મન મોહના - ૩૧ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૩૧

“તું મોહનાની પાસે જ કેમ આવી? તને કોણે મોકલી?” પ્રોફેસર પૂછી રહ્યાં હતા.

“કાપાલી..!”

આટલું બોલાતા જ મોહના બેભાન થઈને જમીન પર ઢળી પડી. એના શરીરમાંથી એક સ્ત્રીનો હવા જેવો પડછાયો ઉડીને બહાર નીકળતો દેખાયો અને બધાંની નજર આગળ એ ઉડીને આકાશમાં જતો રહ્યો. આમ તો એ પ્રકાશનો તેજ લીસોટો જ હતો પણ પ્રોફેસરને એમાં સ્ત્રીનું શરીર સાફ દેખાતું હતું. આકાશમાં જઈને એ પડછાયો અટક્યો હતો અને એણે ફક્ત પ્રોફેસર સાંભળે એમ કહ્યું,

“મને મુક્તિ મળી ગઈ. આપનો આભાર. કદાચ આપને આ સંદેશો આપવાં માટે જ હું અત્યાર સુંધી ભટકી રહી હતી. મને અહીં એક પીશાચે મોકલી હતી. કાપાલીને એની શક્તિ આપનાર પીશાચીની હજી એની મદદ કરી રહી છે. કાપાલી નવું શરીર, નવું રૂપ લઇ ફરી જનમ લેશે. એને વધારે શક્તિ જોઈએ છે. તમારી સામે લડવાથી એ ડરે છે કેમ કે એ તમને જોતાં જ ઓળખી ગયેલો. જે ગુરુની એણે હત્યા કરેલી અને જેની સિધ્ધિઓ વિશેની થોડી ઘણી માહિતી મેળવી એ આગળ વધી રહ્યો છે એનું જ, એજ ગુરુનું નવું રૂપ છો તમે. તમારા આગલા જનમની બધી જ વિધ્યા, બધી સિધ્ધી હજી તમારી સાથે છે એટલે જ તમે દુનિયાને બુરી શક્તિઓથી બચાવવાનું કામ કરી શકો છો. તમારી સામે લડવા માટે એને હવે અખૂટ શક્તિઓની જરૂર છે એટલે જ એણે એવા રૂપે જનમ લેવાનું વિચાર્યું જેમાં અડધું શરીર લોહી પીનાર પિશાચીનીનું હોય અને અડધું શરીર માનવનું હોય. એ માટે એને બે નિર્દોષ, કોમળ હૃદયવાળા યુવક યુવતીની જરૂર હતી. એ પીશાચીનીએ પહેલા મોહનાને ડોશી બનીને ભોળવી અને મને એની સાથે વળગાડી જેથી હું એના શરીરમાં રહી એ લોકો જેમ કહે એમ કર્યા કરું. મોહના હવે પિશાચ બની ચુકી છે, એની જીભ લોહી ચાખી ગઈ છે. બીજાનું લોહી પીધા સિવાય એ હવે જીવિત નહિ રહી શકે. હજી એને પોતાને આ વાતની જાણ નથી પણ થોડાક સમય બાદ એને આ વાતનો ખયાલ આવી જશે! અમર એક ફૌજી હતો એના હાથે ઘણી હત્યાઓ થયેલી એ કાપાલીના કામનો ન હતો એટલે જ લગ્નની રાત્રે જ એ મોહના સાથે સંબંધ બાંધે એ પહેલાં એને મારી નખાયો. મન બરોબર છે. એ એવો જ પવિત્ર પ્રેમી છે જેવો કાપાલીને જોઈએ છે, નવો જનમ લેવા માટે. મોહના અને મન બંને અત્યારે ઘાયલ છે પણ બંનેમાંથી કોઈને કંઈ જ નહિ થાય. એ લોકો લગ્ન કરશે અને એમનું એક સંતાન જનમશે એ હશે કાપાલીનું નવું રૂપ!”

આટલું કહીને એ આત્મા અદ્રશ્ય થઇ ગયો. પ્રોફેસર નાગ મંદ મંદ મુસ્કાન સાથે જેમના તેમ ઊભા હતા. ભરત અને નિમેશ જંગલમાં જઈને મનને શોધી લાવ્યા હતા. એના કપાળ, માથા અને ગાલ પરથી લોહી વહી રહ્યું હતું. એનો એક પગ ઊંધો વળી ગયો હતો , કદાચ એ પગના હાડકાના ટુકડે ટુકડા થઈ ગયા હશે એવું જોઈને જ લાગતું હતું. એ બેભાન હતો. ભરત અને નિમેશે મળીને જેવો એને ઊભો કર્યો કે એના મોંઢામાંથી લોહીની ઊલટી થયેલી...

“શરીરની અંદર માર વાગ્યો લાગે છે. એને ઝડપથી હોસ્પિટલ ભેગો કરવો પડશે.”

નિમેશે કહ્યું અને પહેલાથી તૈયાર રહેવા કહેલી હોસ્પિટલના એક ડોક્ટરની ટુકડીને જે જંગલની બહારના રોડ ઉપર એમ્બ્યુલન્સ વાનમાં નિમેશની રાહ જોઈ રહી હતી એમને કોન્ટેક્ટ કરી સ્ટ્રેચર સાથે આવી જવા કહેલું.

જેમ્સ અને હેરી મોહનાના ચહેરા પર પાણીનો છંટકાવ કરી રહ્યાં હતા. એ પણ બેહોશ હતી. એમ્બ્યુલન્સ આવી શકે એટલું અંદર આવી હતી અને પછી એમાંથી ડૉક્ટર નર્સ પગપાળા જ આ લોકો સુધી પહોંચી ગયેલા. બંનેને તપાસીને એમણે તરત હોસ્પિટલ ભેગા કરાયા હતા. થોડા કલાકો બાદ બંને હોશમાં આવી ગયા. બંને ખુબ ખુશ હતા.
મોહનાને વધારે ઇજા નહતી પહોંચી એ બે કલાકમાં જ હરતી ફરતી થઈ ગયેલી. એને હવે ચિંતા હતી મનની. એ ભાનમાં આવી ગયો હતો પણ વારંવાર લોહીની ઊલટી કરી રહ્યો હતો. એનો એક ખભો એના જોડનેથી છૂટો પડી ગયો હતો અને પગમાં મલ્ટિપલ ફ્રેકચર હતા. ડોક્ટરને એના માથામાં પણ વાગ્યું હોય એવી શંકા હતી. બે વાર એનું સિટી સ્કેન કરાયું હતું પણ કોઈ ઇજા જોવા નહતી મળી. મોહના મનની સેવામાં લાગી ગઈ હતી. એને જોઈને મનના મમ્મી પપ્પા પહેલા તો નારાજ થયા હતા. એમના એક દીકરાને આ છોકરીને લીધે આજે આટલો માર લાગ્યો હતો. પણ મોહનાની ખાડે પગે કરાતી ચાકરી જોઈને એમનું દિલ પીગળ્યું હતું.

ભરત અને નિમેશે પ્રોફેસર આગળ શંકા વ્યક્ત કરી હતી, એમને મન બચી જશે એ બાબતે હજી વિશ્વાસ નહતો આવતો. કદાચ કોઈ બૂરી તાકાત ફરીથી એની ઉપર હુમલો કરશે એવું એ બંનેનું માનવું હતું. પ્રોફેસર નાગે એ બંનેને સમજાવ્યું કે,

“મનને કંઈ જ નહીં થાય. થોડાક જ દિવસો બાદ એ હરતો ફરતો થઈ જશે. ડૉક્ટરોએ પણ નહીં વિચાર્યું હોય એટલી ઝડપથી એની તબિયતમાં સુધારો આવશે. મન અને મોહનાના લગ્ન નિશ્ચિત છે.”

પ્રોફેસરની વાત સાચી પડી હતી. કોઈ જાદુ થયું હોય એટલી ઝડપથી મનના તૂટેલા હાડકાં જોડાઈ રહ્યા હતા. બે માહિનામાં તો એ હરતો ફરતો થઈ ગયેલો. એને જોઈને કોઈ ના કહી શકે આ માણસ થોડા દિવસ પહેલા હોસ્પીટલમાં આખા શરીરે પાટા બાંધીને પડ્યો હતો. મનનું કહેવું હતું કે મોહનાની પ્રેમભરી માવજત એને જલદી સાજો કરી રહી છે.

આ ઘટનાને ત્રણ મહિના બાદ પ્રેફેસર નાગ ફરીથી મન અને મોહનાને મળવા આવેલા. એ બંને જણાએ એમને પગે લાગી એમનું દાંપત્ય જીવન સફળ થાય એના આશીર્વાદ માંગ્યા હતા. પ્રોફેસર નાગે હસીને બંનેને આશીર્વાદ આપ્યા અને મનને પછીથી એકલા મળીને સમજાવ્યું કે મોહના હવે માણસ નથી રહી. માનીલે કે એને એવી બીમારી લાગી ગઈ છે જેથી એનું શરીર એની મેળે લોહી નથી બનાવી શકાતું. એણે જીવિત રહેવા માટે દર બે ત્રણ દિવસે લોહીની જરૂર પડશે. હું ઇચ્છુ છું કે એ લોહી એને બાટલામાથી અપાતું હોય, જેમ કે કોઈ દર્દીને આપતા હોઈએ! મોહના એની મેળે કોઈના શરીરમાં એના દાંત ઘૂસેડી લોહી પીવાની આદતી ન બનવી જોઈએ. તું એને સમજાવીશ તો એ તારી વાત જરૂર સમજશે, માણસના શરીરનું લોહી બળજબરીથી પીવાથી એની અચ્છાઈ ધીરે ધીરે નાશ પામશે અને ભવિષ્યમાં એ પુરેપુરી પિશાચ બની જશે. જો એ દર્દીઓની જેમ જ એના શરીરને જરૂર હોય એટલું લોહી બાટલીમાથી સીધું એની નસોમાં લેતી હશે તો એની અંદરની લાગણીઓ જીવતી રહેશે જે આગળ જતાં એને એક સારી પિશાચ બનાવશે. ટુંકમાં મોહનાની જીભે હવે ફરીથી લોહીનો સ્વાદ ના અડવો જોઈએ નહીંતર એને જાળવવી મુશ્કેલ છે અને આ બધું જાણ્યાં પછી જો તને એમ થાય કે એની સાથે લગ્ન જ નથી કરવા તો બેસ્ટ છે!”

“એ તો હવે શક્ય નથી સર. મોહનાને હું ચાહું છું, ભલે એ ગમે તે રૂપમાં હોય મારા પ્રેમમાં કદી ઓટ નહિ આવે. આમેય એણે અત્યાર સુધી દુખ જ વેઠયું છે હવે હું એની બાકીની જિંદગી મારા પ્રેમથી ભરી દઈશ.” મને વિશ્વાશથી કહ્યું.

“હમમ.. મને તારાથી આજ આશા હતી. સરસ બસ, મેં જે કહ્યું એ વાતનું ધ્યાન રાખજે અને તમારા લગ્ન વિષે ઘરમાં વાત કરી કે નહીં? માબાપના આશીર્વાદ મળવા પણ જરૂરી છે.” પ્રોફેસર અજીબ રીતે મન સામે જોઈને બોલ્યા હતા.
મનને એમની નજરનું એ અજીબપણું દેખાયું હતું પણ સમજાયું નહતું. એને એમ કે ઘરમાં બધા જ્યારે જાણે જ છે કે પોતે મોહનાને કેટલો પ્રેમ કરે છે પછી એમણે “ના” પાડવાનો સવાલ જ ઊભો થતો નથી. ઘરે જઈને વાત કરતાં જ મનના આશ્ચર્ય વચ્ચે એની મમ્મી રાવિબેન આ સંબંધ માટે જરાય તૈયાર નહતા.

“તું પ્રેમમાં આંધળો થયો છે મન! દીવા જેવી ચોખ્ખી વાત તને દેખાતી નથી. એ છોકરીએ લગનની રાત્રે જ એના પતિના ખૂન કરેલું. લોકો કહે છે એના શરીરમાં કોઈ આત્મા ઘૂસી હતી અને એણે જ આવું કરવેલું, અદાલતે પણ એણે નિર્દોષ માની છોડી દીધી પણ હવે ફરી વખત એના લગ્ન સુખરૂપ પાર પડશે એની કોઈ ગેરંટી ખરી?” રાવિબેનનો સવાલ મુદ્દાનો હતો. એમની વાતે મનના પપ્પાએ પણ સૂર પુરાવ્યો,

“તારી મમ્મી સાચું કહે છે બેટા. તું અમારું એકનું એક સંતાન છે તારી દરેક વાત અમને મંજૂર છે પણ આ વાત નહીં. તારા લગ્ન એક એવી છોકરી સાથે કરાવવા જેના ઉપર કોઈ આત્માનો સાયો હોય એ મને મંજૂર નથી.”

“અને દુનિયામાં કૂવારી છોકરીઓની કમી છે તે મારા કાચાકુંવારા છોકરાના લગ્ન કોઈ પરણિત સ્ત્રી સાથે કરાવું?”
મનને માથે અજીબ મુસીબત ઊભી થઈ હતી. મોહના માટે એ આખી દુનિયા સામે, અરે ભૂતો સામે લડી લેવા તૈયાર હતો પણ અહીં એના માબાપનું દિલ તોડવું એના માટે મુશ્કેલ હતું. મોહના સાથે લગ્ન કરવા અને એને અહીથી દૂર લઈ જવી પણ એની માટે એટલું જ જરૂરી હતું. એને પ્રોફેસરે કહેલી વાત બરોબાર યાદ હતી. બીજી બાજુ મોહનાના પપ્પા અને એના મિત્રો એને લગ્ન ક્યારે કરે છે એ પૂછી પૂછીને હેરાન કરી રહ્યા હતા. આ સમયે એની સાથે કોઈ હોય જે એની લાગણી સમજતું હોય તો ફક્ત મોહના હતી. માબાપની ઇચ્છા વિરુધ્ધ લગ્ન કરવાની એણે પણ ના કહી હતી અને એના આ જવાબે મનની એને જ પોતાની પત્ની બનાવવાની ઇચ્છાને વધારે પ્રબળ કરી હતી.
મનને લાગ્યું કે પ્રોફેસર નાગને કદાચ આ વાતનો અંદાજો હશે અને એટલે જ એમણે માબાપની મંજૂરી વિષે કહ્યું હશે. એણે પ્રોફેસરને ફોન કરેલો અને મોહના સાથે એના લગ્ન કરાવવા માટે એના માબાપ રાજી થઈ જાય એવો કોઈ ઉપાય બતાવવા કહેલું. પ્રોફેસરે કહેલું કે એ જાતે એમના ગામ આવીને રાવિબેન સાથે વાત કરશે.

અહીં પ્રોફેસર આવીને કોઈ કદમ ઉઠાવે એ પહેલા કાપાલીની ગુલામ ચૂડેલ રેણુકાએ પોતાનું કામ કરી નાખ્યું. એ પણ કંટાળી હતી મન અને મોહનાના લગ્નની રાહ જોઈ જોઈને... ડોશી બનીને એણે જ મોહનાને ઢીંગલી આપી હતી. એણે જ પિશાચિની પાસે જઈને ફરીથી કાપાલીની મદદ કરવા કહ્યું હતું અને એ લોકોને મોહના જેવી રૂપાળી સ્ત્રી એમના સ્મૂદાયમાં ભળી જશે એવી લાલચ આપી હતી.

એક સાંજે મનના માબાપ રસ્તો પસાર કરી રહ્યા હતા ત્યારે એક પાગલ આખલાએ આવીને એમણે હડફેટે લીધેલા. એક શિંગડું મારીને રાવીબેનને આકાશમાં ફંગોળી દીધેલાં અને ભાઈને પેટમાં શિંગડું મારી ત્યાને ત્યાં રામને શરણ પહોંચાડી દીધેલાં. રવિબેનને માથામાં વાગ્યું હતું. એમણે હૉસ્પિટલમાં રહીને એમની છેલ્લી ઘડીઓમાં મોહનાથી દૂર રહેવા મનને સમજાવવા પ્રયત્ન કરેલો અને એ જ વખતે એમણે આંચકી આવી એમનો પ્રાણ સાથે લઈ ગયેલી.
મન હવે એકલો હતો. એની અમેરિકાની નોકરી પણ છૂટી ગયેલી. કંપનીએ એને છેલ્લી તક આપી હતી પાછા ફરવા માટે પણ એક પછી એક એવા એવા સંજોગ સામે આવતા રહ્યા કે એક મહિનાની રાજા લઈને આવેલો મન દસ મહિના થવા છતાં ભારતમાં જ હતો.

થોડાક સમય બાદ મન અને મોહનાએ સાદાઈથી લગ્ન કરી લીધા હતા. મનને અહીથી દૂર બીજા શહેરમાં નોકરી મળી ગઈ હતી અને એ મોહના સાથે ત્યાં રહેવા જવાનો હતો. ભરત અને નિમેશ છેવટ લગી મનને સાથ આપતા રહેલા અને આગળ પણ કોઈ મદદની જરૂર હોય તો જણાવવા કહેલું. મન અને મોહના એ બંનેનો ઉપકાર આજીવન નહીં ભૂલે! એમના લગ્ન થયા એ પહેલા પ્રોફેસર નાગનો ફોન આવેલો અને એમણે મનને કાપાલીની યાદ અપાવેલી. લગ્નને દિવસે પણ પ્રોફેસરે ફોન કરીને અને વર વધુને અભિનંદન આપ્યા હતા અને મનને કાપાલી વિષે સાવધ રહેવા જણાવેલું.

હાલ મન અને મોહના બંને સુખરૂપ એમનું જીવન વ્યતિત કરી રહ્યા છે. મોહના મનને ફરિયાદ કરવાની એક પણ તક આપવા નથી ઈચ્છતી, એ આજે જીવી રહી છે એ પણ મનના પ્રતાપે એ વાત એને યાદ છે. દર પંદર દિવસે એને લોહીનો બાટલો ચઢાવવો પડે છે એના સિવાય કોઈ તકલીફ નથી. આસપાડોશમાં કોઈને ખબર ના પડે એમ મન જાતે જ એના પોતાના શરીરમાંથી જ એક બાટલો લોહી ખેંચીને મોહનાના શરીરમાં ચઢાવે છે. એના એક મિત્ર ડૉક્ટર પાસેથી એણે થોડી તાલીમ લઈ લીધેલી અને બાકીના દિવસોમાં મનને ખવડાવી પીવડાવીને તાજો માજો રાખવા મોહના પૂરતા પ્રયત્નો કરે છે...

મનને યાદ છે, કાપાલી નામનો તાંત્રિક એમના જીવનમાં ગમે ત્યારે પાછો ફરવાની ધમકી આપીને ગયો છે, એ આવશે જરૂર. એને રોકવાનો એક માત્ર ઉકેલ મનને દેખાયો હતો અને મને લગ્ન પહેલાં જ ડૉક્ટર પાસે જઈને નસબંધી કરાવી લીધી હતી જેની જાણ ફક્ત એને અને પ્રોફેસર નાગને જ હતી. મનનું આ પગલું સરાહનીય હતું છતાં પ્રોફેસર નાગ થોડી ચિંતામાં હતા... નસબંધી કરાવેલી હોવા છતાં કેટલાક કિસ્સામાં એ અસરકારક નથી રહેતી... બાળક રહી જતું હોય છે! કાપાલી એમ આસાનીથી હાર માને એવો નથી એ કોઈ ને કોઈ રસ્તો જરૂર શોધી નાખશે મોહનના ઉદરમાં પ્રવેશવાનો!


**** **** ****
આ ભાગ (મન મોહના) સમાપ્ત

આટલે સુધી વાંચીને મને આગળ લખવા માટે પ્રોત્સાહિત કરનાર દરેક વાચક મિત્રની હું દિલથી આભારી છું, “વ્હાઇટ ડવ" અને “મન મોહના" પછી આ સિરીઝનો છેલ્લો ભાગ, “કાપાલી" પણ આપને જરૂર પસંદ આવશે જેમાં કાપાલી સાથે આગળના બન્ને ભાગના બધા પાત્રો એકસાથે જોવા મળશે... પ્રોફેસર નાગ અને કાપાલી વચ્ચે સીધી ટક્કર થશે, કાવ્યા અને શશાંક, મન અને મોહના સાથે પોલો, હેરી અને જેમ્સના જીવન વિષે પણ વાત થશે...! પેન્ટાગોન ટીમ અને એણે સોલ્વ કરેલા કેસની વાતો સાથે ફરીથી એક હોરર પ્લૉટ...

તો મળીશું ફરીથી...?

નિયતી કાપડિયા.

નવી અપડેટ જાણવા માટે આપ મને ફેસબુક પર ફોલો કરી શકો છે, કે પછી ‘niyati Kapadia's story' નામના મારા પેજને લાઈક કરી શકો છો.

https://www.facebook.com/Niyatikapadias-Stories-551413138525739/