેલા મેં ક્યારેય તેને જોઈ નથી."-વિનયે લેપટોપની સ્ક્રીન બાજુ જોતા જોતા કહ્યું.
આગળની ક્લિપ જોતા જ વિનયના ચહેરાના ભાવ બદલાયા એટલે અર્જુને કહ્યું,“શું થયું આ મહિલા સેન્ડલ બદલે છે. તે જોઈને વિચારમાં પડી ગયો."
“હા સર, આટલા સમયમાં આવું બની ગયું અને મને એની જરા પણ ખબર જ ના પડી, જો તમે આ જોયું ન હોત તો શિવાનીની હત્યાના આરોપમાં મને તો ફાંસીએ જ લટકાવી દેત ને...."વિનયના કપાળ પર પરસેવો વળી ગયો.
“વિનય, તારે ગભરાવાની જરૂર નથી અમે તેને ટૂંક સમયમાં જ પકડી લેશું, હવે તું આઝાદ છો."
“આભાર સર, હવે હું ઘરે જઈ શકુ? મને તો મારી માતાની તબિયત કેમ છે તે પણ ખબર નથી."વિનયના અવાજમાં તેની માતા પ્રત્યેની લાગણી સાફ છલકતી હતી.
“તેઓ અત્યારે ઘરે જ છે. મેં તપાસ કરી હતી. તેમની તબિયતમાં પણ અત્યારે સારો એવો સુધારો આવી ગયો છે. જતા પહેલા એક સવાલનો જવાબ આપ વિનય."
“હા સર"
“તમારા કોલેજમાં કે ક્યાંય શિવાનીનું કોઈ હારે સબંધ ખરું?"
“બોયફ્રેન્ડ, ના સર શિવાની માટે તેનું કરીઅર જ મહત્વનું હતું એટલે તેણે ક્યારેય આ વિષયમાં વાત જ નથી કરી, અને વધારે તો આ બાબતમાં દિવ્યાને ખબર હશે કારણ કે તે બંને હોસ્ટેલમાં સાથે જ રહેતી હતી."

“ok, હવે તું જઈ શકે છે."

વિનય પોલીસ સ્ટેશનથી સીધો પોતાના ઘરે જાય છે. ત્યાં તેના માતા-પિતા તેની જ રાહ જોતા હોય છે.

“કાલે જ્યારે હોસ્પિટલમાંથી તું ગયો પછી મેં તપાસ કરી તો ઇન્સ. અર્જુને અમને કોલ કરી જણાવી દીધું હતું કે ખાલી સામાન્ય પૂછપરછ માટે જ તને બોલાવ્યો હતો. પણ આખી રાત થતા તું ના આવ્યો તો મેં સવારે તપાસ કરી એટલે મને સત્યતા જાણવા મળી. અને હું વકીલને ફોન કરી ત્યાં આવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં ફરી પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો કે તું નિર્દોષ છો. અને તને બસ થોડીવારમાં છોડી દેવામાં આવશે."
“હા પપ્પા"-આટલું કહી વિનય પોતાના મમ્મી પાસે બેસે છે.
થોડીવારમાં ત્યાંથી તે પોતાના રૂમમાં જઈ બાથરૂમમાં જઈ સ્નાન ઇત્યાદિ પતાવી. રૂમમાં આરામ ખુરશી પર બેસી ખિસ્સામાંથી ફોન કાઢીને એક નંબર ડાઈલ કરે છે.
થોડીવારમાં સામેથી એક યુવતીનો મધુર સ્વર સંભળાયો,“હેલ્લો"
“હા, હું પોલીસ સ્ટેશનથી ઘરે આવી ગયો છું."
“શું થયું ત્યાં, અને તને કેમ પકડ્યો હતો? શું તે ખરેખર શિવાનીનું....."
“અરે ના, તને શું મારા પર ભરોસો નથી હું શિવાનીનું ખુન શા માટે કરું"
“તને ખબર છે જ્યારથી પોલીસે તને  શિવાનીના ખૂનના આરોપમાં ગિરફ્તાર કર્યો ત્યારથી મારી હાલત કેવી થઈ ગઈ છે."
“તો હું પણ ત્યાં એશ-આરામ કરવા નહોતો ગયો"
“તને તો મારી વાત સમજાશે જ નહીં"
“હવે ક્યાં ચિંતા કરવાની જરૂર છે. હું નિર્દોષ છું. અને પોલિસે પણ મને છોડી દીધો છે."
“હા પણ મને આપણી ચિંતા થાય છે. વિનય!"
“અરે, તું નાહકનું ટેંશન ના લે. એ તો પોલીસ જલ્દી તેને પકડી લેશે."
“મને તો ડર લાગે છે. ક્યાંક ઓલી ઘટના ના કારણે........."
“તું ક્યાંની વાત ક્યાં કરે છે. એવું કંઈ જ નથી. હવે આજે 5 વાગ્યે હું આવું છું તને મળવા માટે"
“ok, હું તારી રાહ જોઇશ, ધ્યાન રાખજે, love you so much......"
“love you too, અને ધ્યાન રાખવાની ક્યાં મારે ક્યાં જરૂર જ છે, તું છે ને"
આટલું કહી વિનયે ફોન કટ કરી સાઈડમાં ટેબલ પર મૂકયુ. અને આરામ ખુરશી પર બેઠા બેઠા ક્યારે આંખ લાગી ગઈ એને ખબર જ ના પડી.

વધુ આવતા અંકે.........


વિનય ફોન પર કોની સાથે ફોન પર વાત કરતો હતો? અને બન્ને વચ્ચે કઈ ઘટના ની વાત થઈ? શું ખરેખર ભૂતકાળમાં બનેલી ઘટના જ જવાબદાર છે શિવાનીની હત્યા માટે?
અર્જુન હવે કઈ રીતે શિવાનીના ખુની સુધી પહોંચશે?.....
જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.
*********
આપનો અભિપ્રાય અચૂક આપશો....

તેમજ માતૃભારતી પર મારા મોટા ભાઈ દિપકભાઈ રાજગોરની હોરર નવલકથા અધુરો પ્રેમ આત્માનો 
અવશ્ય વાંચશો.

આભાર.
વિજય શિહોરા-6353553470

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED