એબસન્ટ માઈન્ડ - 6 Sarthi M Sagar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબસન્ટ માઈન્ડ - 6

એબસન્ટ માઈન્ડ

(૬)

વિક્રાંત બસ સ્ટોપ પાછળ મુક્યું જે ચાર દિવસ ત્યાં જ રહેવાનું હતું. રીસોર્ટ ત્યાંથી એકાદ કિમી નીચે જંગલમાં હતું.

સવારે પેકિંગ કર્યું. ભુખ જોરદાર હતી. પણ બ્રેકફાસ્ટ તૈયાર ન હતો. રાહ જોઈ. ફિલીપ સાથે વાતો કરી. આ ફિલીપ આર્જેન્ટીનાનો હતો જે કાઉન્ટર સંભાળતો હતો. ક્યુરીયસ હતો. ક્યાંક સાંભળ્યું હતું કે વિદેશીઓ ફરવાનો ખર્ચો કાઢવા માટે નોકરી કરતાં હોય છે. ક્યાંથી કઈ રીતે શોધે છે એ જાણવું હતું. કંઈ ખાસ આઉટપુટ ન આવ્યું. બ્રેક ફાસ્ટ આવ્યું. દૂધ, કોર્ન ફલેક્ષ, ચા, કુકી બધુ લીધું. લાંબુ ખેંચવાનું છે વિચાર આવતા ફરી ચા નો કપ ભરી કુકી ખાધા બાદ કેળુ.

હ્યુમન બિહેવીયર યુ નો !

હોસ્ટેલ વર્લ્ડ છોડયુ. અમૃતસરથી પાછો સારો રસ્તો હતો. ક્યાંક ક્યાંક કાશ્મીર ટુ કન્યાકુમારી હાઈવેનાં બોર્ડ દેખાઈ જતાં ૩૦૦ કિ.મી રન હતો. થયું ફટાફટ કપાઈ જશે. કેમ કે રોજનાં પ૦૦ કિ.મી કાપ્યા હતા. પઠાણકોટ સુધી રસ્તો સારો હતો. એ પછી માધોપુર બાદમાં લખનપુર. માધોપુર પંજાબમાં અને લખનપુર જમ્મુ-કાશ્મીરમાં. બંને વચ્ચે રાવી નદી.

અમૃતસરથી માધોપુર ૧ર૦ કિમી. આરામથી કપાઈ ગયું. રાવી ક્રોસ કરી જમ્મુ-કાશ્મીરમાં પહોંચ્યો. તેનાં વિશે આજ સુધી બધુ સાંભળ્યુ જ હતું. એટલે એક ઈમેજ હતી. પોલીસ- આર્મી વગેરેને જોયાં. થયું ઉભા રાખી ચેકિંગ કરશે. વગેરે વગેરે. ધારેલું એ મુજબ કંઈ થયું નહી. હાં બાઈક લઈને દાખલ થયો એ વખતે કેટલાંક પોલીસવાળા સામે જોતાં હતાં.

આશરે બાર વાગ્યા હશે. હજુ એ જ ખયાલોમાં રાચતો હતો કે ર૦૦ કિ.મી. તો ચાર કલાકમાં કપાઈ જશે. વધુમાં વધુ પાંચ કલાક. કઠુઆ આવ્યું. એક ઢાબા આગળ ઉભો રહયો. આલુ પરાઠા હવે ઇઝી લન્ચ હતું. સસ્તા અને વજનદાર. ખાધા પછી લાંબો સમય જોવાની જરૂર નહતી પડતી. એક તોતડો, ઢાબાનો માલિક કમ રસોઈયો ઓર્ડર લેવા આવ્યો. મેનું લાંબુ હતું. આલુ પરાઠા અને દહીંનો ઓર્ડર આપ્યો. પેલો વાતો કરતો ત્યારે એના તોતડાપણાં પર ધ્યાન જતું. વિચાર્યુ એવું ના કરાય. અડધો પોણો કલાક પછી બિલ માંગ્યું. અસ્સી રૂપયે. મોં પર ભયંકર આશ્ચર્યનાં ભાવ સાથે હિસાબ માંગ્યો,

“ચાલી રૂપયે દે પરાઠે – ચાલી રૂપયે દા દહીં.”

“હેં ! ચાલી રૂપયે દા દહીં ?”

“હા જી. પાજી.” તોતડાતા સ્વરે બોલ્યો.

બાજુમાં એક પોલીસવાળો ઉભો હતો. એણે મારી સામે જોયું. કદાચ મારાં માથા પર કંઈ દેખાયુ હશે.

કઠુઆ બાદ ગઢવાલ, સામ્બા. ત્યાંથી સામ્બા-માનસર- ઉધમપુર રોડ પર નડ ગામથી આગળ જઈએ ત્યાં એક બ્લાઈન્ડ કર્વ આવે છે. બ્લાઈન્ડ કર્વ એટલે તમે ઉભાં રહો ત્યાંથી આગળ કશું ન દેખાય. પણ મને દેખાયું. બ્લાઈન્ડ કર્વથી આગળ નીકળ્યો. એવી જ નજર સીધી સામે ગઈ. ઝીગઝેગ રસ્તો વર્ટીકલ હતો. જયાં ઘણી બધી ટ્રક તમને ઉપર ચઢતી દેખાય. પાંચ મિનિટ ત્યાં જ રોકાયો. ફોટો લેવો હતો પણ ના લીધો.

આવાં નજારા માણવાનાં હોય.

નાનકડો પુલ વટાવીને હું પણ એ જ રસ્તે ઉપર ચઢયો. વોટ અ ફિલીંગ. એકસ્ટ્રીમ ઢાળવાળાં રસ્તા. ઈફ યુ આર રાઈડર, યુ મસ્ટર લવ રોડસ. ડિફરન્ટ રોડસ. એમાં ખરબચડા, તુટેલાં, ધુળવાળાં કે ઢાળવાળા બધા આવી ગયા. અલગ અલગ રસ્તા પર મોટરસાયકલ ચલાવવાની મજા જ અલગ છે. એ વસ્તુ જુદી છે કે ક્યાંક ફસાઈ જાઓ ત્યારે ગુસ્સો આવે. પણ ચેલેન્જ તરીકે લેવું.

એ ઝીગઝેગ રસ્તો પાર કરી પર્વત પર ચઢ્યો. એક નાની હોટેલ હતી. એનાથી થોડે દુર ઉભો રહયો. ઉપરથી નીચે જોયું. થોડાંક ફોટા અને સેલ્ફી લીધી. શરૂઆત હતી. સામ્બાવાળા રસ્તેથી વળો એટલે જમ્મુ સાઈડમાં રહી જાય. ત્યાંથી જ પર્વતીય રસ્તાઓની શરૂઆત થઈ ગઈ હતી. એક તરફ ઉંડી ખાઈ, બીજી તરફ આપણે. ક્યાંક ક્યાંક સાવ સાંકડા રસ્તા તો ક્યાંક હાશ થાય એવા પહોળા. કેટલાંક બ્રીજ ગયા. જેમની નીચેથી ખળખળ નીર વહેતું હોય તો ક્યાંક વળી પુલ નીચે ઉંડે સુધી ઝાંડી ઝાંખરા જ દેખાય. પહાડીઓમાં કેટલાંક રસ્તા ભેંકાર, નિર્જન એવા કે નકારાત્મક વિચારો આવે તો ક્યાંક બ્લાઈન્ડ કર્વ કે જેની પાછળ સુંદર નઝારો છુપાયેલો હોય.

ઉધમપુર બાદ તદ્દન પહાડી રસ્તા. ક્યાંક ક્યાંક ડામર દેખાઈ જાય. મોટેભાગે તુટેલાં રસ્તા. ક્યારેક મોટર સાયકલ મોટે ભાગે કાર મળે તો જાતે શરત લગાવી દેવાની અને એમને જીતવા દેવાના.

બાઈકની સ્પીડ લિમિટેડ થઈ. પટનીટોપ નજીક આવતું હતું તેમ ભેજ પણ ખુબ વધી ગયો હતો. ઠંડી પણ વધી હતી. બાઈક ચલાવીને કંટાળી ગયો હતો. ઠંડી કયારનીય લાગતી હતી પરંતુ મોટર સાયકલ અટકાવવી નહોતી. છેવટે કુડ ગામમાં અટકાવી. એક દુકાન આગળ ઉભી રાખી ચા નો ઓર્ડર આપ્યો. પેલાએ તાજી ચા બનાવીને આપી ત્યાં સુધીમાં ફલીસ કાઢીને પહેરી લીધું. સ્થાનિક રીસોર્ટનો માલીક ત્યાં આવ્યો. એણે વાત શરૂ કરી. મેં ચા ઓફર કરી. એણે ના પાડી. ઠંડી હતી એટલે બીજી એક ચા ઓર્ડર કરી. હાથમાં ચા નો કપ લઈ ઉભો હતો. ફ્રાંસની ફિલીંગ આવતી હતી. મગજ થોડું રીલેક્સ થયું.

સનાસર તરફ આગળ વધતો હતો તેમ તેમ રસ્તાનાં અપ્સ-ડાઉન્સ વધી ગયા. ક્યાંક ક્યાંક કંટ્રોલ ન રહે એવું પણ બનતું. મજજો પડ્યો. પણ હવે પછી ગાંડપણ બંધ. આ છેલ્લી ટ્રીપ.

કેટલીય વખત એવાં પ્રશ્નો થયાં કે આગળ કંઈ આવશે કે હું ભુલો પડી ગયો છું ? કારણ કે તુટેલા રસ્તા રસ્તા હોય તેમ લાગતું નહોતું અને કોઈ દેખાય પણ નહી. નકરા પહાડો, ખીણ, ઊંચા ઝાડ અને વાંદરા. કુડ ગામમાં મળેલાં રીસોર્ટ માલિકે કહ્યું હતું જલદી પહોંચ જાઈયેગા. બારીશ કભી ભી આયેગી. ફંસ જાઓગે. ફિસલન ભી બઢ જાયેગી ઓર અંધેરા ભી જલદી હોગા.

સનાસર પહોંચતા સુધીમાં કંટાળી ગયો હતો. ગુસ્સો આવતો હતો. ફરી એક વખત ડિસાઈડ કર્યુ નેકસ્ટ ટાઈમ સોલો શું ? બાઈક રાઈડીંગ જ નથી કરવું.ખરેખર તો ગઈકાલ રાજસ્થાનથી નીકળ્યા બાદ જ મોટર સાયકલ ટ્રેનમાં મોકલી દઈશ એવા વિચારો આવતા હતા. કદાચ એ જ કરીશ.

સનાસર બસ સ્ટોપ પહોંચ્યો ત્યાંથી રીસોર્ટ માલિકને ફોન કર્યો.

“અરે. આપ કો તો કલ આના થા ! અબ રાત કહા પે રુકોગે ?” પત્યું. થોડી ચર્ચાને અંતે “ચલો, મેં કર દેતા હું.”

ચાર દિવસનો કેમ્પ આજથી જ શરૂ. અત્યારે લખવા બેઠો છું. ઠંડી જાદાર છે. ટેન્ટની બહાર ઘોર અંધારુ છે. રીસોર્ટ ઉંચા ઉંચા વૃક્ષોથી ઘેરાયેલું છે. ચારેફ તરફ ઝાડ અને ઉપર ખુલ્લુ આકાશ.

“અપને હોને પે મુજ કો યકીં આ ગયા.”

આજના ૩ર૦ કિલોમીટર.

ર૭ એપ્રિલ, ર૦૧૮

P.S. લહરો સે ડર કર નૌકા પાર નહી હોતી. – હરીવંશરાય બચ્ચન

***