Ramayan - Shree Guru Vandna books and stories free download online pdf in Gujarati

રામાયણ - શ્રી ગુરુ વંદના

પરમ પૂજ્ય સદ્‌ગુરુ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના ચરણોમાં સાદર વંદન સહ સમર્પિત

ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર: । ગુરુ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ: ॥

ભક્તના હૃદયમાં સાત્વિક ભક્તિનું સર્જન કરતા બ્રહ્મા સ્વરૂપ શ્રી ગુરુ છે. ભક્તના હૃદયમાં ભક્તિ અને સાત્વિકતાની સૃષ્ટિ રચાયી હોય, તેની જાળવણી કે પાલન-પોષણ કરતા વિષ્ણુ સ્વરૂપ શ્રી ગુરુ છે. ભક્તના હૃદયમાં રહેલા અહંકાર અને અંધકારનો સંહાર કરનારા શંકર સ્વરૂપ પણ શ્રી ગુરુ જ છે. એટલે કે શ્રી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. આવા મારા શ્રી સદ્‌ગુરુ વિશ્વંભરદાસજી મહારાજને કોટી-કોટી સાદર વંદન કરું છું.

વાચક મિત્રો, આજથી શરૂ થતાં વિક્રમ સંવત 2076ના નવા વર્ષના આપને તથા આપના પરિવારને “નૂતન વર્ષાભિનંદન”. આજથી શરૂ થતાં નવા વર્ષ દરમ્યાન આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને સારુ સ્વાસ્થ્ય આપે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. નૂતન વર્ષનો પ્રારંભ આપણા શ્રી ગુરુજીની વંદના સાથે થાય તો તેનાથી વિશેષ બીજું શું હોઇ શકે? આ લેખમાં શ્રીરામચરિતમાનસના સંદર્ભમાં શ્રી ગુરુજીની વંદના કરવાની છે. ગુરુ શબ્દનો શબ્દાર્થ જોઇએ તો, ગુરુ એટલે મોટું કે ઉચ્ચ અને તેનાથી થોડા આગળ વધી સામાન્ય દુન્યવી અર્થમાં જે જ્ઞાન કે કેળવણી આપે તેને ગુરુ તરીકે ઓળખીયે છીએ, સંબોધીયે છીએ અને પુજીયે છીએ. આ બધા ગુરુ છે જ પરંતુ ખરા અર્થમાં ગુરુ એટલે કે, જેઓને આત્માની સાચી ઓળખ છે અને તે માર્ગે ચાલવા અન્યને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે તે.

સંતશ્રી ગોસ્વામી તુલસીદાસજી મહારાજ દ્વારા શ્રીરામચરિતમાનસના પ્રથમ સોપાન બાલકાંડની શરૂઆત સાત શ્લોક, પાંચ સોરઠા અને ત્યારબાદ પ્રથમ ચોપાઈથી કરવામાં આવેલ છે. પ્રથમ શ્લોકમાં ‘વન્દે વાણીવિનાયકૌ’ ભગવતી સરસ્વતીજી અને ગણેશજી કે જેઓ આપણા જ્ઞાન, શબ્દો અને તેના અર્થને મંગળ કરનારા છે, તેઓની વંદના કરી છે. મારા આ લેખના શબ્દો અને તેના અર્થને મંગળ બનાવવાની પ્રાર્થના સહ હું પણ વંદન કરું છું. ત્યારબાદ શ્રી તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ, શંકર ભગવાન અને પાર્વતી માતા, હનુમાનજી મહારાજ, વાલ્મીકિજી વગેરેની વંદના કરી છે; પરંતુ સૌથી વધુ જો કોઇની વંદના કરી હોય, તો તે છે શ્રી ગુરુજીની વંદના. શ્રીરામચરિતમાનસની શરૂઆતના શ્લોક, સોરઠા અને ચોપાઈ, આ ત્રણેય સ્વરૂપમાં ગોસ્વામીજીએ શ્રી ગુરુજીની વંદના કરી છે. જેની શરૂઆત ત્રીજા શ્લોકથી થાય છે –

વન્દે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણમ્‌ ।

એટલે કે જ્ઞાનમય, નિત્ય શંકરરૂપી ગુરુની હું વંદના કરું છું. અહિં પૂર્ણ સ્વરૂપ, શંકર સ્વરૂપ શ્રી ગુરુજીની વંદના કરવામાં આવી છે. આપણે પામર મનુષ્યો છીએ, શ્રી સદ્‌ગુરુના પૂર્ણ સ્વરૂપનો પાર શું પામી શકીએ? શ્રી ગુરુજીના શંકર સ્વરૂપને સમજવા આપણી બુદ્ધિ ટૂંકી પડે, માટે શ્રી તુલસીદાસજીએ આગળ જતા પાંચમા સોરઠામાં શ્રી ગુરુ મહારાજના ચરણોની વંદના કરી છે.

બંદઉઁ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ । મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર ॥

હું શ્રી ગુરુ મહારાજના ચરણકમળોની વંદના કરું છું. જે કૃપાના સાગર છે, જે નરરૂપી શ્રીહરિ જ છે; જેમના વચનો સૂર્યના કિરણો સમાન છે એટલે કે જેમ સૂર્યના કિરણથી ઝાકળ બિંદુ નષ્ટ થઈ જાય છે, તેમ જેના વચનોથી ભક્તના જીવનમાં રહેલ મહામોહરૂપી ઘોર અંધકારનો નાશ થઇ જાય છે, તેવા શ્રી સદ્‌ગુરુની હું વંદના કરું છું. અહિં શ્રી ગુરુજીના ચરણો અને વચનો બન્નેની સાથે વાત કરી છે. આ બન્ને, કમળ જેવા ચરણો અને સૂર્ય કિરણો જેવા વચનો, સાથે હોવા ખૂબ જ આવશ્યક છે. વચનો તો ઘણાના ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે, માણસોના મન મોહિ લે તેવા હોય છે. મોટી માનવ મેદની એકઠી કરી શકે તેવા હોય છે, પરંતુ પગલાં એટલે કે આચરણ કે વ્યક્તિત્વ કમળ જેવા નિર્લેપ હોવા તેટલા જ આવશ્યક છે. પાણી, કાદવ તથા અન્ય અસંખ્ય અશુદ્ધિઓ વચ્ચે ખીલેલું કમળ આ બધાથી નિર્લેપ હોય છે, એટલે કે તેઓનું આચરણ વિશુદ્ધ હોય છે. બીજી રીતે જોઇએ તો જો સૂર્યના કિરણો પડે તો જ કમળ ખીલે છે, તેમ શ્રી સદ્‌ગુરુના વચનોરૂપી સૂર્યના કિરણો પડે તો જ ભક્તનું નિર્લેપ અને સમભાવ જીવન ખીલે છે. આમ, શ્રી તુલસીદાસજી દયાના સાગર અને નરરૂપી શ્રીહરિ સમાન તથા જેમના સૂર્યના કિરણો સમાન વચનોથી મહામોહરૂપી અંધકારનો નાશ થાય છે, તેવા શ્રી ગુરુજીના ચરણકમળોની વંદના કરે છે.

બંદઉઁ ગુરુ પદ પદુમ પરાગા । સુરુચિ સુબાસ સરસ અનુરાગા ॥

અમિઅ મૂરિમય ચૂરન ચારૂ । સમન સકલ ભવ રુજ પરિવારૂ ॥

શ્રી ગુરુજીના ચરણોની વંદના કર્યા બાદ ગોસ્વામીજીને લાગ્યું હશે કે, શ્રી ગુરુજીના ચરણો પણ ના સમજાય ને તો તેની રજ પણ કાફી છે, માટે શ્રીરામચરિતમાનસની પ્રથમ ચોપાઈમાં કહ્યું બંદઉઁ ગુરુ પદ પદુમ પરાગા એટલે કે શ્રી ગુરુજીના ચરણકમળની રજને વંદન કરું છું. સામાન્ય રીતે રજ એટલે કે ધૂળ આપણા શરીરે લાગે તો આપણે મેલા થઇ જઇએ છીએ અને એ ધૂળને સાફ કરીએ છીએ, પણ એ જ ધૂળ જો શ્રી ગુરુજીના ચરણોની હોય, તો તેનું સેવન કરવાથી ભક્તના મનની વાસનાઓ મટી પ્રભુમાં સુરુચિ એટલે કે સુંદર સ્વાદ જન્મે છે. આ રજનું સેવન કરવાથી પ્રભુ પ્રત્યે અનુરાગ પ્રગટે છે. આમ, શ્રી તુલસીદાસજી કહે છે કે, હું શ્રી ગુરુ મહારાજનાં ચરણકમળોની રજની વંદના કરું છું. જે સુંદર સ્વાદ, સુગંધ અને અનુરાગરૂપી રસથી પૂર્ણ છે. આવી પવિત્ર રજ માથે ચડાવવી જોઇએ કારણ કે, તે શ્રી ગુરુજીના ચરણોની રજ હોવાથી અમિઅ મૂરિમય ચૂરન ચારૂ અમૃતની મૂળીમય એ સંજીવની ચૂર્ણ સમાન છે તથા એ ચૂર્ણ સમન સકલ ભવ રુજ પરિવારૂ સંસારના તમામ રોગોને નાશ કરનારું છે. ભક્તના ભવરોગોના સંપૂર્ણ પરિવારને નાશ કરનારું છે.

સુકૃતિ સંભુ તન બિમલ બિભૂતી । મંજુલ મંગલ મોદ પ્રસૂતી ॥

જન મન મંજુ મુકુર મલ હરની । કિએઁ તિલક ગુન ગન બસ કરની ॥

સ્મશાનની ભષ્મ અપવિત્ર ગણાય છે, પરંતુ એ જ ભષ્મ ભગવાન શંકરના શરીરે લાગે પછી જગતમાં સૌથી વધુ પવિત્ર બની જાય છે. તેમ શ્રી સદ્‌ગુરુના ચરણમાં ચોંટવાથી રજ પવિત્ર બની જાય છે અને આવી રજ માથે ચડાવ્યા વગર વ્યક્તિને અભીજ્ઞાન થતું નથી. આમ, એ રજ સુકૃતિ એટલે કે પુણ્યવાન પુરુષ રૂપ શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની જનની છે, ભક્તના મનરૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે. સામાન્ય રીતે દર્પણને રજ લાગવાથી તે મેલો થઇ જાય છે, પરંતુ શ્રી ગુરુ મહારાજના ચરણોની રજ ભક્તના મનરૂપી દર્પણના મેલને દુર કરી વિશુદ્ધ કરે છે. આવું છે શ્રી સદ્‌ગુરુની ચરણોની રજનું અણમોલ મહત્વ. શ્રી તુલસીદાસજીએ આગળ ગુરુ વંદના કરતા લખ્યું છે કે,

શ્રી ગુર પદ નખ મનિ ગન જોતી । સુમિરત દિબ્ય દૃષ્ટિ હિયઁ હોતી ॥

દલન મોહ તમ સો સપ્રકાસૂ । બડે ભાગ ઉર આવઇ જાસૂ ॥

શ્રી ગુરુચરણારવિંદના નખમાં દિવ્ય ક્રાંતિ છે. શ્રી ગુરુજીના ચરણોના નખનું સ્મરણ કરવા માત્રથી, ભગવાન શ્રી કૃષ્ણએ સંજયને જેવી દિવ્ય દૃષ્ટિ આપી હતી તેવી, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી મણીઓના પ્રકાશ જેવી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ઘણાં લોકોનું માનવું હોય છે કે, જીવનમાં ગુરુની કોઇ આવશ્યકતા નથી, ગુરુ વગર જ અમે જ્ઞાન મેળવી લઇશું અને અંતિમ ધ્યેય પ્રાપ્તિ માટે આગળ પણ વધશું. પરંતુ જેમ હિમાલયમાંથી ઉત્પન્ન થતાં ઝરણાંઓ ગમે તેટલા નિર્મળ, ચંચળ, પ્રવેગવાન અને પ્રભાવશાળી હોય, તેના અંતિમ ધ્યેય અગાધ સાગરમાં વિલીન થવાં નદીરૂપી માધ્યમની આવશ્યકતા રહે છે, તેમ કોઇપણ જીવને તેના અંતિમ ધ્યેય એટલે કે પ્રભુ પ્રાપ્તિ અથવા મોક્ષ સુધી પહોંચવા શ્રી સદ્‌ગુરુની આવશ્યકતા રહે છે. ગુરુ બિનુ ભવનિધિ તરહિ ન કોઇ, શિવ વિરંચિ વિષ્ણુ કિન હોઇ. શ્રી ગુરુજી વગર ભવસાગર તરી શકાય નહિ. શ્રી ગુરુજીની કૃપા વગર શક્તિ, સંપત્તિ, બુદ્ધિ, બધુ બેફામ ઝરણાં જેવું હોય છે, જેને નદીરૂપી સદ્‌ગુરુ શાંત કરી અગાધ સમુદ્રરૂપી શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ કરાવે છે. કોઈએ સાચું જ કહ્યું છે, “જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ, નમું શ્રી સદ્‌ગુરુ ભગવંત” શ્રી ગુરુ મહારાજના ચરણકમળોના નખની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે, જેનું સ્મરણ કરતાં હૃદયમાં દિવ્ય દૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે; એ જેના હૃદયમાં આવી જાય તેનું મોટું ભાગ્ય છે.

ઉઘરહિં બિમલ બિલોચન હી કે । મિટહિં દોષ દુખ ભવ રજની કે ॥

સૂઝહિં રામ ચરિત મનિ માનિક । ગુપુત પ્રગટ જહઁ જો જેહિ ખાનિક ॥

શ્રી ગુરુજીના ચરણોની રજ અને શ્રી ગુરુચરણારવિંદના નખનું દર્શન અને સ્મરણ કરવા માત્રથી ભક્તના હૃદયમાં દિવ્ય દૃષ્ટિ પેદા થાય છે. આ વિવેકની દિવ્ય દૃષ્ટિ ભક્તના હૃદયમાં ઉત્પન્ન થતાં જ તેના હૃદયના નિર્મળ નેત્રો ખુલી જાય છે. આપણે આંખોથી જોઇએ છીએ તેને સાંસ્કૃતિક ભાષામાં દર્શન કહેવાય છે એટલે કે ચર્મચક્ષુથી જોવાય તેને દર્શન કહેવામાં આવે છે, જ્યારે અહિં હૃદયના નેત્રો ખુલી જાય છે અને આવા હૃદયના ચક્ષુથી જોવાય તેને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. આવો સાક્ષાત્કાર થવાથી શ્રી રામ ચરિત્રરૂપી મણિ અને માણિક્ય, ગુપ્ત અને પ્રગટ જ્યાં જે ખાણમાં છે, તે બધા દેખાવા લાગે છે. જેનાથી સંસારરૂપી રાત્રિના દોષ દુઃખ નાશ પામે છે.

જથા સુઅંજન અંજિ દૃગ સાધક સિદ્ધ સુજાન । કૌતુક દેખત સૈલ બન ભૂતલ ભૂરિ નિધાન ॥

જેમ સિધ્ધાંજનને નેત્રોમાં આંજી સાધક, સિધ્ધ અને સુજ્ઞજનો પર્વતો, વનો અને પૃથ્વીની અંદર આશ્ચર્યપૂર્વક ઘણી ખાણો જોઇ શકે છે, તેમ શ્રી ગુરુમહારાજના ચરણોની રજ કોમળ અને સુંદર નયનામૃત – અંજન છે, જે હૃદયના નેત્રોના દોષોનો નાશ કરનાર છે. શ્રી ગોસ્વામીજી કહે છે, તે અંજનથી વિવેકરૂપી નેત્રોને નિર્મળ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરાવનાર શ્રીરામ ચરિત્રનું વર્ણન કરું છું.

ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન । નયન અમિઅ દૃગ દોષ બિભંજન ॥

તેહિં કરિ બિમલ બિબેક બિલોચન । બરનઉઁ રામ ચરિત ભવ મોચન ॥

શ્રીરામચરિતમાનસમાં બાલકાંડએ બાલ્યાવસ્થાનું સ્વરૂપ છે, જ્યારે અયોધ્યાકાંડએ યુવાવસ્થાનું સ્વરૂપ દર્શાવે છે. માટે બાલકાંડમાં દૃષ્ટિની શુધ્ધતા અને અયોધ્યાકાંડમાં મનની શુધ્ધતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે અયોધ્યાકાંડની શરૂઆતમાં જ શ્રી તુલસીદાસજીએ ગુરુ વંદના કરતા કહ્યું છે કે,

શ્રીગુરુ ચરન સરોજ રજ નિજ મનુ મુકુરુ સુધારિ। બરનઉઁ રઘુબર બિમલ જસુ જો દાયકુ ફલ ચારિ॥

શ્રી ગુરુજીના ચરણની રજથી, તેના નખના દર્શનથી અને શ્રી ગુરુજીના ચરણની રજને આંખે લગાવવાથી ભક્તની દૃષ્ટિ શુધ્ધ થાય છે, તેવી રીતે શ્રી ગુરુજીના ચરણકમળોની રજ ભક્તના મનરૂપી દર્પણને સ્વચ્છ કરનાર છે અને તેના ચંચળ મનને શાંત કરે છે, સુધારે છે. શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે, આવી શ્રી ગુરુજીના ચરણકમળોની રજથી પોતાના મનરૂપી દર્પણને સ્વચ્છ કરીને હું શ્રી રઘુનાથજીના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ચતુર્વિધ પુરુષાર્થ એટલે કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે. શ્રીરામચરિતમાનસના અયોધ્યાકાંડમાં જ આગળ એક પ્રસંગ છે, જ્યારે રાજા દશરથજીને શ્રીરામને યુવરાજ પદ આપવાનો સુવિચાર આવે છે, ત્યારે તેઓ ગુરુ વશિષ્ઠજી પાસે જઈને વંદના કરે છે કે,

જે ગુર ચરન રેનુ સિર ધરહીં । તે જનુ સકલ બિભવ બસ કરહીં ॥

જે લોકો શ્રી ગુરુજીના ચરણોની રજ મસ્તક ઉપર ધારણ કરે છે, તે જાણે સઘળાં ઐશ્વર્યોને પોતાના વશમાં કરી લે છે. ત્યાંથી આગળ વધતાં શ્રીરામચરિતમાનસના અરણ્યકાંડમાં પ્રભુ શ્રીરામજી તથા લક્ષ્મણજી માતા સીતાજીની શોધમાં વનમાં ફરતાં-ફરતાં શ્રીશબરીજીના આશ્રમે પહોંચે છે. શ્રીશબરીજીની ગુરુ ભક્તિ જગ વિખ્યાત છે, ત્યારે તેની વાત કરતી વખતે શ્રી કબિરજીનો દોહો ટાંક્યા વગર કેમ રહી શકાય? ‘ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય? બલિહારી ગુરુદેવકી કે ગોવિંદ દિયો બતાય’ શ્રીશબરીજીની ગુરુભક્તિની ઊંચાઇ જુઓ, તેના ફળરૂપે પ્રભુ ખુદ તેના દ્વારે પધાર્યા છે અને જેમ અર્જૂનને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વમુખે ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું તેમ અહીં પ્રભુ શ્રીરામ તેઓના સ્વમુખે શ્રીશબરીજીને નવધાભક્તિ વર્ણવતા કહે છે –

ગુર પદ પંકજ સેવા તીસરિ ભગતિ અમાન

મન, વચન અને કર્મથી અભિમાનરહિત થઇને પોતાના શ્રી ગુરુજીના ચરણકમળોની સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. પ્રભુ શ્રીરામ દ્વારા તેઓના સ્વમુખે કહેવાયેલ નવધા ભક્તિમાં પણ શ્રીગુરુજીની ભક્તિને સ્થાન આપવામાં આવેલ છે, તે તેની સર્વોચ્ચ મહત્તા દર્શાવે છે. ‘ગુ’ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે – અંધકાર અને ‘રુ’ શબ્દનો અર્થ થાય છે – પ્રકાશ. જે ભક્તના વિષયરૂપી અંધકારને તોડી નાખે છે, દૂર કરી દે અને પોતાના જીવન દ્વારા, દૃષ્ટિ દ્વારા કે શબ્દો દ્વારા તેને પ્રકાશ તરફ લઇ જાય છે, તે જ સાચા ગુરુ.

મારા જીવનમાં સાક્ષાત એવા સદ્‌ગુરુ સ્વરૂપ શ્રી વિશ્વંભરદાસજી મહારાજને સાષ્ટાંગ પ્રણામ સહ…

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED