Featured Books
શ્રેણી
શેયર કરો

ઇલેક્ટ્રિક વ્હીકલ – સરકારશ્રી દ્વારા લેવામાં આવી રહેલ નીતિ વિષયક પગલાઓ

અગાઉના “ઇવીનો ઉત્પાત” વિષય પરના લેખમાં ઇલેક્ટ્રિક વ્હીકલ વિશે પ્રાસ્તાવિક વિગતો જોઇ. છેલ્લા વર્ષોમાં આપણે જોયું કે, સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે અતિ મહત્વના અને દૃઢ પગલાઓ જેવા કે, જન ધન યોજના, નોટ બંધી, જીએસટી, સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા, પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના, ઉડાન, સ્ટાર્ટઅપ વગેરે લઇ, મોટા પાયે અગણિત ફેરફારો કરવામાં આવ્યા. આ લેખમાં આવી જ એક દીર્ઘ દ્રષ્ટી વાળી નીતિ કે જે દેશનું ભવિષ્ય બદલવા સક્ષમ હશે તેવી ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિ સંદર્ભમાં લેવામાં આવેલા અને આવી રહેલ પગલાઓની વિગતો નીચે મુજબ છે.

પગલાઓ

  1. ભારત ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બને તેવા લક્ષ્ય સાથે 2019-20ના બજેટમાં કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા નીચે મુજબના વિવિધ પગલાઓની ઘોષણા કરવામાં આવી છે.
    • ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લીધેલ લોન પર ચુકવેલા વ્યાજ પૈકી ₹ 1.5 લાખ સુધીની રકમને આવક વેરામાંથી છૂટ રહેશે. સંપૂર્ણ લોનની અવધિમાં ₹ 2.5 લાખ સુધીની મુક્તિનો લાભ મળવાપાત્ર થશે.
    • હાલમાં ભારતમાં ઉત્પાદિત ન થતી લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિની પણ જાહેરાત કરી, જે લિથિયમ આયન બેટરીઓની કિંમત ઘટાડવામાં મદદરૂપ રહેશે.
    • સોલાર ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લિથિયમ સ્ટોરેજ બેટરી જેવા સાધનોના ઉત્પાદકો રોકાણ સાથે જોડાયેલી આવકવેરાની (કલમ 35 એડી) છૂટના અને અન્ય પરોક્ષ કરના લાભો મેળવી શકે છે.
  2. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહનની નીતિના ભાગરૂપે તાજેતરમાં તા. 27મી જુલાઇ, 2019ના રોજ મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં પંજાબ, દિલ્હી અને પશ્ચિમ બંગાળ રેટ-કટની દરખાસ્તોના સંપૂર્ણ સમર્થનમાં ન હોવા છતાં, નીચે મુજબના અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા, જે 1લી ઓગસ્ટ, 2019થી અમલમાં આવશે.
    • ઇલેક્ટ્રિક વાહનો પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો, જે પેટ્રોલ-ડીઝલ વાહનો પર 28% છે.
    • ઇલેક્ટ્રિક વાહનો માટેની માળખાગત સુવિધા સુદ્રઢ કરવા ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર અને ચાર્જિંગ સ્ટેશનો પરનો જીએસટી દર 18%થી ઘટાડી 5% કરવા નિર્ણય લેવામાં આવ્યો.
    • ઇલેક્ટ્રિક વાહનોને જાહેર પરિવહન માટે લોકપ્રિય બનાવવા માટે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ઇલેક્ટ્રિક બસો (12થી વધુ મુસાફરોની ક્ષમતા વહન કરતી) ભાડે લેવાને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
  3. પસંદગીના રાષ્ટ્રીય ધોરી માર્ગો ઉપર બસ અને ટ્રક વીજળીથી ચાલી શકે, તે માટે ઓવર હેડ ઇલેક્ટ્રિસિટી નેટવર્ક સ્થાપી ઇ-હાઈવે પ્રોજેક્ટનો પાયલોટ રન શરુ કરવા પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે.
  4. ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી ઉત્પાદન અને અમલવારી માટે ફેમ (FAME – Faster Adoption and Manufacturing of Hybrid and Electric Vehicles) સ્કીમ અમલમાં મૂકવામાં આવેલ હતી. આ સ્કીમનો બીજો ભાગ ફેમ – 2 પ્રારંભિક તબક્કે ત્રણ વર્ષ માટે એટલે કે વર્ષ – 2022 સુધી અને રૂ. 10000 કરોડના ખર્ચના અંદાજ સાથે અમલી કરવામાં આવેલ છે, જે પૈકી રૂ. 1000 કરોડ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા વાપરવાનું આયોજન રાખવામાં આવેલ છે. 30મી જુલાઇ, 2019 સુધીમાં આ સ્કીમ હેઠળ 2,79,983 ઇલેક્ટ્રિક વાહનો માટે રૂ. 345.25 કરોડ જેટલી માતબાર રકમ પ્રોત્સાહન સ્વરૂપે ચૂકવવામાં આવેલ છે.
  5. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)એ સ્વદેશી રીતે વિકસિત લિથિયમ આયન બેટરીની ટેકનોલોજી 14 જેટલી કંપનીઓને તબદીલ કરી વ્યાપારીકરણ કરશે; જેનાથી સ્થાનિકીકરણને પ્રોત્સાહન મળશે અને માલિકી ખર્ચમાં ઘટાડો થશે.
  6. ઇલેક્ટ્રિક વાહનોને પોતાની ઓળખાણ મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટના બેટરી ઓપરેટેડ વાહનોને ગ્રીન બેકગ્રાઉન્ડમાં પીળા અક્ષરો સાથેની હાઇસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લાગશે, જ્યારે નોન-ટ્રાન્સપોર્ટ બેટરી ઓપરેટેડ વાહનોને ગ્રીન બેકગ્રાઉન્ડ પર સફેદ અક્ષરો સાથેની પ્લેટ રહેશે. વળી, ઇલેક્ટ્રિક વાહનોને રજીસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપવા નિર્ણય લેવામાં આવેલ છે, જે ભારતના પ્રથમ અને અંતિમ માઇલ કનેક્ટિવિટી વિકલ્પોને વેગ આપશે તથા ઇલેક્ટ્રિક વાહનોની પ્રારંભિક કિંમત ઘટાડવામાં મદદરૂપ થશે.
  7. 4kw સુધીની ક્ષમતા વાળા મોટર દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને પ્રોત્સાહન આપવા, તેને ચલાવવાની યોગ્યતાને હળવી બનાવવામાં આવશે એટલે કે, 16 વર્ષની વયના વ્યક્તિઓ આવા ગિયર લેસ ઇ-સ્કૂટર્સ અને બાઇકને કાયદેસર રીતે ચલાવી શકશે.
  8. નિતિ આયોગ દ્વારા વિવિધ શહેરોમાં ‘પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડ પર જાહેર પરિવહન’ માટે ઇલેક્ટ્રિક બસોના ઉત્પાદકોને સેવા પ્રદાતાઓ તૈયાર કરી મૂડી ખર્ચને ઓછો કરવા માટે પ્રતિ કિલોમીટર ખર્ચ ચુકવવાની યોજના અમલમાં મૂકવા સુચન કરવામાં આવ્યું છે.
  9. ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ખાનગી અને વાણિજ્યિક મકાનોમાં ચાર્જિંગ સ્ટેશનોને પ્રોત્સાહન આપવા ‘શહેરી અને પ્રાદેશિક વિકાસ યોજનાઓ રચના અને અમલીકરણ (યુઆરડીપીએફઆઈ)’ની માર્ગદર્શક સુચનાઓમાં ફેરફાર કરવામાં આવ્યા. જે અન્વયે રહેણાંકના મકાનોમાં કૂલ પાર્કિંગના 20% જગ્યા ઇવી માટે અનામત રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
  10. વિજ મંત્રાલય દ્વારા એક નીતિ જારી કરી અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જિંગ કરવાની માળખાકીય સુવિધા વીજ વેચાણના બદલે સેવા તરીકે ગણવામાં આવશે.
  11. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને તેઓની કક્ષાએથી પણ વિવિધ લાભો જેવા કે,
    • ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે જમીન ફાળવણી,
    • મોલ્સમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું ફરજિયાત કરવું,
    • જાહેર પાર્કિંગ સ્થળો ઉપરાંત હાઉસિંગ સોસાયટીઓ અને ઓફિસ સંકુલમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું,
    • જાહેર પરિવહનમાં શૂન્ય ઉત્સર્જન વાહનો એટલે કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો, વગેરે બાબતે નીતિ બનાવી અમલમાં મૂકવા જણાવવામાં આવેલ છે.
  12. ગુજરાત રાજ્ય કક્ષાએ લેવામાં આવેલા પગલાઓ:
    • એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી (વાતાવરણને અનુકૂળ) ઇલેક્ટ્રિક વાહનોની નીતિના અમલમાં પણ ગુજરાત અગ્રેસર છે. સરકાર દ્વારા ઓલા અને ઉબેર જેવા ખાનગી ટેક્ષી સર્વિસના ઓપરેટર સાથે મીટીંગ કરીને ઇલેક્ટ્રિક વાહનો જ ચલાવવા માટેની પ્રોત્સાહક યોજના અંગે ચર્ચા કરવામાં આવી અને આ અભિયાનમાં ભાગ લેવા આગ્રહ કરવામાં આવ્યો.
    • ગુજરાત રાજ્ય સરકાર ટુ-વ્હીલર ઇવીની ખરીદી માટે વિદ્યાર્થીઓને આશરે રૂ. 10,000 થી રૂ. 20,000 સુધીની સબસિડી પૂરી પાડે છે.
    • ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેમાં વપરાતી લિથિયમ આયન બેટરીના ઉત્પાદન માટે પણ ગુજરાત આગેવાની લેશે. આ સંદર્ભમાં ટાટા મોટર્સ લિમિટેડે અમદાવાદ નજીકના સાણંદ ખાતે ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણ માટે રૂ. 1,600 કરોડથી વધુના રોકાણની દરખાસ્ત કરી હતી. તાજેતરમાં ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન(Dholera-SIR)માં આ હેતુસર ક્લસ્ટર ડેવલપ કરવા ગુજરાત સરકારે તૈયારી શરુ કરી દીધી છે. રાજ્યના ચીફ સેક્રેટરીશ્રી ડો. જે. એન. સિંઘે તા. 27.07.2019ના રોજ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમ્યાન લિથિયમ બેટરી પ્લાન્ટ માટે ટાટા ગૃપ સાથે આ બાબતે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
    • જેએસડબલ્યુ પહેલેથી ગુજરાતમાં ઇવી પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. જ્યારે સુઝુકી મોટર્સ ઇલેક્ટ્રિક કાર અને બેટરી પ્લાન્ટના નિર્માણ માટે આયોજન કરી રહી છે.
    • અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એસટી બસ સર્વિસમાં 40 ઈ-બસ મુકાશે. હાલ કુલ 80 જેટલી બસો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડે છે, જે પૈકી 50 ટકા બસો ઇલેક્ટ્રિક થઇ જશે. આ બસોના ચાર્જિંગ માટે એસટી ડેપોમાં ચાર્જિંગ સ્ટેશન પણ ઊભાં કરાશે
    • ગુજરાત સરકારની સૂચિત નીતિ અનુસાર રાજ્યના દરેક શહેરમાં ત્રણ કિલોમીટરે અને નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે પર દર 25 કિલોમીટરે રોડની બન્ને બાજુએ એક-એક ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે.
    • વિશ્વ પર્યાવરણ દિવસ – 2019ના પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) વિસ્તારમાં આવતા 10 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા ભારત સરકારના વિજ મંત્રાલય હેઠળના સંયુક્ત સાહસ “એનર્જી એફિસિયન્સી સર્વિસીઝ લિમિટેડ (ઇઇએસએલ)” દ્વારા એએમસી સાથે એમઓયુ સાઇન કરવામાં છે.

આ લેખમાં આપણે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા કે લેવામાં આવી રહેલ પગલાઓ વિશે જોયું. ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિનો આ એકદમ પ્રારંભિક તબક્કો છે. અત્યારે આ નીતિની તરફેણમાં જેટલા હકારાત્મક નિર્ણયો લેવામાં આવે તેટલા ઓછા છે. આ નીતિ પણ જન ધન, નોટ બંધી, જીએસટી વગેરેની જેમ ગેમ ચેન્જર સાબિત થઇ શકે તેમ છે. શરૂઆતમાં કોઇપણ બદલાવ અસંભવ અને હાસ્યાસ્પદ લાગતો હોય છે, પરંતુ આવા પગલાઓ જ ઇતિહાસ રચતા હોય છે. પ્રારંભિક તબક્કામાં ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિ માટે મનમાં ઘણાં પ્રશ્નો ઊઠે છે, પરંતુ જે રીતે પગલાઓ લેવામાં આવી રહેલ છે, સ્ટાર્ટઅપ આશાવાદી છે, ટેકનોલોજી અપગ્રેડ થતી જાય છે તેમ કંઇ અશક્ય નથી લાગતું; તેમ છતાં હવે પછીના લેખમાં આ નીતિ સામેના પડકારો વિશે ચર્ચા કરીશું.

વાચક મિત્રો, મારા લેખો વાંચતા રહેજો અને આપના અમૂલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં.

આભાર….