તિરસ્કાર - 3 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તિરસ્કાર - 3

પ્રકરણ-3

ઓમ પ્રગતિ એ ખેડૂતો માટે કંઈક કરવાની ઈચ્છા દર્શાવી આથી ઓમ પ્રગતિ થી ખૂબ જ પ્રભાવિત થયો હતો. ઓમ એ આ માટે પ્રગતિ નો આભાર માનવાનું નકકી કર્યું. રીસેસ ના સમયે ઓમ પ્રગતિ પાસે આવ્યો. એણે પ્રગતિ ને કહ્યું, "એક્સક્યૂઝ મી, શું હું તમારી સાથે થોડી વાત કરી શકું?" પ્રગતિ ને તો ઓમ આમ પણ પસંદ જ હતો એટલે ના પાડવાનો તો પ્રશ્ન જ નહોતો.
એણે કહ્યું, "હા જરૂર. કેમ નહીં?"
પ્રગતિ ને તો આજે જાણે લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી. એ મનોમન ઓમને ખૂબ જ પસંદ કરતી હતી અને આજે એ જ ઓમ સામે ચાલીને એની પાસે આવ્યો હતો. હાય! ઓમ ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. એની અને ઓમ ની વચ્ચે માત્ર 10 સેન્ટિમીટર નું અંતર હતું. પ્રગતિ ને તો ઘડીક થયું, એ ઓમને ભેટી જાય અને કહી દે કે, "આઈ લવ યુ ઓમ. હું તને બહુ પ્રેમ કરું છું. તારા વિના નહીં જીવી શકું." પણ પછી એણે પોતાના વિચારો પર બ્રેક મારી. એણે બને એટલું સામાન્ય રહેવાનો પ્રયાસ કર્યો. અને કહ્યું, "હા, શ્યોર વ્હાય નોટ? બોલો ને શું વાત કરવી છે તમારે? એટલે ઓમ એ કહ્યું, "હું તમારી ખેડૂતો માટે કંઈક કરવાની ઈચ્છા થી ખૂબ જ પ્રભાવિત થયો છું. અને એ માટે હું તમારો આભાર માનું છું. હું પોતે ખેતી કામ કરું છું. મારા પિતા ખેડૂત છે. તમે જો આગળ જતાં આ કાર્ય કરી શકો તો હું એમાં આપની સાથે જોડાવા ઈચ્છું છું." હવે પ્રગતિ ને તો આમાં ના પાડવા જેવું કંઈ હતું જ નહીં. પ્રગતિ એ કહ્યું, "હા, ચોક્કસ. પણ એ પહેલાં તમારે મારા મિત્ર બનવું પડશે. ફ્રેંડસ?" એમ કહી પ્રગતિ એ ઓમ તરફ હાથ લંબાવ્યો. ઓમ એ હાથ મિલાવ્યો. ઓમના હાથનો સ્પર્શ થતાં જ પ્રગતિ ના આખા શરીરમાં એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. આજે પહેલી વાર એણે ઓમ ની સાથે હાથ મિલાવ્યો હતો.
***
ઘણાં દિવસો પસાર થઈ ગયાં. હવે ઓમ અને પ્રગતિ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. બંને ને એકબીજા વિના ચાલતું જ નહીં. એ દરમિયાન માં પ્રિયા પણ પ્રગતિ ની ખાસ મિત્ર બની ગઈ હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. હવે તો કોલેજ માં પણ પ્રગતિ અને ઓમ ના સંબંધ ચર્ચાનો વિષય બની ગયા હતા. હવે તો બધાને જ લાગતું હતું કે, કોલેજ પુરી થાય પછી પ્રગતિ અને ઓમ જરૂર થી લગ્ન કરશે. બધા એ જ રાહમાં હતાં પણ કિસ્મત ને તો કંઈક ઓર જ મંજુર હતું.
***
આજે કોલેજ નો છેલ્લો દિવસ હતો. કોલેજ નું એ ફેરવેલ ફંકશન હતું. જેમાં ઓમ, પ્રગતિ, પ્રિયા, વિરાજ, વિરલ, પ્રીતિ એ છ જણા હાજર હતા. આ છ લોકો ખાસ મિત્રો હતા. ફેરવેલ ફંકશન પત્યા પછી આજે બધા મિત્રો ઓમના ઘરે ભેગા થવાના હતા. અને ઓમ આજે ખૂબ જ અગત્યની વાત ની જાહેર કરવાનો હતો. બધાંને મનમાં એમ જ હતું કે, ઓમ આજે એના અને પ્રગતિ ના સંબંધ ની જ વાત કરશે. પણ ઓમ તો કંઈક બીજી જ વાત ની જાહેરાત કરવાનો હતો. પણ એ માટે બધા એ સાંજ ની રાહ જોવાની હતી.
***
સાંજ પડી ગઈ હતી. બધાં મિત્રો ઓમ ના ઘરે ભેગા થયા હતા. થોડી વાર બધા એ વાતો કરી. ચા નાસ્તો કર્યા. હવે બધાં ની ધીરજ ખૂટી ગઈ હતી કે, હવે ક્યારે ઓમ અને પ્રગતિ પોતાના સંબંધ ની જાહેરાત કરે. અને હવે એ સમય આવી ગયો હતો. ઓમ એ જે જાહેરાત કરી એ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયાં. ના, એ ઓમ અને પ્રગતિ ના સંબંધ ની જાહેરાત નહોતી. ઓમ એ જે જાહેરાત કરી એ સાંભળીને પ્રગતિ ના પગ તળેથી જમીન સરકી ગઈ. આખરે એવી શું જાહેરાત કરી હતી ઓમે?
***