વન્સ અપોન અ ટાઈમ - 95 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 95

પ્રકરણ 95

‘તમે સમજી રહ્યા છો એમ હું ઑડિયોકિંગ ગુલશકુમારની જ વાત કરી રહ્યો છું.’

પપ્પુ ટકલાએ સ્માર્ટનેસ બતાવતા કહ્યું અને પછી વાત આગળ ધપાવી, ‘ગુલશનકુમાર પર ખતરો તોળાઈ રહ્યો છે એ ખબર પડી એટલે મુંબઈ પોલીસે તેમને ચેતવણી આપી અને પોલીસ પ્રોટેક્શનની ઓફર કરી. એમ છતાં ગુલશનકુમારે એ ચેતવણીને ગંભીરતાથી લીધી નહીં. જોકે આશ્ચર્યજનક રીતે ગુલશનકુમારે ઉત્તરપ્રદેશના પોતાના એક ઉચ્ચ પોલીસ ઑફિસરની મદદથી ઉત્તરપ્રદેશ પોલીસનું પ્રોટેક્શન લીધું! ગુલશનકુમારે ગાઝિયાબાદ રેન્જના ડીઆઈજીને કહીને ગાઝીયાબાદ પોલીસ પાસેથી સ્ટેનગનધારી પોલીસ ગાર્ડને પોતાની સુરક્ષા માટે મુંબઈ બોલાવ્યો હતો. ગુલશનકુમારને મુંબઈ પોલીસે ચેતવ્યા ત્યારે ગુલશનકુમારે એ વાતની જાણ મુંબઈ પોલીસને કરી નહીં કે મેં ઉત્તરપ્રદેશ પોલીસ પાસેથી પ્રોટેક્શન લીધું છે. અને મુંબઈ પોલીસે એમના પર ખતરો હોવાની ચેતવણી આપી છે એવી જાણ તેમણે ઉત્તરપ્રદેશ પોલીસને કરી નહોતી.

મુંબઈ પોલીસની ચેતવણીને ગણકાર્યા વિના ઓડિયો કિંગ અને ફિલ્મ પ્રોડ્યુસર ગુલશનકુમાર બિનદાસ્ત રીતે ફરતા હતા. એમની સાથે ઉત્તરપ્રદેશ પોલીસનો સિક્યુરિટી ગાર્ડ પડછાયાની જેમ સાદા ડ્રેસમાં રહેતો હતો.. પરંતુ, 12 ઓગસ્ટ, 1997ના દિવસે ગુલશનકુમારને એમનો આત્મવિશ્વાસ ભારે પડી ગયો. ગુલશનકુમાર અત્યંત આસ્તિક હતા અને મુંબઈ અંધેરી વિસ્તારમાં એમણે જીતેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. ગુલશનકુમાર જ્યારે પણ મુંબઈમાં હોય ત્યારે અચૂક તેઓ સવારના દસ વાગ્યે એ મંદિરમાં પૂજા કરવા માટે જતા હતા. 12 ઓગસ્ટ, 1997ની સવારે તેઓ આ જ રીતે જીતેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા. તેમનો સિક્યુરિટી ગાર્ડ એ વખતે બહારગામ ગયો હતો. ગુલશનકુમાર અંધેરી ઉપનગરના ભરતનગર વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે પહોંચ્યા. પૂજા પૂરી કરીને તેઓ પોતાની મારુતિ એસ્ટિમ કારમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક એમની તરફ બે શૂટર ધસી આવ્યા. એમણે ગુલશનકુમારને કહ્યું ‘બહુત પૂજા કર લી, અબ ઉપર જા કે ઓર પૂજા કરના!’ અને એમણે ગુલશનકુમાર ઉપર ફાયરિંગ શરૂ કર્યું. ગુલશનકુમારના હાથમાંથી પૂજાની થાળી પડી ગઈ અને એમણે આશરો મેળવવા માટે નજીકની ચાલ તરફ દોટ મૂકી, પણ ફાયરિંગથી ગભરાઈ ગયેલા રહેવાસીઓએ ધડાધડ પોતાના ઘરના દરવાજા બંધ કરી લીધા અને શૂટર્સની પિસ્તોલ્સમાંથી છૂટેલી ગોળીઓ ગુલશનકુમારના શરીરમાં ધરબાઈ ગઈ. આ ફાયરિંગમાં ગુલશનકુમારના ડ્રાઈવર રૂપલાલ સરોજ અને ત્રણ રાહદારીઓ પણ નિશાન બની ગયા. ગણતરીની સેકન્ડોમાં ગુલશનકુમારના શરીરમાં પંદર ગોળી ઊતરી ગઈ અને ગુલશનકુમારને ખતમ કરીને શૂટર્સ થોડી દૂર ઊભેલી એક ટેક્સીમાં બેસીને નાસી છૂટ્યા.

શૂટર્સ ભાગી ગયા એ પછી સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળ્યા ત્યારે ગુલશનકુમાર લોહીના ખાબોચિયા વચ્ચે નિશ્વેતન બની પડ્યા હતા.

***

‘દિલ્હીમાં ફૂટ જ્યુસ સેન્ટર ચલાવતા-ચલાવતા પોતાની મહત્વાકાંક્ષાને કારણે મુંબઈ આવીને અબજોપતિ બની ગયેલા ગુલશનકુમારની હત્યાના સમાચાર વાયુવેગે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી વળ્યા અને ફરી એકવાર હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો હતો. મુંબઈ પોલીસે કહ્યું કે અબુ સાલેમે ગુલશનકુમારની હત્યા કરાવી હોવાનો સંકેત અમને મળ્યો છે. એ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અબુ સાલેમના નામનો રીતસર ખોફ છવાઈ ગયો. પણ વધુ મોટો આંચકો મુંબઈ પોલીસે પખવાડિયા પછી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપ્યો.

મુંબઈ તત્કાલીન પોલીસ કમિનશર રોનાલ્ડ મેન્ડોન્સા અને જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) આર.એસ. શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ધડાકો કર્યો કે વિખ્યાત ફિલ્મ સંગીતકાર નદીમ સૈફી અખ્તરે અબુ સાલેમને સોપારી આપીને ગુલશનકુમારનું મર્ડર કરાવ્યું હતું. એમણે કહ્યું કે મુંબઈ પોલીસે અબુ સાલેમ ગેંગના બે શૂટર્સ સહિત કુલ ચાર વ્યક્તિની ગુલશનકુમાર મર્ડર કેસમાં ધરપકડ કરી છે અને અમારી પાસે પૂરતા પુરાવા છે કે સંગીતકાર નદીમે જ ગુલશનકુમારની હત્યા કરાવી છે.

રોનાલ્ડ મેન્ડોન્સાએ કહ્યું કે અબુ સાલેમ અને સંગીતકાર નદીમ દુબઈમાં ‘રોયલ એમ્પાયર’ હોટેલના ઉદ્દઘાટન વખતે મળ્યા હતા ત્યારે ગુલશનકુમારની હત્યા કરવાનું કાવતરું ઘડાયું હતું અને એ વખતે અબુ સાલેમ ગેંગના બે શૂટર મોહંમદ અલી હસન શેખ અને રફીક અબ્દુલ ઈશાક ત્યાં હાજર હતા. મુંબઈ પોલીસના આ ધડાકાથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જબરદસ્ત આંચકો લાગ્યો અને અત્યાર સુધી દાઉદ ઈબ્રાહિમ તથા અબુ સાલેમ સાથે સંબંધ હોવાને કારણે કોલર ઊંચો રાખીને ફરતા રહેતા ફિલ્મસ્ટાર્સ અને પ્રોડ્યુસર્સ દાઉદ સાથે પોતાને કોઈ પણ સંબંધ હોવાનો ઈન્કાર કરવા માંડ્યાં. મુંબઈ પોલીસે ‘રોયલ એમ્પાયર’ હોટેલના ઉદ્દઘાટન સમારંભ વખતે યોજાયેલી નદીમ શ્રવણ નાઈટમાં ભાગ લેવા ગયેલા ફિલ્મસ્ટાર્સની પૂછપરછ શરૂ કરી ત્યારે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓર ગભરાટ ફેલાઈ ગયો.

***

ગુલશનકુમારની હત્યાથી મુંબઈ પોલીસ અને અંડરવર્લ્ડનું ધ્યાન અબુ સાલેમ ગેંગ તરફ ફંટાયું હતું. એ ઘટનાના એક અઠવાડિયા પછી 19 ઓગસ્ટ, 1997ના દિવસે અબુ સાલેમ ગેંગ ફરી એકવાર હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ત્રાટકી. જો કે એ વખતે એને નિષ્ફળતા મળી. જોગાનુજોગ એ જ દિવસે અરુણ ગવળી ગેંગના શૂટર્સે એક ‘ઓપરેશન’ પાર પાડ્યું અને અરુણ ગવળી ફરી એક વાર કેન્દ્રસ્થાને આવી ગયો.

19 ઓગસ્ટની સાંજે અબુ સાલેમ ગેંગના બે શૂટર્સ વિખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર-ડિરેક્ટર બી.આર.ચોપરાની ‘ગેમ કરવા’ મુંબઈના જૂહુ વિસ્તારમાં પહોંચ્યા, પણ મુંબઈ પોલીસના ઑફિસર્સને એ કાવતરા વિશે અગાઉથી માહિતી મળી ગઈ હતી એટલે પોલીસે જાપ્તો ગોઠવી દીધો હતો. અને અબુ સાલેમ ગેંગના શૂટર્સ બી.આર.ચોપરા પર ત્રાટકે એ પહેલાં એમના બંગલાથી થોડાક ફૂટ જ દૂર ફાઈવસ્ટાર હોટેલ ‘સી-પ્રિન્સેસ’ પાસે પોલીસે એમને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા.

જો કે મુંબઈ પોલીસના ઑફિસર્સ અબુ સાલેમ ગેંગના શૂટર્સના કમોતથી આનંદ મેળવી શકે એ પહેલાં તો થોડા કલાકોમાં જ અરુણ ગવળીએ મુંબઈ પોલીસનું નાક કાપી લીધું!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 5 દિવસ પહેલા

Santosh Solanki

Santosh Solanki 9 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Seema Shah

Seema Shah 3 વર્ષ પહેલા

Pratik Sabhad

Pratik Sabhad 3 વર્ષ પહેલા