પ્રકરણ-5
બધા એ જ રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે ઓમ પ્રગતિ અને એના સંબંધ ની વાત કરે. અને ઓમ એ જાહેરાત કરી, "તમે બધાં એ જ રાહમાં છો ને કે હું મારા અને પ્રગતિ ના સંબંધ ની જાહેરાત કરું. પણ આ જનમમાં તો એ શક્ય જ નથી. આજે હું મારી પુરી સભાન અવસ્થામાં પ્રગતિ નો તિરસ્કાર કરું છું. હું નફરત કરું છું પ્રગતિ ને." આ સાંભળીને પ્રગતિ ને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. એ બોલી, "પણ કેમ ઓમ? મેં એવું તે શું કર્યું છે. મારો શું વાંક છે? શા માટે તું એવું કહે છે?"
ઓમ એ પ્રત્યુત્તર આપ્યો, "કારણ કે, હું તને ખૂબ નફરત કરું છું. કારણ કે, તું એક રાજકારણી ની દીકરી છે. અને રાજકારણ થી અને એની સાથે જોડાયેલા માણસો થી મને ખુબ જ નફરત છે. કારણ કે, એક રાજકારણ સાથે જોડાયેલા માણસ એ જ મારા કાકા નું બ્રેઈન વોશ કર્યું હતું. નહીં તો મારા કાકા એવા બિલકુલ નહોતા. અને એ રાજકારણી ની ચડામણી થી જ મારા કાકા એ અમને બરબાદ કર્યા. અને તું પણ એક રાજકારણી ની દીકરી ને એમાંય પાછી મુખ્યમંત્રી ની દીકરી. માટે આજે હું તારો તિરસ્કાર કરું છું."
પ્રગતિ એ પૂછ્યું, "તો પછી મારી સાથે પ્રેમ નું નાટક કેમ કર્યું?"
ઓમ એ કહ્યું, "બદલો લેવા. હું જાણી જ ગયો હતો કે, તું મને પસંદ કરે છે. અને મને જાણ પણ હતી કે, તું મુખ્યમંત્રી ની દીકરી છો એટલે મેં જાણી જોઈને તારી જોડે પ્રેમ નું નાટક કર્યું. જેથી હું તારા રાજકારણી બાપ જોડે બદલો લઈ શકું. આજે હવે મારો એ બદલો પૂરો થયો. હવે મારા જીવને ઠંડક થઈ." પ્રગતિ એ પૂછ્યું, "પણ હું રાજકારણી ની દીકરી છું એમાં મારો શું વાંક?" "બસ, એ જ તારો વાંક કે, તું રાજકારણી ની દીકરી છો." ઓમ એ જવાબ આપ્યો.
"સારું, કાંઈ વાંધો નહીં ઓમ. મેં તો તને સાચા હૃદય થી ચાહ્યો હતો પણ કદાચ કિસ્મત ને મંજૂર નહીં હોય. પણ એટલું જરૂર કહીશ કે, જ્યારે પણ તને લાગે કે, તારે મારી જરૂરત છે તો મારા ઘરના દ્વાર તારા માટે હંમેશા ખુલ્લા જ રહેશે. ઈશ્વર તને સદબુદ્ધિ આપે તે જે કાંઈ પણ કર્યું એ બીજા કોઈ જોડે ભવિષ્ય માં ના કરતો.
આટલું કહી અને પ્રગતિ ઓમ ના ઘરમાંથી સડસડાટ બહાર નીકળી ગઈ.
****
આ વાત ને અનેક દિવસો વહી ગયા. ત્યાર પછી ઓમ અને પ્રગતિ ક્યારેય ના મળ્યા. સમય ને વહેતા ક્યાં વાર લાગે છે? વર્ષો વીતતા ચાલ્યા. પ્રગતિ ને એ ઘટના ને સ્વીકાર કરવામાં ઘણો સમય લાગ્યો. પણ કહેવાય છે ને કે, સમય બધા દુઃખ નું ઓસડ છે. પ્રગતિ ને પણ સમય સાથે ઓમ ભૂલાતો ચાલ્યો. પણ એ ઘટના પછી એણે પોતાની જાતને ઈશ્વર તરફ વાળી લીધી. એ ઘટના પછી એણે પ્રતિજ્ઞા લીધી હતી કે, એ આજીવન કુંવારી રહેશે. એ ઓમ ને સાચા હૃદયથી ચાહતી હતી. એટલે બીજા કોઈ વિશે તો એને વિચારવાનો પ્રશ્ન જ નહોતો. એટલે હવે એ રોજ સવારે અને સાંજે હવન કરતી. એ આર્યસમાજ ને ખૂબ માનવા લાગી. એ વેદોનો અભ્યાસ કરવા લાગી. અને થોડા સમય માં તો એ એમાં પારંગત બની ગઈ હતી. સમય વહેતો ચાલ્યો.
અને એક દિવસ કોલેજ માં મદદનીશ પ્રાધ્યાપક માટેની જાહેરાત આવી. પ્રગતિ એ એમાં ફોર્મ ભર્યું. એણે પરીક્ષા આપી. એમાં પાસ થઈ પછી ઇન્ટરવ્યૂ આપ્યો. એમાં પણ એ પાસ થઈ. અને એને નોકરી મળી ગઈ. એ દરમિયાન માં એના પિતા નું મૃત્યુ થયું. છતાં પણ એ હિંમત ન હારી. નહીં તો એનો એક માત્ર સહારો એના પિતા હતા. એ પણ હવે એને છોડીને ચાલ્યા ગયા. હવે આખા ઘરમાં એ એકલી રહી. હા, નોકર ચાકર જરૂર હતા એના ઘરમાં પણ પિતાના જવાથી એ સાવ જ એકલી પડી ગઈ.
જ્યારે ઓમ એ પ્રગતિ નો તિરસ્કાર કર્યો હતો ત્યારે એના પિતા એ જ એને સમજાવ્યું હતું કે, "બેટા, જીવનમાં માફ કરતા શીખજે. માફી આપવા જેવું પુણ્ય આ દુનિયામાં બીજું કાંઈ નથી. અને એણે પિતા ની એ વાત યાદ રાખી. અને જીવનમાં એ માફ કરતાં શીખી. એને થયું, "મારા પિતા રાજકારણ માં હોવા છતાં માફ કરતાં શીખ્યા નહીં તો આજે ક્યાં આવા નેતા જ હોય છે. કાશ ઓમ ને આ સમજાયું હોત કે, ક્યારેય બધાં જ રાજકારણીઓ એકસરખા નથી હોતા. એના મનની પીડા કદાચ અસહ્ય હશે. પણ કાશ એણે દરેક માણસ ને એક જ દ્રષ્ટિકોણ થી ન જોયા હોત. તો કદાચ એ અને હું આજે બંને સુખી હોત."
****
પ્રિયા પ્રગતિ ને મળીને ઘરે પાછી આવી પછી વિરાજ એ એને પૂછ્યું, "મળી આવી પ્રગતિ ને? શું થયું એ ઓમ ની વાત સાંભળવા પણ તૈયાર ન થઈ ને? હું જાણતો જ હતો કે, એ એનું નામ પણ સાંભળવા તૈયાર નહીં થાય."
"હા, વિરાજ, તું સાચું જ કહેતો હતો. એણે મારી વાત બિલકુલ ના સાંભળી."પ્રિયા એ જવાબ આપ્યો.
પ્રિયા અને વિરાજ ના પ્રેમ લગ્ન હતા. એમની લવસ્ટોરી પણ પ્રગતિ અને ઓમ ની જોડેજોડે જ ચાલતી હતી. અને કોલેજ પત્યા પછી એ બંને એ લગ્ન કરી લીધા હતા. કોલેજમાં બધા સાથે ભણતાં હતા.પ્રગતિ અને ઓમ ની તો વાત ન બની પણ પ્રિયા અને વિરાજ બંને ફાવી ગયા. બંને એ ઘરનાં વડીલો ની સહમતિ થી લગ્ન કરી લીધા હતા. અને આજે બંને એકબીજા જોડે ખુશ હતાં.
પ્રિયા ને થયું કે, એક વખત હું પ્રગતિ ને મળું અને એને સત્ય જણાવવાની કોશિશ કરું. વિરાજ એ એને રોકી પણ પ્રિયા ન માની. અને એ પ્રગતિ ને મળવા ગઈ. પણ પ્રગતિ તો ઓમ ની વાત જ સાંભળવા તૈયાર નહોતી.
આખરે શું હતું ઓમ નું સત્ય? પ્રિયા પ્રગતિ ને શું જણાવવા ઇચ્છતી હતી? શા માટે એ પ્રગતિ ને મળવા ગઈ? શું જાણતા હતા પ્રિયા અને વિરાજ ઓમ વિશે?