Electric Vehicles books and stories free download online pdf in Gujarati

ઇવીનો ઉત્પાત

ઇવી??? હા ઇવી જ. ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) નહીં. સામાન્ય રીતે આપણા મનમાં ઇવીએમ રમતું હોય છે. તેને લગતી કંઇક ને કંઇક ન્યુઝ આઇટમ આવતી જ રહેતી હોય છે. પરંતુ આજે આપણે ઇવીએમની નહીં પણ ઇવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ (વીજળીથી ચાલતા વાહન)ની વાત કરવાના છીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ (વિદ્યુત વાહન), જેને ઇવી પણ કહેવાય છે, તે પ્રોપલ્શન (આગળ ધકેલવા) માટે એક અથવા વધુ ઇલેક્ટ્રિક મોટર્સ અથવા ટ્રેક્શન મોટર્સનો ઉપયોગ કરે છે. વિદ્યુત વાહનને બળતણ પુરું પાડવા વાહનમાંથી જ ઉત્પાદન થતી (કલેક્ટર સિસ્ટમ દ્વારા સંચાલિત) વીજળી અથવા બેટરી, સોલર પેનલ્સ અથવા ઇલેક્ટ્રિક જનરેટર સાથે સ્વયં-સમાયેલ ઊર્જા પુરી પાડી શકાય. સ્કોટિશ શોધક રોબર્ટ એન્ડરશન નોન-રીચાર્ઝેબલ સેલથી ચાલતું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન બનાવનાર હતા. પ્રથમ વ્યવહારુ ઇલેક્ટ્રિક વાહન બનાવવાનો શ્રેય અમેરિકાના થોમસ ડેવેનપોર્ટને જાય છે. જ્યારે ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી ગેસ્ટન પ્લેન્ટે પ્રથમ રીચાર્ઝેબલ બેટરીની શોધ કરી હતી.

એવું તે શું બન્યું કે, ઇલેક્ટ્રિક વાહન આટલો હોટ ટોપિક બની ગયો? વર્ષ – 2018ના પર્યાવરણીય કામગીરી સૂચકાંક (Environmental Performance Index – EPI) મુજબ વિશ્વના 180 દેશોમાં ભારત 177માંં ક્રમાંક સાથે સૌથી છેલ્લા પાંંચ દેશોમાં સ્થાન પામ્યું. નિતિ આયોગની રચનાથી પાંચમી અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ફરીથી ચૂંટાયા બાદની તા. 15.06.2019ની પ્રથમ બેઠકમાં સરકાર દ્વારા 2023 સુધીમાં તમામ થ્રી-વ્હીલર કે જેનું આશરે વર્ષે 7.00 લાખ વાહનોનું બજાર છે તે અને 2025 સુધીમાં 150સીસી સુધીના તમામ ટુ-વ્હીલર કે જેનું વર્ષે 1.9 કરોડ વાહનોનું બજાર છે તે તથા 2026 સુધીમાં તમામ કોમર્શિયલ વાહનો મળી 2030 સુધીમાં રસ્તા પરના તમામ વાહનો બેટરી સંચાલિત કરવા નિર્ણય લેવામાં આવ્યો.

આ બેઠક બાદ તરત જ ઇલેક્ટ્રિક વાહનના અમલીકરણ સંદર્ભે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના મુખ્ય ઉત્પાદકો સાથે ટૂંકી નોટીસથી 21.06.2019ના રોજ નિતિ આયોગના સીઇઓના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આ ક્ષેત્રના મોટા ઉત્પાદકો જેવા કે, બજાજ ઓટો, ટીવીએસ મોટર, હોન્ડા મોટરસાઈકલ અને સ્કૂટર ઇન્ડિયા તથા સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (Society of Indian Automobile Manufacturers – SIAM)ના ડાયરેક્ટર જનરલ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ દ્વારા જ્યારે વાહનોનું વેચાણ સતત ઘટી રહ્યું છે અને ઓટોમોબાઈલ કંપનીઓ સામા વહેણે ચાલી રહી છે, ત્યારે આટલા જલદી રૂપાંતરણનો નિર્ણય આધાતજનક છે, તેવા પ્રત્યાઘાત આપવામાં આવ્યા.

આ ક્ષેત્રના મોટાભાગના ઉદ્યોગપતિઓ સરકારશ્રીની ઇલેક્ટ્રિક વાહનની નીતિ જોડે સહમત છે, પરંતુ રૂપાંતરણની સમયમર્યાદાને લઇ મુશ્કેલીમાં જણાય છે. ખરેખર હોય જ ને? તાજેતરમાં BS-IVની નીતિ અમલમાં મૂકવામાં આવી અને BS-VI 01.04.2020થી અમલમાં મૂકવાનું ફરજિયાત છે, કે જેના માટે વિવિધ કંપનીઓને રૂ. 70,000/- કરોડ જેટલી માતબાર રકમ રિસર્ચ અને અમલવારી માટે રોકવાની થશે. શ્રી વેણુ શ્રીનિવાસ, ચેરમેન, ટીવીએસના મંતવ્ય મુજબ ઇલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હિલર્સને અપનાવવાની અવાસ્તવિક સમયની મર્યાદાને કારણે ફક્ત ગ્રાહકને અસંતોષ જ નહીં થાય પરંતુ સાથે-સાથે ભારતમાં ચાલીસ લાખ નોકરીઓને ટેકો આપતા ઓટો મેન્યુફેક્ચરીંગને પણ જોખમમાં નાખશે. તેઓએ જણાવ્યું કે, મોટા પાયાનું નુકશાન ટાળવા ધીમે-ધીમે અપનાવવાની નીતિ અખત્યાર કરવી જોઇએ. શ્રી રાહુલ બજાજ (બજાજ ગ્રુપ) અને શ્રી પવન મુંજાલ (હીરો મોટોકોર્પ) વગેરેનો સુર પણ કંઇક આવો જ હતો. જ્યારે નિતિ આયોગ દ્વારા આ બાબત પ્રદૂષણ અને જાહેર જનતાના સ્વાસ્થયને લગતી હોય, જો સમયમર્યાદા જાળવવામાં નહીં આવે તો કોર્ટ હસ્તક્ષેપ કરશે તેવી સંભાવના દર્શાવવામાં આવી.

બીજી બાજુ, શ્રી રાહુલ શર્મા (રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ), શ્રી તરુણ મહેતા (એથર એનર્જી)થી લઇ શ્રી જીતેન્દ્ર શર્મા (ઓકિનાવા ઇલેક્ટ્રિક) વગેરે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્ટાર્ટઅપ્સના સ્થાપકોએ જણાવ્યું કે, બજારમાં નવા ઉત્પાદનો આવી રહ્યા છે, ગ્રાહકોનો રસ વધી રહ્યો છે, જે ઇલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરને ઝડપી કરવામાં મદદ કરશે. માઇક્રોમેક્સના સહ-સ્થાપક રાહુલ શર્મા, જે રિવોલ્ટ ઇન્ટેલિકોર્પ સાથે ઇલેક્ટ્રિક મોબિલીટી સ્પેસમાં પ્રવેશ કરી રહ્યા છે, તેઓએ જણાવ્યું કે આગામી ત્રણ વર્ષમાં દ્વિચક્રી વાહનોના વીજળીકરણની સરકારની નીતિને સારી રીતે અમલી કરી શકાય તેમ છે. જો કે આ લોકોએ આટલા વાહનોનું ઉત્પાદન કેમ થશેે ? ચાર્જિંગ વ્યવસ્થાનું શું? અને વીજળી ક્યાંંથી આવશેે ? તેની ચોખવટ કરી નથી.

આ લેખમાં હાલ પુરતું આટલું પ્રાસ્તાવિક સમજીએ. આ વિષય પરના હવે પછીના લેખમાં ઇવી બાબતે સાંપ્રત બાબતો જેવી કે, સરકારશ્રી દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ, પડકારો, ભાવિ નીતિ વગેરે વિશે વાત કરીશું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED