“બેટા કઈ થયું છે?”અચાનક જ દિવ્યાબહેન દ્વારા પૂછતાં પ્રશ્નથી શિવમ ગભરાય ગયો અને તે બગીચામાથી જવા લાગ્યો.
“આમ પ્રશ્નોથી મોઢું ફેરવી લઇશ તો પરેશાનીઓ કઈ ખતમ નહીં થઈ જાય. પરેશાનીઓ ખતમ કરવી જ હોય તો તેને કોઈ પોતાનાઑ હોય તેની સાથે તેના વિષે વાત કરી તેનો ઉપાય વિચારવો ખૂબ જરૂરી છે બેટા.” દિવ્યાબહેન.
શિવમ આ સાંભળતા જ થંભી જાય છે. તે ફરીને તેના મમ્મી સામે જોવે છે. તેને થાય છે કે કોઈ નહીં તો મમ્મી સાથે તો આ વાત કરવી જ જોઈએ.
“ હા મમ્મી તું ઠીક સમજે છે. પરેશાની તો છે પણ હું કોઈને દુખી નથી જોવા માંગતો માટે મે કોઈ સામાન્ય કારણ જણાવી દીધું.” શિવમ.
“શિવમ બેટા આવ બેસ અહિયાં મારી પાસે અને મને પૂરી વાત જણાવ.” દિવ્યાબહેન.
શિવમ તેના મમ્મી સાથે બેઠો અને તેને પૂરી વાત જણાવી કે તેના અને વિધિના લગ્ન શા માટે શક્ય નથી? અને છેલ્લે આવેલા વિધિના ફોન વિષે પણ વાત કરી. દિવ્યાબહેનને વિધિ પર ખૂબ ગુસ્સો આવ્યો.
“આટલી મોટી વાત થઈ ગઈ અને તે મને પણ વાત ન કરી? માન્યું કે તું તારા પપ્પાને પરેશાન કરવા નથી માંગતો પણ મને તો કહેવાય ને કે વાત આ રીતે છે. જ્યારે તને પહેલી વખત વંશ અને વિધિના સંબંધ વિષે ખબર પડી ત્યારે જ તારે મને વાત કરવી જોઈતી હતી.” શિવમ.
“ મમ્મી પણ મને હતું કે હું વિધિને સમજાવી લઇશ.સમય ન આપવાના લીધે વિધિ વેદ તરફ વળી છે પણ મને નહોતી ખબર કે વેદ અને વિધિ બંને પ્રેમ નહીં પણ પૈસા ચાહે છે.આટલી મોટી વાત હું વિધિ માટે વિચારી પણ ના શકું. પણ પૈસાને જેમણે પ્રેમ કર્યો છે તે વ્યક્તિ ક્યારેય જીવનમાં સુખી નથી થતું. તેણે મારા સાચા પ્રેમને ઠોકર મારી છે. મારુ મન જ સમજે છે કે હું કઈ તકલીફમાથી પસાર થયો હતો.” શિવમ.
“ હું સમજી શકું બેટા કે જ્યારે વિશ્વાસ તૂટે ત્યારે હદયમાં કે લાગણી રૂપી કાચનું મન તૂટ્યું હોય ત્યારે જે વેદના થાય તે.” દિવ્યાબહેનની આંખમાં આશું આવી ગયા.
“ જો મમ્મી આટલા માટે જ હું તને કે પપ્પાને કોઈ વાત નહોતો જણાવતો. જે તકલીફ મે શહન કરી તે હું તને કે પપ્પાને આપવા નહોતો માંગતો અને આમ પણ હવે તે મારા જીવનમાં નથી તો પછી તેનું નામ લઈ દુખી થવાનું શું કારણ?” શિવમ.
“ ખૂબ જ સમજદાર છો બેટા તું.બાકી આટલી આકરી પરિસ્થિતીમાં કોઈ પણ માણસનું મગજ બહેર મારી જાય. મને ગર્વ છે બેટા તારા પર કે તે આ કઠણ સમયમાં પણ તારી જાતને એકલા જ સંભાળી.” દિવ્યાબહેન.
શિવમ કઈક વિચારમાં પડી ગયો.
“બેટા શું વિચારે છે?” દિવ્યાબહેન.
શિવમ વિચારવા લાગ્યો કે રાહી વિષે તે તેના મમ્મીને જણાવે કે નહીં? પછી થયું આટલું જણાવ્યુ છે તો રાહી વિષે કેમ નહીં?
“ મમ્મી મારે તને હજુ એક વાત કરવી છે.” શિવમ.
“ હા બોલને બેટા શું વાત છે?”દિવ્યાબહેન.
“તું વિચારે છે કે હું ખૂબ હિંમતવાળો છું. પણ સાચું કહું તો હું તે સમયે ખૂબ જ તૂટી ચૂક્યો હતો પણ એક વ્યક્તિએ તે સમયે આવીને મને સંભાળી લીધો.”શિવમ.
“મતલબ?” દિવ્યાબહેન.
“ મતલબ તે કે જ્યારે હું તે સમયમાથી પસાર થતો હતો તે જ સમયે એક અજાણી છોકરીએ આવીને મને હિંમત આપી. તે કોણ હતી, શું કામ મને આટલી મદદ કરતી હતી તેનો મને કોઈ ખ્યાલ નહોતો.”શિવમ.
“કોણ?” દિવ્યાબહેન.
“રાહી.” શિવમ.
“તે છે કોણ? અને તારી પાસે કઈ રીતે પહોંચી?” દિવ્યાબહેન.
શિવમે તે પોતે રાહીને કઈ રીતે મળ્યો અને કઈ રીતે તે બંને ફરી ફરીને મળ્યા તે આખી વાત તેના મમ્મીને જણાવી.
“ બેટા તું મહેરબાની કરીને છોકરીઓથી ચેતીને રહેજે. સારી વાત છે કે તેણે તારા ખરાબ સમયમાં તારી મદદ કરી. આમ વિધિ પણ આપણને ક્યાં ખરાબ લાગતી હતી? મને તો સપને પણ વિચાર નહોતો કે વિધિ આવું કરશે. મને વિધિ પાસેથી આવી અપેક્ષા બિલકુલ નહોતી.હા માન્યું કે તેણે તારી મદદ કરી તો પણ વિધિવાળી વાત પરથી મને નથી લાગતું કે હવે તારે આમ આંખ બંધ કરી કોઈ પર ભરોશો કરવો જોઈએ.” દિવ્યાબહેન.
“મમ્મી તારી વાત સાચી છે પણ રાહી ને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું થયું છે? તેણે તો એક અજાણી વ્યક્તિ બનીને જ હંમેશા મારી મદદ કરી છે. અને હવે અમે સારા મિત્રો પણ છીએ.સાચું કહું જો રાહીને વિધિથી કોઈ ઈર્ષા હોત કે મારી પાસેથી કોઈ ખોટી અપેક્ષા હોત તો તે મારી ક્યારેય મદદ જ ન કરી હોત. તને જાણીને આશ્ચર્ય થશે પણ આજે સવારે જ તેનો મને ફોન હતો. મે તેને વિધિના ફોન વિષે વાત કરી ત્યારે તેણે મને જે સલાહ આપી તે કોઈપણ ઈર્ષાળુ છોકરી ન આપી શકે.” શિવમ.
“ શું વાત થઈ તમારી?” દિવ્યાબહેન.
“ હું ખૂબ જ પરેશાન હતો આથી મને થયું હું રાહી સાથે વાત કરીશ આ બાબતે તો તે મને કઈક સલાહ આપી શકશે.જ્યારે મે તેને આ બાબતે પૂછ્યું તો તેણે મને મારા પોતાના જીવન વિષે વિચારીને નિર્ણય લેવા કહ્યું. જો મારા હદયમાં વિધિ વિષે થોડી પણ લાગણી હોય તો હું અને વિધિ એક વખત મળીને આ વિષે ચર્ચા કરી કોઈ નિર્ણય પર આવીએ પછી પપ્પાને કોઈ જવાબ આપવા કહ્યું.” શિવમ.
દિવ્યાબહેન મૌન બની શિવમની વાતો સાંભળતા રહ્યા.
“ તેણે મને એક પણ વખત વિધિને છોડી દેવા માટે નથી કહ્યું. તેનું કહેવું માત્ર તે જ હતું કે જો હવે મારા હદયમાં વિધિ માટે કોઈ લાગણી જ ન હોય તો ચોક્કસ તેણે વિધિ સાથે સંબંધ ન જ રાખવા જણાવ્યુ પણ તેનો કહેવાનો ઉદેશ માત્ર તે જ હતો કે હું મારા ભવિષ્ય વિષે વિચારીને કોઈ નિર્ણય લઉં.” શિવમ.
દિવ્યાબહેન હજુ પણ શિવમની વાતો મૌન થઈ સાંભળી રહ્યા હતા.
“મમ્મી કઈ તો બોલ આમ શું વિચારી રહી છે?મને ખબર છે કે વિધિની વાત સાંભળી તને મારા માટે ચોક્કસ ચિંતા થતી હશે પણ રાહી ચોક્કસ તેવી છોકરી નથી. રાહી પોતે એક બિજનેસવુમેન છે.તેને મારી સાથે કોઈ સ્વાર્થ હોય તે શક્ય નથી.પણ મારે તને કોઈ વાત છે જે કહેવી છે. આ વાત મે હજુ રાહીને પણ નથી કરી. પણ તે પહેલા જણાવી દઉં કે તું રાહી વિષે નિશ્ચિંત રહે.” શિવમ.
“હા બોલ તારે શું વાત કરવી છે?” દિવ્યાબહેન.
“ મમ્મી વિધિની આવી હરકત પછી મને ‘પ્રેમ’ નામના શબ્દ પરથી વિશ્વાસ ઊડી ગયો હતો.પણ જ્યારે આજ મને રાહીએ સામે ચાલીને કહ્યું કે જો મને વિધિ માટે કોઈ પણ લાગણી હોય તો મારે એક વખત તેને મોકો આપવો જોઈએ. ત્યારે હું વિચારમાં પડી ગયો.” શિવમ.
“બેટા ચોક્કસ વિચાર માગી લે તેવી જ વાત છે ને..!! તારા અને વિધિના સંબંધની વાત આપણાં સગા-સંબંધીમાં બધાને ખબર છે. હવે તો આપણાં નજીકના સગા પૂછે પણ છે તારા લગ્ન વિષે.” દિવ્યાબહેન.
“ મમ્મી તું મારી વાત સમજી નહીં. મારો કહેવાનો મતલબ છે કે ... કોઈ એક અજાણી છોકરી કોઈ બીજી છોકરીના પ્રેમ માટે આટલી બધી કોશિશ કરી રહી છે અને જેને પ્રેમ હતો તેણે તો સંબંધની કદર માત્ર પણ નહોતી કરી.તું રાહીના વિચાર જો મમ્મી. તે કેટલી સમજદાર અને નિઃશ્વાર્થ હશે?? હું કે વિધિ તેના કોઈ સગા ન થવા છતાં તેણે અમારા બન્નેથી ઉપર જઈને અમારા સંબંધ માટે વિચાર્યું...અને તને એક વાત કહું? મારા મને તો તે જ સમયે નિર્ણય લઈ લીધો હતો કે હું વિધિ સાથે લગ્ન નહીં કરું...પણ...” શિવમ બોલતા રોકાઈ ગયો..
“ પણ....? શું?” દિવ્યાબહેન.
“ તે જ મને નથી સમજાતું. હું પણ તે જ વાત સમજવાની કોશિશ કરું છું.મને પણ જવાબ નથી મળતો.પહેલા તો હું કોઈને આ વાત નહોતો કરવાનો પણ હવે તને વાત કરી છે તો તું જ મારી મદદ કરી દે મમ્મી...” શિવમ તેની મમ્મીના ખોળામાં માથું રાખતા બોલ્યો.
“ બોલ બેટા હું તારી શું મદદ કરું?” દિવ્યાબહેન શિવમના માથા પર હાથ ફેરવતા બોલ્યા.
“ મમ્મી હું સવારથી રાહીના જ વિચાર કરું છું. મને નથી ખબર કે આ કેવી લાગણી છે પણ હા એક વાત ચોક્કસ કહીશ કે મારા હદયમાં રાહી માટે લાગણીઑ જન્મી છે.વિધિ સાથે વાત કર્યા પછી હું ખૂબ પરેશાન હતો પણ જ્યારે રાહી સાથે વાત થઈ કે તરત જ મારુ મન શાંત થઈ ગયું.આ લાગણીને હું શું નામ આપું?” શિવમ.
“ બેટા........તને રાહી સાથે...” દિવ્યાબહેન હજુ આગળ બોલે તે પહેલા શિવમના ફોનમાં મેસેજ આવ્યો.
“ વાત થઈ શકશે?” રાહી.
મેસેજ રાહીનો હતો. હવે આગળ...
**************************
શું શિવમને રાહી સાથે પ્રેમની લાગણી જન્મી છે? કે પછી તે રાહી દ્વારા મળેલી સહાનુભૂતિને કારણે રાહીને પોતાની નજીક સમજવા લાગ્યો છે. દિવ્યાબહેનનું રાહી માટે શું વિચારવું છે? જોઈશું આવતા ક્રમમા....