Dushman - 9 books and stories free download online pdf in Gujarati

દુશ્મન - 9


પ્રકરણ - 9

ગઈ રાત્રે સૂતી વખતે આકુનો ચહેરો વારંવાર નજર સામે ફરતો રહ્યો. અરે યાર, આકુ એટલે આકૃતિ. એનું આકુ નામકરણ મેં કાલે જ કર્યું. મેં પણ નહીં, મારા અન્કોશિયસ માઈન્ડે કર્યું! એમાં ખોટું પણ શું છે? હું આશુ અને એ આકુ, મસ્ત જોડી છે ને? અરે, એનું નામ પણ ‘અ’ પરથી છે! ગજબનો સંયોગ છે, નહીં? બાય ધ વે, આકુનાં વિચાર આખી રાત મને પજવતા રહ્યા! આંખ બંધ કરું કે તરત જ એનું મધમીઠું સ્માઈલ નજર સામે તરવરી ઉઠતું! છેક પરોઢીયે આંખ લાગી તો ખરી પરંતુ એલાર્મ વાગ્યા પહેલાં જ ખૂલી પણ ગઈ. કારણ એ જ, ફરી બેડની ચાદર ખરાબ થઈ ગઈ હતી! હવે મને ચિંતા પેઠી કે આ કોઈ બીમારી તો ન હોય ને? મારે કોઈને પૂછવું પડશે, પણ કોને પૂછું? આકુને પૂછી લઉં? ના યાર, એ મને ગંદો છોકરો માનશે અને પછી દોસ્તી નહીં કરશે, કદાચ ગાંડો પણ કહી દે તો! ચાલો, અત્યારે તો હું સ્કૂલ જાઉં છું, પછી વાત કરું!

***

છેલ્લા બે મહિનામાં ઘણું બધું બની ગયું, આકુ પણ હવે મને બબૂચક ગણે છે! એની બેન્ચ પર મને જગ્યા મળી ત્યારે તો પહેલાં એ મને જોઈને મીઠું સ્માઈલ પણ આપતી હતી, અને હું ખુશ થઈ જતો હતો. ઓફકોર્સ ગીવ એન્ડ ટેકની સિસ્ટમ પ્રમાણે જ તો! જોકે કોઈ પણ ટીચરની હાજરીમાં આ લેવડદેવડ કરવાની હિંમત મેં ક્યારેય નહોતી કરી! એની વે, એની પેનનો પ્વોઈંટ તૂટી ગયો હતો અને એણે મારી પાસે પેન માગી. મેં બેગમાંથી પેન તો કાઢી પરંતુ સર બોર્ડ પર લખી રહ્યા હતા, એ હિટલર સર ક્યારે ફરે એ નક્કી ન હોય! અને એ ફરે એટલે પહેલી આંખ મારી પર જ તાકે, એ બીકથી હું આકુ તરફ પેન ન લંબાવી શક્યો! એણે પેન મારા હાથથી ઝૂંટવી લીધી અને હાંસી ઉડાવતા બોલી “બીકણ”, હું શરમથી મોં નીચું કરી ગયો અને પરસેવાથી આખો ભીંજાઈ ગયો. આ મારી પહેલી હાર હતી એની સામે! એ પછી તો ન જાણે કેમ પણ વારંવાર એ એકલી અને બધાની સામે પણ મારી હાંસી ઉડાવવા લાગી. હું ફરી અંદરથી તૂટી રહ્યો છું! હવે તો હું ઘરે આવીને આસ્થા પાસે પણ નથી બેસતો, સીધો મારા રૂમમાં જ પૂરાઈ જાઉં છું. આ રૂમ મારા માટે સૌથી ‘બેસ્ટ પ્લેસ’ છે, અહીં કોઈ મને હેરાન નથી કરતું, નથી મારી કોઈ હાંસી ઉડાવતું, લાગે છે એક દિવસ હું આમ અહીં બેઠો બેઠો જ મરી જઈશ!

***

‘ગમ ઉઠાને કે લિયે મૈં તો જિયે જાઉંગા.” ગુલામ અલીનો વેદનાભર્યો ઘેરો અવાજ મારા કાનમાં રેલાય છે અને હું વધુ ગમગીન બની જાઉં છું. આવી કેટલીય ગઝલ સાંભળીને વિચારું છું કે આ ગઝલનાં શબ્દો મારા માટે જ લખાયા છે! સાલું આ લોકોને મારી આપવીતીની કઈ રીતે ખબર પડી હશે કે પછી એ લોકો સાથે પણ મારી ટાઈપનું કંઈક વીત્યું હશે? ચાલો એક ખુશખબર આપી દઉં, હવે મારી પથારી નથી બગડતી. પરંતુ બીજો એક ખરાબ શોખ મેં પાળ્યો છે! હા, મને ખબર છે કે એ ખરાબ આદત જ છે પણ શું કરૂં? સિગરેટ ન પીઉં ત્યાં સુધી મન શાંત નથી થતું! આખા દિવસમાં વીસ-બાવીસ પી જાઉં છું. પૈસાનો પ્રોબ્લેમ શરૂમાં નડ્યો, હવે નથી! આસ્થા છે ને મારી ઢીંગલી, પપ્પાના વોલેટથી ચૂપચાપ કાઢી લાવે છે! જોકે મને એવું લાગે છે કે પપ્પા અને મમ્મી બંનેને આ વાતની ખબર છે, સિગરેટ પીઉં છું એ પણ કદાચ! પણ લગભગ એ બંને મારી સાથે લમણાઝીંક કરવા નથી માગતા, એ માટે ચૂપ છે! પણ આસ્થા લડે છે મારી સાથે, રીતસરનો ઝગડો કરે છે, “ભાઈ, આ ન પીવાય, ગાંડા થઈ જશો!” કહીને મારું માથું ખાઈ જાય છે, પણ મારી હાલત જોઈને એ ક્યારેક રડી પડે છે, અને એ કારણે જ એ મને પૈસા લાવી આપે છે! મેં આકુવાળું ચેપ્ટર એને નથી જણાવ્યું છતા એને કંઈક અણસાર આવી ગયો હોય એમ લાગે છે. થોડા દિવસ પહેલાં પેપરમાં વાંચ્યુ હતું કે છોકરીઓની સિક્સ્થ સેન્સ બહુ પાવરફૂલ હોય છે, એ કારણે કદાચ આસ્થા સમજી ગઈ હશે, તો આકુ પણ એક છોકરી જ છે ને, એ કેમ મારી ફિલીંગ્સને ન સમજી? ઈવન મેં તો બીજા છોકરાઓ જેમ છોકરીઓને છેડતા રહે છે, એ રીતે કદી એની છેડી પણ નથી! તો શું એ મારી ભૂલ કહેવાય? પેનવાળી મેટરમાં તો એ પણ જાણે છે કે મેં સરની બીકથી એને પકડાવી ન હતી, છતા પણ ન સમજે એ કેવી છોકરી? સાલું ભલાઈનો જમાનો જ નથી રહ્યો, મારે પણ હવે આશુગીરી આઈ મીન ગુંડાગીરી ચાલુ કરવી પડશે, એવું લાગે છે! સિગરેટની આદત તો પડી જ ગઈ છે, એકાદ ચપ્પુ પણ રાખવું પડશે મારે અને ગળામાં રૂમાલ તો બાંધવો જ પડે ને, તો જ અપુન પૂરા બમ્બઈયા ટાઈપ ભાઈલોગ લગેગા ના?

***

સાલું ગજબ થઈ ગયો! આકુ સાથે મારી પાક્કી ફ્રેન્ડશીપ થઈ ગઈ. એ કઈ રીતે થયું, એની બહુ મજાની સ્ટોરી છે, સાંભળવા જેવી! કહું છું યાર, વેઈટ! એટલા ઉતાવળા ન થાવ, શાંતિથી વાત કરીશ તો મજા આવશે. તમે પણ કહેશો, ‘વાહ આશુ વાહ!’ જે દિવસે મેં આશુગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો એના બીજા દિવસે એક તેજ ધારનું ફોલ્ડીંગ ચપ્પુ મને ઘરેથી જ મળી ગયું હતું. હવે એ ઘરમાં કોણ લાવ્યું, કઈ રીતે આવ્યું, એ મને નથી ખબર. ગળામાં રૂમાલ બાંધવાની હિંમત ન થઈ તે ન જ થઈ! પણ આશુગીરી બતાવવાનો ચાન્સ મળ્યો લગભગ એક મહિના પછી! સ્કૂલથી છૂટ્યા પછી રસ્તામાં એક-બે સિગારેટ તો હું પી જ નાંખતો હતો, ઓફકોર્સ સંતાઈને! પણ એ વખતે તો આશુગીરી બતાવવાની હતી ને? સ્કૂલથી થોડે દૂર આવી સિગરેટ સળગાવી મેં આકુનાં ટ્યુશન ક્લાસનો રસ્તો પકડ્યો. થોડે આગળ પહોંચીને સૂમસાન ગલીમાં એક ખંડેર જેવા ઘર પાસે ઊભો રહી એની રાહ જોવા લાગ્યો.

આકુ આવી, એ ખૂબ જ મસ્ત દેખાતી હતી! એણે મને જોયો, હાથમાં સળગતી સિગરેટ જોઈ, મોં વાંકુ કર્યું અને આગળ ચાલી ગઈ! એ અડધી મિનિટમાં જ મારી હવા નીકળી ગઈ! પહેલાં તો હું એને જોવામાં જ એટલો તલ્લીન થઈ ગયો હતો કે જે પ્લાન કર્યું હતું એ બધું જ ભૂલાઈ ગયું! પણ પછી એનું મોં વાંકુ થયું ત્યારે તો મારી સિગરેટ પણ પડી ગઈ! મનમાં થયું કે દોડીને એનો હાથ પકડી લઉં, એની માફી માગી લઉં, કહું કે ‘તને ન ગમે તો સિગરેટ આજથી બંધ, પણ એક વખત મારી વાત સાંભળ પ્લીઝ, તું મને બહુ ગમે છે. હું આ દુનિયામાં તદ્દન એકલો છું, પ્લીઝ મારી સાથે દોસ્તી કરી લે, મારી હાંસી ન ઉડાવ, પ્લીઝ, પ્લીઝ’ ઘણું કહેવું હતું, પરંતુ મારા પગ જમીન સાથે જાણે ચોંટી ગયા હતા! અને જ્યારે હોશ આવ્યો ત્યારે એ ઘણી દૂર નીકળી ગઈ હતી! એ ટાઈમે તો ખરેખર કોઈ નદી કે સ્વીમીંગ પુલ નજીક હોત તો એમાં હું ડૂબી મર્યો હોત! પણ ના, મારા નસીબમાં કંઈક સારું થવાનું લખ્યું હશે!

ગલીના છેડાથી થોડું પહેલાં એ ઊભી રહી ગઈ અને કોઈ સાથે લડતી હોય એમ જમણી તરફ જોતી હાથ હલાવીને કંઈક બોલતી રહી, વચ્ચે મારી તરફ પણ એકાદ નજર ફેરવી લેતી હતી. મને નવાઈ લાગી કે એ શું કરી રહી છે? એ જોવા માટે હું થોડો આગળ વધ્યો ત્યાં તો ગલીના નાકે બે છોકરા હાથ પહોળા કરીને ઊભા રહી ગયા, ત્રીજો એક છોકરો એની નજીક જવા લાગ્યો! અજુગતું કંઈક બનવાનો મને અણસાર આવી ગયો હતો, પરંતુ શું થશે એનો મને આઈડિયા ન હતો, અને મારે શું કરવું જોઈએ એ વિશે પણ હું કન્ફ્યુઝ હતો! અચાનક મને મોજામાં સંતાડેલું ચપ્પુ યાદ આવ્યું. ઝડપથી નીચે વળ્યો, ચપ્પુ નીકાળીને ફૂલસ્પીડે આકુની દિશામાં દોડ્યો, ચપ્પુ ખોલ્યું પણ દોડતા દોડતા જ! મગજ પર એક ગાંડપણ સવાર થઈ ગયું હતું કે આકુ ખતરામાં છે અને મારે એને બચાવવી જોઈએ બસ!

આકુએ મને જોયો, એનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. ઘડીભર માટે એની ફરતે પેલા છોકરાઓએ રચેલું કુંડાળું પણ એ ભૂલી ગઈ! ગલીને નાકે નાકાબંધી કરીને ઊભેલા બેમાંથી એક છોકરાએ બૂમ પાડી અને બીજાનો હાથ પકડીને ભાગ્યો, “યશવંત ભાગ, પેલા ગાંડાના હાથમાં ચપ્પુ છે!” આકુની એકદમ નજીક પહોંચી ગયેલા છોકરાએ એક પળ માટે મારી દિશામાં જોયું અને રેસમાં દોડતા ઘોડાની જેમ પેલા બંનેને ફોલો કર્યાં! હું ગલીને નાકે સુધી ગયો, એ ત્રણે દેખાતા બંધ થયા પછી હું આકુ તરફ ફર્યો, એનું મોઢું ત્યાર સુધી પણ ખુલ્લું જ હતું! હા, કેમ ન હોય? મારા જેવા બીકણ અને બબૂચકથી એણે આવું કોઈ એક્સપેક્ટેશન થોડું રાખ્યું હશે? મેં પણ મોટી ધાડ મારી હોય એમ ચપ્પુ ફોલ્ડ કરીને મોજામાં નાંખ્યું અને તીરછી આંખે એને જોતા મારા રસ્તે ચાલવા લાગ્યો!

“એઈ.. એઈ.. શું નામ છે યાર તારું? ઓહ હા, મારા પપ્પાનું જ તો નામ છે - આશિષ! તું તો યાર જબરો છુપો રુસ્તમ નીકળ્યો ને કંઈ? ક્લાસમાં તો તું બીકણ બિલાડી જેવો બનીને બેસી રહે છે, અને બહાર ગુંડા લોકોની જેમ ચપ્પુ રાખે છે! વાહ, ગઈકાલે જ મેં મદહોશી મૂવી જોયું અને આજે સ્પ્લિટ પર્સનાલિટીનો એક નમૂનો તારા રૂપમાં જોવા પણ મળી ગયો!” એ મને ખખડાવી રહી હતી કે મારા વખાણ કરતી હતી એ સાચે જ મને ન સમજાયું, તે છતા હિંમત એકઠી કરી માંડ એટલું જ બોલી શક્યો કે, “આ ચપ્પુ તારા બીકણ કહેવાને કારણે જ રાખ્યું છે!”

“ઓહ, એવું છે? બટ યુ નો, દોડતી વખતે તારી પર્સનાલિટી ગજબની દેખાઈ રહી હતી!” ઓહ, આ તો મારા ચોખ્ખા વખાણ હતા છતા પણ મને એ સાંભળીને શરમ આવી. ફાઈનલી હું એનું દિલ જીતવામાં સક્સેસ રહ્યો હતો.

***

ત્યારની ઘડી અને આજનો દિવસ, આકુ અને મારી ફ્રેન્ડશીપ નથી તૂટી, ઈવન એ મારાથી ક્યારેય નારાજ પણ નથી થઈ. પેલી ઘટના પછી તો થોડા દિવસ હું એને ટ્યુશન ક્લાસ છોડવા જતો, પછીથી મેં પણ એ જ ક્લાસમાં એડમિશન લઈ લીધું, આકુને કારણે સ્તો! પણ એક વાત કહું? આકુએ મને ધરમૂળથી બદલી નાંખ્યો છે! મમ્મી-પપ્પા સાથે હવે હું સીધી રીતે વાત કરું છું, આસ્થાને પણ ખૂબ વહાલ કરું છું, અને સ્ટડીમાં પણ ધ્યાન લાગવા માંડ્યું છે. ઓલ ક્રેડિટ ગોઝ ટુ આકુ, માય લવ, માય લાઈફ. પણ મને શું ખબર હતી કે ફરીથી મારી લાઈફમાં એક તોફાન આવશે, જે મને જડમૂળથી હલાવી નાંખશે?

ક્રમશઃ..


મિત્રો, આ લઘુનવલ ગમે તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાની કૃપા કરશો.
9909652477
Fittersolly000@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED