વૈભવીનુ રિઝલ્ટ આવી ગયુ, ફર્સ્ટ ક્લાસમાં 85 ટકા સાથે ગ્રેજ્યુએટ થઈ ગઇ. પેપરમાં નામ પણ આવ્યુ. "વૈભવી ભટ્ટ ડિસ્ટિંક્શન સાથે પાસ." એક વીક તો બહુ મસ્ત ગયુ, પાર્ટી, અભીનંદનના મેસેજીસનો ધોધ. પોતે કૈક પ્રાપ્ત કર્યું એવી ફીલિંગ્સ આવતી હતી, વારે વારે પોતાના નામ વાળુ કટિંગ જોતી. આમેય એને પોતાનુ નામ બહુ ગમતુ. આવુ સરસ નામ હોવા બદલ ગર્વ પણ થતો. એ માનતી કે પહેલી ઇમ્પ્રેસન નામથી જ પડે, આ તો ફઈબા વાંચનના શોખીન હતા બાકી વીરા કે વિભા જેવુ ચીલા ચાલુ નામ ન રાખી દે!
પણ જેવી એણે માસ્ટર્સ કરવાની વાત કરી ત્યાં જ ઝટકો લાગ્યો. જવાબ મળ્યો મમ્મીનો. "22 ની તો થઈ, છોકરો જોવાનુ શરૂ કરીશુને છ બાર મહીના તો નીકળી જશે."
વૈભવી નીરાશ થઈ ગઇ, પણ મમ્મીપપ્પા ટશના મસ ના થયા. પહેલી પ્રપોઝલ આવી , નામ હતુ અખિલેશ. વૈભવીએ કહ્યુ આવડુ મોટુ નામ બોલવામાં જ થાકી જવાય. એને નામ જ ન ગમ્યું, પણ વાત ચાલી, છોકરા વાળા મમ્મીને જુનવાણી લાગ્યા. મમ્મીએ ના પાડી. હાશ થઈ, બીજી વાત ચાલી મીત નામ હતુ. નામ તો સરસ લાગ્યુ, પણ ઇન્કવાયરી બરાબર ન નીકળી. બસ આમજ વાતો આવતી રહી અને દિવસ રાત જાણે મોટો પ્રોજેક્ટ હોય એમ વૈભવી માટે છોકરો શોધવામાં બધા લાગી પડ્યા.
ફાઈનલી એક સરસ વાત આવી, ઓમ પંડ્યા નામ હતુ, મળી તો ખુશ થઈ ગઇ. એ એન્જિનિયર હતો સારી સેલેરી, દેખાવે પણ જામે એવો. વાતે ચીત્તે સરસ, વાત પાક્કી થઈ ગઇ. સગાઈ પણ જલ્દી કરિ દીધી, બે મહિના સારા મુર્હત નહોતા એટલે સ્તો. બે મહિના પછી લગ્ન નક્કી થયા.
વૈભવીને લાગ્યુ કે એ હવામાં ઉડે છે, સાથે ફરવુ, ચોરી છીપી માણેલો સ્પર્શ, ગિફ્ટ, અચાનક વધેલુ મહત્વ, જીંદગી જ જાણે બદલી ગઇ. કોઈનો સાથ આટલો મનગમતો હોઈ શકે એવી તો એણે ક્લોનાએ નહોતી કરી. ઓમની એન્ટ્રીએ વૈભવીનુ જીવન જાણે અવનવા રંગોથી ભરી દીધું.
શોપિંગ, દરજી, સોની, એ બધામાં ક્યારે લગ્ન નજીક આવી ગયા ખબર ન પડી. બસ એક વીક બચ્યું હતુ, પોતે પાર્લરમાં ગઇ હતી, મેકઅપ રિહર્સલ માટે અને મમ્મીનો કોલ આવ્યો. વેવાઈ આવ્યાં છે, કંકોત્રી આપવા માટે, એને બધુ અધૂરું છોડીને આવવુ પડયું, પણ ઉત્કંઠા હતી કંકોત્રી જોવાની.
ઘેર પહોંચી, જલ્દી ફોર્માલિટી પતાવીને કંકોત્રી હાથમાં લીધી, આશ્ચર્યથી જોઇ રહી. આ કોની કંકોત્રી છે? "ઓમ પંડ્યા વેડ્સ વિભા ભટ્ટ !"
એ ફિક્કી પડી ગઇ "આ વિભા " ઓહ, ઓમના પપ્પાએ કહ્યું "કુટુંબમા બધાને, અને ખાસ કરીને તારા સાસુ ને વૈભવી નામ પસંદ નહોતુ, નામ તો સરળ અને સિમ્પલ હોવુ જોઈએ. એટલે વિભા રાખ્યુ"
વૈભવી આઘાત સાથે મમ્મી પપ્પા સામે જોઇ રહી, બન્નેએ નજર ઝુકાવી દીધી!
ત્યાં રીંગ વાગી. વૈભવીએ ઓમનો ફોન રિસિવ ન કર્યોં. વૈભવી સ્વીકારી જ નહોતી શકતી કે ઓમ આમ એની સાથે વાત પણ કર્યા વગર વિભા નામ એના પર થોપી દે. ઓમને ઓળખવામાં ભૂલ કરી એવુ લાગવા માંડેલુ. છેવટે વૈભવીનો મોબાઈલ સતત બંધ આવતા તઓમ દોડતો વૈભવીના ઘરે પહોંચ્યો. વૈભવીને કહે " તું ક્યાં છો? શું થયુ છે. ફોન કેમ રીસિવ નથી કરતી. " તો વૈભવી કંકોત્રી બતાવીને કહે કે તું તો કોઈક વિભાને પરણવાનો છો ને, તો મને કેમ ફોન કરે છે. "
બાઘાની જેમ જોઈ રહેલા ઓમને ગુસ્સાથી લાલ થયેલી વૈભવીને જોઈને ભૂલનો અહેસાસ થતા ઓમે કંકોત્રી ફાડતા કહ્યું "હું ફકત અને ફકત વૈભવીને જ પરણીશ. કંકોત્રી ભલે બીજી છપાય." વૈભવી લાગણી નીતરતી આંખે હળવાશ અનુભવતા હસી રહી.