Dushman - 10 books and stories free download online pdf in Gujarati

દુશ્મન - 10


પ્રકરણ - 10

“સર, આકૃતિ?” આઈ.સી.યુ. થી બહાર નીકળતા ડૉક્ટર પાસે આસ્થા સૌથી પહેલી દોડી ગઈ. આકુનાં મમ્મી-પપ્પા અને મારા પેરેન્ટ્સ પણ આસ્થાની પાછળ જઈ ડૉક્ટરને ઘેરી વળ્યા. સૌથી વધુ ખરાબ હાલત મારી હતી. શું કરવું, શું બોલવું, કંઈ સમજાતું ન હતું! બધાને દોડતા જોઈ મને પણ મન થયું હતું કે હું પણ આકુની ખબર પૂછવા ઊભો થાઉં, પણ પગમાં જાણે જીવ જ રહ્યો ન હતો. એનાં એક્સીડેન્ટ સમયે મારી હાજરી ન હોવાનો અફસોસ, આઈ.સી.યુ. માં જીવન-મરણ વચ્ચે એ ઝોલા ખાઈ રહી હતી ત્યારે કંઈ ન કરી શકવાની બેબસી અને લાચારીએ મને પોક મૂકી રડવા માટે મજબૂર કર્યો. ખરેખર હું રડવા માગતો ન હતો પણ મારું દિલ, આંખો અને આખી બોડી મારા કંટ્રોલમાં ન હતા. ઈવન મને ભાન પણ ન હતું કે હું શું કરી રહ્યો છું?

“ડૉક્ટર, પૈસાની ચિંતા ન કરશો. આકૃતિને કંઈ થવું ન જોઈએ, બસ!” પપ્પાનો અવાજ સાંભળી મારું રૂદન થોડું ધીમું પડ્યું હતું. પપ્પાની આકુ પ્રત્યેની આ લાગણી મને ગમી. મારા પગમાં થોડું જોમ પણ આવ્યું.

“આઈ નોવ મિસ્ટર દેસાઈ, અમે અમારાથી બનતી કોશિશ કરી છે. હવેનું કામ તમારી પ્રાર્થનાઓ કરશે. છોકરીને મગજના ભાગે ભયંકર માર લાગ્યો છે. એટલીસ્ટ અડતાલીસ કલાક તો એ ડેન્જરસ ઝોનમાં છે જ! નાઉ જસ્ટ પ્રેય ટુ અલમાઈટી ગોડ.” ડૉક્ટરનો અવાજ સાંભળી ઊભા થવા માગતા મારા પગ ફરીથી બેસી ગયા.

બે મહિના પછી ડાયરીનું આ પેજ લખતી વખતે પણ આકુની એ હાલત યાદ કરી મારા હાથ કાંપી રહ્યા છે. લગભગ ચુમાલીસ કલાક અને બાવીસ મિનિટે આકુ હોશમાં આવી અને આઉટ ઓફ ડેન્જર જાહેર કરવામાં આવી એ પછી બધાનો જીવ હેઠો બેઠો હતો. ત્યાર પછી નાસ્તો-પાણી થયા. કટોકટીના કલાકો પપ્પાએ આકુના પપ્પાને અને મમ્મીએ એની મમ્મીને ફક્ત ઔપચારિક અને હિંમતસભર વાતો કરવામાં જ વીતાવ્યા હતાં. એ પછી ખરેખરો પરિચયનો દૌર શરૂ થયો હતો. એના પપ્પાના જ શબ્દોમાં કહું તો, “તમારા દિકરાને આટલો નિઢાલ જોઈ મને પણ આશ્ચર્ય થયું હતું કે મારી દિકરી સાથે આટલી ગાઢ લાગણી ધરાવનાર આ છોકરો છે કોણ? વેલ, મને આનંદ થયો કે આકૃતિએ સરસ મિત્ર પસંદ કર્યો છે!” આકુના હોશમાં આવ્યા પછી એમના રમૂજી સ્વભાવે ઉછાળો માર્યો હતો. એમના શબ્દો શાલીન હતા પણ આંખોમાં મસ્તી ભરી હતી! મને ખરેખર હવે એમની સામે બેસવામાં શરમ આવી રહી હતી!

આકુને બે મહિના સખત આરામની તાકીદ હતી. સવારે નાસ્તો અનાહિતા આન્ટી કરાવતા પણ લંચ તો એ મારા હાથોથી જ કરતી હતી. મને એનાં ઘરમાં અને રૂમમાં આવનજાવન માટે વણલખ્યો અધિકાર મળી ગયો હતો. હું બેધડક ગમે તે સમયે એનાં રૂમમાં ઘૂસી જતો. ઈવન એક વાત તો મને આજે સમજાય છે કે મને એ લોકોએ એટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે ઘણી વખત હું રૂમમાં એન્ટ્રી કરું તો અનાહિતા આન્ટી પણ ઉઠીને કિચનમાં ચાલ્યા જતા. આશિષ અંકલ (એમને કયા નામે સંબોધન કરવું? આ મૂંઝવણ હજી પણ અકબંધ છે!) તો સન-ડે જ ઘરે હોય. તેઓ આકુનાં રૂમમાં ભાગ્યે આવતા. મારી હાજરીમાં તો એક પણ વાર નથી આવ્યા! વેલ, અમારી દોસ્તી અને આ સંબંધ પર બંને પરિવારની સ્વીકૃતિની મહોર લાગી ગઈ હતી. આકુનો એક મોટો ભાઈ છે આકાશ. એ અમેરિકા ભણવા માટે ગયો છે. એક વાર મારી સાથે પણ વિડીયો કોલથી વાત થઈ છે. વાત તો એણે સીધી સાદી રીતે કરી પણ એમાં ઈન્ટરવ્યુ જેવું મને વધુ ફિલ થયું. એની આંખોના ભાવ પણ કંઈક અજબ જેવા દેખાતા હતા, વિડીયો ક્લીયર ન હશે કદાચ અથવા નેટ સ્લો ચાલતું હશે! એ કારણે હું આકાશની આંખો વાંચી ન શક્યો પરંતુ એમાં કંઈક તો એવું હતું મારા માટે, જે ન હોવું જોઈએ!

***

મોપેડ શીખ્યા પછી ઓવર કોન્ફિડન્ટ આકુ મેડમ એકલા લઈ નીકળી પડ્યા અને વરસાદને કારણે મોપેડ સ્લીપ થયું. સજા રૂપે બે મહિનાની પલંગતોડ સજા મળી. રિક્વરી ફાસ્ટ હતી. ઘા તો ક્યારના ભરાઈ ચૂક્યા હતા પરંતુ માથામાં ક્યારેક સણકા ઉઠતા એ પીડા અસહ્ય હતી. અમને ભય હતો કે આ તકલીફ આજીવન તો ન રહે ને? પણ ડૉક્ટરે બાંહેધરી આપી હતી કે સમય બધું ઠીક કરી દેશે. આકુ મને કહેતી કે, “તું સાથે છે તો બધું સારું થઈ જશે.” આ મારા માટે મોટો રિવોર્ડ હતો.

એક છોકરો- જેને મા-બાપે કોઈ મહત્વ નહોતું આપ્યું, જે સંપૂર્ણ આત્મવિશ્વાસ ખોઈ ચૂક્યો હતો, હોસ્ટેલના સુપરવાઈઝર સરે અડધી રાત્રે પકડીને એની તરફ સહાનુભૂતિ ન જતાવી હોત તો એ છોકરો કદાચ ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ ગયો હોત! એ પછી પણ કાયમ નિરાશાની મૂર્તિ બનીને જીવતા એ છોકરામાં વેલ એજ્યુકેટેડ ફેમિલીની એક છોકરીએ એનામાં આત્મવિશ્વાસ જગાવ્યો, એને જીવતા શીખવ્યું, નાશ પામવાને આરે પહોંચેલા એના પારિવારિક સંબંધોને ફરીથી જીવંત કર્યા, એક બહેનને એનો ભાઈ અને મા-બાપને દિકરા સાથે મેળવવા જેવું મહાન કાર્ય કર્યા છતા આકુ એની લાઈફમાં મને વધુ ક્રેડિટ આપી રહી હતી! આઈ એમ સરપ્રાઈઝડ! ઈઝ શી લવ મી લોટ્સ? એ જાણવા તો મારે એને ખોતરવી પડશે, અત્યારે નહીં, એકદમ સાજી થઈ જાય પછી!

***

“ના, એ સાથે ન જોઈએ. તારા ફ્રેન્ડને અત્યારે બાજુએ રાખ. આપણી ફેમિલીના દરેક કામમાં એની હાજરી જરૂરી નથી, અન્ડરસ્ટેન્ડ? દોસ્ત છે, દોસ્તી સુધી ઠીક છે, એ ઈડીયટને ફેમિલી મેમ્બર બનાવવાની ટ્રાય ન કર, ઓ.કે.?” ફોનના લાઉડસ્પીકરથી રેલાતા આકાશના કડક ઠપકાભર્યા અવાજે મારા પગને દરવાજા પાસે જ થંભાવી દીધા! પાછા વળી જવાનો વિચાર થયો પણ આકુનું રિએક્શન જોવાનો લોભ જતો ન કરી શક્યો. દરવાજાને હળવેથી થોડો અંદર ધકેલી અંદર જોયું તો એ ત્રાંસી બેઠી હતી. એની આંખમાં અવિશ્વાસ છવાયો હતો. કદાચ એને આકાશથી આ અપેક્ષા ન હતી. અવિશ્વાસની હદ તો એ હતી કે એ વળતો પ્રશ્ન કે દલીલ કરવાનું પણ વિસરી ગઈ હતી! ત્યાં સુધી ફોન સામેથી કટ થઈ ચૂક્યો હતો, છતા એ હજી પણ એ જ દૃષ્ટિથી ફોન સામે તાકી રહી હતી.

“આકુ સોરી યાર, હું પરમ દિવસે એરપોર્ટ નહીં આવી શકું! એક્ચ્યુલી મારે મમ્મીને ચેકઅપ કરાવવા માટે લઈ જવું પડશે અને એ ડૉક્ટર સેટર-ડે જ મળે એમ છે. સોરી યાર.” તદ્દન અજાણ બની મને ‘ના’ કહેવાની કન્ફ્યુઝનથી મેં એને ઉગારવાની કોશિશ કરી. એન્ડ ઈટ વર્ક્સ!

“ઓહ! હા, એ કામ પહેલું. તારે મોમને તો પ્રાયોરીટી આપવી જ જોઈએ. ઈવન તેં મારો એક પ્રોબ્લેમ સોલ્વ કરી નાંખ્યો એ માટે થેંક્સ. હવે એ ન પૂછતો કે પ્રોબ્લેમ શું હતો, અને હું કહેવાની પણ નથી! બટ આન્ટીને થયું છે શું?” આકુ હળવીફૂલ થઈ ગઈ એ જોઈ મને પણ રાહત થઈ, છતા એની આંખોમાં પેલો અવિશ્વાસ અને આકાશની વિચારધારા પ્રત્યેનો અણગમો સાફ ડોકાતો હતો! એનાં છેલ્લા સવાલથી હું જરા થોથવાયો છતા જવાબ ગોઠવી કાઢ્યો, “એમને કમર અને ઘૂંટણમાં બહુ પેઈન થાય છે!”

“ઓહ, ટેક કેર ઓફ હર.” કહેતી એ રૂટીન સ્ટડીમાં વળગી ગઈ. હું એની બાકી રહેલી નોટ્સ તૈયાર કરવા લાગ્યો.

***

આકાશનો સામનો કરવાની ઈચ્છા થતી ન હતી પરંતુ ગઈકાલે મળેલા રિઝલ્ટની માર્કશીટ એને પહોંચાડવી જ પડે એમ હતી. ઉતાવળે એનાં ઘરે પહોંચી તો ગયો પણ દરવાજા સુધી પહોંચતા પગમાં ભાર વર્તાવા લાગ્યો. ખબર નહીં, આકાશ કેવું વર્તન કરશે? એ ટેન્શનમાં બેલ પર આંગળી દબાઈ ગઈ!

“અરે આશુ, આજે બેલ કેમ? તને ખબર તો છે, આ દરવાજો કઈ રીતે ખૂલે છે! અને આજે હું તારી ખબર લેવાની છું, ઘણા દિવસથી તું દેખાતો કેમ નથી?” અનાહિતા આન્ટીએ આશ્ચર્ય વ્યક્ત કરી પ્રેમથી મને ખખડાવી નાંખ્યો.

“ઓહ, એક્ચ્યુલી હું જરા ટેન્સ હતો સો.. અને ઘણો બીઝી હતો, એ કારણે આ તરફ ન આવી શક્યો! જોકે આકુ સાથે ફોન પર વાત થતી હતી. તમારી ખબર અંતર મળ્યા કરતી હતી. બાય ધ વે, આ રહી આકુની માર્કશીટ. ત્રણ મહિનાની એપ્શન્સથી ફક્ત મેથ્સ પર ઈફેક્ટ પડી છે, બાકી ઓલ ઈઝ વેલ.”

“થેંકયુ માય ડીયર. ઈટ્સ ઓલ અબાઉટ યુ. તેં એની પાછળ મેહનત ન કરી હોત તો આકુ ફેઈલ જ થઈ હોત!” આન્ટીએ ગદગદ થઈ મને હગ કર્યું. મારો આત્મવિશ્વાસ આકાશને આંબવાની તૈયારીમાં હતો, પણ ઉપરના મજલેથી આકાશને ઉતરતો જોઈ ફરીથી પાણીમાં બેસી ગયો.

“હેય બડી, યુ આર આશુ, રાઈટ? આકુ કહેતી હતી કે તું બીઝી હતો એ કારણે એરપોર્ટ પર મને રિસીવ કરવા ન આવ્યો. એની વે, તું સારો છોકરો દેખાય છે, જેટલો ફોનમાં દેખાતો હતો એથી પણ વધુ સારો! મારી સિસ્ટરની હેલ્પ કરવા માટે થેંક્સ.” આકાશે હેન્ડશેક કરી મારો હાથ બેથી ત્રણ વાર હલાવી નાંખ્યો. એની ધારદાર તીક્ષ્ણ આંખો એકટક મારી આંખો પર તકાયેલી હતી. એની આંખો અને શબ્દો વચ્ચે એક અજીબ વિરોધાભાસ દેખાઈ રહ્યો હતો. મને અંદરથી અવાજ આવ્યો કે આ માણસ કોઈ પણ રીતે મને હેરાન કરશે. એનાથી બચીને રહેજે.

“એની વે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ મિટ સમ ફ્રેન્ડ્સ. તું સાંજે મિડલ પોઈન્ટ આવ, આપણે શાંતિથી મળીએ.” ઝડપથી બોલતો એ બહાર નીકળી ગયો. હવે બચવાની કોઈ શક્યતા ન હતી. સાંજની મુલાકાતની ચિંતામાં હું આકુને મળવાનું પણ ભૂલી જઈ બહાર નીકળી ગયો!

ક્રમશઃ..


મિત્રો, આ લઘુનવલ ગમે તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાની કૃપા કરશો.

9909652477

Fittersolly000@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED