One Night Stand books and stories free download online pdf in Gujarati

વન નાઈટ સ્ટેન્ડ

નાટક : વન નાઈટ સ્ટેન્ડ
લેખક : જીગર બુંદેલા-9825763948
SWA MEMBERSHIP NO: 032928

ખાસ નોંધ : નાટક ભજવવા કે શુટિંગ કરવા લેખકની પરવાનગી લેવી આવશ્યક છે. મઁજુરી વગર ઉપયોગ કરનાર સામે કાયદેસર કાયર્વાહી કરવામાં આવશે. આભાર.

લોકેશન : રેલ્વે સ્ટેશન
સમય : સાંજ
(એક અંતરિયાળ નાના ગામનું રેલવે સ્ટેશન.ટ્રેન આવીને ઊભી છે એક માણસ - આકાશ ઉતરે છે ચાલતો ચાલતો સ્ટેશન માસ્તરની ઓફિસ બાજુ જાય છે સાથે સાથે ગાડી પણ ઉપડે છે સ્ટેશન માસ્ટર પાસે જઈને પૂછે છે)
આકાશ : બસ સ્ટેન્ડ ક્યાં આવ્યું ?
સ્ટેશન માસ્તર : ક્યાં જવું છે?
આકાશ : વીરપુર
સ્ટેશન માસ્તર : અત્યારે બસ નહીં મળે.
આકાશ : ક્યારે મળશે ?
સ્ટેશન માસ્તર : સવારે
આકાશ : કોઈ હોટેલ કે ગેસ્ટ હાઉસ નથી ?
સ્ટેશન માસ્તર : આટલી નાની જગ્યાએ તે આ બધું ક્યાંથી હોય સાહેબ (વિચારે છે )તમારે રહેવું હોય તો વેઇટિંગ રૂમ જેવી નાની રૂમ છે ત્યાં રહો સવારે જતા રહેજો.
આકાશ : ઓકે
સ્ટેશન માસ્તર : ચાલો
આકાશ : તમારું નામ ?
સ્ટેશન માસ્ટર : લવજીભાઇ
આકાશ : બસ સવારે કેટલા વાગે આવશે પ્રેમજીભાઈ
લવજી : પ્રેમજીભાઇ નહીં લવજીભાઈ
આકાશ : હું એ જ કહું છું લવ એટ્લે પ્રેમ.. તો થયું ને પ્રેમજીભાઇ
( બંને રૂમ પાસે પહોંચી ગયા છે વેઈટીંગ રૂમ ખુલ્લો જ છે આકાશ અંદર જાય છે રૂમમાં નજર કરે છે ટેબલ પર નજર જાય છે અને પારિજાતના ફૂલો ને ચશ્મા પડેલા છે )
લવજી : અરે હાં કહેવાનું ભૂલી ગયો તમારી જેમ એક બેન પણ અહી રોકાયા છે.
આકાશ : એ પણ બસ ચૂકી ગયા કે શું ?
લવજી : હા
આકાશ : મારી બાજુની?
લવજી : ના તમારી વિરુદ્ધ દિશાની. એમને રંગપુર જવાનું છે તમે સામાન મૂકી હાથ મોં ધોઈ લો.
(જાય છે દરવાજા પાસે પહોંચી જાય ત્યાં)
આકાશ : પ્રેમજીભાઈ ચા મળશે ?
લવજી : હા કેમ નહિ.
આકાશ : તો લાવો ત્રણ
લવજી : ત્રણ ?
આકાશ : હા તમારી મારી અને પેલા બેનની
લવજી : એ નથી પીતા
આકાશ : તમને કેવી રીતે ખબર?
લવજી. : મેં પૂછ્યું હતું
આકાશ : કોફી ?
લવજી : ના
આકાશ : સારું ત્યારે બે લાવો.
(આકાશ ટેબલ પર મૂકેલા ચશ્મા અને પારીજાત પાસે જાય છે પછી સિગારેટ સળગાવે છે ને બારી પાસે ઉભો રહે છે પાછળથી ધરા બાથરૂમમાંથી બહાર આવે છે આકાશને સિગરેટ પીતો જુએ છે )
ધરા : સિગરેટ પીવી હોય તો તમે બહાર જઈને પીવો નો સ્મોકિંગ બોર્ડ તમે વાંચ્યું નથી લાગતું? (કામ કરવા લાગી જાય છે, આકાશના અકસપ્રેશન અવાજ જાણીતો છે એવા )
આકાશ : નિયમો તોડવાની મને આદત છે. (અવાજ સાંભળીને ધરા ચમકે છે અવાજ જાણીતો લાગે છે તેવા હાવભાવ) (આકાશ ફરે છે બંને એકબીજાને જુએ છે )
ધરા : આકાશ તું ?
(માત્ર એક્સપ્રેશન આકાશના હાં એવા )
સિગરેટ ક્યારથી શરૂ કરી?
આકાશ : તને છોડી ત્યારથી TP ટાઇમપાસ.
ધરા : વ્યક્તિઓને છોડીને વસ્તુઓ ક્યારથી ટાઇમપાસ થઈ ગઈ?
(એટલામાં લવજી ચા લઇને આવે છે)
લવજી : તમે ઓળખો છો એકબીજાને?
આકાશ : પાંચ વર્ષથી.
ધરા : પણ હજી ઓળખી નથી શક્યા.
લવજી : એટલે ?
ધરા : નહી સમજાય તમને
આકાશ : સમજવાની જરૂર નથી લાવો.
(ચા આપે,આકાશ સિગરેટ ફેંકી દે છે લવજી ચા આપીને વાતની નજાકત સમજીને ચાલ્યો જાય છે)
(અડધી ફેંકેલી સિગરેટ ને જોઈને )
ધરા: કેમ હવે વ્યક્તિ મળી ગઈ એટલે વસ્તુને ફેંકી દીધી? તને આ રીતે અધૂરું ફેંકી દેવું ગમે છે નહીં?પછી કોઈ વસ્તુ હોય વ્યક્તિ હોય કે સબંધ.
આકાશ : સિગરેટ ટાઇમપાસ માટે પીતો હતો. આ સિગરેટ ક્યારેક વાતો કરવાનો મોકો આપે છે, તને તો ખબર જ છે કે મને વાતો કરતા નથી આવડતું. વ્યસન બે વ્યક્તિઓને - માણસોને નજીક લાવે છે.
ધરા : ક્યારેક માણસો ને અલગ પણ પાડી દે છે. જેવું આપણી વચ્ચે થયું. વધુ પડતા કામનું વ્યસન.
આકાશ : (વાત બદલતા) હા સિગરેટ હંમેશા મારી પાસે રાખું છું કોઈને પણ ઓફર કરો એટલે વાતની શરૂઆત થઇ જાય. જોને આ સિગરેટે જ આપણી વચ્ચે વાતોનો દોર શરૂ ના કર્યો? આ તો તું હતી.બીજી કોઇપણ સ્ત્રી હોત તો પણ સિગરેટ વાતનો દોર શરૂ કરવામાં મદદ કરત જ. જો એને ના ગમતી હોત તો પણ અને ગમતી હોત તો પણ.
ધરા : હા અને તું એક નવી ગર્લફ્રેન્ડ બનાવી શક્યો હોત આદત પ્રમાણે. હજી પણ તને કોલેજ ની જેમ દર વર્ષે ગર્લફ્રેન્ડ બદલવાની આદત છે ? સોરી આદત નહીં શોખ.
આકાશ : તને મારી આ આદતની
ધરા : શોખ
આકાશ : શોખની ખબર હતી છતાં તું મારા પ્રેમમાં પડી કેમ?
ધરા : તારામાં કંઇક એવું છે કે જે લોકોને ખાસ કરીને છોકરીઓ ને તારા તરફ ખેંચે છે.
આકાશ : શું છે?
ધરા : મને ખબર નથી.
આકાશ : મને પણ ખબર નથી.
ધરા : છત્તા તારું એકેય પ્રેમપ્રકરણ વર્ષથી વધારે ચાલ્યું જ નહીં
આકાશ : ચાર વર્ષ.
ધરા : હં....
આકાશ : ચાર વર્ષ , આપણો પ્રેમ ચાર વર્ષ ચાલ્યો હતો.
ધરા : ચાલ્યો ના કહેવાય ઢસડાયો કહેવાય. મેં વેંઢાર્યોતો એને અહીં (હૃદય પર હાથ મુકીને) ચાર વર્ષ. મારી જિંદગીના અમૂલ્ય ચાર વર્ષ.
આકાશ : મારી પણ.
ધરા : પાર્ડન ?
આકાશ : મારી પણ.
ધરા : ( હસે છે ) ચાલ એ બધું છોડ. મને એક વાત કરીશ મારી પહેલાની છોકરીઓએ - તારી ગર્લફ્રેન્ડસે તને કેમ છોડી દીધો હતો? કે તે લોકોને છોડી હતી ?
આકાશ : (કઈ નથી બોલતો)
ધરા : મેં તને પહેલા પણ આ સવાલનો જવાબ પૂછ્યા છે ત્યારે પણ તુ મૌન રહ્યો આજે ન રહેતો. હવે તો આપણી વચ્ચે એવું કશું જ નથી. માટે તું મને ચોક્કસ કહી શકે. (મંદ હસતા) એ બહાને વાતો થશે.
આકાશ : આજ સુધી નક્કી નથી કરી શકયો.
ધરા : ઉડાઉ જવાબ નહીં આપવાનો. પહેલા વર્ષે આર સી
આકાશ : પહેલા વર્ષે નહીં બીજા વર્ષે
ધરા : ઓકે બીજા વર્ષે . ત્રીજા વર્ષે મિત્રા અને પછી હું ધરા. તે મને કેમ છોડી ?
આકાશ : એ ચર્ચા આપણે ઘણીવાર કરી ચૂક્યા છીએ.
ધારા : મને એમ કે આર સી ને તે કેમ છોડી ? અથવા એણે તને કેમ છોડયો?
આકાશ : આર સી.......આર સી રોયલ ચેલેન્જ જેવી જ હતી. ગુજરાતમાં દારૂબંધી છે પણ રોજ હું એને પીતો. એને ખુશખુશાલ જોવી એ મારા માટે એક ચેલેન્જ હતી. રોયલ ચેલેન્જ. કારણકે એની આંખ માં દારૂ જેના માટે સૌથી વધારે પીવાય છે એવો ગમ હતો ને એને મારે દૂર કરવો હતો.એ કદાચ પ્રેમ નહીં પણ સહાનુભૂતિ...... સહાનુભૂતિ ભર્યો પ્રેમ હતો.
ધરા : ને તું એ ચેલેન્જ હારી ગયો.
આકાશ : હા ખૂબ દૂર સુધી જવાની ઇચ્છા હતી એ રોયલ ચેંલેજને ખૂબ જ જૂના દારૂની જેમ બૂઢ્ઢા થતાં થતાં પીવાની ઈચ્છા હતી ન પી શકયો.
ધરા : કે એણે ન પીવા દીધો?
આકાશ : (હસે છે )
ધરા : અને મિત્રા ?
આકાશ : મિત્રા ......પહેલાં સહાનુભૂતિભર્યો પ્રેમ હતો પછી આર સી ને બતાવી દેવા માટે મિત્રા સાથે એડજસ્ટમેન્ટ દ્વારા પ્રેમ કર્યો - થયો- ચાલ્યો ને એનો અંત ક્યારે અને કેવી રીતે આવ્યો એ જ ખબર ના પડી બસ અચાનક બધું જ બંધ થઈ ગયું.
ધરા: તે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન પણ ના કર્યો ?

આકાશ : મારો સ્વભાવ છે હું કોઈની પાસે એક્સપ્લેનેશન નથી માંગતો ને કોઈને આપતો પણ નથી.
ધરા : આજ તો કારણ છે. તું માંગ ને આપ એક્સપ્લેનેશન.
આકાશ : હવે માંગુ છું ને આપુ પણ છું. અનુભવ્યું કે એક્સપ્લેનેશન જિંદગી માટે ખૂબ જરૂરી છે . નહિતર સામેનો માણસ તમને સમજી નથી શકતો ને તમે એને.. જરૂરી છે એક્સપ્લેનેશન ખૂબ જ જરૂરી છે.
ધરા : આર સી ને મિત્રા પછી હું આવી
આકાશ : હા
ધરા : મને પ્રેમ કેમ કર્યો? આરસી ને મિત્રાને બતાવી દેવા માટે ?
આકાશ : ના
ધરા : તો ?
આકાશ : શરીર માટે.
ધરા : મારું અનુમાન સાચું પડયું
આકાશ : ને મારું ખોટું.
ધરા : કેમ ?
આકાશ : મે RC અને મિત્રાને એ નજરથી કદી જોઈ જ ન્હોતી.
ધરા : કઈ નજરથી?
આકાશ : જે નજરથી એક પુરુષ એક સ્ત્રીને શરૂઆતમાં જોતો હોય છે. મે એમને હાથ પણ નહોતો લગાવ્યો. અમની સ્ત્રી સહજ મર્યાદા ના તૂટે એનું ધ્યાન પણ રાખ્યું હતું, છતાં જ્યારે અમે છૂટા પડ્યા ત્યારે મને એમ લાગ્યું કે કદાચ એક પુરુષ તરીકે એક સ્ત્રી ને હું સંતોષ નહી શક્યો હોઉં એટલે એ લોકો દૂર થઈ ગયા અને મારા પુરુષ અહમને ઠેસ પહોંચી ને મેં નક્કી કર્યું કે હવે જે પણ મારા જીવનમાં આવશે તેને સંપૂર્ણ રીતે શારીરિક અને માનસિક રીતે મેળવવાનો અને આપવાનો પ્રયત્ન કરીશ.
ધરા : તું માત્ર શારીરિક રીતે જ મારા સુધી પહોંચ્યો માનસિક રીતે નહીં.
આકાશ : પહેલા સહાનુભૂતિભર્યો પ્રેમ કર્યો હતો પછી બતાવી દેવા એડજેસેટ્મેંન્ટ દ્વારા પ્રેમ થયો પછી માત્ર શરીર માટે થયો દરેક જગ્યાએ હું ખોટો પડ્યો. જ્યાં સમજદારીની જરૂર હતી ત્યાં ગાંડો પ્રેમ આપ્યો, જયાં શરીરની જરૂર હતી ત્યાં આપ્યું નહિં ને દિલ આપ્યું ને જ્યાં દિલથી પ્રેમ ની જરૂર હતી ત્યાં શરીર આપ્યું. હવે અન્ડરસ્ટેન્ડિંગ છે . મેચ્યોરીટી છે .કદાચ આજે હું સમજી શકું છું અને કદાચ તું પણ, કે પ્રેમ શું છે?
ધરા : હું તો સમજતી જ હતી. ત્યારે પણ. તને ખબર છે પુરુષ શરીર માટે સ્ત્રીને પ્રેમ કરે છે અને સ્ત્રી પ્રેમ માટે પુરુષને શરીર આપે છે. મે તો તને બંને આપી દીધા હતા. પ્રેમ ને શરીર . તે માત્ર શરીરને મહત્વ આપ્યું.
આકાશ : શરૂઆતમાં એવું હતું પણ પછી.......
ધરા : પછી ?
આકાશ : પછી મને લાગ્યું કે
ધરા : તું મને પ્રેમ કરવા લાગ્યો છે
આકાશ : હા
ધરા : તો પછી લગ્ન કેમ ન કર્યા ?(આકાશ ચુપ છે) પ્રેમ કર્યા પછી ખાલી હાથે પાછા ફરવામાં બહુ દુઃખ થાય છે અને કોઈને સ્વજન ગણી પ્રેમ કરવા માંડવો એના જેવું દુઃખ દુનિયામાં બીજું કોઈ જ નથી.
આકાશ : એ મારાથી વધારે કોણ જાણતું હશે. પણ એ સમયનું તારું પેશન જબરજસ્ત હતું. ને હું કાંઈ જ નહોતો મારે મારી કેરિયર બનાવવાની હતી. તારું પેશન મને ગુંગળાવી નાંખતુ. મને તારા પ્રેમ - વધુ પડતા પ્રેમને કારણે ગુંગળામણ થતી, ને એ સમયે હું આર સી ને થતી એની ગૂંગળામણ અનુભવી શકયો. જ્યારે મારો પ્રેમ એનાં માટેનું પેશન હતો ત્યારે એને - RC ને થતી ગૂંગળામણ તેના વર્તન ને હું સમજી શકયો. પ્રબળ પ્રેમ પાસે જ નથી ખેંચતો એ દૂર પણ ધકેલી દેતો હોય છે. કદાચ એ અનુભવે જ પ્રેમ માટે મને થોડો ઘણો ઘડ્યો એવું હું કહી શકું.
ધરા : તારે એનો આભાર માનવો જોઈએ.
આકાશ : ચોક્કસ (ધરા વાળ ખોલે છે જે નાના છે) તે વાળ કપાવી નાંખ્યા?
ધરા : હા સંબંધની જેમ વાળ પણ કાપી નાખ્યા. વાળની સાથેનો સંબંધ જ જ્યારે કાપી નાખ્યો હોય ત્યારે વાળને રાખીને શું કરવું હતું? મને ખબર છે તને મારા વાળ ખૂબ ગમતાં.
આકાશ : વાળ સાથેનો સંબંધ કાપી નાખ્યો છે તો આ પારિજાતના ફૂલ અહિં શું કરે છે ?
ધરા : અહિં પાછળ પારિજાત છે.જોયું એટ્લે થોડાં ફૂલો લીધાં. તારે ત્યાં પણ પારિજાત હતું ને.( સુંઘીને) તું મારા માટે રોજ પારિજાતના ફૂલો લાવતો. 17 મારી બર્થ ડેટ જેટલા.
આકાશ : કાપી નાખ્યું. (ધરાના એકસપ્રેશન ) ઉધઈ ચઢવા લાગી હતી, વધી જાય એ પહેલા મારા હાથે જ કાપી નાખ્યું. જેથી ત્યાં બીજો છોડ ઉગી શકે.
ધરા : ઉગ્યો કે નહીં ?
આકાશ : હા
(ધરા પારિજાતના ફૂલો લઈને બારી બહાર નાખી દે છે )
આકાશ : કેમ ફેંકી દીધા ?
ધરા : મને પણ તારી જેમ એટેચ અને ડીટેચ થતા આવડી ગયું છે . સ્વીચ ઓન- સ્વીચ ઓફ . તું જ કહેતો હતો ને કે માણસમા આ આવડત તો હોવી જ જોઈએ ઝડપથી એટેચ ને ડીટેચ થવાની.
આકાશ : હા માણસ તો જ જીવી શકે છે જો એને ઝડપથી કોઈપણ વ્યક્તિ કે વસ્તુથી એટેચ કરતાં ડિટેચ થતાં આવડે .
ધરા : તને તો સારી રીતે આવડતું હતું . કલા હતી તારી પાસે
આકાશ : હા
ધરા : ને હવે હું એ કળામાં માહેર થઈ ગઇ છું.
આકાશ : મારી યાદ નથી આવી આટલા વર્ષોમાં
ધરા : કોઈપણ વસ્તુના કે વ્યક્તિના અભાવથી પછી તે અભાવ ગમે તેટલો નજીકનો હોય પણ માણસ હંમેશા તેનો શોક કરી જીવી શકતો નથી. ઇંફેકટ જીવી શકાતું પણ નથી. તારી પાસેથી હું ઘણું બધું શીખી
આકાશ : હું પણ
ધરા : હં........
આકાશ : કંઈ નહીં.
ધરા : હમણાં તુ કંઈ બોલ્યો?
ધરા : કઈ નહીં મારી જાત સાથે વાત કરતો હતો.
ધરા : તારી એ આદત હજી સુધી ગઈ નહીં.
આકાશ : માણસનો સ્વભાવ ક્યારેય નથી બદલાતો
ધરા : હૃદયને ખાલી કરી નાખે છે એ સ્વભાવ નથી અભાવ છે
આકાશ : હ્ર્દય ખાલી રહેવા ઇચ્છતુ જ નથી.ચારે તરફ હાથ લંબાવતું ફરે છે ને કદાચ આ જ એની પ્રકૃતિ હશે. પ્રિયપાત્રને જીવનભર શોધી જ નહી શકાતું હોય અથવા તો શોધવાની વસ્તુ જ અસ્તિત્વમાં નહીં હોય. બધુ જ મૃગજળ.
ધરા : મને ખબર જ હતી તું ક્યારેય બદલાઈ ન શકે થોડોઘણો ફેરફાર શક્ય છે પણ મૂળતઃ સ્વભાવ તો એવો ને એવો જ રહે છે (લવજી આવે છે )
લવજી : સાહેબ જમવામાં શું લેશો ?
આકાશ : શું મળશે ?
લવજી : બનાવવાનું છે એટલે પૂછું છું.
આકાશ : બનાવી નાખ બધુ ચાલશે
ધરા : ઉભા રહો હું આવું છું બનાવવા.
લવજી : તમે આવો બાજુ માં જ રસોડું છે. (જાય છે )
આકાશ : બનાવતા આવડી ગયું?
ધારા : શીખી ગઈ
આકાશ : કોણે શીખવાડ્યું ?
ધારા : પ્રશ્નનો જવાબ તને ખબર છે. વર્ષો પહેલા બનાવવાનું શીખવાની શરૂઆત કરી હતી, તારા માટે. તને ગમતું હતું એટલે શીખવાનો પ્રયત્ન કર્યો હતો. પછી છોડી દીધું કારણ કે તું છુટી ગયો એક વાત પૂછું ?
આકાશ : પૂછ.
ધરા : હું તને ગમે તેવી બધી જ વસ્તુઓ કરતી. તને જીન્સ ટી શર્ટ ન ગમતાં તો ન પહેરતી. તને ખાવાનો શોખ હતો.જમવાનું બનાવતા આવડે એવી છોકરી ગમતી તો હું એ શીખી છતાં તું મને કેમ એવોઇડ કરતો હતો બધા કરતાં જુદી રીતે જ ટ્રીટ કરતો, કેમ?
આકાશ : હું ઇચ્છતો હતો કે તું મારા સ્વભાવથી ટેવાઈ જાય, જેથી આપણને ભવિષ્યમાં તકલીફ ના પડે. તુ જેટલી મારી ખૂબીઓને પ્રેમ કરતી તેટલી જ મારી ખામીઓને પણ જાણે ને મને મારી ખૂબીઓ અને ખામીઓ સાથે સ્વીકારે તેવું ઈચ્છતો હતો.
ધરા : તારી એ ટ્રીટમેન્ટે જ કદાચ આપણને દૂર કર્યા. એક માણસ બીજા માણસનું મન સહાનુભૂતિ અને પ્રેમ દ્વારા સમજી શકે છે ઉંમર કે બુદ્ધિ દ્વારા નહીં. તારી એ રીત ખોટી હતી.
આકાશ : બની શકે
ધરા : બની શકે નહીં હતી જ. હું પણ માનું છું કે માણસને ખુબીઓને ખામીઓ સાથે પ્રેમ કરવો જોઈએ, પણ ક્યારેક જીવનમાં કેટલીક ખામીઓ છુપાવવી પણ જોઈએ.અને એ જે તે સમયે છતી થાય તો કદાચ જીવનમાં મજા પણ આવે કારણકે કોઈ પુર્ણ નથી. બે અપૂર્ણ ભેગા થઈને જ સંપૂર્ણ બની શકે છે.
આકાશ : હવે માનતો થયો છું કે કદાચ માણસ ને પૂરેપૂરો જાણી લીધા પછી તેની સાથે રહેવું અઘરું થઈ પડે છે કારણ કે તમે તેના દરેક વર્તન ને મૂલવવા લાગો છો. અને તના કારણે કદાચ ઝઘડા વધી જાય છે. જ્ઞાન માણસને તારે પણ છે અને મારે પણ છે જો વ્યક્તિ વિશે, વર્તન ,વર્તાવ અને સ્વભાવ વિશે થોડુંક ઓછું જાણતા હોવ તો તેને માફી આપી શકાય છે. તેનાં તે વર્તનને ભૂલી શકાય છે ને જીંદગી ચાલુ રહે છે
ધરા : આપણી ત્યાં જ રોકાઈ ગઈ. તને મારો જરાય વિચાર નહોતો આવ્યો એ સમયે ?
આકાશ : તારો જ વિચાર કર્યો હતો (ધરાના એક્સપ્રેસન ) હા તારો જ વિચાર કર્યો હતો. એ સમયનું તારું પેશન, તારી લગ્ન કરવાની જીદ ને મારી એ સમયની આર્થિક પરિસ્થિતિ. જો આપણે લગ્ન કર્યા હોત તો કદાચ આજે આ પરિસ્થિતિમાં અહીં ન હોત.
ધરા : ચોક્કસ ન જ હોત. આમ સામ સામે નહીં પણ સાથે હોત.
આકાશ: ના.કદાચ સામ સામે પણ ન હોત. વિરુદ્ધ દિશામાં પીઠ ફેરવીને ઉભા હોત કારણ કે લગ્ન પછી પ્રેમની સાથે-સાથે માણસને પૈસાની પણ જરૂર પડે છે. પૈસાની સંક્ડામણ શરૂ થાય છે ત્યારે પ્રેમનું બાષ્પીભવન થઇ જાય છે ને સર્જાય છે શૂન્યાવકાશ. જેમાં કોઈને સ્થાન નથી હોતું. કોઈ લાગણીને સ્થાન નથી હોતું. માત્ર માંગણીને જ સ્થાન હોય છે.
ધરા : તું આજે પણ એટલું જ સરસ બોલી શકે છે જેવું કોલેજની વકૃત્વસ્પર્ધાઓમાં બોલતો હતો.
આકાશ : હું સરસ નહીં સાચું બોલું છું.
ધરા : ક્યારેક તો ખોટું બોલવું હતું. તારા એ વિચારો એ મને કેટલી હેરાન કરી તને ખબર છે? હું તને પરણવા માંગતી હતી ને મારા મોમ ડેડને એ વિશે ખબર પડી ગઈ હતી. તું મને એવોઇડ કરતો હતો, મારા ફોન નહોતો રિસીવ કરતો, હું મળવા આવું તો મારાથી દૂર ભાગતો હતો, એ વખતે મારી હાલત ગાંડા જેવી થઇ ગઇ હતી. મને એ સમયે માત્ર તારા જ વિચારો આવતા હતા અને તું મારાથી દુર જઈ રહ્યો હતો. જેને આપણે ચાહતા હોઈએ તે આપણને ન ચાહતું હોય અરે નફરત પણ કરતું હોય તો પણ સહન કરી શકાય પણ જેનો પ્રેમ મળ્યો એમ માની ને જીવતા હોઈએ એ જ જ્યારે ખોટુ પડે ત્યારે દુઃખ અને અપમાન બેઉ અનુભવવા પડે છે અને એનો ઉપાય પણ નથી હોતો. દુઃખનું કારણ પણ મળતું નથી એ વેદના અસહ્ય હોય છે.
આકાશ : એ પરિસ્થિતિ જ એવી હતી કે જો હું દૂર ન ગયો હોત તો કદાચ આપણે બંને હંમેશ માટે દૂર થઈ ગયા હોત.
ધરા : ને કદાચ બન્ને હંમેશ માટે પાસે પણ આવી ગયા હોત.
આકાશ : એ શક્યતા ખૂબ જ ઓછી હતી.
ધરા : પણ હતી ખરીને ?
આકાશ : હા તો તું આજે જે સ્થાને છે એ સ્થાને ન હોત. ગૃહિણી હોત,હાઉસ વાઈફ ગમત?
ધરા : આજે ન ગમત પણ એ સમયે ચોક્ક્સ ગમત. દરેક છોકરીની ગૃહિણી બનવાનું ગમે એવી એક ઉંમર હોય છે ને પછી એ ઉંમર પછી તેને ગૃહિણી પણ ખૂંચવા લાગે છે.
આકાશ : કદાચ આજે તને ગૃહિણી બનવું ન ગમે
ધરા : તારી વાત સાચી છે પણ કદાચ એ ઉંમરમાં લીધેલો નિર્ણય સાચો હોય છે એવું મને લાગે છે. સ્ત્રી અને પુરુષની બાબતમાં હૃદયની આપ-લે એ બહુ સામાન્ય ઘટના છે રોજે રોજ બને છે એનો અંત નથી ને એમા નવીનતા પણ નથી છતાં એકમેક નાં પ્રેમનો સ્વીકાર એ વ્યક્તિના જીવનમાં કેટકેટલા વિચિત્ર અને વિસ્મયજનક રંગોથી ઝળહળી ઊઠે છે.
આકાશ : અફસોસ થાય છે?
ધરા : શેનો?
આકાશ : ગૃહિણી ના બન્યાનો (ધરા હસે )
લવજી : બેન
ધરા : આવી
આકાશ : જા થોડી વાર માટે ગૃહીણી બની જા.

સીન:2
( જમ્યા પછી )
ધરા : વરિયાળી?
આકાશ : આજે પણ રાખે છે?
ધરા : હા આદતો - ટેવો - કુટેવો ક્યારેય નથી છૂટતી. ખાવાનું કેવું બન્યુ હતુ.
આકાશ : સારુ
ધરા : મને સારું લગાડવા કહે છે ? ભાત થોડો કાચો રહી ગયો હતોને?
આકાશ : હવે કાચું પાકું ખાવાની આદત પડી ગઈ છે.
ધરા : તે લગ્ન કર્યા ?
આકાશ : તને શું લાગે છે ?
ધરા : કર્યા પણ હોય ના પણ કર્યા હોય. માણસ માટે ક્યારેય કોઈ પ્રિડિકશન ન કરી શકાય.
આકાશ : ના
ધરા : કેમ?
આકાશ : કેરિયર બનાવવામાં જિંદગીનું કેરિયર ન લગાવી શક્યો. પછી થયું કે કોઈ જરૂર પણ નથી. મસ્ત જીંદગી છે. ફાવે તેમ જીવું છું. ઘરે મોડા કેમ આવ્યા? ક્યાં હતા? ક્યાં ગયા હતા? એ બધા પ્રશ્નોના જવાબ તો ના આપવા પડે.
ધરા : તને પહેલેથી જ પ્રશ્નોના જવાબ આપવાની ટેવ નથી નહીં
આકાશ : હા પણ આ પ્રશ્નોના જવાબ આપવા ગમત તુ પૂછત તો. છોડ એ બધુ તું કે તે લગ્ન કેમ ના કર્યાં?
ધરા: બસ મન ના થયું. ગમ્યું જ નહીં કોઈ બીજુ.
આકાશ : મારા જેવું
ધરા : હજુ પણ તું વહેમમાં જીવે છે કે તારા વગર કોઈના જ ગમી શકે?
આકાશ : પણ ગમ્યું નથી ને ?
ધરા : ના. તું મને એટલા માટે ગમતો હતો કે તુ મારા પપ્પા જેવો હતો. દરેક છોકરીને તેના પપ્પા જેવો છોકરો જ વધારે ગમતો હોય છે
આકાશ : અને છોકરાને એની માં જેવી છોકરી
ધરા : હા જગતમાં સ્ત્રીઓ માટે એક એવી પણ વ્યક્તિ કે વસ્તુ છે જેનું મૂલ્ય બાપ કરતાં પણ વધી જાય છે એનો પતિ
આકાશ : (મોબાઇલ મા કંઇક કરતાં કરતાં ) દીકરીને બાપ સાથે અને દીકરાને મા સાથે વધારે લગાવ હોય છે અને એટ્લે જ કદાચ ઘરમાં ઝઘડા વધારે થતાં હશે દિકરી ઈચ્છે છે કે તેનો પતિ એના પપ્પા જેવો હોય અને પતિ ઇચ્છે છે કે પત્ની એની માં જેવી હોય ને પછી રામાયણ શરુ થઈ જાય.
ધરા : મહાભારત
આકાશ : આપણી વચ્ચે પણ એવા મહાભારત થતા નહીં?
ધરા : હા તું ઇચ્છતો કે હું અમુક રીતે જ રહું અમુક કપડાં જ પહેરું
આકાશ : ને તું એનાથી ઊલટું કરતી
ધરા : ને તું ગુસ્સો થતો. તારો ગુસ્સો મને ગમતો.
આકાશ : પપ્પા જેવો કરતો એટલે
ધારા : હા
આકાશ : અને પ્રેમ
ધરા : એ તો તને કરતા જ નહોતું આવડતું
આકાશ : આજેય નથી આવડતું
ધરા : હં....
આકાશ : કઈ નહીં. ( ફોન આવે છે )બોલ અરે ડિયર તુ ચિંતા નહી કર હા હુ પરમ દિવસે આવીશ....હા સીધો તને આવીને ફોન કરીશ બસ ...ઓકે ....મળવા આવીશ આઇ લવ યુ બાય.
ધરા : (જુએ છે )
આકાશ : ગર્લફ્રેન્ડ યુનો
ધરા : હા કોઇક તો જોઇએ જ ને
આકાશ : અહિં ટાવર પકડાય છે નવાઇ લાગે છે.
ધરા : આપણી સરકાર બેઝિક જરૂરિયાત નહીં આપે પણ ઇન્ટરનેટ અને મોબાઇલ તો દરેક ગામેગામ હોવા જ જોઈએ. ખાવા અન્ન નહીં રહેવા ઘર નહીં હોય તો ચાલશે, કામ નહીં હોય તોય ચાલશે પણ મોબાઇલ ને ઇન્ટરનેટ તો હોવા જ જોઈએ જેથી દેશ વિકાસ કરી શકે.
આકાશ : તું પણ મારા જેવું બોલતાં શીખી ગઇ.
ધરા : અમેઝિંગ તું આટલી નરમાશથી આટલી વાર સુધી ફોન પર વાતો કરી શકે છે.
આકાશ : શીખી ગયો
ધરા : સારું થયું ચાલો તારી ગર્લફ્રેન્ડને ફાયદો થયો
આકાશ : તમારા થકી
ધરા : તો તારે મને થેન્ક્સ કહેવું જોઈએ.
આકાશ : ચોક્કસ. હું આવુ છું. (આકાશ બહાર જાય છે )
(ધરા મોબાઇલ પાસે આવે છે મોબાઇલ માં જુએ છે, મૂકે છે) (આકાશ હાથમા પારિજાતના ફૂલો સાથે આવે છે ધરાને આપે છે )
આકાશ : બહુ પહેલાં હું માનતો હતો કે માણસ કહયા વગર એકબીજાની વાત સમજી જતા હોય છે. મારી વાત તારા સુધી શબ્દો વગર, ફૂલો વગર પણ પહોંચી શકે છે પણ પછી લાગ્યું કે આ બધી સાહિત્યની વાતો છે. આ શકય જ નથી માટે જ તમારે તમારી લાગણીઓને શબ્દોના, ફૂલોના કે ગિફ્ટોના વાઘા પહેરાવવા જરૂરી છે. કદાચ એ લાગણીઓ પહોંચાડવામા, સમજવામાં સરળતા પણ કરી આપે છે
ધરા : તું જુઠ્ઠું બોલે છે
આકાશ : નહીં સાચું કહું છું
ધરા : હું ફોનવાળી ગર્લફ્રેન્ડ ની વાત કરું છું
આકાશ : એટલે તને ખબર પડી ગઈ?
ધરા : હા મે તારો મોબાઇલ જોયો કોઈનો ફોન નથી આવ્યો કે નથી તારી કોઈ ગર્લફ્રેન્ડ. હજુ તુ જુઠ્ઠું બોલે છે કે તું મને આકાશ : હું આજે પણ તને પ્રેમ કરું છું. ઝંખું છું તને, ને તું મને. ફૂલો ફેંકી દેવાથી સંબંધો ફેંકી દેવાતા નથી કદાચ તુ આજે સમજી શકે મારા એ વર્તનને .
ધરા : શ્રદ્ધા વગર પ્રેમ ન હોય જે ચીજ કે વ્યક્તિને માણસ મિજાજમાં, ગુસ્સામાં હડસેલી ખોઈ બેસે છે તે ચીજ કે વ્યક્તિ શું છે તે તો જે દિવસે ગુમાવી બેસે છે તે દિવસે જ સમજાય છે. પણ તારે એ વખતે મને કહેવું જોઈતું હતું.હવે કોઈ અર્થ નથી.
આકાશ : મેં તને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ત્યારે તારી સમજદારી પર પ્રેમનો પડદો હતો તું સ્વીકારવા તૈયાર હતી? હતી જ નહીં. આજે કેવું ફિલ કરે છે?
ધરા : સારું થયું કે આપણે છુટા પડ્યા.
આકાશ : અફસોસ થાય છે ?
ધરા : પહેલા થતો હતો પણ પછી એ પણ જતો રહ્યો ને પરીસ્થિતિને સમજવા લાગી.કદાચ આજે બહુ સારી રીતે સમજી શકું છું. પારીજાતનાં ફૂલો રાત્રે ખીલે છે એમ મારે પણ ખીલવું હતું તારી સાથે પણ અફસોસ એ રાત જ ન આવી. આકાશ : ને આવી તો આજની આ રાત આવી.
ધરા : એક જ રાતમાં માણસ પ્રયત્ન કે દેખાવ વગર કેટલો દૂર જતો રહે છે ને કેટલો પાસે પણ. પહેલાં આપણે મળતા તો કેટલા ઝગડતા કોઈ વાત ના કરી શકતા આપણાં પ્રેમનો સમય આપણે નાની નાની વાતોના ઝઘડામાં વેંડફ્તા ને આજે આપણે કેટલા શાંતિથી અને સ્વસ્થતાપૂર્વક વાત કરી નવાઈ લાગે છે.
આકાશ : સવાર થઈ ગઇ.
ધરા : હવે બધું કેટલું સરસ દેખાય છે સ્પષ્ટ.
આકાશ : હા અંધારું હોય ત્યાં સુધી બધું અસ્પષ્ટ રહે છે. મનુષ્યના જીવનમાં એવો ઘણો વખત જાય છે જ્યારે એ પોતે પોતાના સંબંધમાં અંધારામાં હોય છે.પછી એક દિવસ એકાએક આંખ ઊઘડે છે.
ધરા : સારુ થયું રોકાઈ ગયા.આજે વરસાદ પણ ધોધમાર પડ્યો.
આકાશ : ઝરમર ઝરમર વરસતા વરસાદથી વાદળા વિખેરાતા નથી માત્ર પગ નીચે કાદવ કીચડ આવે છે, ચારે દિશામાં ગમગીની જામી જાય છે.ધોધમાર વરસાદમાં એક સગવડ છે એનાથી આકાશ સ્વચ્છ થઈ જાય છે.
ધરા : ચાલ થોડું ચાલીએ (બંને બહાર આવે છે પાટા પર ચાલવા નીકળે છે ) આપણે આ પાટા જેવા છીએ. સમાંતર. સમાંતર ચાલી શકીશું પણ ભેગા નઇ થઈ શકીએ
આકાશ : અને ક્યાંક ભેગા થઈ ગયા તો તરત જ આડા પાટે ચડી જઈશું...(ધરા એની સામે જુએ છે ) એટ્લે કે બીજા પાટા સાથે ડાયવર્ઝન લઈ લેવું પડશે જ્યાં છીએ સારા છીએ.
ધરા : ઍટલીસ્ટ થોડા થોડા સમયે ભેગા તો થઈ શકીશુ.
આકાશ : સાથે ચા તો પી શકીશું.
ધારા : હું ચા નથી પીતી.
આકાશ : જોયું
ધરા : આપણે સમાંતર જ સારા.
(બંને ચાલે છે પાટા પર સામેથી ટ્રેન આવે છે હાથ પકડેલા છે બન્નેની વચ્ચેથી ટ્રેન પસાર થઈ જાય છે )
સમાપ્ત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED