Dashanan books and stories free download online pdf in Gujarati

દશાનન

આજકાલ ભીડથી અલગ હોવાનો, દેખાવાનો ટ્રેન્ડ પુરજોશમાં છે, હું પણ શા માટે બાકાત રહું તો આજે તો અલગ જ વિચાર્યું. રાવણને ન્યાય આપવાનું, ના આમ તો એટલી આવડત નથી પણ દુઃસાહસ કરવામાં શો વાંધો, કઈ ભૂલ થશે તો હવે થોડો રાવણ આવશે.

जटाटवीगलज्जलप्रवाहपावितस्थले ।।

આ શિવતાંડવસ્ત્રોતના રચયિતા રાવણ છે. આખા સ્ત્રોતનો અર્થ વાંચીએ તો શિવની ખાસિયતો ખબર પડે, ને સાથે સાથે જણાય દશાનનની વિદ્વતા. કહેવાય છે કે રાવણ દશ મુખ હોવાની માયા રચી શકતો હતો. ખૂબ માયાવી, ખૂબ વિદ્વાન ને કઠોર તપસ્વી. શિવનો આટલો મોટો ભક્ત બીજો કોઈ નહિ હોય. લંકાનો વૈભવ ને વ્યવસ્થા બેનમૂન હતા.

જેમને વિશ્વાસ હોય કે એ કૈલાસને ડોલાવવાનું કઠોર મનોબળ ધરાવે છે એ જ રાવણની ટીકા કરી શકે. રાવણ વિશે ઘણા ગ્રન્થોમાં ઉલ્લેખ છે. વાલ્મિકી દ્વારા રાવણ વિસે ઘણી ઘણી સકારાત્મક માહિતી લખાયેલી છે. વાલ્મિકી જેવા સમર્થ જ્ઞાની જો રાવણને વિદ્વાન કહી શકતા હોય તો આપણે કોણ એને ઉતરતો ગણનાર.

રાવણ જન્મથી બ્રાહ્મણ હતો. કહેવાય છે કે જન્મના જાયતે શુદ્ર: કર્માત દ્વિજમુચ્યતે..
એટલે કે જન્મથી તો દરેક માણસ શુદ્ર એટલે કે કાચો હોય છે, પણ કર્મથી દ્વિજ બને એ જ ખરો માનવ. તો ભાગ્યવશ રાવણ પણ જન્મથી બ્રાહ્મણ હતો ને જ્ઞાનમાં પણ. ચારેય વેદ તેને મોઢે હતા. આટલો વિદ્વાન માણસ પણ ભૂલ કરી બેસે બસ એ જ કારણે તે આટલો વખોડાય છે.

જૈન શાસ્ત્રોમાં એક ઉલ્લેખ મુજબ આવતી ચોવીસીના તીર્થંકર થવાના છે, એમણે તીર્થંકર નામકર્મ પદ બાંધ્યું, એટલે કે તમેં જ્યારે ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બાંધો ત્યારે આ પદ મળે...

હવે રાવણે એે નામ કર્મ પદ કેમ કરી બાંધ્યું એ જાણો રાવણ જૈનના 16 માં તીર્થંકર શાંતીનાથદાદાના શાસન વખતે થયા રાવણ અને મંદોદરી બંને એમના ભક્ત હતા. વિશાળ મહેલનાં મધ્યમાં જ એમને દેરાસર બનાવેલ હતું. રાવણ વિણાવાદક હતા.. અને મંદોદરી એક નૃત્યાંગના હતા. તેઓ રોજ સંધ્યા કાળે બંન્ને જણાં સંધ્યાભક્તી કરતા.. રાવણ વીણા વગાડે અને મંદોદરી નૃત્ય કરે. એક વખતે વીણા વગાડતા વગાડતા એનો તાર તુટી ગયો અને મંદોદરી ભક્તિ માં મશગુલ હતા. એમની ભક્તિના રંગ માં કોઈ ભંગ ના પડે એટલે રાવણે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોતાની પગની નસ કાઢી એ વીણા માં લગાડી વીણા વગાડવાનું શરૂ રાખ્યુ હતું. એના ઉત્કૃષ્ટ પૂણ્ય ના પ્રતાપે એમને તીર્થંકર નામ કર્મ પદ બાંધ્યું.. અને હવે આવતી ચોવીસીમાં એ તીર્થંકર થવાના છે.

સીતાજીનું હરણ કર્યા પછી પણ રાવણે સીતાજીને ક્યારેય સ્પર્શ સુધા કર્યો ન હતો. અત્યારે આવો માણસ મળવો મુશ્કેલ નહિ અશક્ય જ છે. કોઈની પણ ટીકા કરતા પહેલા આપણે એને સંપૂર્ણ જાણતા હોવા જોઈએ. ટીકા તો જ કરવી જો એના બંને પાસા આપણે સારી રીતે જાણતા હોઈએ.

આપણે જેને બધી રીતે વખોડીએ છીએ એ આટલો વખોડવાલાયક પણ નથી. રાવણદહન એટલે એના જેવી વૃત્તિઓનું દહન કરવું ને એની વિદ્વતાનો સ્વીકાર પણ સાથે કરવો.

આજનો માણસ રાવણ બની જ ન શકે. સમગ્ર વિશ્વમાં એક નામધારી રાવણ જ છે. કારણ કે રામ બનવું અઘરું છે એમ રાવણ બનવું પણ અઘરું છે. આપણે બસ એક વાત પકડી લીધી છે કે રાવણ એટલે ક્રૂરતા જ. પણ સોનાની નગરી જેવી સમૃદ્ધિ ને વ્યવસ્થા બીજા કોઈ નગરમાં જોઈ નથી. ફક્ત જનરલ નોલેજ માટે પણ જો આપણે રાવણને જાણીએ તો પણ એના વિશેના ખોટા ખ્યાલો દૂર થઈ જાય.

રાવણનો એક મોટો અવગુણ હતો અભિમાન. એને એની ભક્તિ ને શક્તિ બંને પર અપાર અભિમાન હતું. એ અવગુણ જ એને રાક્ષસ બનાવે છે. રાક્ષસી વૃત્તિઓની શરૂઆત અભિમાનથી જ જાય છે. આ એક જ અવગુણે રાવણનું પતન કર્યું હતું. બાકી એનામાં બધા અવગુણો હતા એવું પણ નહતું....

પહેલો પથ્થર એ જ મારે જેણે કોઈ પાપ નથી કર્યું... એમ પહેલી દીવાસળી એ જ મૂકે જેણે ક્યારેય કોઈ સ્ત્રી વિશે ખરાબ ક્યારેય વિચાર્યું ન હોય... જો આવું હોત તો અત્યાર સુધી ક્યારેય રાવણદહન થયું જ ન હોત.

ન્યાય દરેકને મળવો જોઈએ તો રાવણને પણ કેમ નહિ. એના ચરિત્રને જેવું બતાવવામાં આવે છે એ એની સાથે બીજું ઉત્તમ ચરિત્ર પણ ધરાવે છે એની પણ ચર્ચા થવી જોઈએ. રાવણની એ વિદ્વતા માટે, પ્રામાણિકતા માટે, હિંમત માટે, કઠોર તપ માટે, કઠોર મનોબળ માટે એને સકારાત્મક પ્રતિભાવ પણ મળવો જોઈએ...

દશેરા પર આ જ વિચાર કરી દશાનન વિશે જાણવાનો, એના ગુણો સમજવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે તો રાવણથી બદતર માણસ ધરતી પર ભાર વધારે છે, જેણે સ્ત્રીઓ સાથે ક્રૂર વર્તન કર્યું હોય, સમય એમનું દહન કરવાનો છે. ખાલી પૂતળા નહિ ભીતરના ક્રૂર વૃત્તિઓનું દહન કરવાનું છે. આ દિવસે રાવણ બોધ આપી જાય છે. અભિમાન તમારું પતન નોતરે છે, સોનાની નગરી કે ખુદ ભગવાન પણ તમને બચાવી શકતા નથી. બાકી આ એ જ રાવણ છે જેણે ભક્તિના જોરે કૈલાસ ઉપાડ્યો હતો પણ અભિમાનના જોરે એક વાનરનો પગ પણ હટાવી શક્યો ન હતો.

આજના દિવસે હું ઈશ્વરને પ્રાર્થના કરું કે ભીતરી રાવણવૃત્તિઓનું દહન હું કરી શકું ને એની વિદ્વતાનો થોડો પણ અંશ પામી શકું....

© હિના દાસા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED