પ્રોફેસર નાગે ઢીંગલી પર મંત્રિત જળ છાંટ્યું અને ત્યાં મન સાથે ઊભેલી મોહનાને જાણે એના ચહેરા પર કોઈએ એસિડ છાંટી દીધું હોય એવી પીડા થઈ આવેલી અને એ બૂમ પાડી બંને હાથે મોઢું છુપાવી રહી હતી...
“મોહના શું થયું?” મને ચિંતિત થઈને મોહનાના હાથ એના ચહેરા પરથી હટાવતા પુછ્યું.
મોહનામાં અચાનક જાણે કોઈ રાક્ષસી તાકાત આવી ગઈ હોય એમ મનને એક જ હાથે એના શર્ટના કોલરેથી પકડીને ઉંચો કર્યો અને ગોળ ફૂન્દેરડી ફરી એને ઝાડીમાં નીચે ફેંકી દીધો. કાંટાળી ઝાડી ઉપર મન જોશથી ફેંકાયો હતો, એનો શર્ટ એ કાંટાળી ઝાડીમાં ફસાયો હતો એના શરીરે પણ ઘણાં કાંટા વાગેલા, એ તરફ જરાય ધ્યાન આપ્યા વગર મન તરત ઉભો થઇ ગયો હતો અને ઝડપથી આગળ વધી રહેલી મોહનાની પાછળ દોડીને એનો હાથ ફરીથી પકડી લીધો હતો.
“મોહના... મોહના... તું મોહના છે, કોઈ બુરી શક્તિ ત્યાં સુંધી તારા પર એનો કાબુ નહિ જમાવે શકે જ્યાં સુંધી તું એને એમ કરવાની મંજૂરી નહિ આપે. આ તારું શરીર છે અને એમાં તારા સિવાય બીજી કોઈ આત્માને પ્રવેશવાનો હક નથી.”
મન મોહનાના બંને હાથ પકડી એની સામે ઉભો રહી બોલી રહ્યો હતો. મોહના જાણે એની વાત સાંભળી એને સમજતી હોય એમ એક ક્ષણ ઉભી રહી ગઈ હતી અને બીજી જ ક્ષણે એણે મનના બંને હાથ પકડી, એને ઉપર ઉઠાવી હવામાં ફંગોળી દીધો. એ હવે લગભગ દોડી રહી હતી.
મન નીચે પટકાયો હતો. એના માથા પર એક અણીદાર પથ્થરનો છેડો અડ્યો હતો અને ત્યાંથી લોહી નીકળ્યું હતું. મનને ખુબજ પીડા થઇ આવી હતી છતાં એક હાથ માથા ઉપર દબાવી જીવ ઉપર આવી ગયો હોય એમ એ ફરીથી ઉભો થઈને ભાગ્યો હતો. મોહના ઘણી આગળ નીકળી ગઈ હતી. મને એની ગાડી જે બાજુ ઉભી રાખી હતી એનાથી વિરુદ્ધ દિશામાં મોહના આગળ વધી રહી હતી એટલે એ ગાડી સુંધી નહિ પહોંચે એ વાતે મનને નિરાંત થઇ. પ્રોફેસર નાગનો આ આઇડિયા કામ કરી ગયો હતો, એમણે જ મનને ગાડી ક્યાં પાર્ક કરવી અને ક્યાં બેસવું એ સમજાવ્યું હતું. મનોમન પ્રોફેસરના વખાણ કરતો મન બચી હતી એટલી તાકાત ભેગી કરીને ઊભો થયો હતો અને ફરીથી મોહનાની પાછળ ભાગ્યો હતો...
પ્રોફેસેર નાગનો અવાજ હવે ઉંચો અને ઉંચો થઇ રહ્યો હતો. એમના મંત્રોચ્ચારથી આખું જંગલ ધ્રુજી ઊઠેલું. પેલી ઢીંગલી એક સામાન્ય રમકડાની જેમ પ્રોફેસરે બનાવેલા કુંડાળામાં પડી હતી. એની પર દરેક મંત્ર પૂરો થયે ગંગાજળનો છંટકાવ કરવામાં આવતો હતો. આખું જંગલ પ્રોફેસરના અવાજથી ગુંજી રહ્યું હતું. નિમેશ, જેમ્સ, ભરત અને હેરી ચારે બાજુ, ચાર દિશામાં ગોઠવાઈ ગયા હતા અને મોહનાના આવવાની રાહ જોતા હતા. એ હવે શેતાનના વશમાં હતી અને ગમે ત્યારે આવીને પ્રોફેસર પર હુમલો કરશે એ નિશ્ચિત હતું. જે ઢીંગલી વરસોથી એનું ઘર હતી એને પ્રોફેસરે હવે એના માટે નક્કામું બનાવી દીધું હતું. આવી પ્રેતાત્મા એના ઘર પ્રત્યે ખુબ લગાવ ધરાવતી હોય છે કોઈ પણ એના ઘર ઉપર હુમલો કરે એ, એ જરાય ચલાવી લેતી નથી. મોહના પણ નીકળી પડી હતી અને પ્રોફેસર તરફ જ આવી રહી હતી.
મને પાછળથી દોડતા આવીને જ એક લાંબી છલાંગ ભરીને મોહનાને શરીરે પાછળથી બાથ ભીડી હતી. બંનેએ પોતાનું સંતુલન ગુમાવેલું અને નીચે પડી ગયેલા. મોહના ઉંધી જમીન ઉપર લેટી ગયેલી અને મન એની ઉપર હતો. મને બંને હાથે મોહનાને કમરેથી પકડી રાખી હતી અને એનું મોઢું મોહાનાના કાન પાસે લઇ જઈને કહી રહ્યો હતો,
“મોહના.. તું મુકાબલો કર. એ બુરી શક્તિએ આજે તારા શરીરમાંથી જવું જ પડશે. એણે તને છેતરીને તારા શરીર પર કબજો જમાવ્યો છે, હિંમત કર મોહના હું તને સદાને માટે એ ઢીંગલીની ચૂંગાલમાંથી છોડવી લઇશ. તું મારી મોહના છે, યાદ કર. આપણે બંને એકબીજાને ખુબ ખુબ પ્રેમ કરીએ છીએ મોહના... તું જવાબ આપ મને. એ ઢીંગલીના રૂપમાં આવેલી બુરી આત્માથી આપણે છુટકારો મેળવવાનો છે! મોહના આઇ લવ યુ!”
મનનો અવાજ સાંભળી મોહનાનો આત્મા જાણે એની વાત માનવા પ્રેરાતો હતો. એની મનનો પ્રતિકાર કરવાની શક્તિ નબળી પડી જતી હતી. એકાએક મોહના ફરી અને સીધી થઇ ગઈ હતી. હવે એણે પોતાની ઉપર ઝળૂંબી રહેલા મનના ચહેરા પર વાર કર્યો. એના મોટા નખ મનના ગાલમાં ભરાવી એની ચામડી ઉતરડી નાખી. મનના ગાલ પરથી રગડીને લોહીના ટીપાં મોહનાના ચહેરા પર પડ્યા, મને રાડ પાડી અને મોહના... કહી એ જોરથી ચીખી ઉઠ્યો. એની આ દર્દ ભરી પોકાર અસર કરી ગઈ. મોહના એના રૂપમાં પાછી ફરી.
“મન! ઓહ, આ મેં તારી શું હાલત કરી? મન મને માફ કરી દે મન.” એણે રડતાં રડતાં મનને ગાળામાં હાથ ભેરવી દીધા અને બંનેએ એકબીજાને ગાઢ આલિંગન આપ્યું. મનને થયું કે એ જીતી ગયો અને બીજી જ પળે એના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ...
મોહનાએ એના ગળે બચકું ભર્યું હતું અને એના અણીદાર, બે મોટા દાંત એની ગરદનમાં ખોસીને મનનું લોહી પીવાનું ચાલુ કર્યું હતું. મન હવે કંઈ જ કરી શકે એવી હાલતમાં ન હતો. એની આંખો બંધ થવા લાગી. થોડું ચિત શાંત થતાં જ એને પ્રોફેસરનો દૂરથી આવી રહેલો અવાજ સંભળાયો. એ હવે છેક આવી ગયો હતો. એનાથી થોડેક જ કદમની દુરી પર પ્રોફેસર નાગ એની રાહ જોઈ રહ્યાં હતા. એ મોહનાને રોકવામાં સફળ થયો હતો, આટલો સમય એમના માટે પૂરતો હતો એ ઢીંગલીને નક્કામી બનાવવા માટે. એ ઢીંગલી હવે નાશ પામી હશે. એ હવે ફરી ક્યારેય મોહનાને પરેશાન નહિ કરે એમ વિચારી એને સારું લાગ્યું. એનો જીવ જાય તો પણ હવે એને પરવા ન હતી. મોહના સારી થઇ જશે એ વાત પર એને ભરોશો હતો. ધીરે ધીરે એ ભાન ઘુમાવી રહ્યો હતો. આંખો બંધ કરી એણે એના મમ્મી પપ્પાને યાદ કર્યા અને એમની માફી માંગી. એને એની મમ્મી દેખાઈ રહી હતી, એના કાનુડાની મૂર્તિ આગળ ઉભી, હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી. એની મમ્મી પૂજા કરી રહે પછી રોજ નાનકડા દીકરા મનને કહેતી,
“બોલો શ્રીકૃષ્ણ કનૈયાલાલકી..” અને પોતે કહેતો, “જે...!”
અત્યારે બેશુદ્ધ થતા પહેલા પણ એને એ દ્રશ્ય દેખાયું અને એણે “જે...” કહ્યું, જાણે એની મમ્મી જુદા જુદા નામે કાન્હાને સંબોધી રહી અને એ જય બોલતો રહ્યો...!
“જે.... જય હો પ્રભુ!”
એને થયું કેવું ભવ્ય મોત! પોતે મહેબાબુની બાહોમાં પડ્યો છે, મમ્મીને જોઈ રહ્યો છે અને એના આરાધ્ય દેવની જય બોલી રહ્યો છે! મન હવે સંપૂર્ણ ભાન ગુમાવી બેઠો.
મોહના મનને એક ધક્કો મારીને બેઠી થઇ ગઈ એના ગળામાં અસહ્ય પીડા થઇ રહી હતી. એ બંને હાથે એનું ગળું પકડીને ઉભી થઇ ગઈ અને મોઢામાંથી ઉહકારા કરતી આગળ વધી. હવે પ્રોફેસરનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. એ પવિત્ર મંત્રોચારથી મોહનાની રહી સહી શક્તિ પણ હણાઇ જતી હોય એમ એના પગ ડગુમગુ થવા લાગ્યાં હતાં.
“એ આવી ગઈ!”
ક્યારનોય ચુપ બેઠી રહેલો ભરત મોહનાને એકલી આવેલી જોતા બોલી ઉઠ્યો. એને મનની ચિંતા થઇ રહી હતી. જેમ્સ અને હેરીએ મોહનાની પાસે જઈ એની આગળ પાછળ ઊભા રહી પ્રોફેસરની સામે જોયું. એમનો ઈશારો થતાં જ હેરી અને જેમ્સે મોહનાને બંને બાજુ એના ખભાએથી પકડી લીધી હતી અને એને ખેંચીને પ્રોફેસરની સામે બેસાડી હતી. મોહનાની શક્તિ જાણે હવે જવાબ આપી રહી હોય એમ એ લથડિયા ખાતી, જરાય પ્રતિકાર કર્યા વિના બેસી ગઈ હતી. પ્રોફેસરે એમના હાથમાં રહેલા કમંડળમાંથી ગંગાજળના છાંટા મોહના પર નાખતા ઊંચા અવાજે પૂછ્યું,
“બોલ કોણ છે તું? તને અહીં કોણે મોકલેલી? કેમ મોકલેલી? જવાબ આપ.”
“જવાબ આપ નહિંતર તને વધારે પીડા આપીશ.” આટલું કહેતા પ્રોફેસરે ફરીથી ગંગાજળના છાંટા મોહનાના મોંઢા પર ફેંકેલા.
મોહના જાણે હાર સ્વીકારી લીધી હોય એમ જમીન પર આડી પડી ગઈ અને એનું ગળું પકડી કહેવા લાગી,
“મારા ગળા પર દર્દ થાય છે... મારું ગળું..”
પ્રોફેસરે જોયું કે મોહનાને ગળે તુલસીનાં મણકાની માળા વીંટળાયેલી હતી. એ માળા મનની હતી જે એની સાથેની જપાજપી વખતે મનના ગળામાંથી તૂટીને મોહનાના ગળે વીંટળાઈ ગઈ હશે. કદાચ એટલે જ એણે મનને છોડીને ઊભા થવું પડ્યું હતું.
“એ માળા હવે ક્યારેય મોહનાના શરીર પરથી દુર નહિ થાય. એ મનના પ્રેમની નિશાની છે. આ દુનિયામાં પ્રેમની તાકાતથી વધારે બીજી કોઈ શક્તિ નથી. હજી કહું છું તારું ભલું ઈચ્છતી હોય તો મોહનાનું શરીર છોડી દે. મારા સવાલોનો જવાબ આપ.” પ્રોફેસર નાગે એ આત્માને ભયભીત કરવા કહ્યું.
મોહનાની નજર પેલી ઢીંગલી પર જઈને અટકી હતી. એ જો મોહનાનું શરીર છોડીને પાછી એ ઢીંગલીમાં પ્રવેશી જાય તો એને આ દર્દમાંથી છૂટકારો મળી શકે એમ એ વિચારી રહી હતી. એના વિચારોને પામી ગયેલા પ્રોફેસરે કહ્યું,
“એ હવે તારા કોઈ કામની નથી. તારે નવું ઘર જોઈએ છે ને એ હું તને આપીશ. તને જરાય હેરાન પણ નહિ કરું બસ, એક વચન આપ કે આજ પછી કોઈ માણસને તું હેરાન નહિ કરે. જ્યાં સુંધી તારી મુક્તિ ના થાય તું એ ઘરમાં જ આરામ કરીશ.”
મોહનાની આંખોમાં આંસુ આવી ગયા. એણે ધીરેથી, તુટક શબ્દોમાં કહ્યું,
“વચન...વચન.”
“તું મોહનાની પાસે જ કેમ આવી? તને કોણે મોકલી?” પ્રોફેસર પૂછી રહ્યાં હતા.
“કાપાલી..!”