Once Upon a Time - 83 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 83

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 83

‘ હાં, સાલે કો જેલ મેં ભી તો ખતમ કર સકતૈ હૈ, લેકિન ઈસ કે બારે મે મૈને કભી સોચા હી નહીં,’ અમર નાઈક બોલ્યો.

‘અભી તક સોચા નહી તો અબ સોચો, નાઈકના મિત્રએ સલાહના સૂરમાં કહેતા ઉમેર્યું, ‘મૈ તુમ્હે હેલ્પ કર સકતા હૂં.’

મિત્રની વાત સાંભળીને અમર નાઈકની આંખોમા ચમક આવી ગઈ. પછી મિત્ર એને સમજાવતો ગયો અને અમર નાઈક ધ્યાનપૂર્વક એની વાત સાંભળતો રહ્યો. પૂરી વાત સાંભળ્યા પછી અમર નાઈકનો ચહેરો ખીલી ઊઠ્યો. ‘તેરા દિમાગ ભી કમાલ કા હૈ, યાર,’ એણે ખુશ થઈને કહ્યું. પછી બંને છૂટા પડ્યા ત્યારે તેઓ એવું માનતા હતા કે અરુણ ગવળીની લાઈફનો આખરી એપિસોડ એમણે તૈયાર કરી દીધો છે અને ગણતરીના દિવસોમાં એ ભજવી શકાશે. ત્યારે એમને કલ્પના નહોતી કે કોઈ કુશળ ડિરેક્ટરની જેમ અરુણ ગવળી આ પ્લોટની સ્કિપ્ટ બદલી નાખશે અને અમર નાઈકના મિત્રની લાઈફ પર પૂર્ણવિરામ મૂકી દેશે.

અમર નાઈક ગેંગ દ્વારા અરુણ ગવળીને જેલમાં ‘ટપકાવી’ દેવાનો ખેલ ગોઠવાયો એ અરસામાં જ અમર નાઈક ગેંગના કેટલાક શૂટર્સ નાઇક ગેંગ છોડીને ગવળી ગેંગમાં આવી ગયા. અરુણ ગવળી ગેંગનો સિનિયર શાર્પ શૂટર સુનિલ ઘાટે એમને નાઇક ગેંગમાંથી ગવળી ગેંગમાં ખેંચી લાવ્યો હતો. એમણે સુનિલ ઘાટેને અમર નાઈક ગેંગ વિશે બીજી બધી માહિતી આપવાની સાથે એ વાત પણ કહી દીદી કે, અમર નાઈક અરુણ ગવળીને જેલમાં જ પતાવી દેવાની વેતરણમાં પડ્યો છે. અને એ માટે એને એના એક પાવરફુલ મિત્રની મદદ મળી છે

ગવળીના મર્ડરની યોજના અને નાઇકના એ મિત્રનું નામ જાણીને ઘાટેને એક ક્ષણ માટે આંચકો લાગ્યો પણ બીજી ક્ષણે એ સ્વસ્થ થઈ ગયો. એણે તરત જ ગવળી ગેંગમાં વડીલનું સ્થાન ભોગવતા સદામામાને (જેના પરથી ‘સત્યા’ ફિલ્મમાં કલ્લુમામાનું કેરેક્ટર તૈયાર કરાયું હતું) અને ગણેશ વકીલને આખી વાત કરી. સદામામા અને ગણેશ વકીલને મામલો બહુ સિરિયસ લાગ્યો અને એમણે એક ખાસ દૂતને અરુણ ગવળી પાસે જેલમાં મોકલાવ્યો.

‘ડેડી, નાઈકને આપ કે મર્ડર કા પ્લાન બનાયા હૈ,’ ગવળી ગેંગનો દૂત જેલમાં અરુણ ગવળીને મળીને ધીમા અવાજે કહી રહ્યો હતો. અરુણ ગવળીના ભાઈ કિશોર ગવળીને બધા ‘પાપા’ કહીને બોલાવતા હતા. એ રીતે ગવળીને ‘ડેડી’ નામથી સંબોધવામાં આવે છે.

સદામામાએ મોકલેલા દૂતની વાત સાંભળીને અરુણ ગવળી હસ્યો. જેલમાં આવેલો એની ગેંગનો ગુંડો થોડો ગભરાયેલો લાગતો હતો. ગવળી પોતાની ગેંગના દરેક માણસને નામથી ઓળખવાની સાથે એમની ખૂબીઓ અને ખામીઓથી પણ વાકેફ હોવાથી ગવળીને સહેજ પણ આશ્ચર્ય ન થયું. જેલમાં આવેલો ગુંડો અરુણ ગવળી પ્રત્યે ભક્તિભાવ જેટલો આદર ધરાવતો હતો અને ગવળીના મર્ડરના પ્લાનથી એ અસ્વસ્થ થઇ ગયો હતો.

‘આગે બતાઓ,’ ગવળીએ એને કહ્યું.

સદામામાનો દૂત અને ગવળીનો ભક્ત ગુંડો માહિતી આપતો ગયો અને ગવળી ધ્યાનપૂર્વક સાંભળતો રહ્યો. દૂતે વાત પૂરી કરી ત્યાં સુધીમાં અરુણ ગવળીનું તેજ દિમાગ એક નિર્ણય પર પહોંચી ગયું હતું. એણે દૂતને કેટલીક સૂચના આપીને વિદાય કર્યો. એને ખાતરી હતી કે સદામામા અને સુનીલ ઘાટે બાકીનું બધું સંભાળી લેશે.

ગવળીને જેલમાં મળવા ગયેલો દૂત પાછો આવ્યો પછી વળી એક વાર ગવળી ગેંગના ટોપ શૂટર્સની બેઠક યોજાઈ અને ગવળીની સૂચના પ્રમાણે એક પ્લાન ઘડી કઢાયો. અમર નાઈકનો મિત્ર ગવળીને જેલમાં ખતમ કરવાનો પ્લાન અમલમાં મૂકે એ પહેલાં જ ગવળી ગેંગના શૂટર્સ એના પર ત્રાટકવા માટે સજજ થઇ ગયા હતા.

***

મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં રહેતો એક બિઝનેસમેન સાંજના સાત વાગ્યે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા. એમની સાથે એનો ભાઈ પણ હતો. ઘરની બહાર નીકળીને બંને ભાઈ કાર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક એક મોટરબાઈક એમની બાજુમાં આવીને ઊભી રહી. બાઈક ઉપર બે યુવાન હતા. એમણે ઈમ્પોર્ટેડ પિસ્તોલ કાઢીને બિઝનેસમેન અને એના ભાઈ ઉપર ફાયરિંગ શરૂ કર્યું. બિઝનેસમેન અને એનો ભાઈ ઢળી પડ્યા. વળતી ક્ષણે પેલા બંને યુવાનો મોટરબાઇક ઉપર નાસી છૂટ્યા. મોટરબાઈક ઉપર પાછળ બેઠેલા યુવાને પિસ્તોલ શર્ટની અંદર સરકાવીને મોબાઈલ ફોન હાથમાં લીધો. એક નંબર ડાયલ કરીને એણે સામેનો અવાજ ઓળખ્યા પછી કહ્યું, ‘કામ હો ગયા હૈ. ઉનકે ઘરકે બહાર હી સાલે કો ટપકા દિયા હૈ.’

સામા છેડેથી શાબાશીના શબ્દો સંભળાયા અને એ સાથે જ તે બંનેને સાવચેતીપૂર્વક નિશ્ચિત સ્થળે પહોંચી જવાની સૂચના પણ અપાઈ. આ બાજુ બિઝનેસમેન અને એના ભાઈને હોસ્પિટલમાં લઈ જવાયા. બિઝનેસમેનને તો એડમિટ કરતા અગાઉ જ ડોક્ટર્સે નિરાશાપૂર્વક માથું ધુણાવીને ‘સોરી’ કહી દીધુ.

એ બિઝનેસમેનના મર્ડરના ન્યૂઝ ગણતરીની મિનિટોમાં મહારાષ્ટ્રના તત્કાલીન ચીફ મિનિસ્ટર મનોહર જોષી, ગૃહખાતું સંભાળતા ડૅપ્યુટી ચીફ મિનિસ્ટર ગોપીનાથ મુંડે અને શિવસેનાપ્રમુખ બાળ ઠાકરે સુધી પહોંચી ગયા. એ સાથે મુંબઈની પાવર લોબી અને પોલીસ લોબીમાં સોપો પડી ગયો. જેને ગોળીએ દેવાયા હતા એ બિઝનેસમેનનું સૌથી મોટું ‘ક્વોલિફિકેશન’ એ હતું કે તેઓ શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના અંગત મિત્ર હતા!

***

31 જાન્યુઆરી, 1996ની સાંજે મુંબઈના પોલીસ કમિશનર રામદેવ ત્યાગી પોતાની વિશાળ એરકંડિશન્ડ ચેમ્બરમાં સાથી ઓફિસર્સ સાથે હળવા મૂડમાં વાતો કરી રહ્યા હતા ત્યાં એમની ડાયરેક્ટ લાઈનવાળો ફોન રણકી ઊઠ્યો. પોલીસ કમિશનર ત્યાગીએ રિસીવર ઊંચકીને કાને માંડ્યું. સામા છેડેથી બોલાયેલા શબ્દો સાંભળીને તેમને ઍરકન્ડિશન્ડ ચૅમ્બરમાં પણ પરસેવો વળી ગયો!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો