Movie Review - WAR books and stories free download online pdf in Gujarati

મુવી રિવ્યુ – વોર

આજે એક સ્વીકાર કરવો છે. મારા માતૃભારતીના ઘણા ફિલ્મ રિવ્યુમાં હું લખી ચૂક્યો છું કે ટ્રેલરથી ફિલ્મ કેવી હોય તે નક્કી ન થાય. પરંતુ વોરનું ટ્રેલર જોઇને હું પોતે મારા એ વિચારથી થોડો ભટકી ગયો અને જ્યારે ફિલ્મ જોવાનું નક્કી થયું ત્યારે મનથી એવું લાગતું હતું કે ફિલ્મ એક મોટો હથોડો સાબિત થશે. ઘણીવાર ટ્રેલર સારું લાગે તો ફિલ્મ સારી નથી હોતી અને ટ્રેલર ન ગમે તો ફિલ્મ ગમી જતી હોય છે.

દગાથી વિશ્વાસની અને વિશ્વાસથી ફરી દગાની સફર

કલાકારો: હ્રિતિક રોશન, ટાઈગર શ્રોફ, વાણી કપૂર, દીપન્નીતા શર્મા, અનુપ્રિયા ગોયેન્કા અને આશુતોષ રાણા

નિર્માતા: આદિત્ય ચોપરા

નિર્દેશક: સિદ્ધાર્થ આનંદ

રન ટાઈમ: ૧૫૩ મિનીટ્સ

કથાનક: કબીર (હ્રિતિક રોશન) ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીમાં મેજર છે. કેપ્ટન ખાલીદ (ટાઈગર શ્રોફ) તેની ટીમને જોઈન કરવા માટે તત્પર હોય છે. પરંતુ ખાલીદના પિતાએ ભૂતકાળમાં ભારત સાથે દ્રોહ કર્યો હતો અને કબીરે જ તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આથી કબીરને ખાલીદ પર ભરોસો થતો નથી. તેમ છતાં કર્નલ લુથરાના (આશુતોષ રાણા) આગ્રહને કારણે કબીર ઈરાકના તીરકિકમાં એક મિશન પાર પાડવા માટે ખાલીદને પોતાની ટીમમાં સામેલ કરે છે.

આ મિશન કબીર અને તેની ટીમ સફળતાપૂર્વક પૂર્ણ કરે છે અને કબીરને ખાલીદ પર ભરોસો થાય છે અને પોતાની ટીમમાં કાયમ માટે સામેલ કરે છે. આ મિશન બાદ તુરંત જ ભારત પર કોઈ મોટો હુમલો કરવાની ફિરાકમાં એક આતંકવાદી કમ બિઝનેસમેન ઈલ્યાસીને પકડવા કબીર, ખાલીદ અને ટીમ મોરોક્કોમાં આવેલા મારાકેશ જાય છે. આ મિશનમાં ખાલીદ અને કબીર બંને ઈજાગ્રસ્ત થાય છે. ખાલીદ તો ભારત પરત આવે છે પણ કબીરને સાજો થયા બાદ કર્નલ લુથરા ઇટાલી મોકલે છે જ્યાં તેણે રિઝવાન કોન્ટ્રેક્ટર પર નજર રાખવાની હોય છે જે ઈલ્યાસીનો જમણો હાથ હોય છે અને તેના થકી ઈલ્યાસી વિષે અને ભારત પર થનારા મોટા હુમલા વિષે ચોક્કસ માહિતી મળી શકે તેમ હોય છે.

અહીં કશુંક એવું બને છે કે કબીર જે એક સમયે ખાલીદ પર તેના પિતાના રાજદ્રોહને કારણે વિશ્વાસ નથી મુકતો તે ખુદ ભારત અને ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી વિરુદ્ધ બળવો પોકારી દે છે અને એજન્સીના જ બે એજન્ટ્સનું ખૂન કરી નાખે છે અને ત્રીજા એજન્ટનું ખૂન કરવા માટેનો પ્લાન બનાવે છે.

રિવ્યુ

જેમ આગળ ચર્ચા કરી તેમ વોરનું ટ્રેલર ફિલ્મ અંગે કોઈજ ઉત્સાહ ઉભો કરી શક્યું ન હતું પરંતુ તેનાથી સાવ વિરુદ્ધ ફિલ્મ અત્યંત રસપ્રદ છે અને અઢી કલાક સુધી તમને તમારી ખુરશી સાથે ચોંટાડી રાખવામાં સફળ બને છે. આ પાછળ મુખ્ય કારણ છે ફિલ્મની સ્ક્રિપ્ટ જેમાં એક પણ કંટાળાજનક પળ નથી. એકાદ-બે ભાવનાત્મક દ્રશ્યો છે પરંતુ તે ફિલ્મની વાર્તા માટે જરૂરી છે આથી તે પણ કંટાળો આપતા નથી.

વોરને જે બાબત રસપ્રદ બનાવે છે તે છે તેમાં આવતા નાના મોટા સસ્પેન્સ, એક એક સસ્પેન્સ તમને એક આંચકો આપે છે અને નવો આંચકો હવે નહીં આવે તેવું તમે વિચારતા જ હોવ છો ત્યારે જ તમને તે ફરીથી એક આંચકો આપે છે. સહુથી મોટું સરપ્રાઈઝ ફિલ્મની છેલ્લી વીસથી પચ્ચીસ મિનીટમાં મળે છે જે સ્પોઈલર હોવાથી અહીં કહી શકાય તેમ નથી.

સિદ્ધાર્થ આનંદની છેલ્લી ફિલ્મ બેંગ બેંગ અને આદિત્ય ચોપરાની છેલ્લી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બંને હથોડાઓ તરીકે કુખ્યાત થઇ હતી, પરંતુ બંનેએ વોર દ્વારા દર્શકોને એ હથોડાઓ પ્રસ્તુત કરવાનું પ્રાયશ્ચિત કરી લીધું છે. હા, હોલિવુડ ફિલ્મોમાં રચ્યાપચ્યા રહેતા કે ફિલ્મોમાં પોતાને સિદ્ધાર્થ આનંદ કે પછી આદિત્ય ચોપરા કરતા પણ વધુ ખબર પડે છે એવો દંભ કરતા રિવ્યુકારોને આ ફિલ્મ પણ હથોડો લાગે તો નવાઈ નહીં. પરંતુ એક સામાન્ય વ્યક્તિને જેને અઢી કલાક માત્ર મનોરંજન જ મેળવવું છે તેના માટે વોર એ એક પરફેક્ટ રેસીપી છે,

ફિલ્મમાં આમતો ઘણા ઓછા કેરેક્ટર્સ છે પરંતુ મુખ્ય કલાકારોની જ વાત કરીએ તો આશુતોષ રાણાએ માંગ અનુસાર કાર્ય કર્યું છે. આ ઉપરાંત સપોર્ટીંગ એક્ટર્સમાં અનુપ્રિયા ગોયેન્કા પ્રભાવિત કરે છે. પરંતુ આ ફિલ્મ માત્ર અને માત્ર હ્રિતિક રોશન અને ટાઈગર શ્રોફની જ છે.

હ્રિતિક રોશનનો આ ફિલ્મમાં ‘વટ’ પડે છે. અક્ષય કુમાર અને અન્ય કેટલાક બોલિવુડ અદાકારોની માફક હ્રિતિક પણ હવે પોતાની ઉંમરને અનુસાર રોલ્સ સ્વીકારતો થયો છે તે સુપર 30 થી સાબિત થયું છે અને સુપર 30 પછી વોરમાં હ્રિતિકમાં આવેલો બદલાવ અદભુત છે. ઇન્ટેલિજન્સ એજન્ટ હોવા છતાં હ્રિતિક અહીં ૪૦ વર્ષ ઉપરના પુરુષની ભૂમિકા ભજવે છે અને તેવા મેચ્યોર લૂક્સમાં પણ એ દેખાય છે.

અહીં તેની ટાઈગર શ્રોફ સાથેની કેમિસ્ટ્રી પણ રંગ લાવે છે. અમુક દ્રશ્યોમાં આ બંને અદાકારોની આંખો વચ્ચેના ઈશારાઓ ઘણું કહી જાય છે અને એ જોવાની મજા પણ આવે છે. એક દ્રશ્ય જેમાં આ બંને એક મોટરબાઈક ચેઝમાં સામેલ થાય છે અને એકસમયે તેઓ આમનેસામને આવીને એકબીજાનો હાથ મેળવે છે એ દ્રશ્ય ફિલ્મનું સહુથી અસરકારક દ્રશ્ય બન્યું છે. આ ઉપરાંત બંને ફાઈટમાં તેમજ ડાન્સમાં એકબીજાને કોમ્પ્લીમેન્ટ કરે છે.

ટાઈગર શ્રોફની અગાઉની એક પણ ફિલ્મ જોવાની તક મળી નથી પરંતુ આ ફિલ્મમાં તેની અદાકારી સારી એવી મેચ્યોર દેખાઈ છે. શરૂઆતમાં તો એવું લાગે છે કે હ્રિતિક સિનીયર અદાકાર હોવાથી સ્ક્રિપ્ટમાં તેના રોલને ટાઈગર કરતા વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે, પરંતુ ફિલ્મની છેલ્લી વીસથી પચ્ચીસ મિનીટમાં ટાઈગરને જે મહત્ત્વ મળ્યું છે તે તેને ઓવરઓલ હ્રિતિકની બરોબરનો બનાવી જાય છે. હા કેટલીકવાર અમુક હાવભાવ આપવામાં ટાઈગર થોડો માર ખાઈ જાય છે, પરંતુ ઇટ્સ ઓકે!

જેમ ટ્રેલર જોઇને ફિલ્મ કેવી છે તે નક્કી ન થાય તેમ કોઈના પણ રિવ્યુ (આ રિવ્યુ સહીત) વાંચીને પણ ફિલ્મ જોવી કે નહીં તે નક્કી ન કરવું જોઈએ. તેમ છતાં જો આ રિવ્યુકારના અંગત મતને જો જાણવો હોય તો વોર એક પૈસા વસૂલ ફિલ્મ છે, બસ તમારે કોઈ મોટી અપેક્ષા વગર અને માત્ર મનોરંજનના હેતુથી જ ફિલ્મ જોવા જવાની છે.

તમને વોર કેવી લાગી તે નીચે કમેન્ટ્સમાં જરૂર જણાવશો.

૨ ઓક્ટોબર ૨૦૧૯, બુધવાર (ગાંધી જયંતિ)

અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED