કોરોના – વૈશ્વિક મહાસંકટ Uday Bhayani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના – વૈશ્વિક મહાસંકટ

આપણે બધા પેલી “વાઘ આવ્યો... વાઘ આવ્યો...” વાળી લોકપ્રિય વાર્તા તો જાણીએ જ છીએ. તેમાં છેલ્લે ખરેખર વાઘ આવે છે ત્યારે છોકરાના અવાજને કોઇ ગણકારતું નથી અને તેને મોટા નુકશાનનું ભોગ બનવું પડે છે. અહીં પરિસ્થિતિ કંઇક આવી જ છે, ઘણાં દેશો કોરોના વાયરસથી વ્યાપ્ત કોવિદ-19ને તેનાથી થયેલા મૃત્યુના ઓછા આંકડા જોઇને પેલી ખોટી બૂમો જોડે સરખાવે છે. પણ મને તો અહીં ખરેખર વાઘ આવી ગયો હોવાનું પ્રતિત થાય છે. આપ મારા અગાઉના લેખો વાંચશો તો જરૂરથી એવું લાગશે કે, અશક્ય લાગતી બાબતો પરત્વે પણ હકારાત્મક અભિગમ દર્શાવવાનું મારું વલણ રહ્યું છે. પછી તે ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાની બાબત હોય (http://udaybhayani.in/propositum-to-make-5-trillion-indian-economy-part-iv/) કે આરસેપમાં જોડાવાની બાબત હોય (http://udaybhayani.in/rcep-ii/). ખેર અહીં આ બાબત અગત્યની નથી, પરંતુ કોરોનાના કિસ્સામાં તો મને ખરેખર મહાસંકટે આપણા બારણે દસ્ક્ત આપી દિધા હોય તેવું નીચેના કારણોસર લાગી રહ્યું છે.

પ્રથમ, જસ્ટીનીયન પ્લેગ (આ રોગ ઇ.સ. 541-542 આસપાસ પૂર્વ રોમના બાયઝાન્ટાઇન શાસનની રાજધાની કોન્સ્ટેન્ટિનોપલ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં પ્રથમ વખત ફાટી નિકળો હતો અને પછી વહાણવટા મારફતે અન્ય દેશોમાં ફેલાયો હતો. આ રોગથી પ્રથમ બે દાયકામાં જ 5 કરોડ, તે સમયે વિશ્વની વસ્તીના સરખામણીએ બહુ જ વધુ કહી શકાય, તેટલા લોકો મૃત્યું પામ્યા હતા તથા ઇ.સ. 750 સુધી આ રોગ અલગ-અલગ જગ્યાએ જોવા મળ્યો હતો.), 1918નો સ્પેનિશ ફ્લૂ (આશરે 100 વર્ષ પહેલા એટલે કે જાન્યુ-1918 થી ડિસે-1920 દરમ્યાન ફેલાયેલો આ રોગ, જેમાં તે સમયે આશરે 50 કરોડ જેટલા અસરગ્રસ્તો પૈકી 5 કરોડ જેટલાનું મૃત્યું નિપજ્યું હતું) વગેરે રોગો કે જેમાં અસંખ્ય લોકોનો ભોગ લેવાયો હતો, તેનો ઇતિહાસ સાક્ષી છે. આ ઉપરાંત અત્યારે પણ HIV, કેન્સર વગેરે રોગોમાં માણસો સતત મરી રહ્યાં છે, જે આપણે જાણીએ જ છીએ. મારા અગાઉના લેખમાં મેં લખ્યું હતું તેમ આધુનિક વિજ્ઞાનના આશીર્વાદરૂપે આપણે આવા વિનાશક રોગોની રસી/દવાઓ ચોક્કસ શોધી શકીએ છીએ. પરંતુ, ઘણાં વાયરસ શોધવા સરળ હોય છે પણ તેની દવા વિકસાવવી ખૂબ જ અઘરી હોય છે અને આ વાયરસ ખરેખર વિચિત્ર જ જણાય છે.

બીજુ, જાણીતા રોગો કરતા નવા અને અજાણ્યા રોગો વધુ જોખમી સાબિત થતાં હોય છે અને તેમાં પણ ચામાચીડિયા મારફતે ફેલાયેલા તો ખાસ. કોવિદ-19 નામની બિમારી માટે જવાબદાર કોરોના ઘરાનાના આ વાયરસને SARS-Cov-2 નામ આપવામાં આવ્યું છે. એક અધિકૃત સંશોધન મુજબ, આ વાયરસ અગાઉના કોરોના ઘરાનાના વાયરસ SARSr-Cov તથા RaTG13 કરતાં અલગ જૈવિક કે રંગસુત્રિય બંધારણ ધરાવે છે. વધુમાં, વુહાન શહેરમાંથી લેવામાં આવેલા 103 નમૂનાઓનો અભ્યાસ કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ જ વાયરસની પણ બે ઓલાદ (પ્રકાર) છે. જેમાં એક ‘એલ – પ્રકાર’ (L Type Shrine કે જે અવિશ્વસનીય ઝડપે ફેલાય છે) અને બીજો ‘એસ – પ્રકાર’ (S Type Shrine કે જે જુના સામાન્ય શરદી-તાવના વાયરસની જેમ ધીમે ફેલાય છે)નો સમાવેશ થાય છે. જો આ નવો SARS-Cov-2 વાયરસ એસ પ્રકારનો જ હોત તો, અન્ય રાયનો વાયરસ, એડેનો વાયરસ અને કોરોના વાયરસની જેમ સામાન્ય તાવ-શરદીમાં પરિણમી જાત. પરંતુ નમૂનાઓના અભ્યાસ પરથી એવું તારણ છે કે, 70% એલ પ્રકારના અને 30% એસ પ્રકારના વાયરસ છે અને તેથી જ આ વાયરસ જે રીતે વિશ્વના ખૂણે-ખૂણે અને જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, ખરેખર મહાસંકટ જણાય છે.

ત્રીજું, આ વાયરસની એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સિફતપૂર્વક પ્રવેશવાની આવડત અસાધારણ છે. આ રોગ ધરાવતા વ્યક્તિને તરત કોઇ લક્ષણો જણાતા નથી, માટે તે અન્ય લોકોની વચ્ચે રહે છે અને બધાને મળતા રહે છે. જે આ વાયરસને ફેલાવા સૌથી અનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. વધુમાં, પરિવહનના સાધનોના અભૂતપૂર્વ આવિષ્કાર અને વિકાસની ફળશ્રુતિરૂપે આંતરરાષ્ટ્રીય પ્રવાસ અતિશય સરળ થઇ ગયો છે. જેનાથી આપણે લાંબા અંતરની મુસાફરી બહુ સરળતાથી કરી શકીએ છીએ, જે આવા રોગને ફેલાવા વધારાનું ઇંધણ પુરું પાડે છે.

આપણે વિવિધ મુદ્દાઓ જેવા કે, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધાતુઓ અને અન્ય કુદરતી સંપત્તિનું અસાધારણ ખનન વગેરે, કે જેમાં વાસ્તવિકતાથી વિપરીત અને વધુ પડતો એવો કાલ્પનિક ભય ઉભો કરવામાં આવે છે. આવા મુદ્દાઓ બાબતે આપણે જોર-શોરથી બૂમો પાડીએ છીએ, સંગઠનો રચીએ છીએ અને અઢળક નાણા પણ ખર્ચીએ છીએ. મારા ‘ગુડ ન્યુઝ’ શીર્ષક હેઠળના લેખ(http://udaybhayani.in/goodnews/)માં ધ લીમીટ ટુ ગ્રોથ અહેવાલનો સંદર્ભ ટાંકી લખ્યું હતું કે, કાલ્પનિક ભય કરતા વાસ્તવિક ભય વધુ ભયંકર હોય છે. ખરેખર આવી કલ્પના મુજબ પૃથ્વી ઉપરથી ધાતુ ખાલી થઇ જતી નથી કે બધો બરફ પીગળીને પ્રલય થઇ જતો નથી. જ્યારે કોવિદ-19 નામની આ મહામારી તો આપણી સમક્ષ આવી ને ઉભી રહી ગઇ છે, ત્યારે નક્કર પગલાઓ અનિવાર્ય બની જાય છે.

કોવિદ-19 સંદર્ભમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ રોગના ઉદ્‌ભવ સ્થાન એવા ચીન તથા જ્યાં આ રોગ વધુ પડતો ફેલાઈ ગયો છે તેવા ઇટાલી વગેરે ખરેખર ગંભીર થઇ ગયા છે. ચીનમાં નવા કેસો ઉપર ખાસું નિયંત્રણ પણ આવી ગયું છે. આટલી જ ગંભીરતા વિશ્વના અન્ય દેશોએ પણ દાખવવા જેવી છે. જે દેશોમાં કેસોની સંખ્યા અને તે પૈકી મૃત્યુની સંખ્યા બહુ ઝૂઝ છે, તેઓએ પણ એ વાત ન ભૂલવી જોઇએ કે, આ વાયરસની ફેલાવાની પ્રક્રિયા ચક્રવૃદ્ધિ પ્રકારની છે. આ ચક્રવૃદ્ધિની તાકાતને નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે જેઓ એ વિશ્વને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો અને આજે તેઓનો જન્મ દિવસ પણ છે (14મી માર્ચ, 1879) તેઓ વિશ્વની આઠમી અજાયબી કહેતા. આ વાયરસ એક વાર વિશ્વને આવી ચક્રવૃદ્ધિ તાકાતથી ભરડો લેશે તો ચોક્કસ મહાવિનાશ નોતરશે અને તેને રોકવો બહુ અઘરો પડશે.

ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ અને ખુદ માનનીય પ્રધાનમંત્રીશ્રીની સોશીયલ મીડિયા ઉપર વિદેશ પ્રવાસ ન કરી અન્ય દેશોથી અલિપ્ત થવાની અને ચેપની આ સાયકલ તોડવાની તથા વધુ લોકોને એક સ્થળે એકત્ર ના થવાની અપીલ સરાહનીય છે. ગુજરાત સરકાર દ્વારા પણ ‘ગુજરાત વ્યાપક રોગચાળો (કોવિદ-19) નિયમન, 2020’નું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે અને સાવચેતીના પગલાંરૂપે સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં યોજાતા વર્કશૉપ, સૅમિનાર, કોન્ફરન્સ વગેરે 31.03.2020 સુધી મોકૂફ રાખવા સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સરકારશ્રી તરફથી આ સિવાય પણ અન્ય ઘણા બધા પગલાઓ સમયે-સમયે જરૂરિયાત મુજબ લેવામાં આવી રહ્યાં છે.

ઉક્ત પગલાઓ ઉપરાંત હજુ પણ અન્ય અગત્યના પગલાઓ જેવા કે, જે બજારમાં જીવતા પ્રાણીઓ લાવવામાં આવતા હોય તેના ઉપર પ્રતિબંધ મૂકવો, શક્ય તેટલા સામૂહિક મેળાવડાઓ ઉપર પ્રતિબંધ મૂકવો, ખાનગી અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની નીતિને પ્રોત્સાહિત કરવી, આ વાયરસ વિરોધી રસી/દવાના સંશોધન માટે શક્ય તેટલી મશીનરી કામે લગાડવી, આવા સંશોધનો માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ કરાવવું, અસરગ્રસ્તોની સારવાર માટે આઇસોલેશન વોર્ડ તથા અન્ય સંસાધનો ઉપલબ્ધ રાખવા વગેરે જેવા પગલાઓ લેવા આવશ્યક જણાય છે. વધુમાં, સરકાર દ્વારા તો આ બાબતે પગલાઓ લેવામાં આવી રહ્યાં છે, પરંતુ આ કોવિદ – 19 નામનું મહાસંકટ જ્યારે આપણી સામે વાસ્તવિકતા બનીને ઉભી ગયું છે, ત્યારે આપણા બધાની પણ ફરજ બને છે કે પુરતી સાવચેતી રાખીએ, સરકાર તથા એકબીજાને સહકાર આપીએ અને આ રોગને ફેલાતો રોકવા બનતા પ્રયત્નો કરીએ. લોકા: સમસ્તા: સુખીનો ભવન્તુ.