VISHAD YOG-CHAPTER-46 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ - 46

વિષાદયોગ-46

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------

પ્રશાંત કામત વાત કરી રહ્યો હતો અને નિશીથ તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

“વિલીએ મને કહ્યું કે તને એટલા રુપીયા મળશે કે તું જિદગી આરામથી જીવી શકીશ. આ સાંભળીને મને લોભ થયો પણ ત્યારે મને ખબર નહોતી કે આ લોભ મને ખૂબ ભારે પડવાનો છે. વિલીએ મને આખો પ્લાન સમજાવતાં કહ્યું કે “ એક જગ્યાએ અમુલ્ય ખજાનો હાથ લાગ્યો છે, તેને ત્યાંથી ફેરવવાનો છે અને કોઇ બીજી જગ્યાએ લઇ જવાનો છે. “ આ સાંભળી મે તેને પુછ્યું “પણ આ કામતો ગમે તેની પાસે કરાવી શકાય, તેમાં મારી શું જરૂર છે?” આ સાંભળી વિલીના મો પર સ્મિત આવી ગયું અને તે બોલ્યો “હા તારી જરૂર છે એટલે તો તને પૈસા આપીએ છીએ બાકી તો અમે જ ના એ કરી નાખીએ.” એમ કહી તે થોડો રોકાયો અને બોલ્યો “જો આ ખજાનો કોઇને પણ ખબર ન પડે તે રીતે ફેરવવાનો છે. જો આ વાતની કોઇને ખબર પડી જાય તો ખજાનો આખો હાથમાંથી જતો રહે તેમ છે. એટલે આ ખજાનાને ચોક્કસ જગ્યાં સુધી લઇ જવા માટે મારે કોઇ માણસોની મદદ લઇ શકાય એમ નથી પણ જો બાળકો હોય તો તેને ફોસલાવીને કામ થઇ શકે અને તેને ઉલ્લું પણ બનાવી શકાય.” આ સાંભળતાંજ મારા મગજમાં આખી વાત સમજાઇ ગઇ કે તેને મારી શું જરુર હતી, છતાં મે તેને કોઇ પ્રત્યુઅત્તર આપ્યો નહીં એટલે તેણે આગળ કહ્યું “જો તું પેલા અનાથાશ્રમના બાળકો પાસે આ ખજાનો ફેરવવાનું કામ સંભાળે તો તને ચાર લાખ રુપીયા મળશે.” આ ચાર લાખની રકમ સાંભળી મારા બધાજ વિચારો અને શંકાઓ ગાયબ થઇ ગયાં. ચારલાખ રુપીયાં મળે તો શું શું થઇ શકે? તે વિચાર જ મને રોમાંચિત કરી ગયો. આજથી લગભગ ડોઢ દાયકા પહેલા ચાર લાખ રુપીયા એટલે અત્યારના કરોડ રુપીયા જેટલી વેલ્યું થાય. આ રકમ સાંભળી મારી મતિ ફરી ગઇ. પણ પછી મને સમજાયું કે વિલી મને તાકી જોઇ રહ્યો છે એટલે મે તેને પુછ્યું “પણ આ માટે મારે બાળકોને અનાથાશ્રમમાંથી લઇ આવવાં પડે અને તે માટે અનાથાશ્રમના ટ્રષ્ટીની મંજુરી જોઇએ. તે કઇ રીતે મેળવવી?”

“એ બધુ તારે વિચારવાનું. તેના તો તને પૈસા આપીએ છીએ.” વિલીએ મારી અંદર જાગેલી પૈસાની લાલસા જાણીને કહ્યું.

મારે ત્યારેજ અમુક શરતો અને ખુલાસાઓ કરવા જોઇતાં હતાં પણ સામે રકમ એવડી મોટી હતી કે તેને જવા દેવા હું તૈયાર નહોતો અને સાચુ કહું તો એક ડર પણ લાગ્યો કે જો હું વધું પડતા સવાલ પુછીશ અને વિલી આ કામ બીજા કોઇને આપી દેશે તો આવેલો સોનેરી મોકો મારા હાથમાંથી નીકળી જશે. આમ પણ લાલચ ચીજજ એવી હોય છે કે તે સારા નરસાનો વિચાર કરવા દેતી નથી. હું જાણતો હતો કે વિલી એકદમ હરામી માણસ છે છતા પૈસાની લાલચે મને અંધ બનાવી દીધો હતો. મારે ઘણું પુછવું જોઇતું હતું, પણ તેને બદલે મે પુછ્યું કે “ સારુ કેટલા બાળકો જોઇશે?અને કેટલો સમય થશે? એ મને કહો એટલે આયોજન કરવાની ખબર પડે.” આ સાંભળી વિલીની આંખમાં એક શિકારી જેવી ચમક આવી. તેને સમજાઇ ગયું કે હું તેની જાળમાં ફસાઇ ગયો છું. એટલે તેણે સીધૂજ કહ્યું “ દશેક બાળકો જોઇએ અને હા બાર તેર વર્ષના જોઇએ. બે કે ત્રણ દિવસ માટે જોઇશે અને કદાચ સામાનની હેરાફેરી રાત્રે કરવાની થાય તો બે કે ત્રણ રાત પણ આવવું પડે.” વિલીની વાત સાંભળી મને સમજાઇ ગયું કે જે બાળક લઇ જઇશ તે થોડા મજબુત હોવા જોઇએ. પણ બીજી ખાસીયત મને વિલીએ જણાવતાં કહ્યું “જે પણ બાળક લઇ આવ તે કોઇને વાત ન કરે તેની તારે ખાતરી કરીનેજ આવવાનું છે.અને હા તે બાળકોને બને ત્યાં સુધી અનઓફીસીયલી અનાથાશ્રમમાંથી બહાર લાવ તો તે તારા માટે સારુ રહેશે કેમકે જો કોઇ પકડાઇ જાય તો તે બાળકની પોતાની જવાબદારી રહે તારા પર ન આવે.” આ સાંભળી ત્યારે મને એવુ લાગેલું કે વિલી મારુ કેટલું ધ્યાન રાખે છે પણ પછી છેલ્લે મને ખબર પડેલી કે તે તો પોતાની સેફ સાઇડ કરી રહ્યો હતો. ત્યારબાદ મે તેને પુછ્યું “મારે બાળકોને લઇને ક્યાં આવવાનાં છે? અને આ ખજાનો શેનો છે? અને ક્યાં મુકવાનો છે?”

આ સાંભળી વિલીના ચહેરા પર એકદમ કઠોરતા આવી ગઇ અને તે બોલ્યો “ આ ખજાનો કોનો છે? અને ક્યાં જવાનો છે? તે તારે જાણવાની જરૂર નથી અને તેની કોશિશ પણ નહીં કરતો નહીંતર પૈસા તો નહીં મળે પણ ઉલટો તું ફસાઇ જઇશ. તું કામ કરી આપે છે અને અમે પૈસા આપીએ છીએ એથી વધારે તારે કોઇ વસ્તું જાણવાની જરુર નથી. હા તારે ક્યાં આવવાનું છે? એ પછીની વાત છે પેલા તું બધી તૈયારી કર અને બધા છોકરાને તૈયાર કર. આવતા અઠવાડીયામાં હું તને મળીશ ત્યારે આગળની માહિતી આપીશ.” એમ કહી તે ઊભો થયો અને જતા જતા મને પાંચ હજાર રુપીયા આપ્યાં અને બોલ્યો “આ બુકીંગ એમાઉન્ટ છે. જો તારી ઇચ્છા ન હોય તો અત્યારેજ ના કહી દે પણ જો આ રુપીયા રાખી લીધા તો પછી પીછેહઠ કરી શકાશે નહીં.” આ સાંભળી હું વિલીના હાથમાં રહેલ રુપીયા સામે જોઇ રહ્યો. પણ કહેવત છે ને કે “વિનાસકાળે વિપરીત બુધ્ધી” તેમ મારી બુધ્ધી પણ ત્યારે પૈસા જોઇને બંધ થઇ ગઇ હતી. મને એટલું પણ સમજાતું નહોતું કે તે પૈસા દેખાડી મને પાંજરામાં પુરી રહ્યો હતો. મે તેની પાસેથી પૈસા લઇ લીધા અને બોલ્યો “તમે પાછા આવશો ત્યાંરે મારી તૈયારી કમ્પ્લીટ થઇ ગઇ હશે.” આ સાંભળી વિલીના ચહેરા પર ખંધુ સ્મિત આવી ગયું અને તે ચાલ્યો ગયો.”

તેના ગયાં પછી હું સતત બે ત્રણ દિવસ અનાથાશ્રમમાં ગયો અને તેમાંથી દશેક છોકરા પસંદ કર્યા અને તે લોકોને લાલચ આપી. તે બધાજ મારી સાથે આવવા તૈયાર થઇ ગયાં. મે તે લોકોને થોડા પૈસા, ગીફ્ટ આપી અને જો કામ કરશો તો આવા ઘણા રુપીયા મળશે એવુ કહ્યું. આ સાંભળી બધાજ છોકરા તૈયાર થઇ ગયાં. બધાને મે સમજાવી દીધુ કે હું જ્યારે કહું ત્યારે તમારે અનાથાશ્રમની પાછળની દિવાલ કુદીને આવી જવાનું. બધા છોકરાને મારા ખૂબ વિશ્વાસ હતો એટલે તે લોકો તૈયાર થઇ ગયાં.

એક અઠવાડીયા પછી વિલી આવ્યો એટલે મે તેને બધીજ તૈયારી થઇ ગઇ છે તે જણાવ્યું. આ સાંભળી વિલીએ કહ્યું “જો આવતા શનિવારે બપોરે તને અહીં એક ટેમ્પો લેવા આવશે તારે તે ટેમ્પો લઇને અનાથાશ્રમ જવાનું અને ત્યાંથી છોકરાને તેમાં બેસાડી દેવાનાં. ત્યારબાદ ટેમ્પો તમને ખજાના સ્થળે લઇ જશે. અને પછી શું કરવાનું તેની સુચના તને ત્યારે જ મળશે.” આમ કહી વિલીએ મને બીજા દશ હજાર રુપીયા આપ્યાં અને કહ્યું “બાકીના રુપીયા કામ પતી જશે અને ખજાનો સહીસલામત પહોંચી જશે પછી તને હું આપી દઇશ.” આમ કહી તે ઊભો થયો અને જતાં જતાં બોલ્યો “જો આ વાત કોઇને ખબર પડી તો તું જિવતો નહીં રહે. આ કામમાં ખુબ મોટા માથા છે તેની સામે તું અને હું તો માત્ર પ્યાદા છીએ. હવેથી આપાણા માટે આ કામનો રસ્તો વનવે જેવો છે તેમાથી પાછળ જવાનો કોઇ રસ્તો નથી માત્ર આ કામ પુરુ કરીને જ બહાર નિકળી શકાશે. આ વાક્ય સાંભળી હું ધ્રુજી ગયો. આ વાક્ય બોલતી વખતે વિલીની આંખમાં રહેલ ખુન્નસ જોઇ પહેલીવાર મને અહેસાસ થયો કે મે ખોટા કામમાં હાથ નાખ્યો છે. પણ હવે મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો મને ખબર હતી કે જો હવે મે ના પાડી કે આડું અવળું કર્યું તો વિલીએ જે કહ્યું હતું તે કરતા તેને થોડી પણ વાર નહીં લાગે.

વિલીના ગયાં પછી હું ઘણીવાર સુધી વિચારતો બેસી રહ્યો પછી વિચાર્યુ કે જે હોય તે આપણે તો કામ પતાવી રુપીયાં લઇને નીકળી જવાનું છે, પછી વિલીને જે કરવું હોય તે કરે. આ છતાં મે નક્કી કરી લીધુકે હવે આ કામ પછી હું આ જગ્યા છોડીને વિલીને ખબર ન હોય તેવી જગ્યાએ સીફ્ટ થઇ જઇશ. પણ મને ક્યાં ખબર હતી કે મે અજાણતાજ આગમાં હાથ નાખી દીધો છે. વિલીના ગયાં પછી બીજા દિવસે હું અનાથાશ્રમ ગયો અને બધા બાળકોને સમજાવ્યુ કે શનિવારે ચારેક વાગ્યે તે બધાએ કોઇને ખબર ન પડે તે રીતે પાછળના રસ્તેથી નિકળી રોડ આવી જવાનું ત્યાં રોડ પર એક જગ્યા મે બતાવી અને ત્યાં કોઇનું ધ્યાન ન જાય તે રીતે ઊભા રહેવાનું ત્યાંથી હું તે લોકોને ત્યાંથી લઇ જઇશ એમ સમજાવ્યું. છોકરાઓને બે ત્રણ વાર મે સમજાવ્યું કે શું કરવાનું છે?” અને પછી હું ત્યાંથી નિકળી ગયો. બીજા દિવસે બધુજ આયોજન મુજબ જ થયું અને હું છોકરાને લઇને પેલા ટેમ્પા કે જે નાના ટ્રક જેવો હતો તેમાં ગોઠવાઇ ગયો. ટેમ્પો અમને પાલીતાણાથી આગળ જેસર વચ્ચે એક ડુંગર પાસે લઇ ગયો આ એજ ડુંગર હતો જ્યાં તમે ગયા હતાં પણ ત્યારે આ પગથીયા હજુ નવાજ બન્યા ંહતા અને આટલી બધી ફેસીલીટી નહોતી પગથીયા પણ અડધે સુધીજ હતા. અને માતાજીનું મંદીર પણ આટલું મોટું નહોતું. પણ ત્યારે તો અમને આ બધી મંદીરની અને કશી ખબર નહોતી. ટેમ્પાવાળાએ અમને પગથીયા પાસે ઉતાર્યા ત્યાં એક માણસ સામે આવ્યો અને તેણે મને એક કાગળ હાથમાં આપ્યો એ કાગળ વિલીએ લખ્યો હતો. “પ્રશાંત, આ માણસ તમને ખજાનાની જગ્યાએ લઇ જશે. આ માણસ મુંગો બહેરો છે અને વાંચતા આવડતું નથી. એટલે તેની સાથે તમારે કોઇ રીતે વાર્તાલાપ થશે નહીં માત્ર તે તમને એક જગ્યાએ લઇ જશે ત્યાં પડેલા બોક્સ લઇ તમારે આવ્યાં તેના કરતા બીજા રસ્તે બહાર નિકળવાનું છે ત્યાં એક ટેમ્પો હશે તેમાં આ બોક્સ મુકી દેવાના છે આમ સવાર સુધીમાં જેટલા પણ ફેરા થાય તે કરવાના છે. સવારે તેજ ટેમ્પામાં બેસી જવાનું છે. અને હા ચિઠ્ઠી વાંચ્યા પછી ફાળી નાખજે.” ચિઠ્ઠી વાંચીને મે ફાળી નાખી અને ત્યારબાદ પેલો માણસ અમને દેરાશરની સામેના રસ્તા પરથી આગળ લઇ ગયો. રસ્તો જંગલમાં થઇને પસાર થતો હતો પણ પેલા માણસ પાસે એક ગન હતી એટલે અમને થોડી નિરાંત હતી. અમે એકાદ બે કિલોમિટર ચાલીને એક ગુફા પાસે પહોંચ્યાં. આ ગુફામાં પેલો માણસ દાખલ થયો અને તેણે અંદર પહેલાથીજ મુકેલા બે ત્રણ ફાનસ ચાલુ કર્યા પછી અમે ગુફામાં દાખલ થયાં અને જોયું તો ગુફામાં કેટલા બધા બોક્સ પડેલા હતા. ગુફાને જોતા એવુ લાગે કે કોઇ કંપનીનાં ગોડાઉનમાં આવી ગયા છીએ. ગુફામાં બોક્સ ભરેલા હતા પણ બધાજ બોક્સ નાના નાના હતા ત્યારેજ મને સમજાયું કે આ છોકરા ઉપાડી શકે તેટલાજ વજનના બોક્સ તૈયાર કરવામાં આવ્યાં છે. વિલીની ચોકસાઇ અને આયોજન પર મને તે વખતે માન થઇ આવ્યું હતું. તેણે એટલું પરફેક્ટ આયોજન કર્યુ હતું કે તેમાં ક્યાંય કોઇ ભુલ નહોતી અને અમે ધારીએ તો પણ તેમાં કંઇ પણ કરી શકીએ એમ નહોતા. અમે જેવા ત્યાંથી બોક્સ ઉચક્યાં અને બહાર નિકળ્યાં ત્યાં બીજો એક માણસ આવ્યો તે પણ પેલા માણસ જેવો મુંગો બહેરોજ હતો અને તેની પાસે પણ એક પીસ્તોલ હતી. પેલો માણસ ત્યાંજ રોકાયો અને બીજો માણસ અમને આવ્યાં હતા તેની વિરુધ્ધ દિશામાં આગળ લઇ ગયો. એકાદ કિલોમિટર ચાલીને અમે ડુંગરના બીજા છેડે બહાર નિકળ્યાં ત્યાં રસ્તાની સામેજ અમે જે ટેમ્પામાં આવ્યાં હતા, તે ટેમ્પો ઊભો હતો. અમે બધા બોક્સ ટેમ્પામાં મુકી અમે પાછા તેજ રસ્તે ગુફામાં ગયાં અને ફરીથી થોડા બોક્સ અમે લઇને આવ્યાં આમને આમ અમે સવાર સુધીમાં ચાર પાંચ ફેરા માર્યા પણ પછી છોકરાઓ ખૂબ થાકી ગયાં હતાં એટલે અમે બાકીના બોક્સ બીજા દિવસે ફેરવવાનું નક્કી કર્યુ અને ત્યાંથી ટેમ્પામાં બેસી નિકળી ગયાં. ત્યારબાદ મે છોકરાઓને થોડા પૈસા આપ્યાં અને કાલે ફરીથી આવવાનું કહી તે લોકોને અનાથાશ્રમની પાસે ઉતારી દીધા અને ત્યારબાદ હું ટેમ્પામાં બેસી ગયો. ટેમ્પાવાળો મને મારા રુમ પાસે ઉતારી જતો રહ્યો. હું જ્યારે મારા રુમ પર પહોંચ્યો ત્યારે વિલી ત્યાં મારી રાહ જોઇ રહ્યો હતો. મને જોઇને તેણે મારી સાથે હાથ મિલાવ્યા અને બોલ્યો “વેલડન પ્રશાંત. તે મારી ધારણા કરતા પણ વધારે સારી રીતે કામ પાર પાડ્યું. શું કાઇ તકલીફ તો નથી પડીને?”

“ના, તમારુ આયોજન એકદમ પરફેક્ટ હતું. એટલે કોઇ તકલીફ પડવાનો સવાલજ નહોતો.” મારી વાતમાં રહેલ વ્યંગ તે સમજી ગયો એટલે હસીને બોલ્યો. “જો દોસ્ત આવા કામમાં સાવચેતીતો રાખવીજ પડે અને આ વાતમાં કોઇનો પણ વિશ્વાસ કરવો ન પોષાય. તને ખબર નથી આમાં કેવા કેવા માથા પડેલા છે? આમા કંઇ પણ ગડબડ થઇ તો મારી લાસ પણ દુનિયાને ન મળે. અને આવા કામને કુનેહથી પતાવવાનાતો પૈસા મળે છે. બાકી બોક્સ ફેરવવાની મજુરીમાં તો બે ટાઇમનું ભોજન પણ નથી મળતું તો આટલા બધા રુપીયા કોણ આપે?” વિલીએ આડકતરી રીતે મને કહી દીધુ હતું કે આ કામમાં જોખમ છે તેનાજ તને રુપીયા મળે છે અને હું કહું તે રીતે કરીશ તોજ તને રુપીયા મળશે. તે વખતે હું પણ પૈસાના લોભમાં હતો એટલે મે તેની વાત સાંભળીને કહ્યું “હા, તમારી વાત સમજુ છું એટલે તો મે પણ કામ એકદમ ખાનગીમાં પતાવ્યું છે. તમને તો ખબર છે કે છોકરા પાસેથી કામ લેવુ અઘરુ છે?” મે પણ તેને સામે કહી દીધુ કે કામ મે પણ ખૂબ અગત્યનું કર્યુ છે. આ સાંભળી વિલીએ ખીસ્સામાંથી પૈસાનું બંડલ આપતા કહ્યું “લે આ પચાસ હજાર છે બાકીના કામ પતશે ત્યારે મળી જશે. આજે રાતે કામ પતાવી દેવાનું છે અને ખાસ કાલની જેમજ સાવચેતીથી પતાવવાનું છે. “ એમ કહી વીલી ત્યાંથી નિકળી ગયો. આખી રાતના થાક અને ઊજાગરાને કારણે વિલી જતાજ હું ઊંઘી ગયો. સ્વપ્નમાં પણ મને આજે પૈસા દેખાતા હતા. વિલીએ પચાશ હજાર આપી મારી આંખો આડે પૈસાનો પડદો બાંધી દીધો હતો. હવે મને પૈસા સિવાય કોઇ વસ્તુ દેખાતી નહોતી. પણ જ્યારે હું પૈસાના સ્વપ્ન જોઇ રહ્યો હતો ત્યારે અનાથાશ્રમમાં એક જુદીજ ઘટના આકાર લઇ રહી હતી. જે ઘટનાને લીધે અમારી સાથે ભવિષ્યમાં બનનારી બધીજ ઘટનામાં એક એવો ફેરફાર થવાનો હતો કે જેને લીધે હું અત્યારે જીવીત છું. અનાથાશ્રમમાં બનનારી તે ઘટનાએ અમારી બધીજ ગણતરી અને સમીકરણ બદલાવી નાખ્યાં હતાં.” પ્રશાંત કામત રુમની દિવાલ પર જોઇને એ રીતે બોલતો હતો જાણે દિવાલ પર તે આખુ દ્રશ્ય જોઇ રહ્યો હોય અને તેની કોમેંટ્રી તે નિશીથને સંભળાવતો હોય. નિશીથ પણ પ્રશાંતની વાત એકદમ તલ્લીન થઇને સાંભળતો હતો.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED