વિષાદ યોગ - પ્રકરણ - 45 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ - પ્રકરણ - 45

નીશિથ અને સમીર જ્યારે દરબાર ગઢમાંથી બહાર નિક્ળી કારમાં બેસવા જતા હતા ત્યાં એક માણસે આવીને નિશીથને કહ્યું “માતાજી તમને બોલાવે છે.” આ સાંભળી નિશીથે સમીર સામ જોયુ અને આંખોથીજ સમીરને ત્યાં રોકાવા કહ્યું અને નિશીથ પેલા માણસની સાથે ઉર્મિલાદેવી પાસે ગયો. ત્યાં જઇને તેણે જોયું તો ઉર્મિલાદેવી બેઠા હતા અને ગંભીરસિંહ તેની પાસે ઊભો હતો. નિશીથ દાખલ થયો એટલે માતાજીએ કહ્યું “દિકરા તને એક વાત કહેવા માટેજ બોલાવ્યો છે. આ ગંભીરસિંહ મારો ખાસ વિશ્વાસુ માણસ છે તારે ગમે ત્યારે કંઇ પણ જરુર પડે તો તેને કોન્ટેક્ટ કરજે. અને તેના પર પુરો ભરોશો રાખજે. અને બીજુ તારે કંઇ પણ જરુર હોય મુંજાતો નહીં.” અને ત્યારબાદ ગંભીરસિંહે નિશીથને તેનો મોબાઇલ નંબર લખાવ્યો અને પછી નિશીથ ત્યાંથી નિકળી ગયો. નિશીથ પાછો પાલીતાણા પહોંચ્યો ત્યારે સાંજ પડી ગઇ હતી. રસ્તામાંજ કશિશના બે ત્રણ કોલ આવી ગયાં હતાં. નિશીથને ઘણી વાર લાગી એટલે તેને ચિંતા થતી હતી. નિશીથ અને સમીર હોટલ પર પહોંચી સીધાજ કશિશના રુમમાં ગયાં. કશિશ નિશીથને જોઇને ઉભી થઇ ગઇ. નિશીથ રુમમાં પડેલી ખુરશીમાં બેઠો અને સમીર બેડ પર બેઠો. કશિશે બંનેને પાણી આપ્યું ત્યાં બાથરુમનો દરવાજો ખુલ્યો અને નૈના બહાર આવી. નિશીથને જોઇ નૈના બોલી “એલા તમે આવી ગયા? ફોન તો કરાયને કે મોડુ થશે. આ તારી હિરોઇન કેટલી ચિંતા કરતી હતી.”

“સોરી યાર, વાતમાં અમને ભુલાઇ ગયેલું.” નિશીથે કશિશ સામે જોઇને કહ્યું.

“હવે ત્યાં શું થયું? ઉર્મિલાદેવી મળ્યાં કે નહીં?” કશિશે તેની આતુરતા દર્શાવતા કહ્યું.

“એ બધી વાત ખૂબ લાંબી છે પછી માંડીને કરુ અત્યારે અમે રુમમાં જઇને ફ્રેસ થઇ જઇએ છીએ પછી નીચે જમવા માટે મળીએ. જમીને તમને બધીજ વાત કરીશ.” એમ કહી નિશીથ ઊભો થયો અને બંને તેના રુમમાં ગયાં.

જમીને બધા ફરીથી નિશીથના રુમમાં ભેગા થયા. રોમેશ પણ તે લોકોની સાથે રુમમાં આવ્યો. બધા બેઠા એટલે નિશીથે બધીજ વાત કહી. આખી વાત સાંભળીને બધા સ્તબ્ધ થઇ ગયાં. થોડીવારતો રુમમાં સનાટો થઇ ગયો. બધાજ પોતપોતાની રીતે વિચારતા હતા કે આખી વાતનો મતલબ શું થાય છે? નિશીથ પણ વાત કરી થાકી ગયો હોવાથી શાંત બેસી રહ્યો. થોડીવાર બાદ કશિશે કહ્યું “મને ઉર્મિલાદેવીની વાતમાં કઇક ખોટુ હોય એવુ લાગે છે. જે રાજપુતાણી પોતાના દિકરાને વેર વાળવા માટે કહી રહી છે એજ રાજ્પુતાણી જ્યારે તેના પતિનુ ખુન થયુ ત્યારે પોલીસ સુધી જવાની હિંમત પણ ન કરી શકી?”

આ વાત સાંભળી નૈનાએ કહ્યું “હા એ વાત મને ગળે નથી ઉતરતી કે તેના પતિનું ખુન થયુ અને ખુનીને જાણતી હોવા છતા તેણે પોલીશ ફરીયાદ ના કરી અને પોલીશ પર દબાણ ન કર્યું.”

“હા, મને પણ નવાઇ લાગી હતી એટલેજ તો મે તેને પુછ્યું હતુ પણ પછે તેણે પોલીશને કૃપાલસિંહે રુપીયા આપી ફોડી લીધા હતા એમ તેણે કહ્યું એ વાત મને સાચી લાગી કેમકે આપણને સુરસિંહે પણ એજ વાત કરેલી. સુરસિંહને પોલીશેજ ખુનનો ગુનો કબુલ કરી લેવા માટે ફોર્સ કર્યો હતો. અને સુરસિંહે ગુનો કબુલ કરી લીધા પછી તો કૃપાલસિંહ વિરુધ કંઇ ના થઇ શકે.” નિશીથે બધાને સમજાવતા કહ્યું. અને પછી આગળ બોલ્યો “છતા મને ઉર્મિલાદેવી કંઇક છુપાવતા હોય તેવું લાગે છે.”

“હા, મને પણ એવુજ લાગેલુ અને આપણને કહેલી વાતમાં કેટલી સાચી અને કેટલી ખોટી એ પણ કેમ ખબર પડે?” સમીરે બધાના મનમાં રહેલી વાત કરી દીધી.

“ હા હવે મુખ્ય સવાલ એજ છે કે ઉર્મિલાદેવીની વાત પર કેટલો વિશ્વાસ કરવો? અને તેનાથી પણ અગત્યની વાત એ છે કે હવે આગળ શું કરવું?” રોમેશે બધા સમે જોઇને કહ્યું.

આ સવાલ સાંભળી બધજ ચુપ થઇ ગયાં કેમકે અત્યાર સુધી તે લોકોનું લક્ષ્ય પેલા ડુંગરનો ખજાનો હતો પણ હવે પ્રશાંત કામત અને ઉર્મિલાદેવી બંનેને મળ્યા પછી એવુ લાગતુ હતુ કે ડુંગર પર હવે ખજાનો નથી. અને જો ડુંગર પર ખજાનો ન હોય તો આગળ કઇ રીતે વધવું? હવે તેના સિવાય કોઇ લીંક નહોતી એટલે બધાજ મુંજાઇ ગયા હતા. કોઇની પાસે રોમેશના પ્રશ્નનો જવાબ નહોતો.

થોડીવાર બાદ નિશીથે કહ્યું “મને લાગે છે આપણે એકવાર ખજાનાની જગ્યા સુધી પહોંચવુ જોઇએ. પછી ભલે ત્યાં ખજાનો ન હોય પણ ત્યાં પહોંચીને આપણને એ તો ખબર પડશે કે આ પ્રશાંત કામત અને ઉર્મિલાદેવીની વાત કેટલી સાચી છે?” નિશીથની વાત બધાને યોગ્ય લાગી. ત્યારબાધ બધાએ પોતપોતાના મંતવ્ય રજુ કર્યા. અંતે બધાએ એજ નક્કી કર્યુ કે પહેલા પેલા ડુંગર પર જઇ આવીએ પછી વિચારીએ કે શું કરવું છે? હજુ તે લોકો ઉભા થવા જતા હતા ત્યાં નિશીથના મોબાઇલમાં પ્રશાંત કામતનો ફોન આવ્યો અને કહ્યું “ટીવી પર “A- tv gujarati” ચાલુ કર ઝડપથી તારા માટે ખુબ અગત્યના ન્યુઝ આવી રહ્યાં છે. અમે તને કહેતા હતા તેનું પ્રુફ મળી જશે.” આટલું બોલી ફોન કટ થઇ ગયો એટલે નિશીથે ત્યાં પડેલુ રીમોટ લઇ ટીવી ચાલુ કર્યુ અને “A- tv gujarati” ચેનલ ચાલુ કરી એ સાથેજ ટીવી એન્કરનો કાન ફાડી નાખે તેવો અવાજ સંભળાવ્યો જાણે તે તેની જિંદગીના છેલ્લા શબ્દો આખી દુનિયાને સંભળાવવા માંગતો હોય તેટલા ઉંચા અવાજથી બોલી રહ્યો હતો “જુઓ આ છે પાલીતાણા અને જેસર રોડ પર આવેલ એક ગામ બોદાના નેસમાં આવેલ કદમ્બગીરીનો ડુંગર. આ મારી પાછળ દેખાય છે તે ગુફા આ ડુંગરમાંજ આવેલી છે.” આ બોલતો હતો ત્યારે ટીવી પર ગુફા દેખાતી હતી. નિશીથને એ બધાજ આ જોઇને સ્ટેચ્યુની જેમ ઉભા રહી ગયાં અને ન્યુઝ એન્કર આગળ શું કહે છે તે સાંભળવા લાગ્યાં.

“આ જગ્યા ઉપર અમને એક એવી ચીજ મળી છે જે જોઇ તમને બધાને આશ્ચર્ય સાથે આઘાત લાગશે. આ જગ્યા વિશે સૌ પ્રથમ અમારી ચેનલે તમારા સુધી માહિતી પહોંચાડી છે.” ટીવી એન્કર આ ઘટનાનો બને તેટલો લાભ પોતાની ચેનલને મળે તે માટે મસાલો નાખીને વાતને ખેંચી રહ્યો હતો. નિશીથને એ લોકોના હવે શું થશે તેની જિજ્ઞાશાથી હતા ત્યાં જ બેસીને ન્યુઝ જોવા લાગ્યાં. ન્યુઝ એન્કર જોરથી બોલતો હતો “આ જગ્યાએ જ્યારે અમારી ચનલ “A- tv gujarati”ની ટીમ પહોંચી અને તપાસ કરી તો એક એવી વસ્તુ મળી છે જે જોઇ તે આ છે” એમ કહી એન્કર ગુફામાં દાખલ થયો અને ત્યાં પડેલી એક વસ્ત પર આગળી ચીંધી અને બોલ્યો આ ગુફામાં આજે વસ્તુ દેખાય છે તે શું છે? જો હું તમને તે શું છે તે કહીશ તો તમે બધાજ આશ્ચર્યમાં મુકાઇ જશો.” એમ કહી એન્કરે તે વસ્તુ ઉપાડી અને હાથમાં લીધી અને તેને કેમેરા સામે બતાવતા કહ્યું “જુઓ આ સિકામાં શુ દેખાય છે? આ સિક્કામાં વચ્ચે મસ્જીદનુ ચીત્ર છે અને તેની બંને બાજુ ઉર્દુમાં લખેલું છે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ સિક્કો સોનાનો છે. તમે ન જાણતા હોય તો અમે જણાવીએ કે આ સિક્કો હૈદરાબાદના નિઝામ સમયનો છે. અહીં માત્ર એક જ સિક્કો નથી પણ ખુણામાં બીજો પણ એક સિક્કો મળ્યો છે. આ સિક્કો અહીં ક્યાંથી આવ્યો ક્યાંક એવુ તો નથી કે નિઝામનો જે ખજાનો સરકાર શોધી રહી છે તે અહીંજ છુપાવેલો હતો અને પછી અહીથી ક્યાંક લઇ જવામાં આવ્યો છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે અમે અહી સુધી કઇ રીતે પહોંચ્યા તો અમે જણાવી દઇએ કે અમે દર વિકમાં એક પ્રોગ્રામ જુના સ્થાપત્ય વિશે કરીએ છીએ. તે પ્રોગ્રામ માટે અમારા ન્યુઝના માણસો અહીં જૈન દેરાસરમાં આવ્યાં હતા અને પછી રખડતા અહી સુધી પહોંચ્યાં. તમને એક બીજી ખાસ વાત જણાવી દઉં કે “આ ગુફા જ્યાં આવેલી છે તે રસ્તા પર કોઇ જતુ નથી કેમકે આ વિસ્તારમાં એક એવી માન્યતા છે કે આ રસ્તા પર જનાર કોઇ વ્યક્તી પાછુ ફરતુ નથી એટલે જ આ રસ્તા પર કોઇ જતુ નથી. અમારી ચેનલના લોકોએ હિમત કરીને આ રસ્તે જઇ આ ગુફા સુધી પહોંચ્યા અને તમારા સુધી આ રહસ્ય છતુ કર્યુ છે. ક્યાંક એવુ તો નહોતું કે આ ખજાનાને સુરક્ષિત રહે અને આ રસ્તા પર કોઇ ન જાય તે માટેજ આવી અફવા ફેલાવામાં આવી છે. ચાલો આપણે અહીના રહેવાસી સાથે વાત કરીએ.” આટલુ સાંભળી નિશીથે ટીવી બંધ કરે દીધુ. આ ન્યુઝ્થી બધાજ અવાક થઇ ગયાં હતાં. થોડીવારતો રૂમમાં સનાટો છવાઇ ગયો. કોઇ કંઇ બોલ્યું નહી. થોડીવાર બાદ કશિશે નિશીથને પુછ્યું “તારા પર કોનો ફોન હતો.? કોણે તને કહ્યું કે આ ન્યુઝ પર આવે છે?”

આ ન્યુઝ જોઇ બધાજ આ વાત ભુલી ગયા હતા કે નિશીથને ફોન પર કોઇએ આ સમચાર જોવા કહ્યું હતું. કશિશે પ્રશ્ન પુછ્યો એ સાથેજ બધાની નજર નિશીથ પર મંડાઇ ગઇ.

“એ તો પેલા પત્રકાર પ્રશાંત કામતનો હતો.” નિશીથે કહ્યું.

“ક્યાંક એવુ તો નથીને કે આ ન્યુઝ તેણે જ આપ્યા હોય.” સમીરે કહ્યું.

“પણ તેનાથી તેને શું ફાયદો થાય?” આ બોલતી વખતે નિશીથના મગજમાં અચાનક એક ચમકારો થયો. અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. ધીમે ધીમે તેને હવે આખી બાજી સમજાઇ રહી હતી. તે હજુ કંઇ કહેવા જાય ત્યાંજ ફરીથી પ્રશાંતનો ફોન આવ્યો “બોલ હવે તને વિશ્વાસ આવે છે ને કે હું તને સાચુ કહેતો હતો.”

“હ, તમે સાચુ કહેતા હતા. હવે મને વિશ્વાસ આવી ગયો છે.” નિશીથે કહ્યું.

“તો બોલો હવે તમારો જવાબ શું છે?” પ્રશાંતે પુછ્યું.

“મારો જવાબ આજે પણ એજ છે. પેલા તમારે તમારા વિશે બધીજ માહિતી આપવી પડશે અને તમારો પ્લાન કહેવો પડશે પછી જ હું મારો જવાબ આપીશ.” નિશીથે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

“તમે બહુજ જીદી છો. હવે તો તમને મારા પર વિશ્વાસ આવવો જોઇએ.” પ્રશાંત કામતે હસતા હસતા કહ્યું.

“વિશ્વાસ તો છેજ પણ મારે જેની સાથે કામ કરવાનું છે તેની બધીજ માહિતી મારી પાસે હોવી જોઇએ. અને મારે શું કરવાનું છે તે પણ મને ખબર હોવી જોઇએ. આવા કામમાં ચોખવટ હોય તોજ મજા આવે.” નિશીથે પણ સામે ખંધાઇથી કહ્યું.

આ સાંભળી પ્રશાંત કામતને ગુસ્સો આવ્યો પણ તેણે ના છુટકે કહ્યું “ ઓકે ચાલો આવી જાવ મારા રુમમાં આપણે વાત કરીએ.” અને પછી ફોન મુકી દીધો. નિશીથે ફોન મુકી બધાને વાત કરી અને પછી તેના રુમમાં જવા નિકળતો હતો ત્યાં કશિશે કહ્યું “એક મિનિટ નિશીથ મારે તારી સાથે વાત કરવી છે.” આ સાંભળી નિશીથ બહાર જઇ ઊભો રહ્યો.

કશિશ પહેલા તો પાસે આવી નિશીથને ભેટી પડી અને પછી બોલી “જો કોઇ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરજે કે તારી પાછળ કેટલા આશા રાખીને બેઠા છે.” અને પછી જુદી પડીને બોલી “નિશીથ જે પણ કરે તેમા હું સાથેજ રહીશ. મને મુકીને કોઇ કામ કરવાનું વિચારતો નહીં.” આ બોલતી વખતે કશિશની આંખમાં જે લાગણી હતી તે જોઇ નિશીથે કશિશને પોતાના તરફ ખેંચીને ફરીથી ભેટી પડ્યો અને બોલ્યો “કિશુ, તું ખોટી ચિંતા કરે છે હું મારી સેફ્ટી રાખીને જ કામ કરીશ. પણ તને સાથે રાખવાનું પ્રોમિશ નહી આપુ કેમકે જો તને કંઇક થઇ જાય તો પછી હું મારી જાતને ક્યારેય માફ નહી કરી શકું. હું જે નિર્ણય લઇશ તે આપણા બંને માટે યોગ્ય જ હશે. તું માત્ર મારા પર વિશ્વાસ રાખજે.” આટલુ કહી અને નિશીથ આગળ ચાલવા લાગ્યો તેને ડર હતો કે જો તે કશિશ સામે વધુ જોશે તો તે ઢીલો પડી જશે.

નિશીથ જ્યારે પ્રશાંતના રુમમાં પહોંચ્યો ત્યારે પ્રશાંત તેની રાહ જોઇનેજ બેઠો હતો. નિશીથ બેઠો એટલે પ્રશાંતે કહ્યું “ચાલો પહેલા કૉફી પીએ પછી જ વાત કરીએ એમ કહી પ્રશાંતે રુમ સર્વિસને ફોન કરી કૉફીનો ઓર્ડર આપ્યો. અને પછી કોફી આવતા પીતા પીતા પ્રશાંતે કહ્યું “બોલો હવે શું કરવું છે?” આ સાંભળી નિશીથે કહ્યું.

“તમે જે કહો તેજ કરીશું પણ પહેલા મને તમારી બધીજ માહિતી અને તમારો શું પ્લાન છે તે ખબર પડવી જોઇએ. અને હા બધીજ વાત સાચી હોવી જોઇએ કેમકે હું ખોટા માણસને ભરોશે કોઇ કામ કરતો નથી.” નિશીથે સ્પષ્ટ વાત કરી.

“ઓકે હું તને બધીજ વાત કરુ છું.” એમ કહી પ્રશાંતે ખુરશીને ટેકો દઇને વાતની શરુઆત કરતા કહ્યું “આજથી લગભગ અઢાર ઓગણીસ વર્ષ પહેલાની વાત છે. હું અનાથાશ્રમમાં રહેતો હતો અને ખુબ હોશિયાર હતો એટલે 12 પાસ પછી મને એક એન.જી.ઓ દ્વારા કોલેજ કરવા માટે સ્કોલરશીપ મળી. કોલેજ ભાવનગરમાં આવેલ હોવાથી શરુઆતમાં હું અપડાઉન કરતો આ દરમિયાન વિકાસ સાથે મારે સારુ ભળતું. પછી મને એક પાર્ટ ટાઇમ નોકરી મળતા મે અનાથાશ્રમ છોડી ભાવનગરમાં એક રુમ રાખી. ત્યારબાદ મને સમાચાર મળ્યા કે વિકાસને પણ અનાથાશ્રમમાંથી કાઢી મુક્યો છે. હું કૉલેજ અને નોકરીમાંથી નવરો પડતો ત્યારે અનાથાશ્રમમાં જતો અને બાળકોને ગીફ્ટ આપતો તેથી અનાથાશ્રમના છોકરાઓને મારા માટે ખુબ માન હતું. મને પણ આ છોકરાઓ વ્હાલા હતા. આમનેઆમ ચાલતુ હતુ ત્યાં એક દિવસ વિકાસ મને મળવા આવ્યો અને તેણે મને જે વાત કહી તે સાંભળી મારી મતી ફરી ગઇ. તેણે મને કહ્યું એક એવુ કામ હાથમાં આવ્યું છે જો તુ તેમા જોડાઇ તો સાત પેઢી તરી જાય એવુ છે. આ સાંભળી પેલા તો મને વિશ્વાસ ન આવ્યો પણ પછી તેણે મને આખી વાત કહી અને તેમા મારે શું કહેવાનું છે તે સમજાવ્યું. આખી વાત સાંભળી મને પણ પૈસાનો મોહ જાગ્યો અને તેની ઓફર જ એવડી મોટી હતી કે મારી મતી ફરી ગઇ. તેની ઓફર સાંભળી મે વિચાર્યુ કે એકવાર જો આ કામ થઇ જાય તો પછી અનાથાઆશ્રમમાં અડધા પૈસા આપીને છોકરાને સારી જિદગી મળે તેના માટે વ્યવસ્થા કરી શકાશે પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે જે છોકરાની સારી જિદગી માટે હું વિચારી રહ્યો હતો તેની જિદગીજ આ કામમા દાવ પર લાગી જવાની હતી.” આટલું કહી પ્રશાંત રોકાયો.

----------------------****************--------------***********-------------------******------------------

બે દિવસમાં વિરમને વિવિધ પ્રકારની વસ્તુઓ મળી હતી જે તેણે તેના ખેતરમાં રહેલ છુપા અંડર ગ્રાઉન્ડ રુમમાં પહોંચાડી દીધી હતી. છેલ્લે એક દિવસ એક માણસ તેની સાથે આવ્યો અને તે બધીજ વસ્તુઓ રુમમાં ફીટ કરી. ત્રણ ચાર કલાકમાં તો વીલીનો રુમ એક મોટી ઓફીસની જેમ તૈયાર થઇ ગયો તેમાં એક લેપટોપ બે મોબાઇલ એક લેંડ લાઇન ફોન અને સી.સી ટીવી કેમેરાથી સજ થઇ ગયો. આ બધુ સેટ થઇ ગયા પછી પેલા માણસે વિરમ પાસેથી તે રુમની ચાવી લઇ લીધી અને વિરમને કહ્યું હવે તને જ્યાં સુધી ફોન ન આવે ત્યાં સુધીએ તારે આ બાજુ આવવાનું નથી કામ પતશે એટલે તારા પૈસા અને આ ચાવી તને મળી જશે. ત્યારબાદ તે માણસે ઓલ ઓકે નો મેસેજ તેના બોસને કરી દીધો અને પછી ત્યાંથી બંને નીકળી ગયાં.

--------------------------***********-------------*************------------------**********

કૃપાલસિંહ પણ બે દિવસથી ખુબજ વ્યસ્ત હતો તેણે વિપક્ષના નેતાઓને મળી વાતચિત ચાલુ કરી દીધી હતી જેવી જેની કેપેસીટી તેવી ઓફર આપી અને તેને પોતાની પાર્ટીમાં આવવા માટે સમજાવી લીધા હતા. તેમાંથી હજુ એક બે નેતા તૈયાર નહોતા થયાં પણ કૃપાલસિંહ પાસે તેના માટે બીજો પ્લાન તૈયાર હતો. આ બધાજ પ્લાનનો આધાર વિલીના હાથમાં હતો વિલી અત્યારે જે પણ કલેક્શન કરતો હતો તે આ પ્લાન માટેજ હતા. અત્યારે વિલી જે કૃપાલસિંહ માટે રાત દિવસ મહેનત કરી રહ્યો હતો તેજ કૃપાલસિંહ થોડા સમયમાં તેના જાનનો દુશ્મન બની જવાનો હતો. સમીકરણ બધા એકશો એસી ડીગ્રીનો રાઉન્ડ મારી વિરુધ દિશામાં ગોઠવાઇ જવાના હતા.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM