Dushman - 7 books and stories free download online pdf in Gujarati

દુશ્મન - 7



પ્રકરણ – 7

‘ઉતાવળે આંબા નહીં પાકે’ મમ્મી વારંવાર આ કહેતી હોય છે, અચાનક જ મને એ યાદ આવી ગયું. ચાવીનો ઝૂમખો ખેંચવામાં જો ઉતાવળ થઈ ગઈ તો વોચમેન અંકલની આંખ ખૂલી જશે, એ કારણે મેં થોડીવાર રાહ જોવાનું નક્કી કર્યું! બીક લાગતી હતી પણ પહેલાંથી થોડી ઓછી લાગતી હતી. નિમેષને લાત માર્યા પછી મારામાં થોડી હિંમત આવી ગઈ હતી. વોચમેન અંકલનો ઘોરવાનો અવાજ ફરી શરૂ થયો પછી જ હું દિવાલની ઓથેથી બહાર નીકળ્યો. બેઠો બેઠો બિલ્લીની જેમ ચાલતો ચાવીવાળી ખુરશી પાસે પહોંચ્યો.

નસકોરાં બોલાવતા અંકલની સામે ઊભા થવાની મને બીક લાગતી હતી, એનું એક કારણ હતું. થોડા દિવસ પહેલાં લંચ રિસેષમાં એકદમ અજાણતા જ હું ગેટ પાસે પહોંચી ગયો હતો, ત્યારે એ અંકલ એક છોકરાને ખીજાઈને કહી રહ્યા હતા કે, “તું જાનતા નહીં હૈ, મેરી ચાર આંખે હૈ!” મને એમની બે બંધ આંખો તો દેખાતી હતી પણ બીજી બે આંખો ક્યાં સંતાડી હતી, એ શોધવાનો મારી પાસે ટાઈમ ન હતો! વોચમેન અંકલ લગભગ ફેંકાફેંકી જ કરતા હતા, છતા પણ મને એ વાત યાદ આવતા બીક લાગી રહી હતી!

ધીમેથી ચાવીનો ઝૂમખો ઉઠાવી બેઠા બેઠા ચાલતો જ હું ગેટ પાસે પહોંચી ગયો. ‘બસ આ તાળું ખૂલે અને દુશ્મનોની આ દુનિયાથી હું બહાર હોઈશ’ અત્યારથી જ આઝાદીની હવા માણતા મેં તાળામાં ચાવી પરોવી, એ જ ઘડીએ પાછળથી અવાજ આવ્યો, “આશિષ, વેઈટ!” મેં ગભરાઈને પાછળ જોયું તો મારી આંખો ટોર્ચની લાઈટથી અંજાઈ ગઈ! ટોર્ચ ધીમે ધીમે મારી પાસે આવવા લાગી, હું એક ચોરની જેમ મોં પહોળું અને હાથ ઉંચા કરી ઉભો રહી ગયો. એ સુપરવાઈઝર સર હતા. પાસે આવ્યા અને મારા માથે હાથ મૂક્યો, “વાહ સુપરમેન, એક ચોરની જેમ ભાગતા તું સારો લાગે છે?”

“પણ સર, નિમેષે મને…!” સિરિયસલી બીજું કંઈ કહેવાનું મને સૂજ્યું જ નહીં.

“આઈ નો ધેટ, મેં જોયો એને. મર્યો નથી, ફક્ત બેહોશ થયો છે. આટલું મોટું કામ કરીને તું ભાગી જવા માગે છે? તારે મને કહેવું જોઈતું હતું. આગળ પણ બે છોકરાની આવી ફરિયાદ આવી હતી, એ જ કારણે મેં એને તારા રૂમમાં શિફ્ટ કર્યો હતો. મને ખબર હતી કે તું એની બળજબરી સહન કરી લે એમાંનો તો નથી જ. મેં તારા આંસુ જોયા છે આશિષ, અને એ આંસુ પાછળ દબાયેલો ગુસ્સો પણ જોયો છે. તને ખબર નહીં હોય પરંતુ હું પર્સનલી તારું ધ્યાન રાખતો હતો! દર અડધા કલાકે તારા રૂમની આસપાસ હું રાઉન્ડ લગાવતો રહેતો હતો. તને શું એમ લાગતું હતું કે આ જવાબદારી સંભાળીને હું આખી રાત સૂઈ રહેતો હોઈશ? આની જેમ?” એમણે નસકોરાં બોલાવતા વોચમેન અંકલ તરફ હાથ લંબાવ્યો, “સળિયા સાથે અથડાવાનો અવાજ આવ્યો એ જ સમયે હું તારા રૂમમાં આવ્યો હતો, પરંતુ તું બાથરૂમ ગયો હતો. પછી હું જોઈ રહ્યો હતો કે તું શું કરે છે, પરંતુ તેં મને નિરાશ કર્યો! એની વે, હવે રૂમમાં જઈ શાંતિથી સૂઈ જા, બી અ ગુડ બોય નાઉ!”

સર મારા માથા પર હાથ ફેરવીને બોલતા રહ્યા અને હું મોં પહોળું કરી એમને સાંભળતો જ રહ્યો! મને આ બધું કોઈ મૂવી જેવું લાગી રહ્યું હતું તે છતા પણ ખરેખર ખૂબ જ સારું લાગ્યું કે આ દુશ્મનોની ટોળીમાં એક જણ છે, જે મારી આટલી બધી કેર કરે છે અને મારા પર એમને આટલો બધો વિશ્વાસ છે. મારી આંખ ભીની થઈ ગઈ. સરનો હાથ પકડીને હું રૂમ સુધી આવ્યો તો રૂમમેટ્સ મારા સ્વાગત માટે ઊભા હતા! મને જોઈ એ બધાએ અંદર જવા માટે મને રસ્તો આપી દીધો! ‘સરના જવા પછી આ લોકો મને મારશે કે શું?’ની બીક સાથે હું અંદર ગયો. નિમેષ પોતાના બેડ પર ચત્તો સૂતો હતો. કડકાઈથી બધાને સૂવાની સૂચના આપી સર ચાલ્યા ગયા.

બેગમાંથી કપડા પેટીમાં નાંખી નાઈટસૂટ પહેરવા માટે હું બાથરૂમ ગયો. ઘણો કન્ફ્યુઝ હતો છતા સરની અન્ડરસ્ટેન્ડીંગથી મને થોડી રાહત તો થઈ જ હતી. બહાર નીકળ્યો તો બધા છોકરા બાથરૂમના દરવાજા પાસે ઊભા હતા! સૌથી આગળ ટેણિયો ઊભો હતો, એ મારી પાસે આવ્યો! હજી હું સિચ્યુએશનને સમજું એ પહેલાં તો એ મારી માફી માગવા લાગ્યો, “આશિષભાઈ, મને માફ કરી દો, હવે પછી હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું!”

એક પછી એક બધા જ પાસે આવી મારી માફી માગવા લાગ્યા! મારી નવાઈનો પાર ન રહ્યો, ‘આ ઉલ્ટી ગંગા કેમ વહેતી થઈ ગઈ?’ ઓહ, હવે સમજાયું! આ બધાને એમ લાગે છે કે મેં નિમેષને ખૂબ માર્યો છે, અને એ વિશે સરે પણ એમને કંઈ જણાવ્યું નથી. વેલ, જે હોય એ, પણ આ મારા ફાયદાની વાત હતી. મેં પણ જરા ભાવ ખાધો. હું જાણે બહુ મોટો માણસ હોઉં અને પરાણે એમને માફ કરતો હોઉં એમ ગરદન હલાવતો રહ્યો!

***

આજે મને બહુ સારી ઉંઘ આવી, થોડા ખરાબ વિચારો પણ આવ્યા અને એક ભયાનક સપનું પણ આવ્યું છતા રોજ કરતા આજે સારું લાગતું હતું. સવારે નિમેષના બેડ પર જ મારી પહેલી નજર પડી, બેડ ખાલી હતો. રાત્રે મને એ જ બીક લાગતી હતી કે એ ઉઠીને મને મારશે, પણ સુપરવાઈઝર સરને લીધે હવે થોડી હિંમત પણ આવી ગઈ હતી, એ કારણથી જ મને ઉંઘ આવી હતી.

***

બપોરે સુપરવાઈઝર સર મને પ્રિન્સીપાલ સરની ઓફિસમાં લઈ ગયા. પ્રિન્સીપાલ સરે મને એમની સામેની ખુરશીમાં બેસાડ્યો, મને શાબાશી આપી અને એક વિચિત્ર ન્યૂઝ આપ્યા, “આશિષ, યુ આર બ્રેવ બોય, તું તો બહુ તાકાતવાન છોકરો છે યાર! યુ નો, તેં નિમેષને લાત મારી એથી એનું શું થયું ખબર છે?” શું જવાબ આપું એ કન્ફ્યુઝનમાં મેં નકારમાં ગરદન હલાવી.

“નિમેષ કોમામાં ચાલ્યો ગયો છે! કોમા એટલે શું, એ કદાચ તું નહીં જાણતો હોય. એ જીવે તો છે પણ ડેડબોડીની જેમ! ન ખાઈ-પી શકે, ન ચાલી શકે, ન બોલી શકે! ફક્ત શ્વાસ જ લઈ શકશે! આ તો ઠીક છે, એની ભૂલ હતી અને તેં માર્યું બટ લિસન નાઉ, હવે પછી આ કિક કોઈ બીજા છોકરા પર અજમાવતો નહીં! નાઉ યુ મે ગો એન્ડ બી અ ગુડ બોય, ઓ.કે?”

સરની વાતમાં મને અડધી સમજ પડી, થોડી ન પડી, પણ સરે મને સીધી રીતે રહેવાની વોર્નિંગ આપી એ મને સમજાયું! ફાઈનલી હવે હું સરની નજરમાં પણ ખરાબ બની ગયો હતો! નિમેષના કોમાની વાત હોસ્ટેલમાં ફેલાઈ ગઈ, પછી તો બધા મને અજબ નજરે જોવા લાગ્યા! ‘આ પેલો જ છે ને?’ બધા મારા વિશે વાતો કરતા અને મને જોઈને વાત બંધ કરી દેતા. ક્લાસના અને રૂમના છોકરા તો ઠીક, મારાથી નાનો એક છોકરો, જે રોજ મારી જોઈ મીઠું મીઠું હસતો, એ પણ હવે મારાથી દૂર ભાગવા લાગ્યો! ગઈ રાતે બધાએ માફી માગી ત્યારે મને લાગ્યું હતું કે મારા સારા દિવસો આવી ગયા, પણ અહીં તો ઉલટું થઈ ગયું! હું બધા સાથે દોસ્તી કરવા માગુ છું, પણ બધા મારાથી દૂર ભાગે છે! આવું કેમ થઈ રહ્યું છે, એ મને ન સમજાયું.

છેલ્લા બે દિવસમાં મેં એક વાત નોટ કરી હતી કે હવે પહેલાંની જેમ મને કોઈ હેરાન નહોતું કરતું. પણ હવે હું એકલો પડી ગયો છું. આ એકલાપણું કરતા તો એ હેરાનગતિ સારી હતી! એટલીસ્ટ હેરાન કરીને પણ એ લોકો મારી હાજરીની યાદ અપાવતા હતા! હવે તો હું જાણે આ દુનિયામાં જીવું છું કે નહીં, એ વિશે પણ મને ડાઉટ જાય છે! ફાઈનલી હવે અહીં મારો કોઈ દુશ્મન નથી, અને કોઈ દોસ્ત પણ નથી! મને લાગે છે કે આ મારું બેડલક મારો પીછો નહીં જ છોડે!

***

ફાઈનલી આજે હું ઘરે આવી ગયો છું, પણ કોઈ આનંદ નથી થતો, ખબર નથી કેમ? કદાચ છેલ્લા સાડા ત્રણ મહિનાથી એકલા રહેવાની આદતને કારણે હું એકલવાયો બની ગયો છું! ફક્ત આસ્થાને મળવાની ખુશી હતી, પણ એ તો મને કોઈ અજાણ છોકરાને જોતી હોય એમ જોઈ રહી! મેં પણ વધુ માથાઝીંક ન કરી અને મારા રૂમમાં ભરાઈ ગયો. મમ્મી-પપ્પા લેવા માટે આવ્યા ત્યારે પણ મેં એ બંનેને બહુ ભાવ ન આપ્યો. વહાલના બદલામાં ફક્ત એક સ્માઈલ આપીને હું કારમાં બેસી ગયો. આ એ જ મમ્મી-પપ્પા હતાં, જે મને અહીં આ નરકમાં છોડી ગયાં હતાં! જેમને લાખ ફરિયાદ કરવા છતા પણ ફરીને આવ્યા ન હતાં! મને એ બંને પર ખૂબ જ ગુસ્સો આવે છે, એ બંને સાથે તો હું સીધી રીતે વાત પણ ન કરીશ. હા, આસ્થાને બરાબર વહાલ કરીશ, જો એ મને પોતાનો સમજે તો!

ક્રમશઃ..

મિત્રો, આ લઘુનવલ ગમે તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાની કૃપા કરશો.
9909652477
Fittersolly000@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED