દુશ્મન - 3 solly fitter દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુશ્મન - 3

દુશ્મન
પ્રકરણ - 3

ઘરમાં આસ્થા માટે નવી નવી વસ્તુઓ આવવા લાગી, પહેલાં રમકડાંનો ઢગલો થયો, થોડા દિવસ પછી વૉકર આવી. એને રમતા નથી આવડતું, ચાલતાં નથી આવડતું તો આ બધું લાવીને પપ્પા ખોટા પૈસા શું કામ બગાડતા હશે? એ ચાલતા શીખીને પણ શું વઘારી નાંખવાની હતી? મને સમજ નથી પડતી! મને બધું આવડે છે, તો મને કંઈ અપાવતા નથી અને જેને નથી આવડતું એને માટે પુષ્કળ રમકડાં! અત્યાર સુધીમાં ફક્ત એક જૂનું પુરાણું નાનું સ્કૂટર મારી પાસે હતું, એ પણ પપ્પા કોઈ દોસ્ત પાસેથી ઊંચકી લાવ્યા હતા! ખરેખર મમ્મી- પપ્પાને મારી કોઈ વેલ્યુ જ નથી! પણ તમે તો મને ઓળખો છો ને? હું સહેલાઈથી હાર માનું તેમ નથી! ત્રણ દિવસમાં દુશ્મનનાં આઠેક રમકડાં તો મેં તોડી નાંખ્યા હતાં, હવે મારો વિચાર વૉકરને નવરી પાડવાનો હતો, પણ એમાં મને પકડાઈ જવાની બીક હતી, કેમ કે આસ્થા રમકડાં તોડી શકે, પણ વૉકર તોડવાનું એનું ગજું નથી, એમાં મારૂં જ નામ આવે! એક-બે વાર વિચાર પણ આવ્યો કે એ વૉકરમાં ફરતી હોય, ત્યારે ધક્કો મારી દઉં! પણ પછી એ માંડી વાળ્યું, કારણ કે એનાં રડવાનાં અવાજથી મારા કાન પાકી જતા હતાં, અને બીજું એ કે ગમે તેવી એ મારી મમ્મીની દીકુ છે, એને વાગશે તો મમ્મી પણ રડશે એટલે એને ધક્કો નથી મારવું, જવા દો. હા, બીજી બધી રીતે હેરાન તો કરીશ જ, એમાં તો મને કોઈ રોકી શકે તેમ નથી, તમે પણ નહીં!

*~*~*~*~*~*

ચાર મહિના પછી-
આજે ફરી એક નવી વસ્તુ ઘરમાં આવી, એનાં માટે જ તો! ટ્રાયસીકલ.. જોરદાર છે યાર, મને જોતાં જ ગમી ગઈ, પણ બહુ જ નાની છે, પેલી દુશ્મનની છે એટલે હું મોં ચઢાવીને રૂમમાં ભરાઈ ગયો! પપ્પા મારી પાછળ આવ્યાં, “ આશુ, આ એક્ઝામમાં તું એકથી ત્રણ નંબર લાવશે તો તારા માટે નવી સાઈકલ લાવીશું બેટા!”

“ આસ્થાડી કઈ એક્ઝામમાં નંબર લાવી છે, તે તમે એને સાઈકલ અપાવી?” હું ખિજાઈને બોલ્યો.

“ એ તો હજી નાની છે, હવે એને પણ કંઈ નહીં મળે, આ છેલ્લું જ હતું! ઓકે.. પ્રોમિસ મી, તું આ નંબર લાવવા માટે ટ્રાય કરીશ?” આસ્થાડીનું આ છેલ્લું રમકડું હતું, એ સાંભળીને હું ખુશ થયો, પરંતુ મારી એક્ઝામને હજી ઘણી વાર હતી, એટલો ટાઈમ મારાથી થોભાય તેમ હતું નહીં! પપ્પાએ પ્રોમિસ માટે લાંબી કરેલી હથેળી પર હાથ મારતાં મેં સામું પ્રોમિસ માંગ્યું, “ નંબર તો હું લાવીશ, પણ સાઈકલ મને હમણાં જ અપાવો!”

“ ના બેટું, બસ એક દોઢ મહિનો જ છે, વેઈટ કરી લે, એકથી ત્રણમાં કોઈ પણ નંબર લાવીશ, તને ગિયરવાળી સાઈકલ અપાવીશ, બસ? ” પપ્પા સમજાવટનાં સૂરે બોલ્યાં, હું પણ માની ગયો! પણ બીજે જ દિવસે બાજુમાં રહેતાં ધીરેન પાસે નવીનક્કોર સાઈકલ જોઈને મારૂં પ્રોમિસ ડગમગી ગયું, એ સાઈકલ લઈને નીકળી ગયો, અને મને સાઈકલ જલ્દીથી મેળવવાનો ઉપાય પણ મળી ગયો!

“ અરે જયાબેન, શું તમે પણ પરીક્ષાનાં સમયે ધીરેનને સાઈકલ અપાવીને બેઠા? હવે જોજો, એ ભણવામાં ધ્યાન નહીં આપે!” મારી મમ્મીએ ધીરેનની મમ્મીને રીતસરનાં ખખડાવ્યા.

જયા આન્ટી માથે હાથ મારતાં બોલ્યાં, “ તો શું કરીએ? તમે જ કહો, આખો દિવસ મોબાઈલમાં જ ખૂંપેલો રહે છે, એનાં પપ્પાએ કંટાળીને આ સાઈકલ અપાવી છે કે જેથી એની આંખ ખરાબ ન થાય અને થોડા હાથ પગ છૂટા થાય, શરીરમાં ચુસ્તી રહે અને ભણવામાં પણ ધ્યાન આપે!” હું પણ મોબાઈલમાં ગેમ રમતો, મમ્મી સાંજે અડધો કલાક રમવા માટે મોબાઈલ આપતી.

હવે મમ્મી જ્યારે પણ આસ્થા સાથે ગુથ્થમગુથ્થી કરતી હોય એટલે હું મોબાઈલ લઈને બેસી જતો. મમ્મી કકળાટ કરવા લાગતી, હું ખુશ થતો રાહ જોતો હતો કે ક્યારે પપ્પા સુધી મારી ફરિયાદ પહોંચે અને મારી સાઈકલ આવે?

~~~
આજે મારી ફરિયાદ પપ્પા સુધી પહોંચી તો ગઈ, મેં પોતે સાંભળી હતી મમ્મીને કહેતાં! પરંતુ મારી સાઈકલ હજી આવતી ન હતી, મને અકળામણ થઈ રહી હતી. એવું લાગતું હતું કે મારા તોફાન ધીરેન કરતાં ઓછા છે, અથવા મારા મમ્મી-પપ્પા ધીરેનના મમ્મી-પપ્પાથી વધારે કંજૂસ છે! પહેલી શક્યતા વધારે હતી, કારણ કે ધીરેન જેટલો માર હું ખાતો નહોતો, એને તો લગભગ દરરોજ જ મેથીપાક મળતો! તો ચાલો, હું પણ એની જેટલો તોફાની બની જાઉં! ઘરમાં મેં મોબાઈલવાળું ચાલુ રાખ્યું અને સ્કૂલ-ટ્યુશનમાં છોકરાઓને હેરાન કરવાનું શરૂ કર્યું! થોડાક જ દિવસોમાં પપ્પા સામે મારી ફરિયાદોનો ઢગલો થઈ ગયો, હવે સાઈકલ આવવાની તૈયારીમાં જ હતી!

થોડા દિવસ પહેલાં મારી ક્લાસમાં હું સૌથી ડાહ્યો ડમરો છોકરો ગણાતો, એ વાત અલગ છે કે મિસે ક્યારેય મારા વખાણ કર્યાં નહોતાં, કદાચ એમને મારી ખૂબીઓ ક્યારેય દેખાઈ નહોતી, પણ હવે મારા તોફાન બહુ જલ્દી દેખાઈ ગયા! જે હોય તે, મારા ફાયદાની જ વાત હતી! પપ્પા અને મમ્મીએ વારાફરતી અને એકસાથે શાંતિથી અને ગુસ્સાથી બંને રીતે મને સમજાવ્યો, મેં પણ બધી વાતોમાં હા એ હા કરી રાખી, બીજી તરફ મારૂં કામ પણ ચાલું રાખ્યું! હા, એક ખાસ વાત કહું? મેં જાણીજોઈને ફરી સાઈકલની માંગણી નહીં કરી, અરે મારો આખો પ્લાન ખુલ્લો પડી જાય યાર! હું ચાહતો હતો કે એ લોકો પણ ધીરેનનાં મમ્મી- પપ્પાની જેમ કંટાળીને મને સાઈકલ લાવી આપે, ત્યાં સુધી મારા શાંત થવાનો સવાલ જ નહોતો! ફક્ત દેખાડા પૂરતું ઘરમાં ડાહ્યો બનીને રહેતો, આસ્થાડી સાથે જુઠ્ઠુ જુઠ્ઠુ રમતો, એ ઘૂંટણિયે પડીને રમતી થઈ ગઈ હતી. ક્યારેક ચાન્સ મળતો ત્યારે એને હેરાન પણ કરતો, જે રમકડું એને ગમતું હોય, એ જ તોડી નાંખુ એટલે એનો ભેંકડો ચાલુ! કોઈ વાર ચીમટો પણ ભરી લેતો, એ રડતી.. તો મમ્મી ઊલટું એને ઉલ્લું બનાવતી, “ જો-જો દીકુ, કીડી મરી ગઈ!” કીડી તો શું એનું બચ્ચું પણ ત્યાં ન હોય! બોબડી આસ્થા મમ્મી જ્યાં આંગળી બતાવે ત્યાં રડવું ભૂલીને જોયા જ કરે. મને હસવું આવતું, પણ હું મહામહેનતે ચૂપ રહેતો!

~~~~~~~~~~~~~~~~

આ વખતે ફરીયાદ મોટી આવી હતી, મેં ટયુશનમાં ધીરજને માર્યું, મારાથી ભૂલથી એની આંખ પાસે વાગી ગયું! ટયુશનમાં તો માર પડ્યો, ઉપરથી એ એનાં મમ્મી પપ્પાને લઈને મારા ઘરે લડવા માટે આવ્યો, મમ્મીએ એ લોકોની સામે જ મને પીઠ પર બે ધબ્બા માર્યાં! મારે તે છોકરાની માફી માગવી પડી તે અલગ!

નવ વાગ્યે પપ્પા ઘરે આવ્યા, મમ્મીએ તે લોકોથી પણ વધુ જોરશોરથી મારી ફરીયાદ એમની સામે કરી, “ આપણે આશુનું શું કરીએ હવે? હું તો આ રોજેરોજની એની ધમાલથી કંટાળી ગઈ છું! કેટલાંને જવાબ આપું? કેટલાંની માફી માગુ? તમે તો સવારથી સાંજ ઓફિસે હોવ છો, તમને શું ખબર તમારા ટેણકાનાં પરાક્રમ? એક દિવસ ઘરે રહો તો ખબર પડે તમને! ખબર નહીં, શું થાય છે એને કે કોઈ વાત સમજવા જ નથી માંગતો?” મારી તરફ આંગળી બતાવીને મમ્મી ગુસ્સામાં ધ્રૂજી રહી હતી!

“ આશુ, આ હું સાંભળી રહ્યો છું? શું થયું છે તને? કેમ આવો થઈ ગયો છે તું? શું જોઈએ છે તને? કોઈને મારવાથી તને શું મળે છે?” પપ્પાનાં સવાલોનાં જથ્થામાં ત્રીજો સવાલ મારા મતલબનો હતો, એક પળ માટે થયું કે બોલી દઉં, ‘સાયકલ માટે’, પરંતુ મારૂં મન એ કહેવા માટે મને ના કહેતું હતું, એવું લાગ્યું કે હું એ બોલીશ તો મને જોરદાર માર પડશે! પપ્પા કહેશે, ‘ બેવકૂફ, એક્ઝામ પછી સાયકલ અપાવવાનું તને કહ્યું જ તો છે, તો પછી આટલી બધી ધમાલ શા માટે કરી?’ હું માથું નમાવીને ચૂપચાપ ઊભો રહ્યો, ફક્ત સોરી બોલ્યો! વેલ.. મને એટલું સમજાઈ ગયું કે મારા પપ્પા આ બધી ધમાલથી કંટાળીને મને સાઈકલ નહીં જ અપાવે, એ માટે હવે મારે એક્ઝામમાં મહેનત કરીને પહેલાં ત્રણ નંબરમાં આવવું જ પડશે!

હું ખરેખર ડાહ્યો ડમરો થઈ એક્ઝામની તૈયારીમાં લાગી ગયો, પરંતુ આજે પેલાં સરફૂએ મને સામેથી છેડ્યો, હું લડાઈ કરવા માગતો નહોતો, પણ એણે વર્તુળની અણી મારા હાથમાં ભોંકી. મારૂં મગજ ગયું, મારા હાથમાં સ્ટીલની ફૂટપટ્ટી હતી, મેં ફટાક દઈને એનાં મોં પર મારી દીધી, એનો ગાલ અને હોઠ ફાટી ગયાં! લોહી નીકળતું જોઈ હું પણ ગભરાઈ ગયો. મિસ આવ્યાં, મને પ્રિન્સિપાલ પાસે લઈ ગયાં, પપ્પાને ફોન કર્યો. અડધો કલાકમાં પપ્પાએ મમ્મી સાથે ઓફિસમાં પગ મૂક્યો. પ્રિન્સિપાલ સરે બંનેને બેસવા માટે ખુરશી તરફ ઈશારો કર્યો, મને ક્લાસમાંથી બેગ લઈ આવવાનું કહ્યું.

“ જુઓ મિસ્ટર દેસાઈ, આપની લાગણી હું સમજું છું, દરેક વાલીની પોતાનાં સંતાન પ્રત્યે આ જ લાગણી હોય છે, અને હોવી જ જોઈએ, પરંતુ અમારી પણ જવાબદારી છે, અહીંયા અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થી પ્રત્યે. આપનું બાળક કોઈ ટીચરનું કંઈ પણ સાંભળતો નથી, દિવસે દિવસે એનાં તોફાન વધતાં જાય છે, આપને વારંવાર ફરિયાદો કરવા છતાં એની હરકતોમાં કોઈ જ ફરક નથી પડ્યો, આજે એણે એક છોકરાને ફૂટપટ્ટી મારી, કાલે બીજું કંઈ મારશે, અમારે કઈ રીતે અને કેટલું એનું ધ્યાન રાખવું? નાછૂટકે અમારે એને રેસ્ટીકેટ કરવો જ પડશે!” સરે મને પુછ્યું પણ નહીં કે શું થયું હતું અને મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો!

ઘરે આવીને પપ્પાએ મને એક શબ્દ પણ ન કહ્યો, મમ્મી મને ખૂબ જ ખિજાઈ, મેં મારો બચાવ કર્યો, જે થયું હતું તે બધું જ કહ્યું. પરંતુ મમ્મી મારી વાત માનવા તૈયાર જ ન થઈ, મેં પપ્પા સામે જોયું, હું ચાહતો હતો કે પપ્પા મારા ફેવરમાં કંઈક બોલે, પણ પપ્પા લમણે હાથ દઈને બેસી રહ્યા, ઘણી બધી વાર પછી અચાનક બોલ્યા, “ આશુ બેટા, તને અમારાથી દૂર કરતા જીવ નથી ચાલતો, પણ તું ખૂબ બગડી ગયો છે. નાછૂટકે અમારે તને હોસ્ટેલમાં મૂકવો પડશે!” મને એક ઝટકો લાગ્યો, આ હોસ્ટેલની વાત વચ્ચે ક્યાં આવી? એક સ્કૂલ પર સિક્કો થોડો માર્યો છે કંઈ? કદાચ પપ્પાને પણ મને ઘરથી દૂર મોકલવા માટે બહાનું જોઈતું જ હશે, નહીં?

ચાલો, એક રીતે સારૂં છે, એ લોકો મને પ્યાર નથી કરતાં, આસ્થાનાં આવ્યા પછી તો બિલકુલ જ નથી કરતાં! મારી વાત નથી સમજતાં, તો આ ઘરમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. સારૂં છે, હોસ્ટેલમાં મને નવા મિત્રો, નવા ટીચર્સ મળશે. જે લોકો મારા બનાવટી તોફાનોથી અજાણ્યા છે, એવા લોકો તો મળશે. ત્યાં હું મારા અસ્સલ સ્વભાવમાં ડાહ્યો-ડમરો બનીને રહીશ. બધા સાથે હળીમળીને, હવેથી તોફાન બંધ! આઈ પ્રોમિસ યુ ઓલ.

-ક્રમશઃ…

મિત્રો, આ લઘુનવલ વિશે આપનો મહામૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.
Email-Fittersolly000@gmail.com
Call - 8200267858
Whatsapp - 9909652477