પ્રેમ કે પ્રતિશોધ - 39 Vijay Shihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે પ્રતિશોધ - 39

પ્રેમ કે પ્રતિશોધ-39

(આગળના ભાગમાં જોય ગયા કે રાધી ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. પણ વિનયની યાદ એને કોરી ખાતી હતી, ટૂંકમાં એની આંખો સામે જાણે કે એનું ભૂતકાળ રિવાઇવ થતું હતું...)

હવે આગળ....

એક તો કોલેજના વિદ્યાર્થીઓ અને બીજું વેલેન્ટાઈન ડે.... કૉલેજીયન્સ માટે વેલેન્ટાઈન ડે કંઈક વિશિષ્ટ જ હોય છે. તે દિવસે ઘણા બધા મન-મેળા થાય અને અમુક વિદ્યાર્થીઓના મન-ભંગાણ પણ થતા જ હશે!.
સવારે કોલેજે જતી વખતે તો રાધીએ વિચાર્યું હતું કે આજ તો કદાચ વિનય એના મનની વાત કહી દેશે, પણ એવું બન્યું નહીં, વિનય કોલેજે તો આવ્યો પણ રાધીએ ધાર્યું હતું એવું કંઈ વર્તન કર્યું જ નહીં. કોલેજેથી ઘરે જતી વખતે પણ રાધીએ કોઈ ને કોઈ બહાને વિનય સાથે વાત કરી પણ એ શબ્દો સાંભળવા મળ્યા જ નહીં જેની તેને આશા હતી. અને એમ જ નિરાશ થઈને ઘરે પરત ફરી...
લગભગ 4 વાગ્યાની આસપાસ રાધી પોતાના રૂમમાં બેસીને સ્ટોરી બુક વાંચી રહી હતી. અચાનક મોબાઈલમાં વોટ્સએપ નોટિફિકેશન ટ્યુન વાગી, તેણે મોબાઈલ હાથમાં લઈ જોયું તો વોટ્સએપ મેસેજ હતો... અને એ પણ વિનયનો...અને મેસેજ વાંચીને તો એનું મુખ સવારમાં કોઈ બાગમાં ફૂલ ખીલે તેમ ખીલી ઉઠ્યું, એમાં લખ્યું હતું, “આજે ફ્રી હોય તો કોફી પીવા જઈએ....."
આમ તો બંને ઘણીવાર કેફેશોપમાં જતા પણ રાધી જાણતી હતી કે આજની કોફી કંઈક સ્પેશિયલ થવાની...
એણે થોડુંક વિચારી રીપ્લાય આપ્યો,“ આજે તો થોડું કામ છે, કાલે જઈએ તો?"
“જો કોઈ ઈમ્પોર્ટન્ટ કામ ન હોય અને પોસીબલ હોય તો આજે જ જવું છે."વિનયનો વળતો જવાબ આવ્યો.
“OK!"
“હું 6 વાગ્યે કોફી શોપમાં રાહ જોઈશ..."
“OK"
મોબાઈલ ફોન સાઈડમાં મૂકી થોડીવાર પહેલા રાધીના ચહેરા પર જે ઉદાસી હતી તે ક્યાંય ગાયબ થઈ ગઈ..
બરાબર સાંજના સાડા પાંચ વાગ્યે તે તૈયાર થઈ અને કોફી શોપ જવા માટે નીકળી...
વિનય કોફીશોપમાં બેઠો બેઠો રાધીની રાહ જોઈ રહ્યો હતો. વિનય ઘણીવખત વિચારતો કે રાધી સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે, પણ ક્યારેક સમય ન મળ્યો તો ક્યારેક શબ્દો!, આજે તો એ તૈયારી કરીને આવ્યો હતો કે રાધી જે જવાબ આપે તે પણ આજે તો વેલેન્ટાઈન ડે, અને કદાચ આ દિવસ જ સૌથી શ્રેષ્ઠ રહેશે એવું વિચારી તે રાધી કોફીશોપમાં આવે તેની રાહ જોઈને બેઠો હતો...
બરાબર 6 ના ટકોરે રાધી કેફેશોપમાં પ્રવેશી, વિનયની નજર દરવાજા સામે જ હોવાથી તેણે રાધીને અંદર પ્રવેશતાં જોઈ.. પણ એ તો અબુદ્ધ ની જેમ રાધીને જોઈ જ રહ્યો.. આજે રાધી કઈક વિશેષ જ સુંદર લાગતી હતી. રાધીએ બાજુમાં આવીને ખરશી પર બેસતાં કહ્યું,“ હું લેટ તો નથી થઈ ને?"
વિનયે સ્વસ્થ થતાં કહ્યું,“ના ના હું જ વહેલો આવી ગયો હતો."
“હમ્મ"
“કોફી??"વિનયે બીજું કંઈ ન સૂઝતા રાધી સામે જોઈ ને કહ્યું.
“હા, ચાલશે..."
વિનયે વેઈટરને બોલાવી કોફીનો ઓર્ડર આપ્યો. કોફી આવી ત્યાર સુધી વિનય રાધી સામે જોઈ શું કહેવું કે કેમ કહેવું એ જ વિચારી રહ્યો હતો.
“વિનય, હું પણ અહીં જ છું..."
“મતલબ કઈ સમજ્યો નહીં?"
“તું અહીં એકલો નથી એમ, છેલ્લી 5 મિનિટથી તું શાંત બેઠો છો. એક પણ શબ્દ બોલ્યા વગર... તો શું અહીં પૂતળું બનીને બેસી રહેવા મને બોલાવી છે..."
“ના યાર, એવું નહીં પણ આજે શબ્દ નથી મળતા કઈ બોલવા માટે..."
આટલી વારમાં વેઈટરે આવીને ટેબલ પર બે કપ કોફી મૂકીને ચાલ્યો ગયો.
વિનય અને રાધી બંને કોફીની એક એક ચૂસકી સાથે એકબીજા સામે જોઈ લેતા અને આમ જ લગભગ કોફીના કપ પણ ખાલી કરી નાખ્યા.
રાધીએ મનમાં વિચાર્યું,“ હવે તો બસ વિનય કઈક બોલ...."
વિનય પણ મનોમંથન કરી રહ્યો હતો,“ યાર, આ પ્રપોઝ કરવું તો બહુ કપરું કામ છે. આ બધા મિત્રો તો કોણ જાણે કેમ એકબીજાને પ્રપોઝ કરી લેતા હશે..."
અંતે રાધીએ મૌન તોડતાં કહ્યું,“વિનય.... કોફી પણ ખતમ થઈ ગઈ હવે.."
વિનયે થોડી હિંમત કરીને કહ્યું,“જો રાધી મને ગોળ ગોળ ફરવીને વાત કરતાં નથી આવડતી.... પણ...."
“પણ....?"રાધીએ ઉત્સુકતાથી પૂછ્યું.
“અરે યાર તું વચ્ચે ના બોલ..." વિનયે આજુબાજુ નજર ફેરવતાં કહ્યું.
“વિનય કોઈ તારી સામે નથી જોતું, હવે આગળ કઈ બોલીશ...." રાધી કદાચ જાણતી હતી કે વિનય શુ કહેવા માંગે છે પણ એ વિનયના મુખે સાંભળવા માંગતી હતી.
“હા આ ... હું એમ કહેતો હતો કે... જો... અરે યાર કેમ કહેવું મારે"વિનયે માથું ખંજવાળતા કહ્યું.
“વિનય બીજે ક્યાંય જઈએ...."રાધીએ પ્રસ્તાવ મુક્યો.
“ક્યાં જઈશું?"
“રિવરફ્રન્ટ..."
“OK, ચાલો" વિનયે કહ્યું.
ત્યાંથી બંને રિવરફ્રન્ટ પહોંચ્યા. પબ્લિક પ્લેસ હોવાથી ભીડ તો ત્યાં પણ અઢળક હતી પણ વિનયે વિચાર્યું કે હવે તો કહી જ દઈશ..
થોડીવાર આગળ ચાલ્યા બાદ વિનયે કહ્યું,“ હવે થોડીવાર બેસીએ.."
“હમ્મ, હું પણ એજ વિચારતી હતી"
“વિનય, તારે કઈ કહેવું છે હવે?"
“યાર, તું જાણે જ છે કે હું શું કહેવા માગું છું."
“ના મને કંઈ ખબર જ નથી" રાધીએ જવાબ આપ્યો.
“પણ યાર મને નથી સમજાતું કે શું કહું? કેમ કહું?"
“આંખ બંધ કર અને જે બોલવું હોઈ તે સ્પષ્ટત બોલ!"
વિનયને પણ એમ જ કરવું યોગ્ય લાગ્યું, તેણે આંખ બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને અચાનક ધ્રુજતાં હાથે રાધીનો હાથ પકડીને બોલવાનું શરૂ કર્યું,“ રાધી, હું થોડોક શરમાળ સ્વભાવનો છું. એ તો તું જાણે છે. પણ ઘણા સમયથી હું તને ઘણું બધું કહેવા માંગતો હતો. મને ખબર નથી એ લાગણી કેમ બંધાઈ પણ મને સવારે ઉઠતાં વેંત સૌથી પહેલા જે વ્યક્તિનો વિચાર આવે એ તું જ છે. એટલે કહેવાનો મતલબ તું સમજે છે ને, મને નથી ખબર કે ક્યારથી હું તારા પ્રત્યે આટલો બધો લાગણીશીલ થઈ ગયો. બસ હવે વધારે મને કોઈ શબ્દો મળતાં નથી.. પ્લીઝ તું સમજી શકે છે. કે હું શું કહેવા માગું છું."
વિનયે આંખ ખોલી નીચે જોઈ રહ્યો.....


(ક્રમશઃ)