વન્સ અપોન અ ટાઈમ - 101 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 101

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 101

‘પપ્પુ ટકલાથી છૂટા પડ્યા પછી બીજે દિવસે બપોરે અમારા સેલ ફોન પર પોલીસ ઑફિસર ફ્રેન્ડનો સેલ્યુલર નંબર ફલેશ થયો. કદાચ પપ્પુ ટકલાએ આજે રાતે એના ઘરે મળવા માટે કહ્યું હશે, એવું વિચારતા અમે ફોન કાને માંડ્યો. સામા છેડેથી પોલીસ ઑફિસર ફ્રેન્ડે કહ્યું, ‘પપ્પુ ટકલા પર ફાયરિંગ થયું છે અને એને નાયર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. એને ત્રણ ગોળી વાગી છે!’

‘પપ્પુ ટકલા પર ફાયરિંગ થયું હોવાની વાત સાંભળીને અમને આંચકો લાગ્યો. પોલીસ ઑફિસર ફ્રેન્ડે થોડા દિવસો પહેલાં જ કહેલી વાત અમને યાદ આવી ગઈ. એમણે કહ્યું હતું, ‘પપ્પુ ટકલા પાસેથી શક્ય એટલી ઝડપે બધી માહિતી મેળવી લેવાની કોશિશ કરજો.’

હવે અમને એમની વાતનો અર્થ બરાબર સમજાઈ રહ્યો હતો. પપ્પુ ટકલાએ ફરી વાર ગોરખધંધા શરૂ કર્યા હતા, એમાં એના જીવ પર જોખમ તોળાઈ રહ્યુ હતું અને પોલીસ ઑફિસર ફ્રેન્ડ બરાબર સમજતા હતા.

‘પપ્પુ ટકલાને બને ત્યાં સુધી જાહેરમાં મળાવનું ટાળજો,’ એવી સલાહ પણ પોલીસ ઑફિસર ફ્રેન્ડે અમને આપી હતી. એ સલાહનો અર્થ અત્યારે બરાબર સમજીને અમારા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. પપ્પુ ટકલાને ત્રણ ગોળી વાગી હતી. જો કે એ બચી ગયો હતો. એક ગોળી એના જમણા હાથમાં ખૂંપી ગઈ હતી. બીજી ગોળી એના જમણા ખભામાં વાગી હતી અને ત્રીજી ગોળી એના કાનને ઘસરકો કરીને નીકળી ગઈ હતી. પપ્પુ ટકલાએ મોતને હાથતાળી આપી હતી.

પણ અહીં વાત પૂરી થતી નહોતી. ‘એના માથા પર હજી મોત ભમી રહ્યું છે,’ એવું પોલીસ ઑફિસર ફ્રેન્ડે અમને કહ્યું હતું. હવે કદાચ પપ્પુ ટકલા અંડરવર્લ્ડકથા આગળ ધપાવવામાં રસ નહીં દાખવે. એવું વિચારીને અમે અંડરવર્લ્ડની આગળની ઘટનાઓની માહિતી અમારી રીતે જ એકઠી કરવા માંડી, પણ પપ્પુ ટકલા જેટલી સચોટ વિગતો કોઈ પોલીસ ઑફિસર કે અંડરવર્લ્ડનો કોઈ ખેરખાં આપી શકતો નહોતો અને જેની પાસે આ બધી વિગતો હતી એવો કોઈ પોલીસમૅન કે અંડરવર્લ્ડનો માણસ અમારી પાસે પપ્પુ ટકલાની જેમ વાત કરવા તૈયાર થતો નહોતો. આમને આમ દસેક દિવસ વીતી ગયા. અમારી પાસે અંડરવર્લ્ડકથા આગળ ધપાવવા માટે કોઈ નક્કર માહિતી ભેગી થઈ નહોતી. પણ બરાબર અગિયારમા દિવસે પપ્પુ ટકલાએ સામે ચાલીને અમને ફોન કર્યો.

પપ્પુ ટકલા બચી ગયો હતો અને ડૉક્ટરોએ તેને રજા આપી દીધી હતી અને ઘરમાં એકલા પડ્યા-પડ્યા એને કંટાળો આવી રહ્યો હતો. એણે ફોન પર કહ્યું કે આજે રાતે મળવાનું ફાવે એમ હોય તો મારા ઘરે આવી જજો. આવું કહેતાં પહેલાં જોકે એણે ટીખળ કરી લીધી છે કે, ‘ક્યું દોસ્ત, ડર ગયે ક્યા? ઐસા તો ચલતા રહેતા હૈ!’ અમે એની તબિયતનાં ખબરઅંતર પૂછ્યા અને એની સાથે મળવાનો સમય નક્કી કરીને ફોન મૂક્યો.

રાતના સાડાઆઠ વાગ્યે અમે પપ્પુ ટકલાના ઘરે પહોંચ્યા ત્યારે તેનો ડ્રિન્કનો દોર શરૂ થઈ ગયો હતો. આ વખતે પોલીસ ઑફિસર ફ્રેન્ડ અમારી સાથે નહોતા અને હવે પછી કદાચ એ ક્યારેય અમારી સાથે પપ્પુ ટકલાને ઘરે નહીં આવી શકે એવો ઈશારો એમણે આપી દીધો હતો.

‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પપ્પુ ટકલાએ આદતવશ પૂછી લીધું અને પછી તેની આદત પ્રમાણે અમારા જવાબની રાહ જોયા વિના જ એણે વાતનો દોર સાધી લીધો. બ્લેક લેબલ વ્હિસ્કીની બોટલમાંથી નવો પેગ બનાવીને એણે વાત શરૂ કરી, ‘આપણે અરુણ ગવળી અને મુંબઈ પોલીસની દુશ્મનીની વાત કરી રહ્યા હતા.’

અમને પપ્પુ ટકલાની સ્મરણશક્તિ માટે માન થયું. અમે છેલ્લે છૂટા પડ્યા પછી એ યમરાજને થાપ આપીને પાછો આવ્યો હતો અને વચ્ચે ખાસ્સા દિવસો વીતી ગયા હતા, પણ અમારી વાત ક્યાં અધૂરી રહી હતી એ એને બરાબર યાદ હતું.

‘મુંબઈ પોલીસ ગવળી ગેંગને ખતમ કરવા માટે નાહીધોઈને પાછળ પડી ગઈ હતી.’ એણે ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચતા કહ્યું,’ ‘ગવળી ગેંગના એક પછી એક શૂટર મુંબઈ પોલીસના ઑફિસર સાથે એન્કાઉન્ટરમાં ખતમ થઈ રહ્યાં હતા. એમાંય એના ડાબા હાથ સમા ગણેશ વકીલના કમોતથી ગવળી ગેંગને આંચકો લાગ્યો હતો. પણ એથી ય મોટો આંચકો ગવળીને આપવાની તૈયારી મુંબઈ પોલીસ કરી રહી હતી. અરૂણ ગવળી જેલમાં હતો પણ એની ગેરહાજરીમાં એના જમણા હાથ સમો સદા પાવલે ઉર્ફે સદામામા ગવળી ગેંગ બરાબર સંભાળી રહ્યો હતો. મુંબઈ પોલીસ મિલમાલિક વલ્લભ ઠક્કર અને ગુજરતી બિલ્ડર નટવર દેસાઈના મર્ડર કેસમાં સદા પાવલે ઉર્ફે સદામામાને શોધી રહી હતી, પણ પાવલે મુંબઈ પોલીસના હાથમાં આવતો નહોતો. અરૂણ ગવળીએ મુંબઈ પોલીસના હાથમાં ઝડપાયા પછી પોલીસ ઑફિસરર્સને કહ્યું હતું કે મેં તો અંડરવર્લ્ડ સાથે છેડો ફાડી નાખ્યો છે, પણ સદા હવે મારી લડાઈ આગળ ધપાવી રહ્યો છે. સદા દાઉદ ઈબ્રાહિમને ફાઈટ આપી રહ્યો છે. અને એને મારા આર્શીવાદ છે. એના અને મારા સંબંધ છે, પણ એની કોઈ પ્રવૃત્તિ માટે હું જવાબદાર નથી. મુંબઈ પોલીસ સદા પાવલેને શોધવા માટે ધમપછાડા કરી રહી હતી એ ગવળી સારી રીતે જાણતો હતો. પણ સદા પાવલે બહુ ચાલાક હતો. એટલે પોલીસના હાથમાં આવશે નહીં એવી ગવળીને ખાતરી હતી.

પણ 26 સપ્ટેમ્બર, 1997ના દિવસે ગવળીની એ ખાતરી બહુ ખરાબ રીતે ખોટી પડી. 26 સપ્ટેમ્બર, 1997ની સવારે મુંબઈ પોલીસમાં એક્ઝિક્યુશનર તરીકે પંકાયેલા અને મીડિયામાં એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા એપીઆઈ (આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર) વિજય સાળસકરને માહિતી મળી કે સદા પાવલે કોઈને મળવા માટે મુંબઈનાં ઘાટકોપર ઉપનગરમાં રાજાવાડી હોસ્પિટલ પાસે આવવાનો છે. આ માહિતી મળતાંવેત એપીઆઈ વિજય સાળસકરે તિલકનગર પોલીસ સ્ટેશનના ઑફિસર્સને ફોન કરીને ચેતવી દીધી. એ વખતે વિજય સાળસકર મુંબઈ પોલીસના ઝોન સાતમાં ડ્યુટી પર હતા. વિજય સાળસકર તિલકનગર પોલીસને માહિતી આપીને પોતાની સાથી ઑફિસર્સ સાથે ઘાટકોપર ઉપનગર તરફ ધસી ગયા. ત્યાં તિલકનગર પોલીસની મદદથી એમણે રાજાવાડી હોસ્પિટલ અને રાજાવાડી સિગ્નલ પર વોચ ગોઠવી ત્યારે બપોરના બાર વાગી ચૂક્યા હતા.

વિજય સાળસકરને સદા પાવલે જે કારમાં આવવાનો હતો એનો નંબર પણ મળી ગયો હતો. બપોરના બે વાગ્યા સુધી વિજય સાળસકર અને એમના સાથી ઑફિસર્સ રાજાવાડી સિગ્નલ પાસે ખોડાઈ રહ્યા. છેવટે બે ને પાંચ મિનિટે એક વ્હાઈટ ફિયાટ રાજાવાડી સિગ્નલ જંકશન પાસે આવી. વિજય સાળસકર અને એમના સાથી ઑફિસર્સે એ ફિયાટને આંતરી. એ વ્હાઈટ ફિયાટમાં સદા પાવલે એકલો નહોતો એની સાથે ગળવી ગેંગનો બીજો ટોપનો શાર્પ શૂટર વિજય ટંડેલ અને એક યુવતી પણ હતી. સાદા ડ્રેસમાં ધસી આવેલા પોલીસ ઓફિસર્સને જોઈને સદા પાવલે અને વિજય ટંડેલ એક સેકન્ડ માટે હતપ્રભ બની ગયા. પણ બીજી સેકન્ડે એમણે શસ્ત્રો ઉઠાવીને પોલીસ ઑફિસર્સ તરફ ફાયરિંગ શરૂ કર્યું. એમણે એપીઆઈ વિજય સાળસકરને ઓળખી લીધા હતા. સદા પાવલેએ એ.કે. ફિફ્ટી સિક્સનું નાળચું બહાર કાઢીને પોલીસ ઑફિસર્સ તરફ ગોળીબાર શરૂ કર્યો. બીજી બાજુ વિજય ટંડેલે પણ ચપળતાથી ઈમ્પોર્ટેડ પિસ્તોલ ધણધણાવી, પણ પોલીસ ઑફિસર્સે આવી અપેક્ષા રાખી જ હતી. એમણે સદા પાવલે અને વિજય ટંડેલનાં ગોળીબારનો બરાબર જવાબ આપ્યો. અને દોઢ મિનિટ પછી સદા પાવલે અને વિજય ટંડેલ નિશ્વેતન બનીને લોહીનાં ખાબોચિયામાં પડ્યા હતા. તેમની કારમાં પાછળ બેઠેલી યુવતી ડરના માર્યા પાછળની સીટ પર સૂઈ ગઈ હતી.

એ યુવતી સદા પાવલેની બહેન હતી. પોતાના મોટા ભાઈને લાશમાં ફેરવાઈ ગયેલો જોઈને એણે કલ્પાંત શરૂ કર્યું. પોલીસ ઑફિસર્સ એને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. એ વખતે પોલીસ ઑફિસર્સને કલ્પના નહોતી કે આ યુવતી અત્યારે ધ્રૂસકા ભરી રહી છે, પણ પછી એ મુંબઈ તેમને અને આખી મુંબઈ પોલીસને રડાવવાની છે!’

(ક્રમશ:)