Once upon a Time - 96 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 96

પ્રકરણ 96

મુંબઈ અબુ સાલેમ ગેંગના બે શૂટરને બી.આર.ચોપરાના બંગલાથી થોડાક ફૂટ જ દૂર ફાઈવસ્ટાર હોટેલ ‘સી-પ્રિન્સેસ’ પાસે પોલીસે એમને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા. જો કે મુંબઈ પોલીસના ઑફિસર્સ અબુ સાલેમ ગેંગના શૂટર્સના કમોતથી આનંદ મેળવી શકે એ પહેલાં તો થોડા કલાકોમાં જ એમના માટે અરુણ ગવળી ગેંગ તરફથી માથાનો દુઃખાવો શરૂ થઈ ગયો હતો. અરુણ ગવળી ગેંગના શૂટર્સે મુંબઈના મોટા ગજાના ગુજરાતી બિલ્ડર નટુભાઈ દેસાઈને નિશાન બનાવ્યા હતા. બિલ્ડર નટુભાઈ દેસાઈ મુંબઈનાં નરીમાન પોઈન્ટ વિસ્તારમાં ‘તુલસિયાની ચેમ્બર્સ’ બિલ્ડિંગમાં પોતાની ઓફિસમાં આવ્યા એ વખતે ટાંપીને બેઠેલા શૂટર્સે એમના પર ફાયરિંગ કર્યું હતું. નટુ દેસાઈએ પોતાની કારમાંથી બહાર પગ મૂક્યો એ સાથે જ શૂટર્સે એમના પર ફાયરિંગ શરૂ કર્યું અને થોડી સેકન્ડ પછી નટુ દેસાઈ નિશ્ચેતન થઈને પડ્યા હતા.

જાણીતા બિલ્ડર નટુ દેસાઈની હત્યાથી મુંબઈ પોલીસ પર જબરદસ્ત રાજકીય દબાણ આવ્યું. ઑડિયોકિંગ ગુલશનકુમારની હત્યાનો જખમ હજી તાજો જ હતો અને મુંબઈ પોલીસ સંગીતકાર નદીમને અને અબુ સાલેમને કાનૂની રીતે ભિડાવવા માટે કોશિશ કરી રહી હતી ત્યાં જ આ ઘટનાથી મુંબઈ પોલીસના જખમ પર જાણે મીઠું છંટાયું હતું. મુંબઈ પોલીસે આમ પણ અરુણ ગવળીને દાઢમાં રાખ્યો હતો. ત્યાં નટુ દેસાઈની હત્યાથી મુંબઈ પોલીસ ઑફિસરોને વધુ કાળ ચડ્યો હતો અને નટુ દેસાઈની હત્યામાં અરુણ ગવળીનો હાછ હોવાના પુરવા મળ્યા ત્યારે મુંબઈ પોલીસના ઑફિસર્સ ઍક્શનમાં આવી ગયા હતા. અરુણ ગવળીને કારણે મુંબઈ હાઈકોર્ટનો શાબ્દિક માર ખાવો પડ્યો અને પોલીસ કમિશનરને મુંબઈ પોલીસના ઈતિહાસમાં હાઈકોર્ટે પ્રથમ વાર દંડ ફટકાર્યો હતો. એ ઘટના હજી તાજી જ હતી. મુંબઈ પોલીસ કમિશનર રોનાલ્ડ મેન્ડોન્સાએ તાબડતોબ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક બેઠક બોલાવી. એ બેઠક પૂરી થઈ ત્યારે તમામ ઉચ્ચ પોલીસ ઑફિસર્સના ચહેરા આક્રમક મુદ્રામાં હતા. આ વાતથી અજાણ અરુણ ગવળી પોતાના અડ્ડામાં ખુશી મનાવી રહ્યો હતો.

***

અરુણ ગવળી પોતાના અડ્ડામાં ખુશી મનાવી રહ્યો હતો ત્યારે મુંબઈ પોલીસના ઑફિસર્સે એનું ધનોતપનોત કાઢી નાખવાની તૈયારી આદરી હતી. ગુજરાતી બિલ્ડર નટુભાઈ દેસાઈની હત્યાનો આદેશ અરુણ ગવળીએ આપ્યો હોવાના પુરાવા મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં ભેગા કરી લીધા હતા. મુંબઈ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું અરુણ ગવળી છેલ્લા છ મહિનાથી નહાઈ-ધોઈને નટુ દેસાઈની પાછળ પડી ગયો હતો. ગવળીએ નટુ દેસાઈ પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. નટુ દેસાઈએ ખંડણી આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા એટલે ગવળીના બે સશસ્ત્ર ગુંડા મુંબઈ જુહૂ વિસ્તારમાં નટુ દેસાઈના ઘરે પહોંચી ગયા હતા. એમણે નટુ દેસાઈને દગડી ચાલમાં હાજરી આપવા માટે સમન્સ બજાવ્યું હતુ. અને ગભરાઈ ગયેલા નટુ દેસાઈ અરુણ ગવળીને મળવા દગડી ચાલ પહોંચી ગયા હતા. ગવળીએ એમને રૂપિયા પાંચ કરોડ પહોંચાડી દેવા માટે ઓર્ડર આપ્યો હતો. દગડી ચાલમાંથી પાછા આવીને નટુ દેસાઈએ છોટા રાજન ગેંગનો સંપર્ક કર્યો હતો. એમણે છોટા રાજન પાસે પ્રોટેક્શન માગ્યું હતે. પણ ગવળીને આ વાતની ખબર પડી ગઈ હતી. અને એણે નટુ દેસાઈનું ડેથ વોરંટ ઈસ્યુ કરી દીધું હતું.

ગુજરાતી બિલ્ડર નટુ દેસાઈની હત્યા અરુણ ગવળીએ કરાવી હોવાના પુરાવા મળ્યા પછી મુંબઈ પોલીસ એક ખાસ ટીમ બનાવીને બીજે દિવસે બપોરનાં સવા બે વાગે દગડી ચાલમાં ત્રાટકી. 20 ઓગસ્ટ, 1997ના દિવસે મુંબઈ પોલીસની સ્પેશિયલ સ્કવોડ દગડી ચાલમાં ધસી ગઈ ત્યારે દગડી ચાલમાં અરુણ ગવળીની બિલ્ડિંગનો મુખ્ય દરવાજો લોક હતો. એકાદ મહિના અગાઉ મુંબઈ પોલીસે દગડી ચાલમાં જઈને ગવળીની ધરપકડ કરી ત્યારે દગડી ચાલના રહેવાસીઓએ એ ‘ઓપરેશન’માં ભારે અવરોધ ઊભો કર્યો હતો. એટલે પોલીસ આ વખતે પૂરી તૈયારી સાથે દગડી ચાલમાં ગઈ હતી. દગડી ચાલને ચારે બાજુથી ઘેરીને પોલીસે ગવળીને એના મકાનનો દરવાજો ખોલવા માટે ચેતવણી આપી હતા, પણ પંદર મિનિટ સુધી દરવાજો ખૂલ્યો નહીં એટલે પોલીસે દરવાજો તોડી નાખવાની ધમકી આપી. એ પછી અરુણ ગવળીના મકાનનો મુખ્ય દરવાજો ખૂલ્યો. પોલીસ અધિકારીઓ ધડાધડ ગળવીના મકાનના પગથિયા ચડીને પહેલા માળે પહોંચી ગયા ત્યાં અરુણ ગવળી ડ્રોઈંગરૂમમાં એના એડવોકેટ સાથે બેઠો હતો. પોલીસ ઑફિસર્સનું ધાડું જોઈને ગવળી ડઘાઈ ગયો. પણ તરત જ સ્વસ્થતા ધારણ કરીને એણે પોલીસ ઑફિસર્સને પૂછ્યું કે મારો ગુનો શું છે?

પોલીસે કહ્યું કે નટુ દેસાઈ મર્ડર કેસમાં અમે તારી ધરપકડ કરી રહ્યા છીએ. નટુ દેસાઈ મર્ડર સાથે પોતાને કંઈ લેવાદેવા નથી એવી અરુણ ગવળીએ દલીલ કરી. પણ પોલીસ અધિકારીઓએ એની વાત સાંભળ્યા વિના કોલરથી પકડીને એને પોલીસ વેનમાં ધકેલી દીધો.

અરુણ ગવળીને લઈને પોલીસ વેન કોલાબા પોલીસ સ્ટેશન ભણી રવાના થઈ ત્યારે બીજી બાજુ મુંબઈ પોલીસના શાર્પ શૂટર્સ એપીઆઈ પ્રફુલ્લ ભોંસલે અને બીજા પોલીસ ઑફિસર્સે અરુણ ગવળીના અડ્ડાની ઝીણવટભરી તલાશ શરૂ કરી. અરુણ ગવળીની પત્ની આશાએ આ તલાશીનો વિરોધ કર્યો, પણ પોલીસ ટીમની લૅડી ઑફિસર્સે એને એક બાજુ ચૂપચાપ બેસાડી દીધી. પોલીસ ઑફિસર્સ ગવળીના અડ્ડાના પહેલા માળના તમામ રૂમમાં ફરી વળ્યા. ગવળી ગેંગના કેટલાક શાર્પ શૂટર્સ ગવળીના ઘરમાં છુપાયા હોવાની પોલીસ ઑફિસર્સ પાસે માહિતી હતી.

પોલીસ અધિકારીઓ ગવળીના અડ્ડાની તલાશી લઈ રહ્યા હતા ત્યારે પહેલા માળે ડ્રોઈંગ રૂમની દીવાલો ઠોકીને ચકાસતાં એક જગ્યાએ દીવાલમાં છૂપો દરવાજો મળી આવ્યો. પોલીસ અધિકારીઓએ દરવાજો ખોલવાની ફરજ પાડી તો ડ્રોઈંગરૂમ જેવડો જ બીજો રૂમ દેખાયો. એ રૂમમાં વળી બીજો એક દરવાજો હતો. પોલીસે એ દરવાજો ખોલવાની કોશિશ કરી પણ એ દરવાજો બીજી બાજુથી બંધ હતો. પોલીસે એ દરવાજો ખખડાવીને ખોલવા માટે ઓર્ડર આપ્યો પણ અંદરથી દરવાજો ખૂલ્યો નહીં. પોલીસે દરવાજો તોડી નાખ્યો.

જેવો એ દરવાજો તૂટ્યો એ સાથે અંદરથી ધાણીફૂટ ગોળીબાર શરૂ થયો. એ રૂમમાંથી આવેલી ગોળીઓમાંથી બે ગોળીનું નિશાન બે પોલીસમેનને નિશાન બનાવી ગઈ!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED