Once Upon a Time - 84 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 84

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 84

પોલીસ કમિશનર ત્યાગીએ રિસીવર ઊંચકીને કાને માંડ્યું. સામા છેડેથી બોલાયેલા શબ્દો સાંભળીને તેમને ઍરકન્ડિશન્ડ ચૅમ્બરમાં પણ પરસેવો વળી ગયો એટલે એમની સામે બેઠેલા સિનિયર ઓફિસર્સ સમજી ગયા કે કોઈ સિરિયસ મેટર છે. જોકે એમણે ફોન પર શું મેસેજ મળ્યો એ પૂછવાની ગુસ્તાખી ન કરી. પોલીસ કમિશનર ત્યાગીએ જ ફોન પર મળેલી માહિતી આપતા એમને કહ્યું, ‘શિવસેના પ્રમુખ બાળાસાહેબના અંગત મિત્ર જયંત જાધવને શૂટ કરી દેવાયા છે.’

ગણતરીની સેકંડો પછી પોલીસ કમિશનર રામદેવ ત્યાગી અને અન્ય સિનિયર ઓફિસર્સનો કાફલો મુંબઈ પોલીસના હેડક્વાર્ટરથી દાદર વિસ્તાર ભણી ધસી રહ્યો હતો.

પોલીસ કમિશનરનો કાફલો જયંત જાધવના ઘર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં પત્રકારો હાજર હતા. મોટા ગજાના બિઝનેસમેન અને બાળ ઠાકરેના અંગત મિત્ર જયંત જાધવના મર્ડર પાછળ કોનો હાથ હોઈ શકે એ વિશે પત્રકારોએ પોલીસ કમિશનર ત્યાગી પર પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. ત્યાગીએ માત્ર એટલું જ કહ્યું કે અમે ટૂંક સમયમાં હત્યારાઓને પકડી પાડીશું, પણ એ પછી એમણે પાછા પોલીસ હેડક્વોર્ટરમાં આવીને મુંબઈના ટોચના પોલીસ ઓફિસર્સની બેઠક બોલાવી. જો કે એ અગાઉ જ એમણે કેટલાક મહત્વના ઓર્ડર સંબંધિત પોલીસ અધિકારીઓને આપી દીધા હતા.

***

અરુણ ગવળીના શૂટર્સનું નિશાન બનેલા બિઝનેસમેન જયંત જાધવ શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના મિત્ર હતા. એ રીતે જાધવની અમર નાઈક સાથે પણ દોસ્તી હતી એટલે જયંત જાધવની અંતિમયાત્રામાં અમર નાઈક હાજરી આપે એવી પૂરી શક્યતા હતી. અમર નાઈક વેશપલટો કરવામાં ઉસ્તાદ હતો. અને ત્રણ વખત તો એ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી ચૂક્યો હતો એટલે એ વેશપલટો કરીને જયંત જાધવની અંતિમયાત્રામાં હાજરી આપશે એવી ગણતરી માંડીને એને ઝડપી લેવા માટે પોલીસ અધિકારીઓ સાબદા થઈ ગયા હતા.

જયંત જાધવની અંતિમયાત્રામાં અમર નાઈકને ઓળખી શકે એવા સ્માર્ટ પોલીસ ઓફિસર્સ સાદા વેશમાં જોડાઇ ગયા, પણ ઉસ્તાદ અમર નાઈક જયંત જાધવની અંતિમયાત્રામાં ફરક્યો જ નહીં. એણે પણ અનુમાન કરી લીધું હતું કે જયંત જાધવની અંતિમયાત્રામાં એને પકડવા માટે પોલીસ અધિકારીઓ હાજર હશે જ. અમર નાઈક તો પોલીસના હાથમાં ન આવ્યો, પણ જયંત જાધવની હત્યા પછી પોલીસ કમિશનરે મુંબઇના પોલીસ અધિકારીઓને છૂટો દોર આપી દીધો અને મુંબઈ પોલીસ ગવળી ગૅન્ગ પર તૂટી પડી.

બિઝનેસમેન જયંત જાધવના મર્ડર પછી મુંબઈ પોલીસે અરુણ ગવળી ગેંગના બે શૂટરને અરેસ્ટ કર્યા અને જયંત જાધવના મર્ડરનું ષડયંત્ર રચવા માટે અરુણ ગવળી સામે પણ કેસ રજિસ્ટર કર્યો. એ પછી ગવળી ગેંગના વધુ ત્રણ ગુંડાની ધરપકડ થઈ. અરુણ ગવળી એ વખતે જેલમાં હતો, પણ જેલમાં બેઠા બેઠા એણે જયંત જાધવના મર્ડરનો ઓર્ડર છોડ્યો હતો એવું પોલીસે કોર્ટને કહ્યું. અમર નાઈક અને અરુણ ગવળી ગેંગ વચ્ચે દુશ્મની થયા પછી બંને ગેંગ એકબીજાને ખતમ કરવા માટે પૂરી તાકાત અજમાવી રહી હતી. એ વખતે અમર નાઈકે અરુણ ગવળીને ઔરંગાબાદની હરસુર જેલમાં જ ખતમ કરી દેવાનું વિચાર્યુ અને એ આઈડિયા એને એના મિત્ર જયંત જાધવે આપ્યો હતો એવી માહિતી ગવળી સુધી પહોંચી હતી. ગવળીને જેલમાં જ ખતમ કરી દેવા માટે અમર નાઈકને ‘તમામ’ સહકાર આપવાની ખાતરી જયત જાધવે આપી હોવાની માહિતી મળતા અરુણ ગવળી ઉશ્કેરાયો હતો અને એણે જયંત જાધવને જ ખતમ કરી દેવાનો ઓર્ડર છોડ્યો હતો, એવું પોલીસે કોર્ટને કહ્યું.’

અંડરવર્લ્ડના એન્સાઇકલોપિડિયા સમો પપ્પુ ટકલા કડકડાટ માહિતી આપી રહ્યો હતો. એણે વચ્ચે બિયરનો મગ ભરવા માટે નાનકડો બ્રેક લઇને ફરી વાર પૂરક માહિતી આપી, ‘જો કે પોલીસ આ કેસમાં પૂરતા પુરાવા ભેગા કરી શકી એટલે મુંબઈની સેશન્સ કોર્ટે અરુણ ગવળી સહિત એની ગેંગના તમામ નવ આરોપીને 1999ની 30 જૂને નિર્દોષ છોડી મૂક્યા હતા. એડિશનલ સેશન્સ જજ આર.એસ. દવેએ અરુણ ગવળી અને એના આઠ સાથીદારોને આ કેસમાં નિર્દોષ છોડી મૂક્યા ત્યારે કોર્ટ બહાર નીકળીને અરુણ ગવળી ખડખડાટ હસી પડ્યો હતો અને એણે વિજયી મુદ્રામાં પ્રેસ ફોટોગ્રાફર્સને ફોટા પાડવા દીધા હતા.’

જયંત જાધવ મર્ડર કેસની પૂરક માહિતી આપીને પપ્પુ ટકલાએ વાત આગળ ધપાવી, ‘ જયંત જાધવના મર્ડર પછી અકળાયેલા પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓને છૂટો દોર આપી દીધો. એને કારણે અંડરવર્લ્ડના શૂટર્સની લાશો ધડાધડ પડવા માંડી. 30 જાન્યુઆરી, 1996ના દિવસે જયંત જાધવની હત્યા થઇ એ પહેલા આખા જાન્યુઆરી મહિનામાં મુંબઈ પોલીસે માત્ર બે જ શૂટર્સને એન્કાઉન્ટરમાં ખતમ કર્યા હતા. પહેલી જાન્યુઆરીએ મુંબઈના વરલી વિસ્તારમાં રાજબહાદુર ઉર્ફે રાજુ નેપાળી નામનો 22 વર્ષીય શૂટર પોલીસ સાથે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો અને વિખ્યાત ઉદ્યોગપતિ સુનીત ખટાઉની હત્યા કરનારો, અમર નાઈક ગેંગનો, 25 વર્ષીય શૂટર રાવસાહેબ બાબુ કિલ્લેદાર ઉર્ફે કાલિયા 10 જાન્યુઆરીએ પોલીસના હાથે માર્યો ગયો હતો, પણ જયંત જાધવની હત્યા પછી આખો સિનારિયો બદલાઈ ગયો અને 1996ના બાકીના અગિયાર મહિનામાં મુંબઈ પોલીસે 54 ગુંડાઓને સ્મશાન અને કબ્રસ્તાન ભેગા કરી દીધા! મુંબઈમાં ગેંગવોર શરૂ થયા પછી મુંબઈ પોલીસે એક વર્ષમાં આટલા ગુંડાઓને ખતમ કર્યા હોય એવું પહેલી જ વાર બન્યું હતું.’

‘1996ના વર્ષ દરમિયાન અંડરવર્લ્ડના શૂટર્સ સાચા અર્થમાં ખોફ શબ્દની અનુભૂતિ કરતા થયા. અંડરવર્લ્ડમાં જેમ સ્ટાર શૂટર્સ હોય છે એમ મુંબઈ પોલીસમાં પણ કેટલાક ઓફિસર્સ સ્ટાર શૂટર્સ ગણાતા થઈ ગયા હતા. મુંબઈ પોલીસના હાઈ પ્રોફાઈલ ઈન્સ્પેક્ટર્સ વિજય સાળસકર, પ્રફુલ્લ ભોંસલે અને પ્રદીપ શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ બની ચૂક્યા હતા. એમના નામથી ભલભલા ગુનેગારો થરથર કાંપતા હતા. એ ત્રણ ઇન્સ્પેક્ટર્સે 250થી વધુ ગુંડાઓને ગોળીએ દીધા હતા. એ સિવાય મુંબઈના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) અંબાદાસ પોટે, સબ ઈન્સ્પેક્ટર દયા નાયક અને વિલાસ ગંગાવણે, આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર કાદર ખાન, રવીન્દ્ર આંગરે અને શિવાજી સાવંત ઉપરાંત પોલીસ કોન્ટેબલ ગણેશ બટ્ટ અને અલ્હાદ ગાયકવાડ પણ એન્કાઉન્ટરમાં ગુંડાઓને ખતમ કરી રહ્યા હતા. મુંબઈ પોલીસની લૅડી ઓફિસર્સ પ્રાચી બડે, સુરેખા કપિલે અને વંદના નારકર પણ એન્કાઉન્ટરમાં અનેક ગુંડાઓને અવ્વલ મંઝિલે પહોંચાડવા માંડી હતી.’

‘મુંબઈ પોલીસ એન્કાઉન્ટરમાં ગુંડાઓને ગોળીએ દેવા માંડી એ પછી અનેક વખત વિવાદ સર્જાયો હતો. જો કે પોલીસ અને ગુંડાઓ વચ્ચે એન્કાઉન્ટરમાં જેટલા ગુંડા માર્યા ગયા છે એથી અનેક ગણા વધુ માણસો અંડરવર્લ્ડના શૂટર્સની ગોળી ખાઇને મર્યા છે. 1991થી 1995ના અંત સુધીમાં મુંબઈ પોલીસે 124 ગુંડાઓને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. એની સામે દાઉદ ઈબ્રાહિમ, અરુણ ગવળી અને છોટા રાજન ગેંગના શૂટર્સે બે હજારથી વધુ વ્યક્તિઓની હત્યા કરી નાખી હતી...’

પપ્પુ ટકલા વાત કરી રહ્યો હતો ત્યાં અચાનક એના મોબાઈલ ફોનની રિંગ વાગી. પપ્પુ ટકલાએ સેલ્યુલરના સ્કીન ઉપર નંબર જોયો અને એણે અંદરના રૂમમાં જઈને વાત કરી. મોબાઈલ ફોન પર વાત કર્યા પછી એણે પાછા આવીને અમારી સામે જોયું. એના ચહેરાના હાવભાવ પરથી અમે સમજી ગયા કે પપ્પુ ટકલા શું કહેશે અને એણે અમારી ધારણા પ્રમાણે જ ક્હયું, ‘સોરી, પણ આપણે છૂટા પડવું પડશે, મારે અર્જન્ટ કામ આવી ગયું છે.’

તેના ચહેરા પર અત્યંત તનાવની લાગણી વંચાઈ રહી હતી.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED