dushman - 5 books and stories free download online pdf in Gujarati

દુશ્મન - 5


દુશ્મન

પ્રકરણ – 5

નિમેષના આવવાથી મને થોડી રાહત થઈ હતી, તે એક જ મિનિટમાં ગાયબ થઈ ગઈ! હું અવાક થઈ બધાનાં મોં જોવા લાગ્યો, મને બાઘો બનેલો જોઈ નિમેષ જોર જોરથી હસવા લાગ્યો અને પેલાં બધા છોકરાઓ, જે ચૂપ થઈ ગયા હતા તે બધા એની સાથે હસવા લાગ્યાં! મારૂં રડવાનું ફરી બહાર આવી ગયું, અને આ વખતે રડવાનો અવાજ પણ વધી ગયો, બિલકુલ આસ્થાનાં ભેંકડાની જેમ મેં પણ ભેંકડો તાણ્યો! શું કરૂં, રડવું રોકાયું જ નહીં! મારા ભેંકડાથી ગભરાઈને નિમેષ પાસે આવ્યો અને મારી ચડ્ડી ફરી ઉપર ચઢાવી દીધી, પણ મારો ભેંકડો બંધ ન થયો! અવાજ એટલો મોટો થઈ ગયો કે સુપરવાઈઝર સર ફરી રૂમમાં આવ્યાં, “શું થયું આશિષ?”

“અરે સર, આ તો વગર કારણે રડવા લાગે છે, હજી તો હું આ બધા સાથે વાત કરતો હતો ત્યાં તો આ ફરી રડવા લાગ્યો! ક્યારનો એને છાનો રાખવાની ટ્રાય કરૂં છું પણ ચૂપ જ નથી થઈ રહ્યો, કંઈ બોલતો પણ નથી કે શું થયું? મને લાગે છે સર, એને ઘર બહુ યાદ આવે છે!” હું બોલવાની હાલતમાં નહોતો એનો લાભ લઈ નિમેષે સરને પટ્ટી પઢાવી!

મારા ગળામાંથી માંડ શબ્દો નિકળ્યા, “ના.. ના સર.. ના સર.. આણે મારી હાફપેન્ટ ઉતારી નાખી’તી!”

“અરે સર, એની હાફપેન્ટ તો બરાબર છે, જુઓ!” નિમેષે કહ્યું અને બધાં છોકરાં હસવા લાગ્યાં અને મારૂં અટકેલુ રડવું ફરી શરૂ થઈ ગયું! સર મારી પાસે આવ્યાં અને બરડે હાથ પસવારતાં બોલ્યા, “આશિષ બેટા, નવું છે એટલે થોડા દિવસ ઘર યાદ આવશે, થોડા સમય પછી તને અહીં ગમી જશે! ઓકે બેટા, ચાલ રડતો નહીં હવે હા, ચાલો એય બધાં શાંતિથી તોફાન કર્યા વિના સૂઈ જાવ તો!” પત્યું! આ લોકોએ સરને ઊંધે પાટે ચઢાવી દીધાં, હવે હું સરને ફરિયાદ કરૂં તો પણ તેઓ એમ જ માનશે કે મને ઘર યાદ આવે છે! બધા પોતપોતાના બેડ પર ચઢી ગયાં, સર લાઈટ બંધ કરી બહાર જતાં ફરી એકવાર શાંત રહેવાની વોર્નિંગ આપતાં ગયાં, સરના અવાજમાં કંઈક જાદુ હતો અથવા એ લોકોને મારી દયા આવી ગઈ હશે! પણ એ પછી બધા સૂઈ ગયાં, એક મારા સિવાય! મને વારે વારે રડવું આવી જતું હતું, અરે, બે વાર તો રડતાં રડતાં આંખ ખૂલી ગઈ ત્યારે ખબર પડી કે હું ઊંઘમાં રડતો હતો!

હું કોઈ સાથે માથાકૂટ કરીશ તો કોઈ મને હેરાન કરશે, એ કારણે મારા કલાસમાં કે રૂમમાં છોકરાઓ જે કંઈ કહે તે માની લેતો, છતાં તેઓની હેરાનગતિમાં કોઈ ફરક ન પડ્યો, મારા દિવસ-રાત રડતાં રડતાં પસાર થવા લાગ્યાં, મસ્તી, રમવું-કૂદવું, તોફાન, જીદ આ બધું કોને કહેવાય.. હું ભૂલી ચૂક્યો હતો! એક-બે વાર પ્રિન્સીપાલ સરને ફરિયાદ કરવાનો વિચાર કર્યો, પણ બીજો વિચાર એ પણ આવ્યો કે આ છોકરાઓ એમને પણ ઊંધે પાટે ચઢાવી દેશે! ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી! એક ચાન્સ હતો હજી, પપ્પા-મમ્મી સન-ડે આવવાનાં હતાં, ત્યારે બધી ફરિયાદ કરી દઈશ! એટલું રડીશ કે મમ્મીને મારી પર દયા આવી જાય અને મને ફરીથી ઘરે લઈ જાય. હું અહીં નથી રહેવા માંગતો, આ લોકો મને બહુ હેરાન કરે છે, બધું જ કહી દઈશ! ફોન કર્યો હતો ત્યારે થોડું કહ્યું હતું, પણ પપ્પાએ પુરૂં બોલવા જ ક્યાં દીધું? થોડી વાત મારી સાંભળી હોત તો એમને પણ ખબર તો પડત કે એમના આશુના રાત-દિવસ કેવાં નીકળે છે? બસ એટલું કહી દીધું કે સનડે આવીએ ત્યારે વાત કરીશું! બીજાં છોકરાઓનાં મમ્મી-પપ્પા કેવી તેમની વાત સાંભળે છે? મારી બાજુમાં રહેતો ધીરેન કેટલો તોફાની છે, તો પણ એના પપ્પા એની બધી જીદ પૂરી કરે જ છે ને? એની મમ્મી પણ એને કેટલું બધું વહાલ કરે છે? એક મારા મમ્મી છે, મને વહાલ કરતાં હોત તો અહીં આ જેલમાં થોડા મૂકીને ચાલ્યા જાત? અને પપ્પા, આજ સુધી એકપણ જીદ પૂરી નથી કરી મારી એમણે! ખાલી થોડા વહાલથી છ વર્ષના છોકરાનું પેટ ભરાઈ જાય કંઈ? રમવા માટે કંઈ તો જોઈએ ને? આ બધા છોકરાઓએ પણ મારી જેમ સાઈકલ માટે તોફાન કર્યું હશે કે શું? એટલે જ એ લોકોને એમના મમ્મી-પપ્પા અહીં મૂકીને ચાલ્યા ગયાં હોવા જોઈએ! પણ આ લોકો તો બહુ જ ડેન્જર છે, મારૂં તોફાન તો આ લોકોનાં તોફાન સામે કંઈ જ નથી, એક સાઈકલ જ તો માંગી હતી મેં બસ! એના ચક્કરમાં આ જેલમાં ફસાઈ ગયો! જલ્દી આવ સનડે, મારે ઘરે જવું છે!

~~~~~~~~~~~~~~~

આજે તો બધું જોર લગાવી જ દેવું છે, પપ્પાને પટાવી જ લેવા પડશે, ના, મમ્મીને પટાવવી પડશે, પપ્પા ઝટ પટે એવા નથી! અરે.. એમાં પટાવવા જેવું કંઈ છે જ નહીં, બધું સાચું સાચું જ કહેવું છે. મારાથી આ જગ્યાએ ન રહેવાય, તમને તો બધું ખબર છે કે આ છોકરાઓ મને કેટલું બધું હેરાન કરે છે? ખાવાનું પૂરતું નથી મળતું મને, ખાતી વખતે, સૂતી વખતે, નહાતી વખતે. દરેક જગ્યાએ આ કૂતરાઓ મને હેરાન કરવાનું ચૂકતા નથી. એક ફક્ત ક્લાસમાં સર ભણાવતાં હોય એટલી વાર મને જરા શાંતિ રહે છે, પરંતુ એ સમયે મને ઊંઘ આવી જાય છે! કારણ કે રાત્રે તો આ લોકોની બીકથી વારેઘડીએ મારી આંખ ખૂલી જાય છે, એટલે ક્લાસમાં ઊંઘ આવે જ ને? ત્રણ વાર એ માટે મિસની સોટી ખાવી પડી! મિસ ક્લાસથી બહાર જાય એટલે પેલું ટેણિયું હેરાન કરવા માટે તૈયાર જ હોય! રડી રડીને મારી હાલત ખરાબ થઈ ગઈ છે, કેટલીક વાર ઊંઘમાં એકી થઈ જાય છે, મમ્મીને આ બધું કહીશ એટલે મમ્મી માની જશે સો ટકા! અને મને ખાતરી છે કે એ પપ્પાને પણ મને આ નરકમાંથી લઈ જવા માટે મનાવી લેશે! હા, આને જ તો નરક કહેવાય! ઘણીવાર મમ્મી મને સ્વર્ગ નરકની વાર્તા કહેતી, એમાં નરકની જે વાતો કરતી, તે બિલકુલ આ જગ્યાને મળતી આવે છે, અને અહીં આવ્યાં પછી તો મારૂં ઘર મને સ્વર્ગ જેવું લાગે છે, સાચ્ચે જ!

~~~~~~~~~~~~~

પેલું કહે છે ને તેમ, ‘મારાં સપના તૂટી ગયાં!’ મેં કરેલ ફરિયાદો અને મારા એકધાર્યા રડવાથી મમ્મીની સાથે પપ્પા પણ પીગળી ગયા હતાં! તમે કહેશો, તો હવે શું કામ રડે છે? બંને માની ગયાં હતાં તો એમની સાથે ઘરે ચાલ્યા જવું હતું ને? મારે તો ઘરે ચાલ્યા જ જવું હતું અને તેઓ બંને માની પણ ગયાં હતાં, પણ પપ્પાનું કહેવું એમ હતું કે મારી જૂની સ્કૂલમાં મને અત્યારે એડમીશન નહીં મળે, તો એક્ઝામ સુધી મારે અહીં રહેવું જ પડશે! મારૂં અટકી ગયેલ રડવું વધુ જોરથી ભેંકડો બનીને બહાર નીકળ્યું હતું અને આખી ઓફિસ ગજવી નાંખી હતી મેં! આસ્થા શું રડે, એથી ડબલ જોરથી રડ્યો હતો હું! વરસ ન બગડે એવું બહાનું કાઢીને મમ્મી-પપ્પા બંને મને ફરીથી આ નરકમાં છોડીને આસ્થાને ઘરે લઈ ચાલ્યા ગયાં! એ બંનેને મારી તકલીફ ન દેખાઈ, સ્કૂલના એડમીશનની તકલીફ દેખાઈ ગઈ? હવે હું એ બંને સાથે વાત જ નથી કરવાનો! પપ્પાએ મોં પણ કેવું બનાવ્યું હતું કહેતી વખતે, “હા બેટું, ભૂલ તારી છે, તું ત્યાં શાંતિથી ભણતો હોત તો અહીં તને મૂકવાની કોઈ જરૂર જ ન હતી! અમે પણ નથી ચાહતાં કે તું અમારાથી દૂર રહે! પણ બેટું, તારૂં વરસ બગડી જશે, આ ચાર મહીના તો તારે અહીં રહેવું જ પડશે! આઈ પ્રોમિસ, એક્ઝામ પૂરી થશે એ જ દિવસે અમે તને ઘરે લઈ જઈશું એન્ડ નેક્સ્ટ યર જે. જે. સ્કૂલમાં જ તુ ભણજે, ઓકે?”

એમની વાત માનવાનો મારો કોઈ વિચાર ન હતો, પણ મારી જીભ પર લોક લાગી ગયું હતું, બસ આંખોમાંથી આંસુ નીકળ્યે જતાં હતાં. પ્રિન્સીપાલ સર ઓફિસમાં આવ્યા, એમણે પપ્પાને કહ્યું, “અરવિંદભાઈ, આજે સન-ડે છે, તમે આશિષને સુરત સીટી અને લેક વ્યૂ ગાર્ડનમાં ફેરવવા લઈ જાવ, એ પણ તમારી સાથે થોડું ફરીને ખુશ થઈ જશે. અહીં કેટલાક છોકરાઓ તોફાની છે, આશિષ હજી નવો-સવો છે, થોડા દિવસોમાં ટેવાઈ જશે. ચિંતા ન કરો, થોડા સમયમાં એને અહીં ઘર જેવું જ લાગશે!”

અમે બહાર નીકળીને પહેલાં સીટીમાં થોડું ફર્યા, પછી સરે જે ગાર્ડન કહ્યું હતું ત્યાં ગયાં, આસ્થા મારો હાથ ખેંચીને મને રમવા માટે બોલાવતી હતી, પણ મારો રમવાનો મૂડ જ ન હતો. આ સ્કૂલમાં જ રહેવાનું છે, એ વિચારથી જ મારો મૂડ મરી ગયો હતો, મોં ફૂલાવીને જ બેસેલો રહ્યો કે કદાચ પપ્પા અથવા મમ્મીને મારી પર દયા આવી જાય! એ બંને પણ વારેઘડીએ મને પટાવવાની ટ્રાય કરતાં હતાં, પણ હું દૂર જ રહ્યો! ત્યાંથી નીકળીને અમે હોટલમાં જમવાં ગયાં, કેટલાં દિવસ પછી સારૂં ખાવાનું જોયું હતું, મન તો થતું હતું કે તૂટી પડું, પરંતુ થોડુંક જ ખવાયું, કદાચ મારી ભૂખ પણ મરી ગઈ હતી! મમ્મીએ જબરદસ્તી બે ત્રણ કોળિયા વધારે ખવડાવ્યા. ત્યાંથી ફરી સ્કૂલમાં આવ્યાં, સાંજ પડી ગઈ હતી, મમ્મી પપ્પાનો જવાનો સમય થઈ ગયો હતો, હું ફરી રડવા લાગ્યો. એ બંને વારાફરતી મને વહાલ કરીને બહાર જવા લાગ્યાં, મારો રડવાનો અવાજ મોટો થવા લાગ્યો હતો, પ્યૂનકાકાએ મને પકડી રાખ્યો, બંનેમાંથી એકે પણ પાછળ ફરીને ન જોયું! તમે માનશો? જેને હું મારી પાક્કી દુશ્મન માનતો હતો એ આસ્થા મમ્મીનાં ખભે વળગીને મારી તરફ હાથ લંબાવીને રડવા લાગી, એ મને ઘરે લઈ જવા માગતી હતી, અથવા અહીં મારી સાથે રહીને મારી તકલીફો શેયર કરવા માંગતી હતી! આ ચાર મહિના અહીં કેમ નીકળશે? એ ટેન્શન વચ્ચે પણ આસ્થાને મારા માટે રડતી જોઈ મને સારૂં લાગ્યું! કોઈ તો છે, જે મારી તકલીફ સમજે છે! નાની છે, બોબડી છે, કાલું ઘેલું બોલે છે પણ આ બધાં કરતા એ સમજદાર છે! આજે મને ખબર પડી કે આસ્થા મારી દુશ્મન નથી, મારા અસલ દુશ્મન મમ્મી અને પપ્પા બંને છે!

- ક્રમશઃ…..




મિત્રો, અગિયાર પ્રકરણની આ લઘુનવલ વાંચી આપનો મૂલ્યવાન પ્રતિભાવ મને જરૂરથી જણાવશો.

E-mail - fittersolly000@gmail.com
Call - 8200267858
Whatsapp - 9909652477

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED