Swarthi Chhokri books and stories free download online pdf in Gujarati

સ્વાર્થી છોકરી

કેતકી જોઇ જ રહી. આ તે કેવી જીંદગી. આજે સવારથી અસુખ લાગતુ હતુ. બાકી હતુ તો વાસણ ઘસવાવાળા માસીએ રજા પાડેલી. ઢગલો કપડા મશીનમાં ધોઈને સૂકવીને વાસણ ઘસવા બેઠી ત્યારે માથુ એટલું દુઃખવા લાગેલુ કે આંખોમાં આંસુ આવી ગયેલા. સાસુએ રસોઈ શરૂ કરી દીધેલી. ટિફિનનો સમય તો સાચવવો જ પડેને. એમાંયે હવે 2 નહીં ત્રણ ટિફિન. ત્રીજા ટિફિનના ઉલ્લેખથી મનમાં ચચરાટ થયો. પોતાના પતિ રાહુલ અને દેર અંશ સાથે દેરાણી વૃંદાનુ ટિફિન પણ હવે ભરવુ પડતુ.

કેતકીના લગ્નને પાંચ વર્ષ થયેલાં, ચાર વર્ષનો દિકરો વંદન, સાસુ સસરા, પતિ રાહુલ, દેર અંશ અને પોતે એમ મોટો પરીવાર હતો. હમ્મેશા કામ તો અઢળક રહેતુ પણ ક્યારેય આવો મૂંઝારો ન થતો.

અંશના લગ્નના વિચારમાત્રથી એ ખુશ થઈ જતી. એને એવુ લાગતુ કે એક સખી, એક બહેન આવશે ઘરમાં. આવુ તો ધાર્યું જ નહોતું. વૃંદા પહેલા કોઈ ઓફિસમાં કામ કરતી. લગ્ન પછી તો ઘરે જ રહેશે એવું જ લાગતું હતુ. દેખાવે ઠીક ઠીક હતી, પોતાનાં જેટલી નાજુક અને સૌમ્ય ન દેખાતી જ્યારે અંશ તો કોઈ સીરીયલના હીરો જેવો દેખાતો, પણ સામાન્ય આર્થિક સ્થિતી, 3 રૂમનો નાનકડો ફ્લેટ અને મોટો પરિવાર.. આ બધા કારણોસર અંશને બહુૂ પસંદગીનો અવકાશ નહોતો.

પોતાને પણ વૃંદા ઠીક જ લાગેલી. બહુ બોલવાની ટેવ નહોતી એને અને નોકરી કરતી એટલે બહુ ટિપિકલ સ્ત્રી જેવી વાતચીત પણ નહી.

છેલ્લો પ્રસંગ છે કરીને સસરાએ થોડુ ખેંચાઈને પણ ખર્ચો વધારે કરેલો. બધી બચત વપરાઈ ગયેલી.
પણ કેતકીએ ધારેલુ એવૂ કશું બન્યુ નહીં. હજી તો વૃંદા ઘરમાં સેટ થાય છે એવુ લાગતું હતુ ત્યાં એણે ધડાકો કર્યો કે સોમવારથી એ સર્વિસ જોઈન કરવાની હતી. એ પહેલા જયાં જોબ કરતી એ કમ્પનીની બ્રાન્ચ અહીંયા પણ હતી, એટલે ઇઝીલી જોઈન થઈ શકશે. અંશે સાસુ સસરાને મનાવી લીધાં. રાહુલને પણ કઈં વાંધો ન લાગ્યો. કેતકીને તો કોણ પૂછે.

બસ ત્યારથી કેતકીનું મન ડહોળાઇ ગયેલું. સવારે વૃંદા નાસ્તો બનાવવામાં હેલ્પ કરતી, બસ પછી એ અંશ સાથે નાસ્તો કરવા બેસી જતી. થોડીવારમાં તૈયાર થઈ, નીકળી જતી. ક્યારેય ન કહેતી કે આવો સાથે નાસ્તો કરીએ. રાત્રે પણ એમજ થતુ. રસોઈમાં હેલ્પ ક્યારેક કરાવે ક્યારેક ઉલાળીયો.
ત્યાં અંશ બુમ પાડે. જમીને બન્ને ચાલવા જાય એટલે બન્ને વહેલા જમવા બેસી જતા. આમનેઆમ સમય જવા માંડ્યો. વળી કેતકી ને જે નિરાંતે કામ કરવાની આદત હતી, દરેક કામ કરવાની એક સ્ટાઈલએક ક્રમ હતો, વૃંદાને એવું નહોતું. એ બધું ફટાફટ કરવા ટેવાયેલી હતી, સ્વાભાવિકપણે કેતકી જેવુ સુઘડ કામ તો ન જ થાય.

કેતકીને એના પતિએ આટલું મહત્વ ક્યારેય નહોતુ આપ્યું. એ તો હમ્મેશા કેતકીની પહેલા જ જમતો. એનો પ્રોવિઝન સ્ટોર દુર હતો એટલે થાકી જતો. પોતે ફ્રી થાય ત્યાં તો એ ઊંઘમાં સરકી જતો. પોતે વૃંદા કરતા આટલી બધી સુંદર હતી તો પણ અંશને જેટલી લાગણી વૃંદા માટે છલકાતી એનાથી અડધી પણ પોતે પતિ પાસેથી ન પામતી એવું લાગ્યા કરતું.

કેતકીને ઘરની નવી સભ્ય આંખના કણા ની જેમ ખૂન્ચવા લાગી. ક્યારેક પોતે તાવનુ બહાનુ કરીને મોડી ઉઠતી..ક્યારેક વંદન માટે કોઈ વસ્તુ લેવાના બહાને સાંજે બહાર જતી રહેતી. દેરાણી રસોઈ સંભાળે અને પોતાને મુક્તિ.

મમ્મી પડી ગયા છે એવી કેતકીને ખબર પડી તો એ જ દીવસે પિયર પહોંચી ગઇ. એ પણ વન્દનને ઘરે મુકીને. એની સ્કુલ ચાલુ હતીને. જઇને ભાભીને ક્હે "હું મમ્મ્મીનું ધ્યાન રાખીશ..તમારે પિયર જવું હોય તો જઇ આવો." ભાભી તો ખુશ ખુશ. આ તરફ રાહુલ ફોન કરે કે " ક્યારે આવે છે?" તો બસ "ભાભીને અરજન્ટ જવાનું થયુ છે." એવું કહીને ચાર દિવસ વધારી દીધા. રાહુલને મગજમાં તો આવી ગયુ કે કેતકી આવુ શા માટે કરે છે, પણ એના શાંત સ્વભાવને લીધે એ ચુપ રહી ગયો. એક તો કેતકી એને સતત વૃંદાની સેલેરી બાબતે ટોન્ટ માર્યાં કરતી. જોકે અંશ તો એની પુરી સેલેરી ઘરમાં આપી દેતો પણ વૃંદાની સેલેરી અકબંધ રહેતી. બસ આ જ મુદ્દો લઇને કેતકી રાહુલને વૃંદા વિરૂદ્ધ કઈં ને કંઈ કહ્યા કરતી. વૃંદા જેવી સ્વાર્થી છોકરીનાં ટિફિન હું શા માટે બનાવું એવું પણ કેતકી વારે વારે કહ્યા કરતી.. રાહુલ એને જેમ તેમ સમજાવી શાંત પાડતો.

આ બધા વિચારોમાં રાહુલ ઘરે આવતા ધ્યાન ચૂકી ગયો અને એક્ષિડેન્ટ થઈ ગયો. ક્યારે પોતે રોન્ગ સાઈડ જતો રહ્યો...એને યાદ જ ન આવ્યુ.

કેતકીને સમાચાર મળ્યા અને બહાવરી બની ગઇ. દોડતી આવી. ડોક્ટરે કહ્યુ "બન્ને પગનું ઓપરેશન કરાવવું પડશે. પહેલા પાંચ લાખ જમા કરાવો, વધે તો રિફંડ મળશે." કેતકી સ્તબ્ધ થઈ ગઇ. પાંચ લાખ તો શું એક લાખ પણ નીકળે એમ નહોતા, એ જાણતી હતી. આખી રાત ટેન્શનમાં બેસી રહી. છેવટે પોતાનુ સોનુ વેચવાનુ નક્કી કર્યું, પણ એનાં પાંચ તો ન જ આવે. ત્યાં અંશ આવ્યો. ક્હે "ભાભી તમે ઘેર જાવ, વૃંદાએ રસોઈ તૈયાર રાખી છે. એ તો ઓફિસે ગઇ પણ તમે ફ્રેશ થઈને આરામથી આવજો. અને હા પૈસા પણ ભરાઈ ગયા છે તો કાલે ઓપરેશન થઈ જશે."

કેતકી મૂંઝાઈ ગઇ. " પૈસા? પાંચ લાખ? કેમ? કોણે ભર્યા?" અંશે કહ્યુ. " વૃંદા પહેલા સર્વિસ કરતી હતી તો એની પાસે બચત હતી ત્રણ લાખ જેટલી અને બાકી એની સેલેરી જમા જ રાખતા હતાને. પચાસ હજાર ઘટતાં હતાં એ અમે બન્નેએ ઓફિસમાંથી એડવાન્સ કમ લોન પેટે લઇ લીધાં..વૃંદા સાચું જ કહેતી હતી કે ઇમર્જન્સી માટે થોડુ ફન્ડ તો હોવું જ જોઈને."

રાહુલ આ સાંભળતો હતો. આટલી પીડા વચ્ચે પણ એણે કેતકી સામે હોઠ ફફડાવ્યા " સ્વાર્થી છોકરી. "
કેતકી ઝંખવાણી પડીને નીચુ જોઇ ગઇ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED