મન મોહના - ૨૬ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૨૬

મને વિચાર્યું, ચાલો એક કામ પૂરું થયું હતું, મોહનાને સવારે એના ઘરની બહાર લઇ જવાનું, જ્યાં પેલી શેતાન ગુડિયાની ફિકર કર્યા વગર એ લોકો વાત કરી શકે.

જંગલમાં થોડેક આગળ સુંધી જઈને મને ગાડી થોભાવી હતી અને મોહનાની આંખોમાં જોતા એ બોલવાનો, કંઈક વાત ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એના માટે એ જ કામ ખુબ મુશ્કેલ હતું! જેના માટે થઈને એ આખી દુનિયા સામે લડી લેવા તૈયાર હતો એની જ સામે જીભ ખુલતી ન હતી!

“નીચે ઉતરીએ.” મનને ચુપ બેઠી રહેલો જોતા મોહનાએ કહ્યું.

બોલ્યા વગર છૂટકો હતો હવે!

“મોહના આપણે અહી ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ એવું તો મેં અંકલને મનાવવા માટે કહ્યું હતું, ખોટું કહ્યું હતું. હકીકતે મારે તારી સાથે થોડી વાત કરવી છે એટલે હું તને અહીં...” મને ચુપ રહી મોહના સામે જોયું, એ શું વિચારશે પોતાના વિષે એ જાતે વિચારી જોયું.

“તારે મારી સાથે એવી શી વાત કરવી છે, મન?” મોહના અચાનક ગંભીર થઈને બોલી.

મનને થયું કે મોહનાને દુખ થાય એવી કોઈ વાત એ ના પૂછે પણ પછી એને પ્રોફેસર નાગની સૂચનાઓ યાદ આવી. એણે આ દુખ મોહનાને આપવું જ પડશે, એને હંમેશાં માટે ખુશ જોવાં. એણે એકદમ ધીમા અને શાંત અવાજે પૂછ્યું,

“મોહના કાલે રાત્રે તે જે કહ્યું એ સાચું છે?”

“રાત્રે? રાત્રે મેં શું કહેલું? તારી સાથે મેં કંઈ ખરાબ વ્યહાર કર્યો હતો?” મોહના થોડી ગભરાઈ ગઈ હોય એમ લાગ્યું. તરત જ મને હસીને એનો ક્ષોભ દુર કરતાં કહ્યું,

“ના, ના એવું નથી! કાલે રાત્રે તે મારી સાથે લગ્નની વાત કરી હતી, તને યાદ નથી?” મને કાપાલીનો ઉલ્લેખ કર્યા વિના મોહના સાથે જોડાવાની વાત કહી. એ સાથે એને એ ખબર પડી ગઈ કે રાત્રે તે જે કંઈ બન્યું એમાનું હાલ મોહનાને કશું યાદ નથી.

“મેં એવી વાત કરેલી? હોઈ શકે હું થોડી નશામાં હોઉં એટલે બોલી ગઈ! મેં થોડી વાઈન લીધી હતી.” મોહનાના ચહેરાનો રંગ ઉતરી ગયો. એણે એની નજર મન સામેથી હટાવી બાજુમાં કરી અને બહાર ઝાડીમાં જોઈ રહી.

“તું માને કે ના માને પણ, હું તને ચાહું છું મોહના! તારા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.”

“મન તું જાણે છે હું એક વિધવા છું. તું મારો બાળપણનો મિત્ર છે એટલે હું તારી સાથે આટલે સુંધી આવી,પણ પ્લીજ તું આવી વાતો ના કર.”

“કમાલ છે, સાંજે જ્યારે જયારે તું મને મળે છે તું જ મને આગળ વધવા કહે છે અને અત્યારે એવી રીતે વાત કરે છે જાણે મને ઓળખાતી જ ના હોય! એક વાર મારી આંખોમાં જોઇને કહી દે કે હું ફક્ત તારો દોસ્ત છું, બીજું કંઈ નહિ!” મને મોહનાની સીટની નજીક આવતાં કહ્યું. બંને જણા એમની ગાડીની આગલી સીટ પર બેઠેલા હતા.

“ઠીક છે, હું તને મારો એક સારો મિત્ર માનું છું, ફક્ત મિત્ર, બીજું કંઈ જ નહિ! સાંજે હું તને મળું ત્યારે જુદી વાતો કરતી હોઉં તો તું હવેથી મને મળવા ના આવતો. સાંજે નહિ, સવારે નહિ, ક્યારેય નહિ,” મોહના મનની આંખોમાં જોઈ, થોડી સખતાઈથી બોલી રહી હતી અને એણે બોલતા બોલતા વચ્ચે જ ચુપ થઇ જવું પડ્યું...

મને એની નજીક આવી, થોડા નીચે ઝુકી એના હોઠ મોહનાના હોઠ પર મૂકી દીધા હતા. મોહનાએ દુર ખસી જવા પ્રયત્ન કર્યો તો મને એના બંને હાથ મોહનાની ફરતે વીંટાળી એને પોતાની બાહોમાં વધારે કશી લીધી અને એક તસતસતું ચુંબન કરી, એના હોઠ પરથી પોતાના હોઠ હટાવી એને છાતી સરસી ચાંપી લીધી. મોહના ના કશું બોલી શકી, ના પ્રતિકાર કરી શકી, એની આંખોમાંથી આંસુ વહી રહ્યાં... મન મોહનાની પીંઠ પસવારતા કહી રહ્યો,

“હું જાણું છું, તારી સાથે જે પણ બની રહ્યું છે એ બધું જ અને હું તને આમાંથી બહાર કાઢીને જ રહીશ. પણ એ માટે તારે મારી મદદ કરવી પડશે, તારે મને જણાવવું પડશે કે આ બધુ ચાલુ કેવી રીતે થયું.” મન એકદમ ધીરેથી મોહનાના કાનમાં કહી રહ્યો.

“નહિ મન. એ બહુ જ ખતરનાક છે. હું એના વિષે એક શબ્દ પણ બોલીશ કે એને તરત જાણ થઇ જશે. હું કંઈ નહિ બોલી શકું. તું તારો જીવ જોખમમાં ના નાખ.”

“હું એકલો નથી મોહના. મારી પાસે એવા લોકો છે જે આપણી મદદ કરશે. તું જે બોલીશ એ, એ દુષ્ટ આત્મા સાંભળી લેશે પણ તું જે લખીશ એ, એ વાંચી નહિ શકે. હું તને કાગળ અને પેન આપું છું તું મને એના ઉપર બધું જ લખીને જણાવ.” મન મોહનાથી જરાક દુર ખસ્યો અને ડેશબોર્ડ પરથી એક લેટર પેડ અને પેન લઈને મોહનાને આપ્યા.

મોહના જાણે કંઇક વિચારતી હોય એમ મન સામે જોઈ રહી. મને એને આંખોથી જ લખવા માટે ઈશારો કર્યો અને મોહનાએ હકારમાં માથું ધુણાવ્યું...

મોહનાએ એ કાગળ ઉપર મથાળું માર્યું, ઓમ નમઃ શિવાય, અને ફટાફટ લખવાનું ચાલુ કર્યું. પંદરેક મિનીટ લાગી હશે, સતત લખ્યા બાદ એણે લેટર પેડ મનને પાછું આપ્યું અને વિશ્વાશથી મન સામે જોયું. મને એના કપાળે એક ચુંબન કરી, લેટર પેડને પોતાના જાકીટનાં ગજવામાં ખોસી ગાડી ઘર તરફ પરત લીધી...

મોહનાને એના ઘરે છોડી મને પહેલું કામ એને મોહનને લખીને આપેલ કાગળની ફોટો કોપી લઇ એને પ્રોફેસરના નંબર પર મોકલાવી જેથી પ્રોફેસર પણ એને જોઈ શકે, વાંચી શકે. બીજું કામ એણે ભરત અને નિમેશને જાણ કરવાનું કર્યું કે કામ થઇ ગયું અને એ લોકોને પણ એ કાગળની એક એક કોપી મોકલી આપી. મન ઘરે આવ્યો અને સીધો એના રૂમમાં ભરાઈ ગયો. એની મમ્મીને કહી દીધું કે થોડું કામ છે પ્લીજ હમણા મને જરાય ડીસ્ટર્બ ના કરતી અને એના રુમમાં આવેલા એના સ્ટડી ટેબલ પર ગોઠવાઈ એણે મોહનને લખીને આપેલ કાગળ ખોલ્યો. થોડુક ઝડપથી લખાયેલું હતું છતાં એના અક્ષર સુંદર હતાં. પંદર મીનીટમાં એણે સાત પાના ભરીને લખ્યું હતું. મને એ મનોમન ભગવાનનું નામ લઇ એ કાગળ વાંચવાનું શરુ કર્યું.
આને જોગાનું જોગ કહો કે ગમે તે હોય બરોબર એ જ વખતે ભરત અને નિમેશ પણ એક બાજુએ ગોઠવાઈને એમના મોબાઈલ સ્ક્રીન પર મોહનાનું લખાણ વાંચી રહ્યાં હતા, તો બીજી બાજુ પ્રોફેસર નાગ પણ એ જ લખાણ એમના ટેબ્લેટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યાં હતા...
ઓમ નમઃ શિવાય સાથે શરુ થયેલી મોહનાની દાસ્તાન વાંચનારને એના દરેક સવાલ ના જવાબ આપી જતી હતી. સાત પાનામાં એણે આખું રહસ્ય છતું કરી નાખેલું. મોહનાએ જે કંઈ લખેલું એ પ્રમાણે આજથી લગભગ દોઢ વરસ પહેલા આ રહસ્યમય ઘટનાના બીજ એના જીવનમાં રોપાયેલાં. એ દિવસે એનો જનમદિવસ હતો. મોહના એ દિવસે અનાથાશ્રમમાં જઈ બાળકોને રમકડાં આપતી. આ વખતે પણ એ ત્યાં ગઈ હતી. બધી છોકરીઓને સરસ ઢીંગલી જોઈતી હતી. આશ્રમમાં કુલ પાંચ નાની છોકરીઓ હતી જેમના માટે મોહના પાંચ ઢીંગલીઓ લઈને ગઈ હતી. એણે ત્યાં પહોંચીને બધાંને ગીફ્ટ આપી હતી. બધાને ઢીંગલી અપાઈ ગઈ એ પછી ત્યાં એક નવી અજાણી છોકરી આવેલી. છ સાત વરસની એ બાળકીએ પણ મોહના પાસે ઢીંગલી માંગી હતી.
“દીદી મારી ઢીંગલી ક્યાં છે? મણે પણ એક મસ્ત ઢીંગલી આપોને.”
મોહનાએ કહેલું કે હાલ એની પાસે બીજી ઢીંગલી નથી પણ એ કાલે એના માટે નવી લઈને આવશે. એ છોકરી ના માની અને જીદ કરીને રડવા લાગી. દેખાવમાં ખુબ માસુમ અને સારા ઘરની લાગતી એ છોકરીને આમ રડતી જોઇને મોહનાને સારું ના લાગ્યું એણે કહ્યું કે ઠીક છે પોતે હાલ જ બહાર જઈને એના માટે બીજી ઢીંગલી લઇ આવે છે. મોહના માર્કેટમાં જવા નીકળી તો હતી પણ હજી સવારના સાડા આંઠ થયેલા અને બધી દુકાનો હજી ખુલી નહિ હોય એમ એ વિચારી રહી હતી ત્યાં જ રોડ પરની એક બાજુએ એણે એક ઘરડા માજી દેખાયા જેમના હાથમાં એક સુંદર ઢીંગલી હતી અને એ એને વેચવા માટે જ ઊભા હતાં. મોહનાને ખુબ નવાઈ લાગી, એ માજીને એણે આજે પહેલીવાર જ જોયેલાં ઉપરાંત એ પણ અહી રોડ ઉપર ઢીંગલી વેચતા હતા જે ખરીદવા એ હાલ નીકળી હતી. એણે માજી પાસે જઈને ગાડી ઉભી રાખી,
“આ ઢીંગલી શું ભાવે આપી બા?” મોહનાએ પૂછેલું.
“ખાલી હજાર રૂપિયા!” એ માજી એમનાં બોખાં મોઢે હસતાં બોલ્યાં.?
“હજાર રૂપિયા? એવું તે શું ખાસ છે આમાં?”
“તું જાતે જ જોઈ લે. એની સામે જો એ તારી સામે જોઇને હસશે! જ્યારે કોઈ નહિ હોય ત્યારે એ તારી સાથે વાત પણ કરશે, એ તારી સાચી દોસ્ત બની જશે, વિશ્વાસ ના આવતો હોય તો લે હાથમાં લઈને જોઈજો.” માજીએ ઢીંગલી મોહનાનાં હાથમાં થમાવી દીધી.
મોહનાએ એ ઢીંગલી સામે જોયું તો એવું લાગ્યું જાણે એ ઢીંગલી પણ એની જ સામે જોતી હોય, એની નજર સામે નજર મિલાવી રહી હોય. વધારે આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે એ ઢીંગલી એની સામે જોઇને હસી. મોહનાની આંખોને વિશ્વાસ ન થયો. એ પહેલાથી જ હસતી હતી કે હાલ હસી! એને થયું એ કદાચ પહેલાથી જ હસતી હશે, પોતે સરખી રીતે એને જોઈ નહિ હોય. એણે ચારે તરફ ઘુમાવીને એ ઢીંગલી જોઈ હતી, લાકડમથી એનું માથું અને બાકીનું શરીર કપડામાંથી બનાવેલ હતું. એને સુંદર પોશાક પહેરાવેલો હતો એ સિવાય એનામાં હજાર રૂપિયા જેવુ બીજું કશું જોવા ન મળ્યું. વધારે વિચાર્યા વગર એણે ઢીંગલી પાછી આપી અને કહ્યું, “આ છે તો સુંદર પણ કિંમત ખુબ વધારે છે. થોડા વાજબી કરો તો લઇ લઉં.”
એ માજી હસ્યા અને કહ્યું, “કિંમત તો ઓછી નહિ થાય. તને ના પરવડે તો મફતમાં લઈજા, આજે તારો જનમ દિવસ છેને તો મારા તરફથી ભેટ!”
“સાવ મફતમાં? એક હજારની ઢીંગલી? અને એક મિનિટ, તમને કેવી રીતે ખબર પડી કે આજે મારો જનમ દિવસ છે?” મોહનાએ આશ્ચર્યથી એક સાથે ઘણાં સવાલ પૂછી લીધાં.
“લે હું ઘરડી થઇ એટલે એમ નહિ કે જરાય અક્કલ ના ચાલતી હોય. તું સવારમાં આમ તૈયાર થઈને બહાર ફરવાં અને ઢીંગલી ખરીદવા અમસ્તી તો ના જ નીકળી હોયને! મનેય જિંદગીનો અનુભવ છે હોં! જા લઈ જા, હું મારી જાતે બનાવું છું આ ઢીંગલીઓ, બીજી બનાવી લઈશ પણ તું આને સાચવજે હોં... એ તારી સાથે વાતો કરશે, તારી દોસ્ત બનીને રહેશે, તારી સાથે જ હંમેશાં!” એ માજી આટલું બોલીને રોડ તરફની ઝાડીઓમાં ચાલતી થઇ.
“અરે ઊભા રહો બા! આની કિંમત તો લેતા જાઓ.” મોહનાનું પર્સ ગાડીમાં હતું, એણે ઝડપથી ગાડીનો દરવાજો ખોલીને પર્સ હાથમાં લીધું અને એના ડ્રાયવર અશોકને હજાર રૂપિયા આપી કહ્યું, કે પેલા માજી પાસે જઈને એમને આ રૂપિયા આપી આવે.
અશોક એ માજી જે તરફ ગયા હતાં એ બાજુ ઉતાવળે પગલે ભાગ્યો, દુર દુર સુંધી એને કોઈ ના દેખાયું. થોડીવાર રહીને એ પાછો આવ્યો અને કહ્યું કે, એ માજી તો હવામાં ઓગળી ગઈ, ક્યાંય દુર સુંધી જોઇને આવ્યો કોઈ ના દેખાયુ! હશે, આમેય આ ઢીંગલીની કિંમત હજાર રૂપિયા ન હોય.
“એ ઠીક છે પણ આમ કોઈની પાસેથી મફતમાં લેવું મને યોગ્ય નથી લાગતું, એ ક્યાંય ઝાડ નીચે બેસી ગઈ હશે, કેપ્ટન અંકલ તમે ધ્યાનથી જોયેલું?”
“હા, મોહના બેબી. દુર ઝાડ પર એક કાળો કાગડો બેઠો કા..કા.. કરતો, એના સિવાય ત્યાં કોઈ ન હતું. ઠીક છે ફરીથી કોઈવાર એ ડોશી આટલામાં દેખાશે તો એને રૂપિયા ચૂકવી દઈશું.” અશોક મોહનાને રાજી કરવા બોલ્યો હતો એને શી ખબર એ ઝાડ પર બેઠેલો કાગડો જ એ ડોશી હતી..!
મોહના ગાડીમાં બેઠી અને એ ઢીંગલી સામે એક નજર કરી, એ એની સામે હસી હોય એવું લાગ્યું, “તું ગમે એટલું હસી લે મારી સામે તારે મારી સાથે નહિ પણ તારા જેવી જ એક બીજી ગુડિયા સાથે રહેવાનું છે.” મોહના એ ઢીંગલીને લઈને અનાથાશ્રમમાં પાછી ગયેલી, પેલી નવી આવેલી છોકરીને એ ઢીંગલી આપવાં. એને એ નવી છોકરી ક્યાંય ના દેખાણી, આશ્રમમાં બધાંને એના વિષે પૂછતા એ બધાંને નવાઈ લાગી મોહના કોની વાત કરતી હતી? ત્યાં તો કોઈ નવી છોકરી આવી જ નહતી. મોહના કહી કહીને થાકી ત્યાં એક છોકરી આવી હતી પણ કોઈએ એની વાત ના માની. પછી મોહનાએ મન મનાવ્યું કે હોઈ શકે એ છોકરી આ આશ્રમની ના હોય, પોતે બીજા બાળકોને રમકડાં આપતી હતી એ જોઇને એ પણ બહારથી અંદર આવી ગઈ હોય અને એના માટેનું રમકડું ના મળતા પાછી ચાલી ગઈ હોય!
મોહના ઘરે પાછી ફરી હતી, ઢીંગલી સાથે. એને મન આ એક માયાળુ બાએ એને આપેલી ભેંટ હતી. એણે ઢીંગલીને એના કબાટના એક ખૂણામાં થોડી ખાલી જગ્યા હતી ત્યાં ગોઠવી દીધી. પછીનો આખો દિવસ વ્યસ્ત ગયેલો. એના લગ્ન અમર સાથે નક્કી થયેલાં. એ ખુબ સારો અને મિલનસાર સ્વભાવવાળો હતો, ઉપરાંત મોહના પર ફિદા હતો. મોહનાના પિતાએ મોહના માટે એને પસંદ કર્યો હતો અને મોહનાની પોતાની કોઈ પસંદ ના હોવાથી એણે એના પિતાની વાત સ્વીકારી લીધેલી. એ દિવસે અમરે હોટેલમાં પાર્ટી રાખેલી. મોડી રાત સુંધી મોહના બહાર રહેલી અને ઘરે આવી ત્યારે થાકેલી અને થોડાં નશામાં એ પલંગ પર પડી એવી ઊંઘી ગયેલી. એ વખતે કોઈએ એનું કબાટ ખખડાવેલું, મોહનાએ સાંભળ્યું હોવા છતાં એ ઉભી નહતી થઈ શકી, ઊંઘથી ભરેલી પાંપણો ખુલી જ ન હતી!
એ પછીના બે ચાર દિવસ લગ્નની ખરીદારીમાં વીત્યા. મોહના પાસે જરા પણ સમય નહતો બચતો એના ઓરડામાં નિરાંતે બેસવાનો. અમરને માંડ થોડા દિવસની રજાઓ મળેલી એમાં જ બધું પતાવવાનું હતું. લગનનો દિવસ નજીક આવી રહ્યો હતો.
એ અમાવાસની રાત હતી. મોહના એના રુમમાં સુતી હતી અને અચાનક એને લાગ્યું કે કોઈ એનું બારણું ખખડાવતું હોય. એ સફાળી બેઠી થઇ ગઈ. બારણે કોઈ ન હતું. ફરીથી અવાજ આવ્યો, હવે મોહાનાનું ધ્યાન ગયું, એના કબાટમાંથી એ અવાજ આવ્યો હતો. એકપળ મોહનાને થયું કોઈ બિલ્લી અંદર ઘુસી ગઈ હશે, કે ઉંદર? ઉંદર વિષે વિચારતા જ એના મનમાં ફાળ પડી. કબાટમાં એના નવા કપડાં હતા, એણે લાઈટ ચાલુ કરી અને એના કબાટનું બારણું એક ઝાટકા સાથે ખોલી દુર ભાગી પલંગ પર ચઢી ગઈ. અંદરથી કોઈ બહાર ના આવ્યું. મોહનાને નવાઈ લાગી. થોડીવાર રહીને એ નીચે ઉતરી, હવે અવાજ નહતો આવતો એ કબાટ પાસે ગઈ અને થોડે દુરથી અંદર નજર નાખી. એની એક જૂની ડાયરી જે ઉપરનાં ખાનામાં મૂકી હતી એ નીચે પડી ગયેલી. એને હસવું આવી ગયું, પોતે ખોટી આટલી ગભરાઈ ગયેલી. એણે એ ડાયરી ઉપાડી ઠેકાણે મૂકી અને કબાટ બંધ કરી જેવી એ પલંગ તરફ વળી કે અંદરથી અવાજ આવ્યો,
“મને અંદર બહુ ગરમી થાય છે!” કોઈ છોકરીનો એ અવાજ હતો. એ થોડા ગુસ્સાથી બોલતી હતી. મોહના હવે થોડી ગભરાઈ, એ જેમની તેમ ઉભી રહી ગઈ,
“મને બહાર નિકાળ બેવકૂફ છોકરી! અહીં હું ગૂંગળાઈ રહી છું!” એ અવાજ ફરીથી આવ્યો.

મોહના ડરતી ડરતી ધીમા પગલે કબાટ પાસે ગઈ અને ધ્રુજતા હાથે કબાટ ઉઘાડ્યું, હવે એની નજર ખૂણામાં પડેલી ઢીંગલી ઉપર ગઈ. એ ઢીંગલી મોહના સામે જોઈ હસી રહી હતી. મોહનાને થયું આમાં જ કોઈ કરામત હશે. ઢીંગલીના પેટમાં કોઈ ટેપ હશે એમાંથી જ અવાજ આવતો હશે. એણે ઢીંગલીને બહાર કાઢી અને એણે પહેરેલું ગુલાબી ફ્રોક ઊંચું કરી એની અંદર મુકેલી ટેપ શોધવા પ્રયાસ કર્યો.
“શેમ! શેમ! શરમ નથી આવતી તું મારા કપડા કેમ ઊંચા કરે છે? મારા પેટમાં કોઈ ટેપ નથી, એ હું જાતે બોલું છું! ભૂલી ગઈ જેણે તને મને સોંપેલી એણે શું કહેલું?”
આ બધુ પેલી કપડાની બનેલી ઢીંગલી બોલી રહી હતી, મોહાનાએ એના હાથમાં એને પકડી હતી અને એ એની સાથે વાતો કરી હતી. મોહના ડરી ગઈ, એના હાથ ધ્રુજી ઉઠ્યા અને એણે એ ઢીંગલી પલંગ ઉપર ફેંકી,
“આ...એ..! વોય મા! મને વાગ્યું હોત તો? સારું થયું હું પલંગ પર પડી. પેલા માજીએ તને શું કહેલું, ભૂલી ગઈ? મારું ધ્યાન રાખજે, હું તારી સાથે વાતો કરીશ અને તારી ખાસમખાસ સખી બનીને રહીશ.”
“તું કોણ છે અને આ ઢીંગલી કેવી રીતે બની ગઈ?” મોહનાથી માંડ આટલું પુછાયું.
“તું એ બધું ના વિચારીશ. એ હું તને પછી જણાવીશ અત્યારે તો તું સુઈ જા, સવાર પડવા આવી છે, રાતના ઉજાગરા કરીશ તો સવારે સુંદર નહિ દેખાય પછી અમરને રીઝવવા શું કરીશ? એની સાથે બહાર ફરવાં કેવી રીતે જઈશ, હેં?” એ ઢીંગલી બોલીને હસી પડી હતી. મોહનાને લાગતું હતું એ કોઈ સપનું જોઈ રહી છે જે સવાર પડતા જ પૂરું થઇ જશે!
“શું વિચારે છે? ચાલ સૂઈજા તો.” એ ઢીંગલી હવામાં એની મેળે ઉડી અને મોહનાને એક જ ધક્કે પલંગમાં ફંગોળી દીધી. એ મોહનાની બાજુમાં, એના ઓશિકા પર બેસી મોહનાને માથે હાથ ફેરવી રહી. ડરથી કાંપતી મોહના આ સપનું જલદી પૂરું થઇ જાય તો સારું એમ વિચારી પરાણે સુઈ ગઈ...
સવારે એ જાગી ત્યારે એ ઢીંગલી એની બાજુમાં સુઈ ગયેલી હતી. એક પળ માટે મોહના ધ્રુજી ઉઠી. પછી એણે ધ્યાનથી એ ઢીંગલી તરફ જોયું. હાલ એ કશું બોલતી નહતી. એ એક નિર્જીવ પૂતળું જ હતી. મોહનાએ એ ઢીંગલી ઉઠાવી અને એના રૂમની બારી બહાર ફેંકી દીધી. નિરાંતનો શ્વાસ લઇ એ બાથરૂમમાં ગઈ. જેવી એ પાછી આવી કે એણે જોયું કે એ ઢીંગલી પલંગ પર પડી પડી એની સામે જોઈ હસી રહી હતી. એ ઢીંગલી થોડી માટીવાળી થઇ હતી એ બધી ધૂળ એણે પલંગની ચાદર પર ફેલાવેલી. મોહનાને ગુસ્સો આવ્યો એણે એના ડ્રેસિંગ ટેબલ પર પડેલી નાની કાતર ઉઠાવી અને એ ઢીંગલીને પકડી એનો હાથ કાપવાની કોશિશ કરતા કહ્યું, “તું એક ગાભાની બનેલી ઢીંગલી મને ડરાવવાની કોશિષ કરે છે જો હું તારી શી વલે કરું છું!"
મોહનાના આઘાત વચ્ચે એ ઢીંગલીએ એના કરતાં વધારે સ્ફૂર્તિથી મોહનાના હાથમાંથી કાતર ઝૂંટવી લીધી અને એક કુદકો મારી મોહનાને ગરદને વળગી પડતા બોલી, “પહેલીવાર છે એટલે જવા દઉં છું, આવું તોફાન ફરીથી કર્યું તો આ જ કાતરથી તારો સુંદર ચહેરો બગાડી મુકીશ. હું તારી દોસ્ત છું અને તું પણ મારી દોસ્ત બનીને રહીશ તો આપણા બંને માટે સારું છે.”
“પણ તારે શું જોઈએ છે? તું કેમ મારી જ પાસે આવી છે? મેતો તારું કશું નથી બગાડ્યું, હું તો તને ઓળખતી પણ નથી!” મોહનાએ થોડી હિંમત ભેગી કરી કહ્યું.
“મારે એક સુંદર અને કોમળ દિલવાળી છોકરી જોઈતી હતી, તારામાં એ બંને છે એટલે હું તારી પાસે આવી. હવે હું અહીંથી ત્યારે જ જઈશ જ્યારે તું મારી વાત માનીશ.” ઢીંગલી હસીને મોહના સામે જોઈ રહી હતી.
“શું વાત માનવાની છે મારે?”
“તારે તારું શરીર મને આપવાનું છે, બસ એક દિવસ માટે. પછી હું ચાલી જઈશ.”
“શું કહ્યું? મારું શરીર તને આપી દઉં! તો હું ક્યાં જાઉં અને આ બધું કેવી રીતે પોસીબલ છે? તું કોઈ પાગલ છે!” મોહના હવે ખરેખર આ ઢીંગલીથી ગભરાઈ ગઈ હતી.