ધ સ્કાય ઈઝ પિંક -મુવી રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કાય ઈઝ પિંક -મુવી રિવ્યુ

મૃત્યુ પછી પણ મળેલા વિજયની કથા

જ્યારે ફિલ્મની વાર્તા અથવાતો તેનું પોત કરુણતાથી ભરપૂર હોય તો ડિરેક્ટરની એ જવાબદારી બને છે કે તે ફિલ્મને ક્યાંય ધીમી પડવા ન દે અને તેનું વહેણ સતત ચાલતું રહેવા દે. જ્યારે નિર્દેશક આમ કરવાને બદલે એ વહેણને ગમેતે રીતે વાળવા માંડે ત્યારે એ ફિલ્મની વાર્તાનું પોત મરણ પામતું હોય છે.

મુવી રિવ્યુ – ધ સ્કાય ઈઝ પિંક

કલાકારો: પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વાસીમ

નિર્માતાઓ: રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રોય કપૂર અને પ્રિયંકા ચોપરા

નિર્દેશક: શોનાલી બોસ

રન ટાઈમ: ૧૪૯ મિનીટ્સ

કથાનક: નિરેન ચૌધરી (ફરહાન અખ્તર) અને અદિતિ ચૌધરી (પ્રિયંકા ચોપરા) એક બાળક ઇશાનના માતાપિતા છે અને હવે તેઓ એક બીજા બાળકના આવવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ નિરેન અને અદિતિ બંનેના રંગસૂત્રોમાં એક ખામી એવી છે જેને કારણે જો બાળકી જન્મે (ફિલ્મમાં એ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે) તો તેની રોગપ્રતિકારક શક્તિ જન્મથી જ શૂન્ય થઇ જાય છે. આ જ ખામીને કારણે નિરેન અને અદિતિ એક બાળકી જન્મ્યાના એક વર્ષની અંદર જ ગુમાવી ચૂક્યા છે.

પરંતુ ત્યારબાદ તેમને તંદુરસ્ત બાળક એટલેકે ઇશાન જન્મે છે અને હવે ત્રીજા સંતાન તરીકે આઈશા (ઝાયરા વાસીમ) નો જન્મ થાય છે જે પેલી રંગસૂત્રની ખામી સાથે જન્મી હોય છે. પરંતુ નિરેન અને અદિતિએ આ વખતે નક્કી કરી દીધું હોય છે કે તેઓ આઈશાને મરવા નહીં દે. આ માટે તેઓ લંડન જાય છે જ્યાં તેમને આઈશાની ટ્રીટમેન્ટ માટે લગભગ અઢી લાખ પાઉન્ડ ભેગા કરવાની જરૂર પડે છે. અહીં તેમને એક લોકલ એફએમ ચેનલનો હોસ્ટ મદદમાં આવે છે અને નિરેનના એ એફએમ ચેનલ પરની અપીલના જવાબમાં ધાર્યા કરતા પણ વધુ રકમ ભેગી થાય છે.

રકમ તો ભેગી થઇ જાય છે પરંતુ આઈશાના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે ઇશાનનું લોહી મેચ નથી થતું, આથી નિરેન પોતાનું બોનમેરો આઈશાને દાનમાં આપે છે. આઈશા જીવી તો જાય છે તેમ છતાં તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવા માટે બીજા દસ વર્ષ લાગી શકે તેમ ડોક્ટર કહે છે. આથી નિરેન લંડનમાં જ ટ્રાન્સફર લઇ લે છે અને ઇશાનને પણ ત્યાં બોલાવી લે છે. આમ કરતા પંદર વર્ષ નીકળી જાય છે અને લંડનના ડોક્ટર્સ આઈશાને ભયમુક્ત જાહેર કરે છે.

ડોક્ટર્સની આ જાહેરાત બાદ નિરેન ભારત પરત આવવાનો નિર્ણય લે છે અને સમગ્ર કુટુંબ ભારત પરત આવે છે. પરંતુ અહીં આઈશાની ખામી ફરીથી ઉથલો મારે છે અને આ વખતે તેના ફેફસાં શ્વાસ લેવાની શક્તિ ગુમાવી બેસે છે...

રિવ્યુ

ફિલ્મના નાયક અથવાતો નાયિકાને કોઈ ગંભીર બીમારી હોય અને ફિલ્મના અંતે તે મૃત્યુ પામે એવી ઘણી ફિલ્મો આપણે જોઈ છે. આ પ્રકારની ફિલ્મોમાં મુખ્ય ફિલ્મો હતી શાહરૂખ ખાન, પ્રીટી ઝીંટા અને સૈફ અલી ખાનની કલ હો ન હો, સચિન અને રંજીતાની અખિયો કે ઝરોખો સે અને અબોવ ઓલ હૃષીકેશ મુખરજી, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની આનંદ. આ તમામ ફિલ્મોમાં આ જ રીતે હીરો-હિરોઈનને ગંભીર બીમારી હોવાની અને ફિલ્મના અંતે તેમના મૃત્યુ પામવાની કથા કહેવામાં આવી હતી. પરંતુ તેમ છતાં તેમાં દર્શકોને જકડી રાખતી ટ્રીટમેન્ટ જરૂર હતી.

ધ સ્કાય ઈઝ પિંક ઉપર જણાવેલી ફિલ્મો જેવી જ વાર્તા કરે છે પરંતુ અહીં જાણેકે દર્શકોને પરાણે રડાવવાનો અથવાતો એમને બોર કરવાનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હોય એ પ્રકારની ટ્રીટમેન્ટ જોવા મળી છે. આટલું જ નહીં કદાચ નિર્દેશકને પછીથી વિચાર આવ્યો હોય કે પછી પહેલેથી પણ વચ્ચે વચ્ચે હાસ્યાસ્પદ કોમેડી મુકવાની એક મોટી ભૂલ પણ તેમણે કરી છે. પુત્રના લોહી પોતાની સાથે મેચ થવા બાદ ઉભી થતી પરિસ્થિતિ વાળી સિક્વલ બિલકુલ અસ્થાને છે અને એ ન હોત તો પણ ફિલ્મને કોઈજ વાંધો ન આવ્યો હોત.

બીજું, જે ફિલ્મ બે કલાકમાં આરામથી પૂરી થઇ શકી હોત તેમાં નાહકની બીજી ઓગણત્રીસ મિનીટ ઉમેરવામાં આવી છે. નિર્દેશકની બીજી મોટી ભૂલ છે વાર્તાને દસ વર્ષ પાછળ લઇ જઈ ફરીથી વર્તમાનમાં લાવવાની અને વળી પાછા બે-ત્રણ વર્ષ પાછળ લઇ જઈ અને પાછા વર્તમાનમાં લઇ જવાની અને એ પણ વારંવાર કરવાની જીદ. વળી આ બધું વારંવાર થાય છે આથી દર્શક જે ઓલરેડી ફિલ્મની ધીમી ગતિ અને વધુ પડતી કરુણતાના મહાસાગરમાંથી પરાણે બહાર આવવાની મથામણ કરતો હોય છે તેને છેવટે એવું લાગે છે કે ક્યારે આઈશાનું મૃત્યુ થાય અને હું ઘેરે પરત થાઉં!

બહેતર એ રહેત કે નિરેન અને અદિતિના લગ્નથી શરુ થયેલી કથાને સમયાંતરે આવતી ઘટનાઓ ઉમેરતા ઉમેરતા છેક અંત સુધી લઇ જવામાં આવી હોત તો કદાચ તે ઓછી અથવાતો નહીવત બોરિંગ બની હોત. આ પ્રકારની વાર્તા અને ટ્રીટમેન્ટ હોય ત્યારે મુખ્ય અદાકારોની જવાબદારી વધી જતી હોય છે અને એ જવાબદારી નિભાવવામાં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર અને અમુક અંશે ઝાયરા વાસીમ સફળ થાય છે પરંતુ તેને ઉગારી શકતા નથી.

જ્યારે દર્શક જ ફિલ્મ સાથે પોતાની જાતને સાંકળી શકતો નથી ત્યારે આ પ્રકારની ગંભીર કે પછી ‘મેચ્યોર’ ફિલ્મો ભારતમાં કેમ નથી ચાલતી? તે સવાલના જવાબમાં કાયમની જેમ દર્શકને જવાબદાર બિલકુલ ન ઠેરવી શકાય.

૧૨ ઓક્ટોબર ૨૦૧૯, શનિવાર

અમદાવાદ