સુગંધ Salima Rupani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુગંધ

ઇશાનને મંદિરે જવુ બિલકુલ ન ગમતુ. એને મંદિર પહેલા આવતો બાગ, એના ફૂલ, એના જુલા જાણે બોલાવતા.

છેવટે નીરા કંટાળી ગયેલી તો ઇશાનને બાગમાં જવા દેતી અને પોતે મંદિરથી પાછી ફરતા બાગમાં બેસતી અને ઇશાનને ઝૂલતો, રમતો જોયા કરતી. એક રૂમ કિચનના ફ્લેટમાં તો ઈશાન માટે રમવાની જગ્યા જ નહોતી એટલે એ એનુ ખેંચાણ સમજતી.
બાકી હતુ તો નીચે દુકાનો વધી ગયેલી અને નીચે પાર્કિંગમા તો જગ્યા જ ન રહેતી તો ઈશાન બગીચા ને જોતા જ જાણે એ એને હાથ ફેલાવીને આવકારતો હોય એમ દોડી જતો.

નીરા હમણા ચીડચીડી થઈ ગયેલી. ડિપ્રેશન ફિલ થતુ હતુ. ડોક્ટરને કન્સલ્ટ કરવામાં નાનપ લાગતી. આમ જુઓ તો ઈશાન જેવો ક્યૂટ દીકરો, નાનુ તોયે પોતાનુ ઘર પણ મંથન, એનો પતિ. એ જ એનો જ નહોતો રહ્યોને. એમાં જ આ મૂંઝવણ કોરી ખાતી હતી. આ મંદિરે રોજ જવાની માનતા રાખી. પગ છૂટો થતો અને મન હળવું થઈ જતું. એમા એ જ્યારથી બાગમાં બેસવા લાગી બધુ સારુ લાગવા માન્ડેલ. ઝાડપાન, ફૂલો અને ઈશાન અને બીજા બાળકો એમને હસતા રમતા જોતા જોતા એ પણ હસતી થઈ ગઈ.

આખો દિવસ ઉત્સાહથી કામ કરી લેતી. સાંજ કે રાત માટે કોઈ કામ બાકી જ ન રાખતી. હવે કંટાળાજનક રૂટિનમાં બે શબ્દો ઉમેરાઈ ગએલા. મંદિર અને બગીચો.

ઈશાનના પીક્સ એ બાગમાં બેઠા બેઠા લેતી અને ઘરે આવીને બન્ને માં દીકરો ખુશ ખુશાલ મૂડમાં જોતા. જોકે મંથનને નહોતો એ ખુશીઓમાં રસ કે નહોતો નીરામાં રસ.

એના રસનું કેન્દ્ર તો કોઇક બીજુ જ હતુ. નીરાએ શરૂઆતમાં બહુ ધમપછાડા કરેલા પણ આ નાનકડા ઈશાન સાથે ક્યાં જાય. માબાપ વગરની નીરા કાકાકાકી સાથે ઉછરેલી. કાકાએ એ અઢારની થઈ ત્યારે એની પાસે સાઈન કરાવીને એ દાદાના વિશાળ ઘરમાંથી એનો ભાગ પચાવી પાડેલો. એને તો બહુ મોડી ખબર પડેલી.

જેમ તેમ એને પરણાવીને રવાના કરી દીધેલી. પછી છેડો ફાડી જ નાંખેલ. જોકે કાકાની હાલત ખરાબ હતી. એકનો એક દીકરો એક્સિડન્ટમાં જતો રહેલો. કાકી પણ એની પાછળ બીમાર થઈને સ્વર્ગે સિધાવેલા. કાકા એના જુના નોકર મુન્ના સાથે રહે છે એવુ સાંભળેલુ. જવાની હિમ્મત જ ન થયેલી. જે ઘરમાં લગ્ન પછી એને એક વાર પણ પ્રવેશ નહોતો મળ્યો ત્યાં કેમ પગ ઉપડે.

આ નાનકડા રૂમમાં એ ગૂંગળાઈ જતી. પણ શરૂઆતમા તો મંથનનો પ્રેમ એને સધિયારો આપતો. મંથને કેટલા વર્ષો પાઈ પાઈ બચાવેલી કે એક થોડો મોટો ફ્લેટ લઈશું જેમાં બેડરૂમ પણ અલગ હશે અને એ વિચારથી જ નીરા ખુશ થઈ જતી. બાલ્કનીમાં એક જુલો બંધવીશ એવુ પણ એણે મનોમન વિચારી લીધેલુ. પણ મંથને બધા પૈસા એ બૂંધીયાળ પિંકી પાછળ ખર્ચી નાખેલા.

ધીમે ધીમે નીરા મન્થનને એક પેયીન્ગ ગેસ્ટ સમજવા માંડેલી. જોકે એમ જ એનો ઉત્પાત ઓછો થયેલો.

ઇશાનને બહુ સમજ ન પડતી, પણ એટલી ખબર હતી કે પપ્પા એને કે મમ્મીને હવે પ્રેમ નથી કરતા. ઓફિસવાળી પિન્કી આંટી જ પપ્પાને ગમતી.

નીરાને કોઈક સંભળાવે તો ઉકળી ઉઠતી. ન જ બોલવુ એવુ નક્કી કર્યા પછી પણ એ બોલી જ પડતી. અને એમજ અંતર્મુખ થઈ ગયેલી.

પોતાના કોચલામાં જ પુરાઈ ગએલી જાણે. પોતાનો કોઈ દોષ નહોતો તો પણ મનમાં નાનપ અનુભવતી. કોઈ સાથે નજર મિલાવવાનું ટાળતી. નીરા નમણી અને સુંદર હતી પણ આટલી સુન્દર નીરાને મુકીને પતિ બીજે જાય તો એમાં પોતાનો જ વાંક બધાને દેખાતો હશેને. એમ માનીને એ નાનકડા ઘરમાં પુરાયેલી રહેતી. પણ જ્યારથી આ સાંજચર્યા શરૂ થઈ ત્યારથી નીરા અલગ જ લાગણી અનુભવવા લાગેલી.

મંથન ઘરે આવે, એની સામે જોવે ન જોવે એને હવે કંઈ ફરક ન પડતો. મહીનાના પહેલા દિવસે એ પૈસા મૂકી જતો અને નીરા એનુ ટિફિન, કપડા સાચવી લેતી. એક વિચાર જો કે આવતો કે પિંકી સાથે રહેવા કેમ નહીં જતો રહેતો હોય જો એવુ બને તો પોતે ક્યુ કામ કરી શકે એ વિચાર્યા કરતી. ઈશાનના સ્કૂલ સમય સાથે મેચ થાય એવી ક્યાંક મળે તો રિસેપશનીસ્ટ કે પછી બાળકો સાચવવાનું કામ ટ્યુશન. હા ઘરેથી ટ્યુશન થઈ શકે. પણ કોઈ આવશે. આમ વિચારોમાં નીરા રિબાયા કરતી. કઈક ચમત્કાર થાય અને બધુ પહેલા જેવુ થઈ જાયતો. ફરીથી એના સંસારનો બાગ મહેકી ઉઠે. એ ઇશ્વર પાસે માંગ્યા કરતી. મંથન વગરની જિંદગીએણે કલ્પી જોઈ હતી. એકલી જાણીને ભૂખાળવી નજરો,પાઈ પાઈની મોહતાજી.
પિયરનો તો કોઈ આશરો નહોતો કે પાછળ કોઈક છે એવો સપોર્ટ રહે. જો કે દિલ નહોતુ માનતુ. આવા માણસ સાથે સંબન્ધ છોડીને ભાગી જાઉ એવુ જ થતુ હતુ.

પણ હવે તો એને મન્થન કે પિન્કીના વિચાર પણ ન આવતા.
બંધિયાર જિંદગીમાં જાણે એક સરસ સુગંધ આવી હતી.

બાગમાં ઉડતા પતંગિયા જિંદગી હળવાશથી લેવાની એવુ કહેતા. ફૂલોની સુગંધ, લીલાછમ ઝાડ, ઉભુ થવાનુ મન જ ક્યાં થતુ. એમાં સવારે કુરીયર આવ્યું. કાકા નહોતા રહ્યા. પણ વિલની કોપી હતી. એ વિશાળ ઘર,એ ગોડાઉન,જવેલરી બઘુ જ નીરાના નામે કરતા ગયા હતા. અંતરાત્મા ડંખ્યો હશે? નિરાને વિચાર આવ્યો. આંખોમાં આંસુ સાથે ઈશ્વરને નમી રહી. એની માનતા સ્વીકારાઈ હતી પણ જુદી રીતે. હવે એ કોઈની મોહતાજ નહોતી.
મંથનના પૈસા વગર એ ઇશાનને ઉછેરી શકશે. ખુદ સ્વમાનથી જીવી શકશે.આ સાંકડા રૂમમાંથી છુટી શકશે..

એજ દિવસે મંદિરે જતા મંથનની ઓફિસમાં કામ કરતા જયેશની પત્ની પૂજા મળી ગઈ.

નીરા એને એવોઇડ કરવા જતી હતી પણ એણે પકડી જ લીધી. ડર હતો એ પિન્કીનો ટોપીક આવ્યોજ. પૂજા કહે " અમે બધા તારા માટે બહુ જ ખુશ છીએ. " નીરા ડઘાઈ જ ગઈ. આવા ચાબખા. ત્યાં એનો ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને પુજા કહે.
" અરે તને ખબર નથી લાગતી એ પિંકીએ તો બીજો સિંગલ પુરુષ શોધી લીધો છે ને. રવિવારે લગ્ન છે બન્નેના."
આ તો જયેશ કહેતા હતા કે મંથન દાદ જ નહોતો આપતો શરૂઆતમા પણ પિંકીને ટાઈમપાસ કરવો હતો ને એમાં આ હેન્ડસમ અને ભોળા મંથનભાઈ મળી ગયા. એને લપસાવીને જ રહી. એણે તો કેટલાયે પુરુષોને ફેરવ્યા. પાછી પરિણિત જ શોધતી એટલે ધક્કો મારે તો પણ ચૂપ રહે.. પણ હવે તો બલા ટળી. ઠોકર ખાઈને મંથનભાઈ વધારે સીધા થશે બીજુ શું."

નીરા બઘવાઈને જોઈ રહી. કંઈ સમજાતુ જ નહોતુ. ઓહહ યાદ આવ્યુ હમણા મન્થન પડેલુ મોઢુ લઈને દીવાલ સામે તાક્યા કરતો. ફોન પર ચીટકી રહેવાનુ પણ બંધ થઈ ગયેલુ. અને પહેલી તારીખે પંદર હજાર ને બદલે પચીસ હજાર મૂકી ગએલો. મીન્સ એ પિંકીનુ ચેપ્ટર તો કલોઝ જ.

નીરાએ મંદિરે જતા જતા ઇશાનનો હાથ બાગના ગેટ પાસે છોડ્યો અને સજળ આંખે હાથ જોડીને મંદિરમાં કેટલીયે વાર બેસી રહી. અચાનક યાદ આવ્યુ કે મોડુ થઈ ગયુ. આટલી વાર ઇશાનને એકલો ક્યારેય નહોતો મુકયો.

લગભગ દોડતી જ બાગમાં ગઈ અને એ દ્રશ્ય જોઈને ઉભી રહી ગઈ. મંથન ઇશાનને જુલા નાંખતો હતો અને ખુશખુશાલ ઈશાન કિલકારી કરતો હતો. નીરા બાગના બાંકડે જ બેસી પડી ને મનથી નક્કી કર્યું ઈશાન ભલે મંથન પાસે આવતો જતો રહે. પિતાનો પ્રેમ પણજરૂરી છે, પણ પોતે ધીમેથી મંગળ સૂત્ર પર્સમાં મુકયુ અને રૂમાલથી સેંથો લૂછી કાઢ્યો. જાણે કેટલાયે મણનો ભાર ઉતરી ગયો હોય એવી હળવાશ લાગી.

બાગની સુગન્ધનો દરિયો નીરાના અસ્તિત્વને ઘેરી વળ્યો.