(આગળના ભાગમાં જોયું કે વિનય અને રાધી કેફેશોપમાંથી નીકળીને રિવરફ્રન્ટ પર જાય છે અને અંતે થોડા સંકોચ બાદ વિનય રાધીને પ્રપોઝ કરે છે.)
હવે આગળ....
રાધીનો હાથ પકડીને વિનય એની એ જ સ્થિતિમાં બેઠો હતો. વિનયનો હાથ હજી ધ્રૂજતો હતો. એના હૃદયના ધબકારા વધી ચુક્યા હતા. એણે આંખો ખોલી પણ શરમ અને સંકોચના કારણે રાધી સામે જોયા વગર નીચે જ જોઈને રાધી શું જવાબ આપે છે તેની રાહમાં એમ જ બેસી રહ્યો. પરંતુ રાધી દ્વારા કઈ પણ પ્રત્યુત્તર ન મળતા તેણે રાધીના ચહેરા તરફ દ્રષ્ટિ કરી પણ રાધીની આંખોમાંથી દળ દળ સ્વેતબિંદુઓ વહી રહ્યા. હજુ તો વિનય કઈ સમજે એ પહેલાં તો તે વિનયને ભેટી પડી. વિનયને પણ જાણે એના પ્રશ્નનો જવાબ મળી ગયો. થોડીક્ષણો બાદ બંને અળગા થયા. અને પછી તો એવું થયું કે,
ને મીઠું આલિંગન અપાયું કોઈ સ્પર્શ વગર...
વિનયે રાધીની આંખમાંથી હર્ષના અશ્રુઓ વહી રહ્યા હતા. વિનયે તેના અશ્રુઓ લૂંછતાં કહ્યું કે,
“જયારે તારી આંખો માં જોયું, મને એક ઉખાણું મળ્યું,
તરતા તો આવડતું હતું, પણ ડૂબવાનું એક ઠેકાણું મળ્યું."
રાધીએ પોતાનું માથું એમ જ વિનયના ખભા પર ઢાળી દીધું. બંને વચ્ચે શબ્દ કરતાં મૌન વધારે બોલતું હતું. અને સાબરમતીના શાંત નીર સામે જાણે પ્રણય પુષ્પો ખીલી ઉઠ્યા. રાધીએ આંખ બંધ કરી વિનય સાથે અલગ જ દુનિયામાં મહાલી રહી!
રાધીના અશ્રુઓ એ વિનયના ખભાને પણ ભીંજવી દીધો, આ ભીનાશ રાધીએ પણ અનુભવી અચાનક ખલેલથી તેની આંખ ખુલી ગઈ.
*******
પણ આંખ ખુલી ત્યાં તો વિનયનો ખભો નહીં પણ રાધીના અશ્રુએ ઓશીકું ભીનું થયું હતું, અચાનક પ્રણય સુખમાં રાંચતી રાધી વિરહની વેદનામાં વહી રહી હતી, ભૂતકાળ તો ભવ્ય હતો પણ વર્તમાન...... એમ વિચારી તે ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. આખી રાત રડી રડી તેની આખમાં રતાશ ઉતરી આવી હતી. તેણે સમય જોયો તો સવારના 4 વાગ્યા હતા. અંતે થાકના કારણે તેની આંખો મીંચાઈ અને તે નિંદ્રાવસ્થામાં ઘેરાઈ ગઈ.
*****
આ બાજું વિનય એ જ ખુરશી પર અર્ધ મૂર્છિત અવસ્થામાં બધાંયેલી સ્થિતિમાં હતો. એને એટલું તો અનુમાન લગાવી લીધું હતું કે આ વ્યક્તિ એ જ છે જેણે અજય અને શિવાનીની હત્યા કરી હતી. અને એ જાણતો જ હતો કે જો વધારે સમય સુધી પોતે અહીં કેદ રહેશે તો એની હાલત પણ એ જ થવાની. એ ક્યાં હતો?, શા માટે હતો? વગેરે પ્રશ્નો મગજમાં ઘૂમી રહ્યા હતા. અચાનક રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો, આગંતુક આવીને શુ કરે છે. એ જાણવા માટે વિનયે હોશમાં હોવા છતાં બેહોશ હોય એમ દર્શાવવા આંખો બંધ કરી. પણ તે વ્યક્તિએ વિનય તરફ ધ્યાન આપ્યા વગર સામે ટેબલી બાજુમાં પડેલી ખુરશીમાં ગોઠવાયો અને એક સિગારેટ સળગાવી તેના કસ ખેંચતો અને થોડી થોડી વારે વિનયના ચહેરા સામે જોઈ લેતો. રૂમમાં હજી પણ એટલો અંધકાર તો હતો જ કે કોઈપણ વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નહીં, પણ તે વ્યક્તિ તો જાણે રૂમના ખુણે ખૂણાથી પરિચિત હતો અને એ વ્યક્તિ કદાચ પ્રકાશ કરતાં અંધકારમાં જ રહેવાનું વધારે પસંદ કરતો હોય તેવું જણાતું હતું.
વિનયે વચ્ચે આંખ ખોલી એક-બે વખત તે વ્યક્તિ શુ કરે છે તે જોવાનો પ્રયાસ કર્યો પણ સિગારેટના ધુમાડા સિવાય કંઈ સ્પષ્ટ થતું નહોતું....
તેણે વિનયને ઉપેક્ષિત નજરે જોતાં કહ્યું,“તારું આ બેહોશીનું નાટક મારા પર કશું જ અસર નહીં કરે..."
તેના આ શબ્દો સાંભળીને વિનયને જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો કારણ કે આ અવાજ પહેલાં આવ્યો હતો તે વ્યક્તિનો નહીં પણ આ કોઈક બીજું જ વ્યક્તિ હતું. અને તેનો અવાજ ક્યાંક સાંભળ્યો હોઈ એવું વિનયને પ્રતીત થયું....
“ઉપરવાળાનો આભાર માન કે માત્ર અવાજ જ ઓળખીતો લાગ્યો...."અને તે વ્યક્તિનું અટ્ટહાસ્ય બંધ રૂમમાં ગુંજી રહ્યું.
વિનય પૂર્ણ સ્વસ્થ નહોતો પણ એણે ગહન મનોમંથન કરી, થોડીવાર બાદ કહ્યું,“તારો અવાજ પરિચિત લાગે છે. કોણ છે તું?"
તે વ્યક્તિએ અત્યંત નજીક આવીને કહ્યું,“આમ પણ તારે મરવાનું જ છે અને ચિંતા ન કર તને પણ અજયની જેમ મારતાં પહેલાં મારા દર્શન તો જરૂર કરાવીશ...."
વિનયે જાણે કે અવાજ પરથી તે વ્યક્તિને ઓળખ્યો હોય તેમ તેના મુખમાંથી ઉદગાર નીકળી ગયો..“તું.....?"
વિનયને તો જાણે પગ નીચેથી જમીન સરી ગઈ....
(ક્રમશઃ)